સંગઠન તરીકે રા.સ્વ.સંઘ (RSS), એ વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન છે. ૯૯ વર્ષની યાત્રામાં સંઘ સતત બદલાતો રહ્યો છે, સમયની સાથે બદલાતો રહ્યો હોવાથી સંઘ; સંઘ તરીકે વિકસતો રહ્યો. હા, પણ સંઘમાં ક્યારેય નહીં બદલાય તેનો `આત્મા'. લેશમાત્ર નહીં બદલાય.
સ્વયંસેવક - `સ્વયં'ના લોપ સાથેની સેવા
જોકે માનવું અઘરું પડે પણ સત્ય એ છે કે, સંઘ સ્વયંનું અસ્તિત્વ વહેલામાં વહેલી તકે મિટાવવા પોતાના કાર્યની ગતિ વધારી રહ્યો છે. મૂળભૂત રીતે શિવથી જીવ જુદો નથી. શિવને ભજતાં ભજતાં એક એવી પરાકાષ્ઠા આવે છે જ્યારે જીવની અલગ ઓળખ રહેતી નથી, શિવની ઓળખ એ જ જીવની ઓળખ બની જાય છે. शिवो भूत्वा शिवम् यजेत् રીતે સમાજને ભજતાં ભજતાં સમાજની ઓળખ એ જ સંઘની ઓળખ બની જાય તે માટે સમાજની-રાષ્ટ્રની આરાધના-સાધનામાં સંઘ વધુ ને વધુ સઘન મનોયોગથી પરાકાષ્ઠા પર કામ કરી રહ્યો છે. એને સંઘવિચારોનું પૂર્ણતઃ સંવ્યાપ્તીકરણ કહી શકીએ. સંઘની તત્પરતાની-ઉતાવળની પણ એક રિધમ છે- આળસને પૂર્ણપણે ત્યજીને ઝડપથી ધીરે ધીરે ઉતાવળ કરવાની!
આજે કેટલાક સંઘનું શરીર સમજવા તો કેટલાક સંઘનું મન સમજવા તો વળી કેટલાક સંઘની બુદ્ધિ સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. બહુ ઓછા લોકો છે, જે સંઘના આત્માને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. આ આત્મા વિરાટ છે, કારણ કે તે લક્ષાવધિ જનોના ઐક્યનો આત્મા છે. આ ઐક્યનું અસ્તિત્વ અનુશાસનમાં સ્થિત છે, સ્થિર છે.
૧૬ સપ્ટેમ્બર, ૧૯૪૭ના દિવસે દિલ્હી, ભંગી કોલોનીમાં મ. ગાંધીજીએ સંઘકાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું, `વર્ષો અગાઉ મેં આર.એસ.એસ.ની શિબિરની મુલાકાત લીધેલી ત્યારે સંસ્થાપક શ્રી ડૉ. હેડગેવારજી જીવંત હતા. તમારું અનુશાસન, અસ્પૃશ્યતાનો સંપૂર્ણ અભાવ અને જબરજસ્ત સાદાઈથી હું ખૂબ પ્રભાવિત થયો. એ સમયથી સંઘ વિકસ્યો છે. મને ખાતરી છે કે સેવાના ઉચ્ચ આદર્શથી અને આત્મબલિદાનથી પ્રેરાયેલું સંગઠન શક્તિસંપન્ન થવાનું જ છે.' (`ધ હિન્દુ' ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૪૭) ગાડરિયા પ્રવાહ માટે શિસ્ત પર્યાપ્ત
આ અનુશાસનને વ્યક્તિ-વ્યક્તિમાં વાવીને જ વિકસાવી શકાય છે, તે અંતરના ઊંડાણેથી અભિવ્યક્ત થાય છે. પૂર્ણતઃ આંતરિક છે. વ્યક્તિના વ્યવહારમાં બાહ્ય રીતે વર્તાય પણ છે. શિસ્ત દ્વારા માણસોનો ગાડરિયો પ્રવાહ ઊભો કરી શકાય, પણ સંગ્રામમાં વિજય તો અનુશાસનથી જ મેળવી શકાય છે. એ વિજય સ્વયં પરનો હોઈ શકે કે બાહ્ય શત્રુ પરનો પણ હોઈ શકે. જીવનમૂલ્યો વિવેકને ઘડે છે. વિવેક અનુશાસનરૂપે પ્રકાશિત થાય છે. સ્વયંસેવક-સ્વયંસેવકના અનુશાસનને કારણે પ્રગટતું ઐક્ય એ સંઘનો આત્મા છે, જેને સમજવા માટે `સામૂહિક અનુશાસન' પણ કહી શકીએ, વાસ્તવમાં સંઘમાં સામૂહિકતા જ અનુશાસનમાં પરિવર્તિત થઈ જાય છે.
‘अहं’ નહીં ‘वयं’
સંઘકાર્ય એ એવી એક સાધના છે, જેના પરિણામે સ્વયંસેવક ‘अहं’ છોડીને ‘वयं’ ની ભૂમિકામાં આવી જાય છે.
૧૯૬૫ના પાકિસ્તાની આક્રમણ વખતેની. યુદ્ધ પૂરજોશમાં ચાલતું હતું ત્યારે ઘાયલ જવાનોને લઈને લશ્કરની એક રેલગાડી દિલ્હી આવી. સેંકડો જવાનોને લોહી આપવાની તાકીદની જરૂર હતી. લશ્કરી અધિકારીઓએ સંઘ કાર્યાલયને દૂરભાષ કર્યો. મધરાતનો સમય હતો, પણ બીજા દિવસની પરોઢે રક્તદાન કરવા માટે ૫૦૦ સંઘ સ્વયંસેવકો હૉસ્પિટલ પર પહોંચી ગયા હતા. હૉસ્પિટલના નિયમ મુજબ એ દરેકને દસ રૂપિયા આપવામાં આવ્યા, પણ સ્વયંસેવકોએ પાછા આપતાં કહ્યું કે, `એ રકમનો સદુપયોગ ઘાયલ જવાનોની સા૨વા૨માં થાય એ જ વધુ ઇષ્ટ છે.'
યુદ્ધ અટક્યું ત્યારે જનરલ કુલવંતસિંઘે કહ્યું હતું કે, પંજાબ ભારતનું ખડગહસ્ત છે અને RSS પંજાબનો ખડગહસ્ત છે. સંઘનો કાર્યકર્તા સમાજનું ચિંતન કરતાં કરતાં સંઘના સંસ્થાગત અભિનિવેશથી પણ મુક્ત થઈ જાય છે. સાધનામાં સંઘ રહે છે, પણ તેનું સાધ્ય સમાજઐક્ય બની જાય છે.
જો સંઘે નિયમાવલીવાળી શિસ્તથી કામ લીધું હોત તો સંઘ માત્ર એક સંસ્થા બનીને કુંઠિત થઈ ગયો હોત. સંઘે કાર્યકર્તાઓને બીબામાં નહીં ઢાળ્યા. અસીમિત રાષ્ટ્રકાર્ય માટે સંઘે ૧) પ્રત્યેક સ્તરે સ્વયંસેવકોમાં રહેલી આગવી અમાપ શક્તિ ખીલી ઊઠે તેવી સ્થાનિક યોજના તૈયાર કરી, ૨) કાર્યને સિદ્ધ કરવા માટે એક કુશળ સંગઠક તરીકે પોતાની ટીમનું મન કેવી રીતે બનાવવું તેની કલા શીખવી. અને ૩) આ બધું શાના માટે? રાષ્ટ્ર માટે! રાષ્ટ્ર માટે એટલે શું રાજ્ય(શાસન) માટે? ના, બિલકુલ નહીં. રાષ્ટ્ર માટે એટલે સમાજ માટે જ, આ સૈદ્ધાંતિક મર્મ સતત વૈચારિક કેન્દ્રમાં રહે તે માટેના અભ્યાસની પરંપરા ઊભી કરી. આ યોજનાબદ્ધતા, વિચારબદ્ધતા અને દૃષ્ટિબદ્ધતાની ત્રિવેણી એટલે અનુશાસન! આ અનુશાસનનો મંત્ર છે- मैं नहीं, तू ही’. અનુશાસન કાર્યકર્તાને `ઑટો-મોડ'માં કામ કરતો કરી દે છે. સંઘનો સર્વસામાન્ય સ્વયંસેવક એ ચાહે કચ્છનો હોય કે કટકનો, એ ચાહે કાશ્મીરનો હોય કે કન્યાકુમારીનો, નવી-જૂની કોઈપણ સમસ્યા પરની પ્રતિક્રિયા અને તેના ઉપાયની વાતો તમને દેશભરમાં સરખી (સમાન) જ સાંભળવા મળવાની. આમાં જ સંઘના અનુશાસનના ઊંડાણનો પરિચય મળી જાય છે.
‘सं’- ‘समान’- ‘सह’
અનુશાસન અનુસંધાને ઋગ્વેદની નીચેની ઋચાઓ જોઈએ તો એક રાષ્ટ્ર માટે ૧) સમ્યક્ (सं)
, ૨) સમત્વ (समान) અને ૩) સહ (सह), એવા ત્રણ પ્રકારે સમાજજીવનને અનુપ્રાણિત કરવાનું થાય છે.
सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम्।
देवा भागं यथा पूर्वे संजानाना उपासते ॥
समानो मन्त्रः समितिः समानी
समानं मनः सह चित्तमेषाम्।
समानं मन्त्रमभि मन्त्रये वः
समानेन वो हविषा जुहोमि ॥
समानी व आकूतिः समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो यथा वः सुसहासति ॥
સંઘમાં છેક પાયાના સ્તરે શાખામાં એક આજ્ઞા- सम्यक् છે, જેમાં દરેકે પોતાને અનુલક્ષીને એવી રીતે ગોઠવાઈ જવાનું હોય છે, જેથી, આખું સ્વરૂપ સુરેખપણે (ફોર્મેશન) ગોઠવાયેલું જોવા મળે.
શાખા પર આવી જ બીજી આજ્ઞા છે- मंडल . આ આજ્ઞા વખતે સૌ સમાનાંતરે ગોળાકારમાં ગોઠવાઈ જાય છે. ગોળાકારમાં કોઈ ખૂણો-ખાંચો પડતો નથી, તેમાં કોઈ પહેલું કે છેલ્લું પણ હોતું નથી. આ मंडल આજ્ઞા `સમત્વ'નો પાઠ ભણાવી દે છે. સમત્વ સામૂહિકતાની પૂર્વશરત છે.
આવી જ એક અન્ય આજ્ઞા ‘एक सह संपत्’ આપવામાં આવે કે તરત જ તમામે તમામ એક પંક્તિમાં ઊંચાઈ અનુસાર ઊભા રહી જાય, ત્યારે ધનવાન કે ગરીબ, આ જ્ઞાતિનો કે પેલી જ્ઞાતિનો, આ રાજ્યનો કે પેલા રાજ્યનો, આવા બધા જ ભેદભાવો શૂન્ય થઈ જાય છે.
શાખા-કાર્યક્રમોમાં વિકસેલા આ અનુશાસન થકી સમાજ પ્રત્યે પોતાપણું પેદા થાય છે.
૧૯૬૨ના ચીનના આક્રમણ વખતે સ્વયંસેવકોએ સરકાર અને સૈન્યની સાથે રહીને જે તન-મન-ધન-અનુશાસનથી કામ કર્યું, તે જોઇને પં. નહેરૂએ ૨૬ જાન્યુઆરી, ૧૯૬૩ના દિવસથી પ્રજાસત્તાક કૂચમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું. માત્ર બે દિવસની સૂચના મળવા છતાં સંઘના ગણવેશમાં સુસજ્જ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો એ કૂચમાં જોડાયા, સંઘનું આ ભવ્ય પથ-સંચલન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું.
આર્થિક અનુશાસન
માલ્દા (પશ્ચિમ બંગાળના)માં આવેલા પૂર દરમિયાન સંઘના સ્વયંસેવકોએ રાહતકાર્યો શરૂ કર્યાં. શરૂઆતમાં તો કલેક્ટરશ્રીને સંઘના સ્વયંસેવકોનો અનુભવ નહોતો, પરંતુ ચારે બાજુએથી તેમના કાર્યની પ્રશંસા સાંભળીને રાહતસામગ્રીના વિતરણનું કાર્ય સંઘના સ્વયંસેવકોને સોંપ્યું. કામની સમાપ્તિ પછી સ્વયંસેવકોએ રાહતસામગ્રી લેનારની યાદી સાથે સંપૂર્ણ હિસાબ તેમને સુપ્રત કર્યો ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ ઃ `વારુ, આ પહેલી જ વાર હું રાહતકાર્ય વિશેનો વિસ્તૃત અહેવાલ મેળવી રહ્યો છું. નહીંતર એકવાર કોઈ પણ સંસ્થાને રાહતસામગ્રી સુપ્રત થયા બાદ તે બાબતનો અંત આવી જતો હોય છે...' સંઘના સ્વયંસેવકોનું આ આર્થિક અનુશાસન; સંઘની પ્રાર્થનામાં રોજ બોલવામાં આવતા परं वैभवम्નો પ્રતિઘોષ છે.
નિત્ય શાખા પર અનુશાસનના પાઠ
યુદ્ધ કે આપદ સ્થિતિમાં અનુશાસનની કસોટીએ પુરવાર થવાનો એક જુસ્સો હોય છે, પરંતુ સંઘની નિત્ય શાખાઓમાં પણ અનુશાસનના વિધેયાત્મક પ્રયોગ સતત ચાલતા જ રહે છે. મુંબઈના પછાત વિસ્તારમાં એક અન્ય વિસ્તારના સ્વયંસેવકે ત્યાં શાખા શરૂ કરેલી. થોડા દિવસોમાં તેને જણાયું કે, શાખામાં આવતા છોકરાઓ પૈકી કેટલાક ખિસ્સાં કાતરવામાં નિષ્ણાત છે! જોકે એ સ્વયંસેવકે એ બાબત એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેણે શાખાની ચારિત્ર્યઘડતર કરતી વિભિન્ન પ્રવૃત્તિઓ ચાલુ રાખી. શાખા સિવાયના સમયમાં તેમની અને તેમનાં કુટુંબો સાથે અનૌપચારિક સંપર્કો કેળવ્યા અને થોડા દિવસોમાં નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓને આશ્ચર્ય થયું, કારણ કે ખિસ્સાં કપાવાની ફરિયાદો લગભગ બંધ થઈ ગઈ હતી. એમણે એમાંના કેટલાક જૂના દોસ્તોને પકડીને પૂછયું કે, શી વાત છે? એમણે ગર્વથી જવાબ આપ્યો, `હવે, અમે સંઘની શાખામાં જઈએ છીએ અને સારા સ્વયંસેવકો બની ગયા છીએ.' આ અનુશાસનથી અચંબિત પોલીસને વધારે ખુલાસાની આવશ્યકતા નહોતી રહી.
ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસીઓને ધમકાવ્યા
૧૯૭૭માં ૧૦૦ કિ.મી.ના વેગથી આંધ્રના સાગરકાંઠા પર ત્રાટકેલા વાવાઝોડા વખતે લોકોની સહાય માટે સેંકડો સ્વયંસેવકોએ રાહતકામ કરતાં જાનનાં જોખમો ખેડ્યાં. અવની ગદ્રામાં દુર્ઘટનાના બબ્બે દિવસ પછી પણ અપેક્ષિત સ૨કા૨ી તંત્ર નહોતું પહોંચી શક્યું ત્યાં દફનક્રિયા માટે (કારણ કે દાહકર્મ માટે બળતણનો ટુકડોય બચ્યો નહોતો) મૃતદેહોને ઊંચકીને લઈ જતા સ્વયંસેવકો જ નજરે પડતા હતા. આ અણગમતું કામ ક૨વા માટે લશ્કર કે પોલીસ સુધ્ધાં કોઈ તૈયાર નહોતું.
દુર્ગમ વિસ્તારોમાં સંઘ સ્વયંસેવકોનું કામ એટલું તો ઊડીને આંખે વળગે એવું હતું કે, શ્રીમતી ઇંદિરા ગાંધીએ કોંગ્રેસીઓને ધમકાવતાં કહ્યું, મને તો અસ૨ગ્રસ્ત વિસ્તારમાં માત્ર આર.એસ.એસ.વાળા જ કામ કરતા નજરે પડે છે.
એક છબીકારે કહ્યું કે હું તો માત્ર તસવીરો ખેંચવા જ આવ્યો હતો, પણ આપનું કામ જોઈને દ્રવિત થઈ ગયો અને મડદાં ઊંચકતી શબવાહિનીનો સ્વયંસેવક બની ગયો.
શિશુઓનું અનુશાસન
સંઘની પ્રેરણાથી ચાલતી વિદ્યાભારતીના શિશુસંગમની આ વાત છે. ભોપાલ ખાતેના ૧૦,૦૦૦ શિશુ સ્વયંસેવકોના એક કાર્યક્રમના સમાપન વખતે દર્શકોએ સાનંદાશ્ચર્ય જોયું કે, એક કપાયેલો પતંગ ઊડતો ઊડતો આવીને બરાબર સામે જ પડ્યો અને છતાં એક પણ બાળકે એને પકડવા હાથ નહોતો લંબાવ્યો. આ અસાધારણ પ્રસંગ `નવભારત ટાઇમ્સ'માં ધ્યાનાકર્ષક સમાચાર બની રહ્યો.
વર્ણવ્યવસ્થાની વાહિયાત વકીલાત
પૂના ખાતે વસંત-વ્યાખ્યાનમાળામાં તૃતીય સરસંઘચાલક બાળાસાહેબે ડૉ. આંબેડકરજીનું સ્મરણ કરેલું, તેઓએ સામાજિક અનુશાસન-સમાજઐક્યની વાત કરેલી.
સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવાર સાથે કાર્ય કરવાનું સદ્ભાગ્ય બાળાસાહેબ દેવરસને પ્રાપ્ત થયું હતું. તેઓએ ત્યારે કહેલું કે, ડૉ. હેડગેવારજીએ તો ડંકાની ચોટ પર કોઈ જ જાતના જો/તો વિના એકદમ સ્પષ્ટ કરી દીધેલું હતું કે, સંઘ અસ્પૃશ્યતામાં ક્યારેય માની શકે નહીં, કારણ કે સંઘનું એક માત્ર કામ હિન્દુમાત્રને સંગઠિત કરવાનું છે.
ઉપરોક્ત સમજ ડૉ. હેડગેવારજી પોતાના સ્વઆચરણ થકી સૌની સામે પ્રસ્તુત કરતા. સંઘની શાખાના કાર્યક્રમો અને વર્ગો-શિબિરોની રચના પણ તેઓએ એવી કરી કે, અસ્પૃશ્યતા સહજતાથી ઓગળી જાય. ડૉ. હેડગેવારજીને વિશ્વાસ હતો કે, આજે નહીં તો કાલે સૌએ સમાજઐક્યના મૂળ સત્યને સમજવું જ પડશે. એ વખતે પણ વર્ણવ્યવસ્થાની વકીલાત કરવાવાળા જે લોકો હતા તેઓએ સંઘની સામાજિક સમરસતાને વહેલી મોડી અપનાવવી જ પડશે, તેવો વિશ્વાસ ડૉ. હેડગેવારજીએ વ્યક્ત કરેલો, જે આજે સાચો પડી રહ્યો છે.
સૌથી મહત્ત્વનું છે સામાજિક અનુશાસન
તે વખતે સમાજમાં-પરિવારોમાં કથિત ધર્મ (વાસ્તવમાં અધર્મ)ના નામે રૂઢ અસ્પૃશ્યતા પોતાનું સ્થાન બનાવીને ઊભી હતી. આવા પરિવારોમાંથી શાખામાં આવનાર સ્વયંસેવકો પર પારિવારિક રૂઢિચુસ્તતાની થોડી અસર રહેતી હતી, જે સંઘને માન્ય ન જ હોય તે સ્વાભાવિક જ હોય! તેમ છતાં ડૉ. હેડગેવારજીએ તેમને શિસ્તના નામે સંઘમાં આવતાં રોક્યા નહીં કે કોઈની સામે શિસ્તભંગનાં પગલાં પણ લીધાં નહીં, કારણ કે ડૉ. હેડગેવારજી સૌને સમાજઐક્ય માટે અનુશાસિત કરી રહ્યા હતા. હિન્દુસંગઠનના સંસ્કારના આધારે જાગૃત થનાર સ્વયંસેવકના વિચારો અસ્પૃશ્યતાને ધરમૂળથી ફગાવી દેશે, તેવો ડૉ. હેડગેવારજીને પૂર્ણ વિશ્વાસ હતો.
સંઘની શરૂઆતના દિવસોમાં એક શિબિરમાં અસ્પૃશ્યતાવશ જેમને સંકોચ હતો તેઓ સૌ ભોજન માટે અલગ બેઠા. પરંતુ બીજા જ દિવસથી સૌ સ્વયંસેવકો સાથે જમવા બેસી ગયેલા, કારણ કે સૌએ જોયું કે ડૉ. હેડગેવારજીથી પહેલા દિવસથી જ સૌની સાથે પંગતમાં બેઠા હતા.
આ વ્યાખ્યાનમાળામાં બાળાસાહેબ-જીએ પોતાના મિત્ર બચ્છરાજજી વ્યાસની બોધપાઠ લેવા જેવી આવી એક ઘટના વર્ણવતાં કહેલું કે, હું જે શાખાનો પ્રમુખ હતો એ શાખાના બચ્છરાજજી એક સ્વયંસેવક હતા. એમના ઘરનું વાતાવરણ ઘણું જ રૂઢિચુસ્ત હોવાથી તેઓ મારે ઘેર પણ ભોજન કરવા આવતા નહીં. તેઓ પહેલીવાર સંઘની શિબિરમાં આવ્યા ત્યારે તેમને ભોજન બાબતે એક સમસ્યા ઊભી થઈ. તેઓ પોતે પોતાના માટે જુદું ભોજન બનાવવા માગતા હતા. મારી દૃષ્ટિએ તો તેઓને શિબિરમાંથી વિદાય લેવા માટે કહી દેવું જોઈતું હતું.. છતાં મેં આ બાબતમાં ડૉ. હેડગેવારજી સાથે વાત કરી તો તેઓએ બચ્છરાજજીને શિબિર છોડી દેવાનું કહ્યું નહીં, ઊલટાનું તેઓએ તો બચ્છરાજજીને સીધું-સામાન આપી તેમની રસોઈ અલગ બનાવવાની છૂટ આપી. બચ્છરાજજીમાં સમય જતાં યોગ્ય પરિવર્તન થશે એવો વિશ્વાસ ડૉ. હેડગેવારજીને હતો.
બચ્છરાજજીના પ્રથમ વર્ષના શિક્ષણ વખતે આ જ પ્રમાણે ચાલ્યું. પણ બીજી વાર જ્યારે બચ્છરાજજી સંઘ શિક્ષા વર્ગમાં આવ્યા ત્યારે તેમણે પોતે જ કહ્યું કે, હવેથી તેઓ બધાંની સાથે જ ભોજન લેશે. વ્યક્તિ-વ્યક્તિમાં સ્વયં પેદા થતા આ અનુશાસનથી જ સંઘ સમાજઐક્ય સ્થાપિત કરવામાં સફળ નીવડ્યો છે.
શિસ્ત પર અનુશાસનનો વિજય
શિસ્તભંગ બદલ બચ્છરાજજીને શિબિરમાંથી વિદાય આપી દીધી હોત તો બચ્છરાજજીનું શું થયું હોત તે તો ભગવાન જાણે! પરંતુ અનુશાસનના ભરોસે બચ્છરાજજીના વ્યવહારમાં જ એટલી હદે પરિવર્તન આવ્યું કે, આગળ જતાં તેઓ સંઘના પ્રચારક બન્યા અને પછી જનસંઘમાં પણ તેઓએ અખિલ ભારતીય અધ્યક્ષ તરીકેના દાયિત્વનું નિર્વહન કર્યું.
આજના જમાનામાં પણ સંઘે કોઈ નીતિ-નિયમો બનાવેલા નથી, માત્ર અનુશાસનના આધારે જ સંઘ, સંઘ તરીકે (પ્ર)ગતિમાન છે.