માત્ર ડાકુઓની જ ગિરોહ નથી હોતી
ભારતની લોકસભાની ચૂંટણી માત્ર ભારત નહોતું લડી રહ્યું. કેટલાક છાપેલાં કાટલાં જેવા સોપારીબાજ દેશો પોતાનાં એનજીઓ અને મીડિયા હાઉસો થકી પણ લડી રહ્યા હતાં. કેટલાંકને INDI ગઠબંધનને જીતાડવાની સોપારી મળી હતી, તો કેટલાંકે ભાજપને હરાવવાની સોપારી આપી હતી.
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી ગઈ, ખાસ કરીને છેલ્લા છ મહિનામાં માનવ અધિકારોનું હનન, ઈસ્લામોફોબિયા, અલોકતાંત્રિક વર્તાવ તથા જાતિ-જનગણના અને જાતિગત ભેદભાવો, આવા મુદ્દે ફેક ટેબલસ્ટોરી ઉભી કરીને, તેના ઉલ્લેખ સાથે ભારતને બદનામ કરતા લેખોનું ઘોડાપૂર ઉમટ્યું. પશ્ચિમી મીડિયાની સાથે સાથે ભારતીય મીડિયાની એક ગિરોહે માનવ અધિકારના નામે ભારતનો, ભારતીય સંસ્થાનોનો અને નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રબળ વિરોધ કરવાનો મોરચો માંડ્યો. ભારતના મતદારોને પ્રભાવિત કરવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા. પોતાના દેશની જેમ ભારતમાં પણ પોતાની મનમાની કરવાની નેમ ધરાવતાં આવાં તત્ત્વો અંતે બેનકાબ - ખુલ્લાં પડી ગયાં છે.
The invisible Hands
બેનકાબ કરનાર છે- ડિસઈન્ફો લેબ અને તેને ચલાવનાર છે- લેફ્ટેનન્ટ કર્નલ દિવ્ય સત્પથી. તેના રીપોર્ટનું મથાળું છે- `The Invisible Hands : Foreign Interference in Indian Election 2024'. જો કે પોતાના પૈસા (ડોલર)ના જોરે દુનિયા આખીને પોતાની મુઠ્ઠીમાં મૂકવાનાં સ્વપ્નોમાં રાચનાર અમેરિકન જ્યોર્જ સોરોસ ડિસઈન્ફો લેબની ઝપટે બેનકાબ થાય તેમાં કોઈને આશ્ચર્ય નથી થયું, કારણ કે તેના દ્વારા સંચાલિત ઓપન સોસાયટી ફાઉન્ડેશન (OSF)ની વેબસાઇટમાં ફાઉન્ડેશનની ઓળખ આપતાં જ કહેવામાં આવ્યું છે કે, આ ફાઉન્ડેશન `ભારતમાં સક્રિય સામાજિક દખલ દેવા માટેનું રોકાણકાર' છે. પૈસાનું અતિશય જોર ધરાવતા લોકો આવી નફ્ફટાઇ વટભેર નોંધાવી શકે તે કોઈ નવી-સવી વાત નથી. કેટલીક સંસ્થાઓએ અને તાકાતવર લોકોએ ભારતની લોકસભાની ચૂંટણીમાં પોતાની ઈચ્છા પ્રમાણેનાં પરિણામો પ્રાપ્ત કરવા માટે કરોડો રૂપિયા ફૂંકી માર્યાં. ઉદાહરણ તરીકે સેન્ટર ફોર પોલીસી રિસર્ચ નામની નવી દિલ્હી સ્થિત સંસ્થાનું ફોરેન ફંડિંગ લાયસન્સ ભારત સરકારે રદ્દ કરેલું, તેને કેનેડિયન એક્ટિવિસ્ટ રીકિન પટેલની સંસ્થા નમાતી ફાઉન્ડેશન મારફતે જ્યોર્જ સોરોસે ફંડ મોકલાવેલું.
આ રીકિન પટેલને `ફ્રેન્ડસ ઓફ ડેમોક્રેસી' ગ્રુપના ચેરમેનનું પદ એટલા માટે આપવામાં આવેલું કે તેઓ વધુ સારી રીતે ભારતના શાસક પક્ષ વિરુદ્ધ લડાઈ લડી શકે. આ `ફ્રેન્ડસ ઓફ ડેમોક્રેસી' ગ્રુપે `કન્વરસેશન ઓન ઇન્ડિયન ડેમોક્રેસી' નામની ટૉક સીરીઝ આયોજિત કરેલી, મોદી સરકારની આલોચના કરતો `મોદી મિરાજ' નામનો રીપોર્ટ સ્પોન્સર કરેલો. `ફ્રેન્ડસ ઓફ ડેમોક્રેસી' ગ્રુપે `હિન્દુ ફોર હ્યુમન રાઇટ્સ' અને `ફાઉન્ડેશન લંડન સ્ટોરી' જેવી સંસ્થાઓ સાથે જોડાણ કરેલું અને તેના વડપણ હેઠળ ભારત સરકારની વિરુદ્ધ તમામ વિરોધ-દેખાવો યોજ્યા અને સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ પણ ચલાવ્યા. જો આપણે જ્યોર્જ સોરોસની ૨૦૨૩ની `ડેમોક્રેટિક રિવાઇવલ ઇન ઇન્ડિયા' નામની સ્પીચ સાંભળીશું તો આ બધી જ બાબતોને સંકળાયેલી જોઈ શકીશું.
ભારતના સામાજિક માળખાને તહસ નહસ કરવા આવાં તત્ત્વો ભારતમાં સ્થાનિક NGOને ઢગલો નાણાં આપીને માધ્યમ બનાવે છે. વચ્ચે સમાચાર હતા કે, ૧) દિલ્હી ડાયોસીઝ ઓવરસીઝ ગ્રાન્ટ ફંડ, ૨) ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, ૩) સેમ્યુઅલ ફાઉન્ડેશન ચેરીટેબલ ઇન્ડિયા ટ્રસ્ટ, ૪) ડાયોસેશન સોસાયટી ચર્ચ ઓફ નોર્થ, ૫) જીસસ એન્ડ મેરી દિલ્હી એજ્યુકેશનલ સોસાયટી અને ૬) હીમોઇફિલિયા ફેડરેશન ઓફ ઇન્ડિયા જેવાં મતાંતરણની બિનઅધિકૃત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં એનજીઓનાં FCRA લાયસન્સ ભારતના ગૃહ મંત્રાલયે રદ કરી દીધેલાં.
મોદી સરકારથી કાયાં થયેલ તત્ત્વો
૨૦૧૬થી મોદી સરકારે આવા ધનના ઢગલાઓ-ખેરાતો પર નિયંત્રણો લાદી દીધાં હોઈ આવાં તત્ત્વોની જાળ નાકામ બની ગઈ. આ જાળ એટલે ભારતના સામાજિક માળખાને ખોખલું કરવા સ્થાનિક NGOને ઢગલો નાણાં આપવાં, તેને માધ્યમ બનાવી પોતાનો વિમર્શ અને એજન્ડા સેટ કરવો, આખી ઈકોસીસ્ટમ ઉભી કરવી. ઉદા. બસ્તર ફિલ્મમાં બતાવેલો અર્બન નક્સલોનો રોલ. ૨૦૧૬થી આવાં તત્વોનો `Breaking India' માટેનો કારસો નિષ્ફળ થયો. દિનરાત મનમાનીના નશામાં રહેતાં (મોદી સરકારથી કાયાં થયેલ) આવાં તત્ત્વોએ એડી ચોટીની તાકાત લગાવીને લોકસભાની ચૂંટણીમાં ખેલ પાડવાની એક પણ તક જતી કરી નહીં.
RAWની ડિસઈન્ફો લેબના ૮૫ પાનાંના રીપોર્ટમાં લોકસભાની ચૂંટણીમાં વિદેશી તાકાત તરીકે `હસ્તક્ષેપ' કરનાર બીબીસી, ધ વોશિંગ્ટન પોસ્ટ અને ધ ન્યૂયોર્ક ટાઈમ્સને ખુલ્લાં પાડવામાં આવ્યાં છે.
મીડિયા ગિરોહનું એપી સેન્ટર
ગંભીર બાબત એ છે કે, આવાં બધાં જ તત્ત્વોના ૧) ભારતવિરોધ, ૨) ચૂંટણી-પંચવિરોધ અને ૩) મોદીવિરોધ, એવા ત્રણેયના વિરોધના સૂર એક જ તર્જ પર જોવા મળ્યા. એટલે કે આ મિલીભગત (કોન્સ્પિરસી)માં સંલિપ્ત તમામ વિદેશી મીડિયા કવરેજના અને અહેવાલોના વિશ્લેષણની એક સુનિશ્ચિત પેટર્ન જોવા મળી. આ મિલીભગત (કોન્સ્પિરસી)ના એપી સેન્ટરની પણ ડિસઈન્ફો લેબના રીપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આ એપી સેન્ટર એટલે- ફ્રેન્ચ રાજકીય વૈજ્ઞાનિક અને સંશોધક ક્રિસ્ટોફ જાફ્રોલ. ફ્રાન્સનું માતબર મીડિયા ગણાતું લી મોન્ડે સહિતનાં ખ્યાતનામ મીડિયામાં સતત લખાતા સંપાદકીય લેખોનો આધાર ક્રિસ્ટોફ જાફ્રોલે આપેલ ઇન્ટરવ્યૂ અને નિવેદનો રહ્યાં.
પૈસો બોલે છે
આ કોઈ નિસ્વાર્થી તત્વો તો છે નહીં! એમને કોઈક જગ્યાએથી તો કંઈક ને કંઈક રોકડું મળતું હોવું જ જોઈએ. આખી ય ઇકોસિસ્ટમ એમ ને એમ તો આટલી મહેનતે ન લાગી જાય! કોઈક ને કોઈક આર્થિક સ્ત્રોત આની પાછળ હોવાનો જ, જેના આધારે આ તત્ત્વો તાગડધિન્ના કરે! અમેરિકાસ્થિત જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન (OSF)ની વાત તો અગાઉ કરી, આવું બીજું ફાઉન્ડેશન છે- હેનરી લ્યુસ ફાઉન્ડેશન (HLF). ટાઇમ મેગેઝીનના ફાઉન્ડર પૈકી એક હેનરી લુસે આ ફાઉન્ડેશન બનાવેલું. આ સંસ્થાએ ક્રિસ્ટોફ જાફ્રોલ અને એન્ટી ઈન્ડિયા નેરેટિવ્ઝને આગળ ધપાવવાવાળા `એકેડમિક્સ'ને ફંડ આપેલું. તદ્ઉપરાંત ભારતીય રાજનીતિ અને ભારતીય સોસાયટીને કેન્દ્રિત કરવામાં આવેલા કેટલા ય પ્રોજેક્ટ્સને પણ અધધધ ફંડ આપેલું.
ઉદાહરણ તરીકે `Muslims in a time of Hindu majoriterianism' પ્રોજેક્ટ માટે હેનરી લ્યુસ ફાઉન્ડેશન તરફથી ક્રિસ્ટોફ જાફ્રોલને ૩, ૮૫, ૦૦૦ ડોલરનું ફંડ પ્રાપ્ત થયું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ફંડનું ચૂકવણું ૨૦૨૧થી ૨૦૨૪ વચ્ચે કરવામાં આવેલ હતું, એનો મતલબ આ બધી તૈયારીઓ ૨૦૨૧થી શરૂ કરવામાં આવેલી. `The Hindu right and India's religious diplomacy' જેવા કેટલાય પ્રોજેક્ટ્સને ફંડીંગ કરેલું. ખૂબ જ સંવેદનશીલ પ્રોજેક્ટ્સ `Human Rights Watch' (ભારતમાં ધાર્મિક હિંસા ઉપર કેન્દ્રિત) એકલાને જ ૩ લાખ ડોલર આ હેનરી લ્યુસ ફાઉન્ડેશને ફંડ આપેલું.
આ બધી જ સાંઠગાંઠનો પર્દાફાશ ડીસઇન્ફો લેબે કર્યો. જેમ ચોર કોટવાલને દંડે એ એ રીતે એક વેબ પોર્ટલે ડીસઇન્ફો લેબ ભરોસાપાત્ર જ નથી તેવી વાતો ચગાવી. આ વેબ પોર્ટલનાં ગૌરવગાન `વોશિંગ્ટન પોસ્ટ' જેવાં મીડિયા હાઉસે ગાયાં. `લાજવાને બદલે ગાજવું', તેનું આ સટિક ઉદાહરણ છે. રંગે હાથે પકડાયા પછી પણ શાણા બનવાનું નાટક કોઈ ઉસ્તાદ ચોર જ ભજવી શકે.
પગેરૂં છેક અશોકા યુનિવર્સિટી સુધી
આ રિપોર્ટમાં અશોકા યુનિવર્સિટીના `ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા (ટીસીપીડી)'ની ભૂમિકાનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેને મિશીગન યુનિવર્સિટી તરફથી ૧૫ કરોડ રૂપિયાનું માતબર ફંડ મળ્યું છે. આ સેન્ટરના કો-ફાઉન્ડર્સોમાંનું એક છે નામ છે- બેલ્જિયમસ્થિત ગિલીસ વર્નિયર્સ, જેના મેન્ટર તરીકે પણ આ ક્રિસ્ટોફ જાફ્રોલનું નામ જ મળી આવ્યું છે.
પશ્ચિમનાં આ મિડિયા હાઉસ, માલેતુજાર લોકો, NGO વગેરે પોતાના સ્વાર્થ માટે તો ખરાં જ સાથે સાથે પોત-પોતાના દેશો વતી લડતાં હતાં. કારણ કે એ દેશોની તાકાત ભારત સામે ખુલ્લેઆમ લડવાની નહોતી. આવું કહું છું ત્યારે ચૂંટણી વખતે અમેરિકાએ ભજવેલી ભૂમિકા તેને પ્રમાણિત કરે છે. એ યાદ હશે જ કે, ભારતમાં ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે જ અમેરિકી પ્રેસિડેન્ટ બાઈડને ઇમિગ્રન્ટ્સના મુદ્દે કહેલું કે, ઝેનોફોબિયા (Xenophobia)ને કારણે ભારત વગેરે દેશોનો વિકાસ અટકી ગયો છે. મતલબ ૧) ભારત ઝેનોફોબિક છે અને ૨) ભારતનો વિકાસ અટકી ગયો છે. આપણા વિદેશમંત્રી એસ. જયશંકરે બાઈડનની આ ટિપ્પણીને આડે હાથે લીધી.
ભાજપનો નામજોગ વિરોધ
વાસ્તવમાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રની લોકસભાની ચૂંટણીઓના સમયે ભારત આખામાં કાયદો અને ન્યાયની સ્થિતિ સાવ સામાન્ય હતી. આ ભારતની તાકાત છે. આવા સમયે અમેરિકા ભારતમાં પોતાનું ધાર્યું થાય તે માટે ભારતના મતદારોને પ્રભાવિત કરવાનાં ષડયંત્રો રચી રહ્યું હતું.
અમેરિકાનું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત આયોગ છે-
USCIRF (The United States Commission on International Religious Freedom). આ અમેરીકી આયોગે નિમ્ન કક્ષાએ જઈ ભારતની ધાર્મિક વિવિધતા અને ધાર્મિક સ્વતંત્રતાની સંવૈધાનિક સુરક્ષાને કઠેડામાં ઉભી કરવાનો પ્રયત્ન કરેલો. આ રીપોર્ટના નામે ભારતની લોકસભાની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની ચાલ અમેરિકાએ ચાલેલી. ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના નિરાધાર આરોપ ભારત ઉપર લગાવીને આ આયોગે ભારતને `વિશેષ ચિંતાજનક દેશ' તરીકે જાહેર કરવા માટે અમેરિકાના વિદેશ વિભાગને પોતાની સિફારીશ પણ કરી દીધી હતી. સૌથી વધુ ગંભીર બાબત તો તે હતી કે, આ રિપોર્ટમાં શાસક પક્ષ (ભારતીય જનતા પક્ષ) ઉપર ભેદભાવપૂર્ણ રાષ્ટ્રવાદી નીતિઓને આગળ ધપાવી રહ્યો હોવાનો આરોપ લગાવાયો હતો.
પોતાનું બેંક એકાઉન્ટ સ્થગિત (ફ્રીઝ) થયું છે, વાપરવા પૈસા નથી તેવી રોકકળ કરનાર કોંગ્રેસે કોના પૈસે ચૂંટણી ખર્ચ કર્યો? ભારતનો પંજો શું કરી શકે એ તો આ ચૂંટણીમાં જોવા મળ્યું. પણ વિદેશી અદૃશ્ય પંજો શું કરી શકે છે? તેની સિલસિલાબંધ વિગતો આપણા સુધી ક્યારેય ન આવતી, તેવી વિગતો પૂરી પાડવા માટે ડીસઇન્ફો લેબ પ્રત્યે સદૈવ રાષ્ટ કૃતજ્ઞી રહેશે..