૧૪ ઓગસ્ટ, બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હજુ પણ જેહાદીઓ દ્વારા ત્યાંના લઘુમતિ ખાસ કરીને હિન્દુઓ પર હુમલા અને અત્યાચાર ચાલુ જ છે. પરિણામે ત્યાં હિન્દુઓના ભવિષ્ય સામે ગંભીર સંકટ ઊભું થયું છે. એક સમયે હિન્દુઓ માટે સોના જેવી બંગભૂમિ કેવી રીતે અને કોના પાપે સાક્ષાત્ નર્ક સમાન બની ગઈ છે અને સરકાર અને ભારતના હિન્દુઓ માટે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિમાં શો બોધપાઠ છુપાયેલો છે. તે અંગે વિશેષ છણાવટ આ વખતની મુખપૃષ્ઠ વાર્તામાં
બાંગ્લાદેશમાં ૧૯૪૭માં ૨૦ ટકાથી વધારે હિન્દુ જનસંખ્યા હતી. આજે પણ અહીંના તમામ, ૬૫ જિલ્લાઓમાં વત્તાં ઓછા પ્રમાણમાં હિન્દુ આબાદી નિવાસ કરે છે. વર્તમાન બાંગ્લાદેશ હકીકતમાં તો અનેક ભારતીય રજવાડાંની ભૂમિ-જમીન મેળવી બનેલું છે. જેમાં અસમના અહોમ, મેઘાલયના જયંતિયા અને ત્રિપુરાના ત્રિપુરી હિન્દુ રજવાડાંનો પણ કેટલોક ભાગ છે. આ બાબતને વધારે ઝીણવટતાથી સમજવી હોય તો અસમના કછારથી લઈ ત્રિપુરાની સરહદ સુધીના બાંગ્લાદેશી વિસ્તારોની જનસંખ્યા જુઓ. અહીં સારા એવા પ્રમાણમાં હિન્દુઓ રહે છે. અહીંનો ચટગાંવ વિસ્તાર તો હંમેશાથી હિન્દુ બાહુલ્ય રહ્યો છે. જ્યારે સિલકટનો સમગ્ર વિસ્તાર ક્યારેક મેઘાલયની જયંતિયા હિન્દુ રાજા તો ક્યારેક અસમના અહોમ હિન્દુ શાસકોના રાજયનો ભાગ રહ્યો છે. આ સિવાય બ્રિટિશ શાસનકાળમાં આ વિસ્તારના ભૂમિ પ્રબંધનનું કામ હિન્દુ જમીનદારોના હાથમાં જ રહ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મનાં અનેક મહત્ત્વનાં તીર્થસ્થાનો
મુસ્લિમોના આક્રમણ પહેલાં મૂળભૂત રીતે તો આખો ય પ્રદેશ હિન્દુ પ્રદેશ હતો. બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મની હંમેશાથી બોલબાલા રહી છે. માટે જ હિન્દુ ધર્મ સંબંધિત અનેક મહત્ત્વના તીર્થસ્થાનો આજે પણ અહીં છે. પાટનગર `ઢાકા'એ દેવી ઢાકેશ્વરીને સમર્પિત એક પ્રાચીન નગર છે. જ્યારે સિલહટનું જયંતીપુર મેઘાલયના જયંતિયા રાજ્યના શિયાળુ પાટનગર સાથે દેવી જયન્તેશ્વરીને સમર્પિત નગર છે. તો ચટગાંવનું નામ પણ અહીંની ચંદ્રનાથ પહાડી પર અવસ્થિત શક્તિ અને શિવનાં પ્રસિદ્ધ દેવાલયના નામ પર પડેલું છે. બંગભૂમિ સાંસ્કૃતિક-આધ્યાત્મિક દૃષ્ટિએ પણ હિન્દુ-હિન્દુત્વથી ખૂબ જ નજીક રહ્યું છે. બાંગ્લાદેશ સાંસ્કૃતિક-આધ્યાત્મિક દૃષ્ટિએ પણ હિન્દુત્વથી એટલું જ પ્રભાવિત રહ્યું છે. આ ભૂમિ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અનેક યુગાન્તરકારી આંદોલન અને શ્રેષ્ઠ હિન્દુ મનીષીઓના અવતરણનું સાક્ષી છે. અહીંથી જ અસ્પૃશ્ય હિન્દુઓમાં નામશૂદ્ર આંદોલન શરૂ થયું. આ ભૂમિ મતુઆ જાતિ અને આ આધ્યાત્મિક વિચારનાં પ્રણેતા ઠાકુર હરિચંદ્રની જન્મભૂમિ છે. આજ બંગભૂમિના ખુલમા જિલ્લાના યુગદૃષ્ટા સ્વામી પ્રણવાનંદ હતા. જે સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર સેનાનીઓ માટે પ્રેરણાસ્રોત હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે પણ મહત્ત્વની ભૂમિ
વાત નોઆખલીનાં સાંપ્રદાયિક રમખાણો રોકવાની હોય કે પછી ભારતીય જનસંઘની સ્થાપના પાછળના વિચારોની, સ્વામી પ્રણવાનંદજીના વિચાર વગર એ પૂર્ણ ન થઈ શકે. જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ તેમના દિક્ષીત શિષ્ય હતા. તો રા.સ્વ.સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારજી પર પણ તેમનો વૈચારિક પ્રભાવ હતો, ત્યારે જ તો તેઓએ કરેલી; ભારત સેવાશ્રમ સંઘની સ્થાપનાના દાયકામાં જ રાષ્ટીય સ્વયંસેવક સંઘે પણ મૂર્ત રૂપ લીધું હતું. બાંગ્લાદેશના ખુલમા જિલ્લા સ્થિત પ્રણવાનંદજીનું જનમસ્થાન આજે પણ વિશ્વભરના સનાતનીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. બાંગ્લાદેશ મહાયોગી લોકનાથ બ્રહ્મચારીની લીલાભૂમિ તો પ્રસિદ્ધ સંત ઠાકુર અનુકૂલચંદ્રની જન્મસ્થળી પણ છે. આમ છતાં આ ભૂમિ હંમેશાથી હિન્દુ ઉત્પીડન માટે પણ એટલી જ બદનામ રહી છે.
બાંગ્લાદેશી હિન્દુઓની દર્દભરી દાસ્તાન
બાંગ્લાદેશના હિન્દુઓની દાસ્તાન ખૂબ જ દર્દભરી અને સંઘર્ષપૂર્ણ રહી છે. જે ભૂમિ માટે અહીંના હિન્દુઓએ લોહી સિંચ્યું, તે જ ભૂમિ પર હંમેશા તેમના પર અમાનુષી અત્યાચારો જ થયા છે. વિશેષ કરીને ૧૯૪૭ના ભારત વિભાજન અને ૧૯૭૧નાં બાંગ્લાદેશ સ્વતંત્રતા સંગ્રામ બાદ અહીંના શાંતિપ્રિય હિન્દુઓનું જીવન નર્કસમાન બની ગયું છે. પાકિસ્તાનનું વિભાજન અને સ્વતંત્રતા સંગ્રામ ન માત્ર રાજનૈતિક મુદ્દો હતો, બલ્કે તે ધર્મ-પંથ-સંસ્કૃતિ અને ઓળખની સંઘર્ષનો પણ પ્રશ્ન હતો. આ ઘટનાઓએ બાંગ્લાદેશના હિન્દુ સમુદાયને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કર્યો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અહેવાલ મુજબ ૧૯૬૪થી ૨૦૧૩ દરમિયાન ધાર્મિક ઉત્પીડન અને અસહિષ્ણુતાને કારણે ૧૧૩ કરોડ હિન્દુઓએ બાંગ્લાદેશથી પલાયન કરવું પડયું છે. અને દર વર્ષે ૨,૩૦,૦૦૦થી વધારે હિન્દુઓ બાંગ્લાદેશ છોડી ભારત સહિત અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે.
૧૯૪૭ ભારતવિભાજન
૧૯૪૭નું ભારત વિભાજન; પશ્ચિમી પાકિસ્તાન (હાલના પાકિસ્તાન) અને પૂર્વી પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)માં હિન્દુઓ માટે સૌથી મોટી ત્રાસદી બની. જેના પરિણામ સ્વરૂપ લાખો હિન્દુઓને પોતાનું ઘરબાર, સંપત્તિ, મંદિરો છોડવા મજબૂર થવું પડ્યું. પાકિસ્તાનની જેમ પૂર્વી પાકિસ્તાનમાં પણ હિન્દુઓને જેહાદી-કટ્ટરવાદીઓના અમાનુષી અત્યાચારોનો સામનો કરવો પડ્યો. મુસ્લિમો ઇચ્છતા હતા કે, પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમો જ રહે માટે ત્યાં રહેતા તમામ બિનમુસ્લિમો પર એવા હરેક અત્યાચારો ગુજારાયા કે તેઓ પલાયન કરવા મજબૂર બને અને આ અત્યાચારોમાં પૂર્વી પાકિસ્તાન પણ એટલું જ સક્રિય રહી ઇસ્લામિક ભાઈચારો (?) નિભાવી રહ્યું હતું! એક રીતે પાકિસ્તાન અને પૂર્વી પાકિસ્તાનમાં હિન્દુઓના નરસંહાર કરવાની એક રીતે હરિફાઈ ચાલી રહી હતી, જો કે બંને પાકિસ્તાનના ઇસ્લામિક ભાઈચારાનો ભ્રમ પણ ૧૯૪૭ બાદ થોડાક જ વર્ષોમાં ભાગીને ભુક્કો થઈ ગયો કારણ કે, એક તરફ પાકિસ્તાનમાં ઉર્દૂનો દબદબો હતો જ્યારે બીજી બાજુ પૂર્વી પાકિસ્તાનમાં બંગાળી ભાષીઓનો. પાકિસ્તાન સરકારથી માંડી પ્રશાસન દરેક ક્ષેત્રમાં બંગાળી મુસ્લિમોને અન્યાય કરતાં રહ્યાં. પરિણામે ૭૦નો દાયકો આવતાં આવતાં ઇસ્લામિક ભાઈચારો પશ્ચિમ-પૂર્વી પાકિસ્તાનીઓ વચ્ચેની કટ્ટર દુશ્મનીમાં પલટાઈ ગયો. બંને એકબીજાને પોતાના સૌથી મોટા દુશ્મન માનવા લાગ્યા. ૧૯૭૧માં પાકિસ્તાનના અત્યાચારો વિરુદ્ધ બાંગ્લાદેશી નાગરિકેોએ હથિયાર ઉઠાવ્યાં. આ શસ્ત્રસંગ્રામને બંગાળી રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવામાં આવ્યો. ૧૯૭૦માં સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમી પાકિસ્તાનના શેખ મુજીબુર રહેમાનના પક્ષ અવામી લીગને બહુમતી મળી, ત્યારે પશ્ચિમી પાકિસ્તાની સેનાએ તેમને સત્તા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ ઘટનાએ બાંગ્લાદેશ મુક્તિસંગ્રામનો પાયો નાખ્યો. મુસ્લિમો દ્વારા જ મુસ્લિમો સામે સત્તા માટે જેહાદનું આંદોલન થયું. સામે જેહાદને જેહાદ થકી કચડી નાંખવાનું એલાન થયું.
હિન્દુઓના બદનસીબે આ જેહાદમાં ત્યાંના હિન્દુઓને જ સૌથી વધુ કચડાવાનું હતું. આ યુધ્ધમાં હિન્દુ સમુદાય જ વિશેષ રૂપે નિશાના પર હતો. પાકિસ્તાની સેના અને તેના સમર્થકોએ હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર, હત્યા અને લૂંટફાટની તમામ હદો વટાવી દીધી. પરિણામે પુનઃ એક વખત હજજારો હિન્દુ પરિવારોએ પોતાની જન્મભૂમિમાંથી બેદખલ થવું પડ્યું. લાખો હિન્દુ ભારતમાં શરણાર્થી બન્યા. આમ આટલા અત્યાચારો સહ્યા છતાં પણ હિન્દુ સમુદાયે બાંગ્લાદેશી મુસ્લિમો સાથે એકતા બતાવવા માટે બાંગ્લાદેશી સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તે સમયે પૂર્વી પાકિસ્તાનમાં ૧૯-૨૦ ટકા આબાદી હિન્દુઓની હતી. જે તન-મન-ધનથી બાંગ્લાદેશી મુક્તિસંગ્રામનું સમર્થન કરી રહ્યા હતા. હિન્દુઓએ આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં આંદોલનને સશક્ત બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું. મુક્તિવાહિનીમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓ જોડાયા અને બલિદાની પણ બન્યા. પાકિસ્તાની સૈન્યના પારાવાર અત્યાચારોને કારણે જ્યારે બાંગ્લાદેશી સ્વતંત્રતા ચળવળ નબળી પડી ત્યારે ભારતીય સૈન્યએ મદદ કરી. ૧૯૭૧માં બાંગ્લાદેશને સ્વતંત્ર બનાવ્યું. આમ વિશ્વના નકશા પર બંગાળી મુસ્લિમોનો સ્વતંત્ર દેશ બાંગ્લાદેશ આકાર લઈ શકયો, તેમાં હિન્દુઓનું મહત્ત્વું યોગદાન રહ્યું હતું.
આમ છતાં પણ ત્યાંની કટ્ટરપંથી જમાતે હિન્દુઓના ઉપકારનો બદલો કેવો આપ્યો? મજહબના નામે હિન્દુ સમુદાયની જમીન-જાયદાદ, ઘર, સંપત્તિ લૂંટી લીધી. હિન્દુઓનાં મંદિરો પૂજાસ્થળો અને સાંસ્કૃતિક ધરોહરોને નષ્ટ કરવાની દાનવતા ભારત વિભાજનથી લઈ બાંગ્લાદેશ મુક્તિસંગ્રામ વખતે અને હાલ પણ ચાલુ જ છે. ત્યાં હિન્દુ ધાર્મિક નેતાઓને કાર્યકર્તાઓને ઊભા જ થવા દેવાતા નથી. થયા છે તેને ષડયંત્રપૂર્વક દાબી દેવામાં આવ્યા છે. તાજેતરમાં હિન્દુઓનો અવાજ બનેલા ઇસ્કોનના ચિન્મયાનંદની ધરપકડ અને ઇસ્કોન સંસ્થા પર પ્રતિબંધની માગણી આનાં ઉદાહરણ છે. એટલે કે હિન્દુઓને સામાજિક, રાજનૈતિક રીતે પંગુ બનાવી રાખી તેમનું નામોનિશાન મીટાવી દેવાનું ષડયંત્ર ૧૯૪૭ પહેલાંનું ચાલી રહ્યું છે. પરિણામ એ આવ્યું છે કે, એક સમયે ૨૦ ટકાથી વધુ હિન્દુ જનસંખ્યા ઘટીને હાલ ૮% પર આવી ગઈ છે.
રાજનૈતિક રીતે પણ હિન્દુઓનો સફાયો કરવાનું ષડયંત્ર
બાંગ્લાદેશમાં હિન્દુઓના સફાયા માટે ઇસ્લામિક કટ્ટરપંથ અને સામાજિક ભેદભાવ મોટું કારણ તો છે જ. પરંતુ રાજનૈતિક રીતે પણ હિન્દુઓનો સફાયો કરવાનું છુપું ષડયંત્ર ચાલ્યું છે. તે વાતને પણ નકારી શકાય નહીં.
અવામી લીગથી માંડી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી) તમામ સરકારો દરમ્યાન હિન્દુઓ પરના અત્યાચારો એ જ ગતિએ ચાલુ રહ્યા છે. આઘાતજનક રીતે ૧૯૭૧માં હિન્દુઓ અને ભારતીય સેનાની મદદથી જે બાંગ્લાદેશ સ્વતંત્ર થયું અને હાલના અપદસ્થ નેતા શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાનને પાકિસ્તાનથી બચાવી બાંગ્લાદેશની ગાદીએ બેસાડ્યા. અંતે આ નમકહરામ લોકોએ જ હિન્દુઓ સાથે શું કર્યું? મુક્તિવાહીનીમાં ભાગ લેનાર હિન્દુઓનાં લોહી હજુ સુધી તો બાંગ્લાદેશના રસ્તાઓ પર સુકાયા પણ નહોતા ત્યાં તો ૧૯૭૪માં વેસ્ટેડ પ્રોપર્ટી એક્ટ બનાવી હિન્દુઓની જમીનો અને સંપત્તિઓ ઝૂંટવી લીધી. (અને આપણે ત્યાં વકફ જેવાં કાયદાઓ પણ મુસ્લિમોને કોઈપણ હિન્દુ સંપત્તિ પર દાવો કરી કબજામાં લઈ લેવા છૂટો દોર આપવામાં આવ્યો છે.) જેને પરિણામે ભારતીય સેના બાદ વકફ બોર્ડ પાસે દેશની સૌતી વધુ જમીન-સંપત્તિ છે. અને જે રીતે તે આડેધડ જમીનો સંપત્તિઓ પર દાવો માંડી રહ્યું છે. તે જોતાં એવું કહેવું વધારે પડતું નથી કે આગામી થોડાક જ સમયમાં કદાચ દેશમાં સૌથી વધુ જમીન સંપત્તિ વકફબોર્ડ પાસે હોય.
સરકાર કોઈ પણ હોય, હિન્દુઓનું કોઈ જ રણી ધણી નથી
આગળ જણાવાયું છે તેમ બાંગ્લાદેશમાં ભલે સરકાર કોઈપણ પક્ષની હોય, પરંતુ હિન્દુઓની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. ઉલટાનું છેલ્લા દાયકામાં કટ્ટરપંથ ને વધી રહેલી કટ્ટરતાને કારણે અગાઉ અમુક વિસ્તારો પૂરતાં જ સીમિત અત્યાચારો બાંગ્લાદેશની ગલી-ગલીની ઘટનાઓ બની ગઈ છે. પાછલા એક દાયકામાં જમાત-એ-ઇસ્લામી, હિફાઝતે ઇસ્લામ જેવાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોનો પ્રભાવ એટલી હદે વધી ગયો છે કે, ગમે તે સરકાર હોય પણ ચાલે છે તો આ કટ્ટરવાદીઓની જ. અને જો કોઈ સરકાર દબાણવશ તેમની વિરુદ્ધ પગલાં ભરવાનું દુઃસાહસ દાખવે તો તેના હાલ પણ શેખ હસીના જેવા જ થાય છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પક્ષ (બીએનપી)નું જમાત-એ-ઇસ્લામી અને હિફાઝતે ઇસ્લામને ખુલ્લું રાજનૈતિક સંરક્ષણ પ્રાપ્ત થાય છે. અને આ સંગઠનોનો ચૂંટણી દરમિયાન BNP દ્વારા મોટા પ્રમાણમાં દુરુપયોગ થાય છે. ૨૦૧૪માં પણ ૫ જાન્યુઆરીના રોજ સંસદીય ચૂંટણીઓ પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા ફાટી નીકળી હતી. અને ૨૧ જિલ્લાઓમાં હિન્દુઓની સંપત્તિઓને વીણીવીણીને નિશાન બનાવવામાં આવી હતી. ૧૬૦થી વધુ ઘટનાઓમાં હિન્દુઓના ઘરો, મંદિરો, દુકાનો સહિતની સંપત્તિઓને નિશાન બનાવવામાં આવી હતી. હિન્દુઓનાં ૭૬૧ ઘરો, ૧૯૬ વ્યવસાયિક સ્થળો, ૨૪૭ મંદિરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. જોકે તે વખતે શેખ હસીનાની અવામી લીગ સરકાર આવતાં લાગ્યું કે, હવે કદાચ હિન્દુઓ પર હુમલા નિયંત્રણમાં આવશે. પરંતુ એ આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે તેમના શાસનમાં માત્ર બે જ વર્ષમાં ૨૦૧૬માં હિન્દુ વિરોધી હિંસા ફાટી નીકળી, જેમાં ૭થી વધારે હિન્દુઓને રહેંસી નાંખવામાં આવ્યા અને હિન્દુઓના વિસ્તારોના વિસ્તારો બાળી નાંખવામાં આવ્યા ત્યારબાદ પણ સ્થાનિક ચૂંટણી હોય કે, અન્ય બાંગ્લાદેશી હિન્દુઓ પર હુમલા સામાન્ય બની ગયા હતા.
શું બાંગ્લાદેશમાં વધુ એક મુક્તિ અભિયાનનો સમય આવી ગયો છે
બાંગ્લાદેશમાં ૫ ઓગસ્ટ શેખ હસીના સરકારના તખ્તાપલટ બાદ હિન્દુઓ પુનઃ એક વખત ૧૯૪૭ ને ૧૯૭૧વાળા સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. હાલ બાંગ્લાદેશની કુલ જનસંખ્યામાં હિન્દુઓની જનસંખ્યા ૧.૩ કરોડથી પણ વધુ છે. નેપાળ બાદ ભારત બહાર જો કોઈ દેશમાં આટલા મોટા પ્રમાણમાં હિન્દુ જનસંખ્યા હોય તો તે બાંગ્લાદેશમાં છે. મહંમદ યુનુસની સરકાર આવ્યા બાદ એવું લાગતું હતું કે, કદાચ તેઓ હિન્દુવિરોધી હિંસા અંગે યોગ્ય પગલાં ભરશે. પરંતુ ઉલ્ટાનું તેઓના રાજમાં કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે અને હિન્દુઓ પર કહેર વર્તાવી રહ્યા છે. એટલું જ નહિ યુનુસ સરકારે ધરાર પાકિસ્તાની તરફી અને ભારતવિરોધી વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશમાં ગત એક મહિના દરમિયાન હિન્દુ પરના અત્યાચારનો નવો દોર શરૂ થયો છે. હિન્દુ મહોલ્લા-મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. હિન્દુ સરકારી કર્મચારીઓ પાસે બળજબરીથી રાજીનામાં લખાવાઈ લેવડાવાઈ રહ્યાં છે. હિન્દુઓનો અવાજ બનનારા હિન્દુ સંતો પર દેશદ્રોહના આરોપો લગાવી તેમની ધરપકડ થઈ રહી છે. એટલું જ નહિ હિન્દુઓ પરના હુમલાઓના અહેવાલ બતાવનાર પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને મીડિયા સંસ્થાનો પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. યુનુસ સરકારનું રિમોટ સંપૂર્ણપણે જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનોના હાથમાં છે અને બાંગ્લાદેશમાં ભારતવિરોધી વલણનો પણ નવો યુગ શરૂ થયો છે. જેમ બીએનપી સરકાર દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા બાંગ્લાદેશ મુક્તિસંગ્રામમાં ભારતીય યોગદાનના તમામ સંદર્ભો મીટાવી દેવાના પ્રયાસો થયા હતા, તેમ યુનુસ સરકારમાં પણ બાંગ્લા મુક્તિસંગ્રામના પિતામહ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાનો ધ્વંસ, મુક્તિસંગ્રામના મ્યુઝિયમમાં તોડફોડ કરી બાંગ્લાદેશમાં ભારતના હરેક યોગદાનનું નામો-નિશાન મિટાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે રીતે ત્યાં હિન્દુઓ અને ધાર્મિક નેતાઓને નિશાન બનાવાઈ રહ્યાં છે તે જોતાં ભારત સરકારે હવે બાંગ્લાદેશ વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે યુનુસ સરકારે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુવિરોધી હિંસાને તેમની આંતરિક બાબત ગણાવી હાથ ઊંચા કરી દીધા છે. વાસ્તવમાં આમ કરી યુનુસ સરકારે પરોક્ષ રીતે બાંગ્લાદેશનાં કાફિરોનું નામોનિશાન મીટાવી દેવાના હાકલા - પડકારો કરતા જેહાદીઓને ખુલ્લો દોર આપી દીધો છે. ત્યારે ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાને નાતે ત્યાંના ૧.૩ કરોડથી વધારે હિન્દુઓને યુનુસ અને જેહાદીઓના ભરોસે છોડી શકે નહિ.
અત્યાર સુધી ભારતે બાંગ્લાદેશ સામે કૂટનૈતિક નારાજગી જ વ્યક્ત કરી છે, પરંતુ હવે સમય કૂટનૈતિક નારાજગીથી આગળ વધી બાંગ્લાદેશનો કાન આમળવાની જરૂર છે. ભારતને ન માત્ર ભારતમાં જ, સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમુદાયોને સાથે લઈ બાંગ્લાદેશી હિન્દુઓ પરના અત્યાચારો મુદ્દે કાગારોળ મચાવી મૂકવી જોઈએ. તમામ ભારતીય દૂતાવાસોને હિન્દુ વિરોધી અન્યાયપૂર્ણ અને દમનકારી બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ વિશ્વજનમત ઊભો કરવા સક્રિય ભૂમિકા નિભાવવી જોઈએ. આમ પુનઃ એક વખત બાંગ્લાદેશમાં મુક્તિ અભિયાન ચલાવવાનો સમય આવી ગયો છે. અને જો છતાં પણ સ્થિતિ નિયંત્રણમાં ન આવે તો ભારતે અંતિમ ઉપાય તરીકે સૈન્ય વિકલ્પ અંગે પણ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. ભારત શાંત બેસી રહી શકે નહિ, બેસી રહેવું જોઈએ પણ નહિ. જોકે એ અંતિમ વિકલ્પ જ હોવો જોઈએ, કારણ કે બાંગ્લાદેશ સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ બંને દેશો માટે હિતમાં છે. બાંગ્લાદેશ સરકારે પણ આ વાત જેટલી જલદી સમજી જાય તે તેના હિતમાં છે.
એક હૈ તો સૈફ હે, દીર્ઘાયુ રહેવાનો મંત્ર છે
બાંગ્લાદેશમાં થઈ રહેલાં હિન્દુઓના નરસંહારને દુનિયાનાં કહેવાતા મોટા-મોટા દેશો મૂક નજરે જોઈ રહ્યા છે. હિન્દુઓની કત્લેઆમ થઈ રહી છે અને સંયુક્ત રાષ્ટ્ર પણ ચૂપ છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવાધિકાર આયોગ અને દુનિયાભરમાં કામ કરનારા તમામ માનવાધિકાર સંગઠનો ચૂપ છે, કારણ કે જેમને મારવામાં આવી રહ્યા છે, જેમનાં કાપીને ટુકડા કરવામાં આવી રહ્યા છે, જેમના ઘરો બાળવામાં આવી રહ્યાં છે, જેમની બહેન-દીકરીઓ સાથે અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે, એ બધા જ હિન્દુ છે.
ગાજામાં એક પણ મસ્જિદ પર હુમલો થાય તો આખી દુનિયામાં મીડિયાથી લઈને સોશીયલ મીડિયા સુધી હાહાકાર મચી જાય છે. ઘટના ગાજામાં બની હોય ને બાંગ્લાદેશમાં તેના પ્રતિભાવમાં મુસ્લિમો તોફાનો શરૂ કરી દે છે. મંદિરો તોડે છે, દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરવા માંડે છે. કહેવાતા માનવાધિકારવાદીઓ આ બધું જોઈને ખુશ થાય છે. કોઈ પણ વ્યક્તિ એક પણ શબ્દ બોલતો નથી. ખરેખર એવું બન્યું છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાને પદ પરથી હટાવ્યા બાદ કટ્ટરપંથીઓએ શાસન માટે જે મોહમંદ યુનુસને પસંદ કર્યા છે એજ સૌથી મોટા કટ્ટરવાદી અને હિન્દુવિરોધી છે. મોહંમદ યુનુસની આંખોમાં હિન્દુઓ માટે ઝેર છે ને એ એમ કહીને છટકી રહ્યા છે કે, આ અમારો આંતરિક મામલો છે. પણ દુનિયામાં જ્યારે કયાંક કોઈ મુસ્લિમ પર હુમલો થાય ત્યારે તેઓ ગાઈ વગાડીને વિરોધ કરે છે. દુનિયામાં કોઈ પણ હિસ્સામાં જ્યારે કોઈ પણ હુમલામાં મુસ્લિમોનાં મોત થાય છે તો આખી દુનિયામાં વિરોધ પ્રદર્શનો થાય છે અને સંયુક્ત રાષ્ટ્ર પણ તાત્કાલિક ધોરણે બેઠકો બોલાવે છે. બેઠકોમાં નિંદા પ્રસ્તાવ મુકે છે. શાંતિ માટે અપીલ કરે છે અને અંદરખાને જે તે દેશને દબાવેય ખરા. પરંતુ બાંગ્લાદેશમાં ઢાકા ને બીજા અનેક વિસ્તારોમાં નિર્દોષ હિન્દુઓનું રક્ત વહી રહ્યું છે ત્યારે તેને દેશનો આંતરિક મામલો ગણાવે છે. મોહંમદ યુનુસ જે રીતે હિન્દુઓનાં નરસંહાર બાબતે મૌન છે અને હસતાં હસતાં બધું જોઈ રહ્યા છે, એ બાબતે તેમને અપાયેલ શાંતિનો નોબલ પુરસ્કાર પાછો છીનવી લેવો જોઈએ. બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઈને તો એવું લાગી રહ્યું છે કે, મોહંમદ યુનુસને લાવવામાં જ એટલા માટે આવ્યા છે કે, તેઓ કટ્ટરવાદીઓને મનમાની કરવાની આઝાદી આપી શકે. આમ જે રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓનો સફાયો કરી દેવામાં આવ્યો એવી જ રીતે બાંગ્લાદેશમાંથી હિન્દુઓને નામશેષ કરવાનું આ બહુ મોટું ષડયંત્ર છે.
અહીં આપણે ત્યાં પણ ભાજપ સિવાયના પક્ષોના નેતાઓએ મોંઢે ગરણાં બાંધી રાખ્યાં છે. પેલેસ્ટાઈનના મુદ્દે રોદણાં રોનારા વામપંથીઓ અને દોઢ વામપંથી એવા કોંગ્રેસનાં હિન્દુઓ જાણે જન્મજાત દુશ્મન હોય તેવો વ્યવહાર દેખાઈ રહ્યો છે.
હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો બંધ થાય તે માટે રા.સ્વ.સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા અનેક સંગઠનો આગળ આવ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ અનેક સ્થાનો પર આ હિંસા રોકવા અને સ્વામી ચિન્મય કૃષ્ણદાસની મુક્તિ માટે ધરણાં પણ કર્યા છે. ભારત સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. હવે આપણે સૌએ ભારતનાં એક એક હિન્દુઓએ આ મુદ્દે કોઈ કોઈ રીતે અવાજ ઉઠાવી બાંગ્લાદેશમાં રહેતાં આપણા હિન્દુઓની રક્ષા માટે આગળ આવવું જોઈએ. ભારત સરકાર દૃઢતાથી વિશ્વ સમક્ષ આ મુદ્દો ઉઠાવીને જેમ બને એમ જલદી આપણા બંધુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી આશા અને સૌથી અગત્યની વાત કે બાંગ્લાદેશની પરિસ્થિતિ આપણને બતાવી રહીછે કે `બટેંગે તો કટેંગે' અને `એક હૈ તો સૈફ હૈ' એ માત્ર ચુનાવી નારા નથી, દીર્ઘાયું રહેવાનો મંત્ર છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર તત્કાળ બંધ કરવામાં આવે - દત્તાત્રેય હોસબાલે (સરકાર્યવાહ, રા.સ્વ.સંઘ)
રા.સ્વ.સંઘના સરકાર્યવાહે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમજ અન્ય તમામ અલ્પસંખ્યકો પર ઇસ્લામિક કટ્ટરપંથી દ્વારા હુમલા, હત્યા, લૂંટ, આગજની અને મહિલાઓ સાથે થઈ રહેલાં અમાનવીય અત્યાચાર ખૂબ જ ચિંતાજનક છે. તથા રાષ્ટીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે. વર્તમાન બાંગ્લાદેશ સરકાર તથા અન્ય સંગઠનો તેને રોકવાને બદલે માત્ર મૂકદર્શક બની રહ્યાં છે. બાંગ્લાદેશના હિન્દુઓ દ્વારા સ્વરક્ષણ હેતુ લોકતાંત્રિક પધ્ધતિએ ઉઠાવવામાં આવેલા અવાજને દબાવી દેવાના હેતુસર તેમના પર અન્યાય અને અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે. એમજ શાંતિપૂર્ણ પ્રદર્શનોમાં હિન્દુઓનું નેતૃત્વ કરી રહેલાં ઇસ્કોનના સંન્યાસી ચિન્મય કૃષ્ણદાસજીને બાંગ્લાદેશ સરકાર દ્વારા કારાવાસમાં મોકલવા એ અન્યાય પૂર્ણ છે.
રાષ્ટીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને એ આહ્વાન કરે છે કે, તે સુનિશ્ચિત કરે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તત્કાળ બંધ થાય અને શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવે.
રાષ્ટીય સ્વયંસેવક સંઘ ભારત સરકારને પણ આહ્વાન કરે છે કે, તે બાંગ્લાદેશમાં હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતિઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા હરસંભવ પ્રયત્નો કરે તેમજ તેના સમર્થનમાં વૈશ્વિક અભિમત બનાવવા માટે તત્કાળ જરૂરી પગલાં ભરે. આ મહત્ત્વપૂર્ણ સમયમાં ભારત તેમજ વૈશ્વિક સમુદાયે અને સંસ્થાઓએ બાંગ્લાદેશના પીડિતોની સાથે ઊભા રહી પોતાનું સમર્થન પ્રગટ કરવું જોઈએ તથા પોતપોતાની સરકારો પાસેથી આ માટે હરસંભવ પ્રયાસોની માગણી કરવી વિશ્વશાંતિ અને ભાઈચારા માટે જરૂરી છે.
બાંગ્લાદેશી હિન્દુ કટ્ટરવાદીઓના ભરોસે
બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદ અનુસાર બાંગ્લાદેશમાં હસીના સરકાર હટ્યા બાદ ૪ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ દરમિયાન લઘુમતિઓ પર હુમલાની ૨૦૧૦થી વધારે ઘટનાઓ બની હતી, તો ૨૨ ઓગસ્ટથી ૧૨ ઓક્ટોબર સુધી હિન્દુઓ પર ૫૭ જેટલા હુમલાઓની ઘટનાઓ બની હતી. હિંસાની પ્રથમ લહેરમાં લગભગ ૧૭૦૫ પરિવારના ૫૦,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ સિવાય ૭૦થી વધારે મંદિરોમાં તોડફોડ કરી આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ બાંગ્લાદેશની કથિત પ્રગતિશીલ યુનુસ સરકાર દ્વારા કટ્ટરવાદીઓના દબાણમાં બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ, અઝાનના સમયે હિન્દુઓના મંત્રોચ્ચાર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરિણામે હિન્દુઓમાં ભય અને ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. એટલું ઓછું હોય તેમ બાંગ્લાદેશ સરકારે કટ્ટરવાદીઓના દબાણવશ હિન્દુ સંતોને ઇસ્કોન જેવી સંસ્થાઓને આતંકવાદી દેશદ્રોહી ગણાવી તેમને પકડી પકડી જેલમાં પુરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી હિન્દુ ધર્મના મહત્ત્વના ૨૧થી વધુ લોકોની ધરપકડ કરી જેલમાં પુરી દેવામાં આવ્યા છે. અને તેમના બેંક ખાતાઓને પણ ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. આ સરકારી અત્યાચારનો વિરોધ કરવા નીકળેલા બાંગ્લાદેશી હિન્દુઓ પર જમાતે-ઇસ્લામીના જેહાદીઓને શિકારી કૂતરાઓની માફક છોડી દેવામાં આવ્યા છે અને સડકથી લઈ બાંગ્લાદેશના ગામડાઓ સુધી નિર્દોષ હિન્દુઓનું લોહી વહેવડાવવામાં આવી રહ્યું છે.