હિન્દુનો કોઈ પ્રારંભ નથી, અને અંત પણ નથી. જો આપણે હિન્દુ ન હોત તો નાશ પામ્યા હોત. આપણે અવિનાશી છીએ, કારણ કે આપણને એક એવું દર્શન આપણા ઋષિઓએ આપેલું છે, જેને વિશ્વ 'હિન્દુ-દર્શન'ના નામે ઓળખી રહ્યું છે. શું છે `હિન્દુ-દર્શન'? ચિંતન માટે પ્રાથમિક વાતો અહીં મૂકી છે.
`હું' અને `આપણે'ની દાર્શનિક સંકલ્પના
જ્યારે પ્રભુ શ્રીરામજી વશિષ્ઠ ઋષિનાં દ્વારે પહોંચ્યા, દ્વાર ખટખટાવ્યાં. પ્રતિસાદરૂપે અંદરથી અવાજ આવ્યો, `કોણ?' શ્રીરામે એવું નહીં કહેલું કે, `હું રામ આવ્યો છું.', પણ તેઓએ કહ્યું હતું કે, `હું એ જાણવા માટે જ આવ્યો છું કે, હું કોણ છું.'
આપણું `હિન્દુ-દર્શન' `હું' અને `આપણે'થી લઈને શરૂ થાય છે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જઈશ, અહીં આવવાનો મારો ઉદ્દેશ્ય શું છે, મારો ઈશ્વર સાથેનો સંબંધ કયો છે, અહીં જીવ, જગત અને પ્રકૃતિ સાથે મારો સંબંધ શું છે, આવા પ્રશ્નોને લઈને ચિંતન ચાલ્યું. ઋષિઓએ સ્પષ્ટ કરી દીધું `હું' એટલે ઈશ્વરનો એક અંશ. આ એક સ્પષ્ટતામાત્રમાં બધા જ પ્રશ્નોના ઉત્તર આવી ગયા.
આ ક્રમમાં આવા જ પ્રશ્નો `આપણે'ને લઈને હતા, તેના ઉત્તરમાં પણ ઋષિઓએ કહ્યું કે, `આપણે' એટલે આ ભૂમંડલ, પૃથ્વી, સંપૂર્ણ જગત, બ્રહ્માંડ. `આપણે'નું આવું એક અવિભાજ્ય અને વિરાટ રૂપ આપણી સામે મૂકવામાં આવ્યું. ઋષિઓએ શરૂથી જ કોઈ પણ જાતના `વિભાજન'નો વિચાર સુદ્ધાં હિન્દુ-સંસ્કૃતિની સમીપ આવવા દીધો નહીં. હિન્દુ દર્શને અતિ મહત્ત્વની ચાર ભેટ વિશ્વના ચરણે ધરેલ, જેને માનવતાના અસ્તિત્વનું અમર આશ્વાસન (Guarantee) કહી શકીએ.
૧, ઈશ્વર સર્વવ્યાપી છે
ઋષિઓએ કહ્યું કે, સંપૂર્ણ જગતમાં એક જ ચૈતન્ય છે, એક જ પરમાત્મા છે, એક જ ઈશ્વર છે અને તે સર્વવ્યાપી ઈશ્વરથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ એમણે આપેલો એક મૌલિક સિદ્ધાંત છે. વિશ્વને મળેલ એક અદ્ભુત દાર્શનિક આવિષ્કાર છે. વિશ્વને એકાત્મ દૃષ્ટિ આપવાવાળા આ સર્વશ્રેષ્ઠ દર્શનને તેઓ પોતાના સ્વયંના અંતઃકરણથી અનુભૂત (Realise) કરી રહ્યા
હતા. યજુર્વેદની ઋચા- ‘ईशावास्यमिदं सर्वं यत्किंचित जगत्यां जगत् ।’અર્થાત્ દેખાતું આ સંપૂર્ણ જગત આખું ય એ એક જ ઈશ્વરથી વ્યાપ્ત છે. (ઈશોપનિષદ-૧)
અહીં આપણને એક આધ્યાત્મિક એકાત્મ આધાર પ્રાપ્ત થાય છે. આ જ વિચાર પ્રભુ શ્રી કૃષ્ણના મુખેથી થોડા ભિન્ન શબ્દોમાં પણ મૂળ ભાવ યથાવત્ રાખીને ઉચ્ચારાયેલો કે, ‘ईश्वर: सर्वभूतानां ।’અર્થાત્ બધાં પ્રાણીઓમાં હું ઈશ્વર રૂપે ઉપસ્થિત છું. (ભગવદ્ ગીતા-૧૮.૬)
`હિન્દુ-દર્શન'ની કહો કે `વૈદિક-દર્શન'ની કહો કે `સનાતન-દર્શન'ની કહો, કેટલીક પ્રાણભૂત વિશેષતાઓ છે. એમાંની એક `એ બ્રહ્મ અથવા ઈશ્વર એક જ છે, છતાં બધે બધાંની અંદર બિરાજમાન છે.' મૌલિક દર્શનરૂપે હિન્દુ-દર્શને વિશ્વને આપેલી આ એક અતિ અણમોલ ભેટ છે, કારણ કે આ જ દૃષ્ટિ સંપૂર્ણ જગતની એકાત્મતાનો આધાર છે. વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની આરાધના કરવાવાળો હિન્દુ સમાજ પણ આ સત્યને સુપેરે સમજે છે, તેથી પરસ્પર કોઈ જ સંઘર્ષ દેખાતો નથી. સેમેટીક પંથોમાં ઈશ્વર એક છે એવું તો કહેવામાં આવ્યું છે, પરંતુ તેને સર્વ સામાન્ય મનુષ્યની પહોંચની બહાર રાખવામાં આવ્યો છે, તે મારા-તમારા સૌમાં છે, એવું કહેવું એને પાપ ગણવામાં આવે છે. આવું પાપ એ ઈશનિંદા છે, જેની સજા મૃત્યુદંડ છે.
૨, બધાંની અંદર રહેલો ઈશ્વરનો અંશ સમાન છે.
હું મોટો કારણ કે, મારો ઈશ્વર શક્તિશાળી છે, વિશ્વમાં મોટાઈનો આવો સંકુચિત કુંઠિત કોલાહલ સાંભળીએ, અને એના આધારે પરસ્પર સંઘર્ષ જોઈએ છીએ ત્યારે આપણા ઋષિઓનું સ્મરણ થાય. તેઓને થયેલી અનુભૂતિ કે, આપણા સૌની અંદર જે ઈશ્વરનો અંશ છે તે નાનો કે મોટો નથી, તે બધાંમાં બધાંની અંદર સરખો જ છે. આ વ્યાપક દ્રષ્ટિ છે, જે આપણા ઋષિઓએ વિશ્વને આપી છે. હિન્દુઓના બધા ગ્રંથોમાં આપણે એનું વિસ્તારથી વર્ણન જોઈ શકીએ છીએ. ઋગ્વેદમાં પણ ઋષિ કહે છે કે-
‘ते अज्येष्ठा अक निष्ठा स उद् भिदो अमध्यमासो’
‘समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं’
અર્થાત્ - આપણામાંથી કોઈ નાનો નથી કોઈ મોટો નથી, એટલા સુધી કે અહીં કોઈ વચ્ચેવાળો (medium) પણ નથી. (ઋગ્વેદ ૫.૫૮.૬)
આ વિશિષ્ટ સમદ્રષ્ટિ સમાનતાને સ્થાપે છે, પ્રસ્થાપિત કરે છે. આ સમાનતાને સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે- ‘निर्वैर: सर्वभूतेषु’
બધાં પ્રાણીઓમાં હું સમાનરૂપે (ઈશ્વરરૂપે) છું. (ભગવદ્ ગીતા-૧૩.૨૭)
૩, `સર્વમાંગલ્ય'નો વૈશ્વિક સંકલ્પ
ઋષિઓ દ્વારા મળેલ આ અધ્યાત્મિક સમદૃષ્ટિએ વિશ્વનાં બધા જ પ્રકારનાં વિવિધ સ્વભાવવાળાં પ્રાણીઓમાં એક સમાન ઈશ્વરીય ભાવને જોયેલો. પરસ્પર વેર ઉભું જ ન થાય, દ્વેષ ઉભો જ ન થાય તેવી મનસ્થિતિનું નિર્માણ સૌનું મંગલ ઈચ્છવાથી થઈ શકે. આમાં એક પૂર્ણ હકારાત્મકતા છૂપાયેલી છે.
પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે- ‘सर्वभूत हिते रता:’ અર્થાત્ બધાં પ્રાણીઓ પ્રત્યે નિર્વેર રહીએ. આના આચરણ માટે सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत् ॥ અર્થાત્ - બધા જીવોના હિતના કામમાં લાગેલા રહીએ. (ભગવદ્ ગીતા-૧૨.૪),
આ એક હકારાત્મકતાથી ભરપૂર વિશ્વકલ્યાણની વધુ સારી પરિભાષા બીજી કઈ હોઈ શકે! પરિવાર, ગામ, સમાજ, પ્રાંત, દેશની તમામ ઓળખોથી પર થઈને સર્વના - બધાંના - જીવમાત્રના કલ્યાણ માટે સંસ્કૃતમાં `' માટેની આપણી પ્રાર્થનામાં `સર્વમાંગલ્ય'ની ગૂંજ કેવી ગજબની છે!
પ્રાર્થનાનો આ શ્લોક છે-
इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान् ।
एकं सद् विप्राः बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वानं आहुः ॥
અર્થાત્ - જગતમાં જે જે પ્રાણીઓ છે તે બધાં સુખી થાય, બધાં નિરોગી રહે, બધાં સારું જુવે તથા કોઈને પણ કોઈ પ્રકારનું દુઃખ ન રહે. હિન્દુઓનો આ એક મૌલિક સિદ્ધાંત છે. ભારતના ઋષિઓની આ એક મહત્વપૂર્ણ જીવન, જીવ અને જગતને દેખવાની સર્વમંગલ દૃષ્ટિ રહેલી છે.
૪, સર્વજન-સમન્વયાત્મિકા-પ્રજ્ઞા
આપણા ઋષિઓને એ વાતની પણ ખબર હતી કે, સમય જતાં ક્યારેક પોત-પોતાના વ્યક્તિગત વિચારોને લઈને પરસ્પર મતભેદો કે વિવાદો ઉભા થઇ શકે છે. વધુ બુદ્ધિમત્તા ધરાવતા લોકો જ આમાં કારણભૂત રહેવાના. અજ્ઞાની, નિરક્ષર તથા ઓછી શક્તિવાળા લોકોના મતભેદો કે વિવાદો તો શમી જતા હોય છે, પણ આ બુદ્ધિમાન લોકોના મતભેદો-વિવાદો તો શમી જવાના બદલે વધુને વધુ મોટા થતા રહેવાના. અંતે આ વિદ્વાન લોકો વચ્ચેના મતભેદો-વિવાદો ભાગલા પાડીને જંપે છે.
આવાં વિભાજનો અંતે તો એકાત્મબોધને હાનિ પહોંચાડે છે. અને તેથી જ ઋગ્વેદના ઋષિઓએ અધિકાર સાથે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે એવી ઘોષણા કરેલી કે, આ `પરમાત્મ તત્ત્વ' કહો કે `પરમ સત્ય' આ બંને એક જ છે, પરંતુ તેના સુધી પહોંચવાના માર્ગ અનેકો હોઈ શકે છે. આ કેટલો સર્વસમાવેશી વિચાર છે! જુદા જુદા વિચારો-સ્વભાવોવાળા સૌને એકસૂત્રમાં પરોવેલા રાખવાના સંકલ્પને સાર્થક કરવાનો આ સર્વશ્રેષ્ઠ રાજમાર્ગ ઋગ્વેદના ઋષિઓએ કંડારી આપ્યો. ઋગ્વેદની આ એક ઋચા જોઈએ-
इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान् ।
एकं सद् विप्राः बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वानं आहुः ॥
(ઋગ્વેદ ૧.૧૬૪.૪૬)
આ મંત્રનો ભાવ સંદેશ એ છે કે, કોઈ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ પ્રકારની ઉપાસના કરવા માટે સ્વતંત્ર છે. જેવી રીતે કોઈ ઈન્દ્રની પૂજા કરે, કોઈ સૂર્યની પૂજા કરે, કોઈ વરૂણની પૂજા કરે અથવા કોઈ અગ્નિની પૂજા કરે, આવાં જુદાં જુદાં સ્વરૂપોની પૂજા કરનાર અંતે તો એક જ દિવ્ય સ્વરૂપની તરફ જઈ રહ્યા છે, તેમાં કોઈ શંકાને સ્હેજ ય સ્થાન જ નથી. આ વિશ્વાસનું કેન્દ્રબિંદુ છે- एकं सद् विप्राः बहुधा वदन्ति, આવું કહેવાથી એ ભાવ દ્રઢ બને છે કે, `પરમ સત્ય' તો એક જ છે, એને બધાં લોકો પોતપોતાની રુચિ-પ્રકૃતિ અનુસાર વિવિધ પ્રકારે તેનું વર્ણન કરે છે તથા વિવિધ પ્રકારે પોતાનો માર્ગ નિશ્ચિત કરે છે, એટલું જ નહીં આ મંત્રના કારણે હજારો વર્ષ પૂર્વે ભારતીય સંસ્કૃતિના એ સ્વર્ણિમ પ્રાતઃકાળે જ `સર્વસમાવેશી' સિદ્ધાંતનો સર્વસંમતિથી ઉદઘોષ થયેલો. ઋષિઓએ ઈશ્વરોપાસના માટે વિવિધ માર્ગો તથા વિવિધ પૂજા પદ્ધતિઓને અનુમતિ આપીને હિન્દુઓનાં હૃદયને અતિ વિસ્તિર્ણ - વિસ્તૃત - વ્યાપક કર્યાં તથા બધાંના વિચારોને સન્માનવાની એક સુંદર પરંપરાનો અભિનવ વિકાસ કર્યો. આ મંત્ર પર આપણે જેટલું ગહન ચિંતન-મનન-મંથન કરીશું તો આપણા ધ્યાનમાં આવશે કે, આ એક આવિષ્કાર કેટલો મહત્વપૂર્ણ તથા પ્રભાવી હતો, જેમ જેમ આ સૂત્ર ઉપર વધુને વધુ વિચારીશું, તેટલી જ આપણી શ્રદ્ધા આ મહાન મંત્રદ્રષ્ટા ઋષિ ઉપર વધતી ચાલી જશે. કેટલા દૂરદૃષ્ટા રહ્યા હશે આ મહાન ઋષિઓ, જેઓએ ઈશ્વરની આરાધનાના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સમન્વયની એક આધારશીલા હજારો વર્ષ પૂર્વે સ્થાપિત કરી દીધી હતી. આમ સૌના વિચારોનું સન્માન કરવાની સુંદર પરંપરા આજ પર્યંત જોવા મળી રહી છે.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો પ્રવચનમાં કેટલી સરસ વાત કરેલી! તેઓએ કહેલું કે, અમારો વેદોમાં બધા પંથો પ્રત્યે સહિષ્ણુતાનો કોઈ સંદેશ નથી, આ અધૂરી વાત સાંભળીને શરૂઆતમાં તો સૌને નવાઈ લાગેલી. કેટલાકને આઘાત પણ લાગેલો, પરંતુ તેઓએ તેમાં સ્પષ્ટતા સાથે ઉમેરતાં જણાવેલું કે, અમે સૌ પંથોને સત્ય જ માનીએ છીએ. હવે કહો કે, સહિષ્ણુતાની જરૂર જ ક્યાંથી પડવાની? સૌ પંથો પ્રત્યે સહિષ્ણુતા દાખવવી તેના કરતાં ય ઉંચી માનસિકતા એ છે કે, સૌ પંથોને સમાન માનવા. વાસ્તવમાં સહિષ્ણુતાની જરૂર ક્યારે પડે? જ્યારે કોઈ પંથનો વિચાર ગમતો ના હોય, પરંતુ તેને મોટું મન રાખીને ચલાવી લેવાનો હોય, સહન કરી લેવાનો હોય ત્યારે સહિષ્ણુતાની જરૂરીયાત ઉભી થાય, પરંતુ આપણે ત્યાં તો બધા જ પંથના વિચારોને સમાનપણે સત્ય ઠેરવ્યા હોઈ સહિષ્ણુ હોવાનો મુદ્દો મૂળથી અપ્રસ્તુત - અર્થહીન બની જાય છે.
કોઈપણ `પંથ' એ, તો જ `પંથ' કહેવાવાને લાયક છે, જો તે અન્ય પંથોને પણ પોતાના `પંથ' જેટલું સમાન સન્માન આપી-અપાવી શકે તેવા ખુલ્લા અને ખિલતા વિચારો ધરાવતો હોય!