મહાન રાષ્ટ્રયજ્ઞમાં અપૂર્વ આહુતિ આપનાર એ સઘળાં સુસંસ્કારી-સુશીલ-પુણ્યશ્લોક રાજવીઓનું પ્રદાન અનન્ય રહ્યું છે.
૨૭-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |
૧૯૪૭ પહેલાંના ભારતવર્ષમાં શાસન-વ્યવસ્થા મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી. પ્રથમ હિસ્સામાં બ્રિટિશ હકૂમત હતી, જ્યારે શેષ ભારતવર્ષમાં દેશી રજવાડાંઓના રાજવીઓ શાસન કરતા હતા. એકંદર ભારતના પરંપરાગત રાજવીઓના પવિત્ર પ્રેરક સંસ્મરણોથી આજે પણ હૃદય આદર-આત્મીયતા અને ભક્તિભાવથી સ્નેહભીનું થઈ આવે છે! યાદ કરીએ ભાવનગરના રાજવી, જામનગરના જામસાહેબ, ગોંડલ નરેશ, લીંબડી નરેશ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ.. આ સઘળા લોકેોત્તર રાજવીઓ આજે પણ જનમાનસમાં પૂજનીય રહ્યા છે.
આ એ જ સૂર્યવંશી-ચંદ્રવંશી રાજવીઓએ ભારતવર્ષની ગૌરવગાથામાં અનેકવિધ કીર્તિમાન સર્જ્યા છે... તો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ને દિવસે ભારતવર્ષ સ્વાધીન થયું ત્યારે અંગ્રેજ શાસને જે ભાવિ વ્યવસ્થા વારસામાં આપી હતી તેમાં સેંકડો દેશી રાજવીઓને ત્રણ વિકલ્પો આપેલા. (૧) સ્વતંત્ર રહેવું (૨) ભારતીય સંઘમાં જોડાવું અથવા (૩) પાકિસ્તાનમાં વિલીન થવું... આ સંદર્ભમાં એ હકીકત ભારતીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાશે કે, મોટાભાગનાં દેશી રજવાડાંઓના રાજવીઓએ તેમની ભારતભક્તિથી પ્રેરિત થઈને, સરદાર પટેલની અપીલ ઉપર સ્વેચ્છાથી પોતાના `રજવાડાં'ની પુષ્પાંજલિ મા ભારતીના ચરણે સમર્પિત કરેલી..!
ભારત ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી સાર્વભૌમ સંસદીય જનતાંત્રિક ગણતંત્ર પણ બન્યું... આ સંદર્ભમાં એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈશે કે, જ્યારે આપણે જનતાંત્રિક શાસનવ્યવસ્થાનો સ્વેચ્છાએ સ્વીકાર કર્યો છે અને ૧૯૪૭ પહેલાંના દેશી રાજવીઓએ સ્વૈચ્છિક-સમર્પણભાવથી રાષ્ટીય એકતા-અખંડતાના એ મહાન સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર યજ્ઞમાં પોતાનાં રજવાડાંઓની આહુતિ આપી છે, તો આ સંદર્ભમાં નાગરિકો તરીકે આપણે પણ, સ્વરાજને સુરાજ્યમાં રૂપાંતરિત કરવાના યુગાંતરકારી મિશનમાં-ધ્યેયમાં-સ્વાતંત્ર્ય આંદોલન વખતના અધિકારો માટેની લડાઈને સ્થાને-સ્વાધીન ભારતના-ભારતમાતાના શ્રેષ્ઠ-સુયોગ્ય સંતાનો તરીકે સ્વધર્મ-સ્વકર્તવ્યભાવપૂર્વક-શાસન-પ્રશાસન-કાનૂનના બાહ્ય અંકુશ-સજાના ડર વ.ને સ્થાને-બાહ્ય નિયંત્રણને સ્થાને, -શ્રીમદ ભગવદ્ગીતાની પરિભાષામાં સ્વધર્મ-સ્વકર્તવ્ય-આત્માનુશાસન-અનુશાસનપૂર્વક ધ્યેયમાર્ગ ઉપર પથસંચલન કરવું જ રહ્યું... અને આમ કરતી વેળાએ આપણા ધ્યેયપથના પ્રેરક પાથેય તરીકે આપણાં ૫૬૨ દેશી રજવાડાંના એ સહુ કોઈ પ્રજાવત્સલ રાજવીઓના આત્મભોગ-આત્મસંયમ-અનુશાસનયુક્ત પ્રતિબદ્ધતામાંથી દિવ્ય પ્રેરણા લેવી જોઈશે...
અનુશાસનની વિભાવના-સંકલ્પના સમજવા માટે અટલજીની કાવ્યપંક્તિઓ દીપસ્તંભ સમાન બની રહે તેમ છે. અટલજીએ તેમની કીર્તિદાકૃતિ `હિન્દુ તનમન'માં લખ્યા પ્રમાણે-
होकर स्वतंत्र मैंने कब चाहा है
कर लूं जग को गुलाम?
मैंने तो सदा सिखाया
करना अपने मन को गुलाम.
गोपाल-राम के नामों पर
कब मैंने अत्याचार किए?
कब दुनिया को हिन्दू करने
घर-घर में नरसंहार किए?
कब बतलाए काबुल में
जा कर कितनी मस्जिद तोड़ीं?
भूभाग नहीं, शत-शत मानव के
हृदय जीतने का निश्चय.
हिन्दू तन-मन, हिन्दू जीवन,
रग-रग हिन्दू मेरा परिचय!
આ પ્રેરક કાવ્યપંક્તિઓ પ્રમાણે સ્વાતંત્ર્યની વિભાવના-અવધારણા-સંકલ્પના કેવળ રાજકીય દર્શન રહેવાને બદલે આપણને સભ્યતા-સાંસ્કૃતિક વિભાવનાના સીમાડાઓથી પણ સમુન્નત-શ્રેયસ્કર-આધ્યાત્મિક અનુભૂતિના દિવ્ય પ્રદેશમાં લઈ જાય છે..! સ્વાતંત્ર્યની સંકલ્પના કેવળ રાજકીય, આર્થિક, સામાજિક જ નહીં, પરંતુ એક સંસ્કારી-સુશીલ-સુસૌમ્ય-દિવ્ય સમાજમાં આ પ્રકારનું ચિંતન-દર્શન આપણને આત્મસંયમ અધિષ્ઠિત આત્મરાજ્ય તરફ પ્રશસ્ત કરે છે; જેનાથી સમાજજીવન-રાષ્ટ્રજીવન-વૈશ્વિક જીવન સુધ્ધાં રળિયાત-સુસમૃદ્ધ-સુસંસ્કૃત-માનવીય અભિગમયુક્ત બની રહે... આપણા માટે રાજકીય વગેરે સ્વાતંત્ર્યનું મહત્ત્વ તો છે જ, પરંતુ ગીતાવર્ણિત સ્થિતપ્રજ્ઞના આદર્શ અનુસાર સાચી સ્વાધીનતા કેવળ બાહ્ય નિયંત્રણમાંથી રાજકીય મુક્તિ દ્વારા સુધી સિમીત અર્થમાં નહીં, પરંતુ આપણામાં રહેલી શાશ્વતચેતના-દિવ્ય ચૈતન્યના પ્રકાશમાં ઇન્દ્રિય સુખો, શારીરિક-ભૌતિક સુખો, દુન્યવી એષણાઓ, ભૌતિક આકર્ષણને સ્થાને આત્મસંયમપૂર્વક-ભૌતિક સુખના આવેગોથી ખોવાઈ-ખેંચાઈ જવાને બદલે, આપણે સ્વસ્થ-આત્મસ્થ બની રહીએ એ જ આપણા જીવનનું મૂળ આધ્યાત્મિક લક્ષ્ય છે અને તેમાં આત્માનુશાસન અનિવાર્ય છે.
આજે પ્રવર્તતા હરકોઈ સંઘર્ષ-હીનવૃત્તિઓને અટકાવવા માટે કડક કાયદાઓની માંગ ઊઠે છે. પરંતુ સમાજજીવન-રાષ્ટ્રજીવન-વિશ્વસમુદાયમાં પ્રવર્તતી આવી સઘળી હીનવૃત્તિઓના નિવારણ માટે, માનવપ્રકૃતિનું ઊર્ધ્વીકરણ-માત્ર ભૌતિક દૃષ્ટિએ સંભવ નથી, પરંતુ માનવચેતના-માનવપ્રકૃતિના રૂપાંતર દ્વારા જ તે શક્ય છે અને એ સંદર્ભમાં ભારતવર્ષના એ સહુ અપૂર્વ-પૂર્વરાજવીઓ -જનકવિદેહી જેવા ભારતના રાજર્ષિઓની દિવ્ય-પ્રેરક પરંપરા આપણો માર્ગ પ્રશસ્ત કરી શકે તેમ છે..
આ સંદર્ભમાં થોડાં દૃષ્ટાંત પ્રસ્તુત કરવાં પ્રાસંગિક બની રહેશે. સૌરાષ્ટ્રના દેશીરાજ્ય ગોંડલ નરેશ... જેઓ ભગવદ ગોમંડલ જેવા શબ્દકોશ વગેરે જેવા કેળવણી-સાંસ્કૃતિક-સભ્યતામૂલક આદર્શોને મૂર્તિમંત કરવા માટે સુવિખ્યાત છે; તો ભાવનગરના મહારાજા તેમના સુશાસન, ક્ષમાવીરસ્ય ભૂષણમ્ની ઉક્તિને છાજે તેવી વીરવ્રત અને આત્માનુશાસન માટે સુવિખ્યાત છે. તો જામનગરના જામસાહેબે તો સમગ્ર સૌરાષ્ટ્રપ્રદેશના ભારતીય સંઘમાં સંપૂર્ણ વિલીનીકરણ માટે જે દૃષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડયું અને આત્માનુશાસનની પહેલ કરી તે માટે સદૈવ સાધુવાદને પાત્ર છે. આ જ તેજસ્વી નક્ષત્રમાળામાં વસોના દરબાર ગોપાળદાસે તેમના રઈ-સાંકળી રજવાડાનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું તે વાત અન્ય રાજવીઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે. વડોદરા રાજ્યના ગાયકવાડ વિશે તો લખવા માટે શબ્દો ટાંચા પડે! કાયદાની અદાલતને `ન્યાયમંદિર' નામાભિધાન થકી, વડોદરાના રાજવી ગાયકવાડ પુણ્યશ્લોક બની રહ્યા છે, તો શ્રી અરવિંદ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજી પ્રત્યેના તેમના સ્નેહ-સન્માન-સૌહાર્દ વિશે તો કેટલું લખીએ?!
આ લખનારને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના વાંસદાના તત્કાલીન રાજવી દિગ્વીરેન્દ્રસિંહજીના નિકટના પરિચયમાં આવવાનું અને તેમના રાજમહેલમાં મહારાજા સાહેબના થયેલ આતિથ્યસત્કારનો લાભ પણ મળ્યો છે. વાંસદાના આ પ્રેરક રાજવીએ છેલ્લા હયાત રાજવી હતા, જેમણે ભારતીય સંઘના વિલીનીકરણના દસ્તાવેજ ઉપર સહી કરેલ. તેમનું નિધન ૨૦૧૮માં થયું. તે વખતે આ લખનારે `સાધના'માં શ્રદ્ધાંજલિ લેખ પણ લખેલો. અમે થોડા મિત્રો સાથે જ્યારે વાંસદાના એ રાજમહેલમાં મુલાકાતી તરીકે ગયા ત્યારે, રાજાસાહેબે અમારી સાથે વિગતે, તેમના જમાનાની વાતો કરેલી. પ્રજાવત્સલ રાજવીનાં સદકાર્યોથી એ સમગ્ર આદિવાસી વિસ્તાર આજે પણ દિગ્વીરેન્દ્રસિંહજીનું પુણ્યસ્મરણ કરે છે. સહુથી સાનંદાશ્ચર્ય એ વાતે થયું કે, રાજમહેલના વિશાળ પ્રાંગણની એક તરફે આવેલ એક ઓરડા તરફ રાજાસાહેબ અમને મિત્રોને દોરી ગયા. અને એ ઓરડો ખોલવામાં આવતાં જ અમે ત્યાંનું દૃશ્ય નિહાળી રોમાંચ અનુભવી રહ્યાં! એ ઓરડામાં સ્વરાજસંગ્રામ-સ્વતંત્રતાસંગ્રામ દરમ્યાન ૧૯૩૮માં સુરત નજીકના હરિપુરા ગામે યોજાયેલ હરિપુરા કોંગ્રેસ અધિવેશન દરમ્યાન તત્કાલીન નવનિર્વાચિત કોંગ્રેસ અધ્યક્ષ, જેમને ભારતના લોકો `રાષ્ટ્રપ્રમુખ' તરીકે ઉમળકાથી ઉદબોધતા, એવા નેતાજી સુભાષચંદ્ર બોઝના સન્માનમાં યોજાયેલ શોભાયાત્રા દરમ્યાન સુભાષબાબુ માટે ખાસ તૈયાર કરેલ ઐતિહાસિક રથ... વાંસદાના મહારાજા સાહેબે સુભાષબાબુને અર્પણ કરેલ. એ રથની આગળ ૫૧ સફેદ બળદોની જોડીઓને શણગારીને દેશભક્તિયુક્ત ગાન અને પ્રેરક સૂત્રોચ્ચાર સાથે નેતાજી સુભાષબાબુની શોભાયાત્રા નીકળેલી - એ ઐતિહાસિક પવિત્ર-પ્રેરક રથ આજે પણ વાંસદાના રાજમહેલને શોભાવતો-ગૌરવ અપાવતો સુપ્રતિષ્ઠ છે..!
આ રીતે મહાન રાષ્ટ્રયજ્ઞમાં અપૂર્વ આહુતિ આપનાર એ સઘળાં સુસંસ્કારી-સુશીલ-પુણ્યશ્લોક રાજવીઓનું પ્રદાન અનન્ય રહ્યું છે. આવા ક્ષાત્રધર્મને-સ્વધર્મને-સ્વકર્તવ્યને- આત્મસંયમ-અનુશાસનવ્રતને વરેલા એ સઘળાં પૂર્વ રાજવીઓના તપ-તપશ્ચર્યાની કદરરૂપે તત્કાલીન ગૃહમંત્રી નાયબ વડાપ્રધાન સરદાર પટેલે એ તમામ રાજવીઓ પ્રત્યે કૃતજ્ઞતભાવે પ્રિવી-પર્સ-વાર્ષિક રાજવી સાલિયાણા આપેલા. પરંતુ ૧૯૬૯માં કોંગ્રેસ પક્ષમાં ભાગલા પડાવી, કોંગ્રેસના વડીલ નેતૃત્વને નષ્ટ્ર કરીને એકાધિકાર સત્તા તરફ જવાની માનસિકતાવાળા તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાજીએ `રાજવીઓનાં સાલિયાણાં નાબૂદી' જેવું કથિત પ્રગતિશિલ કદમ ઉઠાવીને સરદાર સાહેબે આપેલ રાષ્ટીય વચનનો ભંગ કર્યો હતો તેની સખેદ નોંધ લેવી રહી. આપણા દેશનો એ રાષ્ટીય સંકલ્પ છે ! `રઘુકુલ રીત સદા ચલી આઇ.. પ્રાણ જાય પર બચન ન જાયી..' પૂર્વપ્રધાનમંત્રી ઇન્દિરાજીના ઉપર્યુક્ત દુઃખદ નિર્ણય માટે ખેદ વ્યક્ત કરી... સમગ્ર ભારતીય રાષ્ટ્રવતી કૃતજ્ઞભાવથી એ પુણ્યશ્લેોક- પ્રાતઃસ્મરણીય ઉત્કટ રાષ્ટ્રભક્ત- ભારતભક્તિ-આત્માનુશાસનની સર્વોત્કૃષ્ટ્ર પ્રતિમા સમાન એ સઘળાં શ્રેષ્ઠ રાજવીઓને શત્ શત્ વંદન...
અને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫એ માત્ર ૭૬મો ગણતંત્ર દિવસ જ નથી, પરંતુ ૧૯૨૯ની રાવી નદી તટે લાહોરમાં લેવાયેલ `પૂર્ણસ્વરાજ'ની પ્રતિજ્ઞાને સાચા અને પૂરા અર્થમાં સાર્થક કરવાના શિવ-સંકલ્પનો પણ પ્રેરક પવિત્ર દિવસ છે...
આ સંદર્ભમાં અયોધ્યામાં શ્રીરામ મંદિરનું પુનર્નિર્માણ એ પણ પૂર્ણસ્વરાજ તરફનું વામનના વિરાટ કદમ રૂપ દિવ્ય ઘટના પણ છે.