મનુષ્યને જીવનમાં તમામ વસ્તુ, વ્યક્તિ, કાર્યના પરિણામ વગેરેમાં પૂર્ણતા શાંતિ-સુખની અપેક્ષા હોય છે. કદાચ આમાંના કોઈ એકમાં તે પ્રાપ્ત થઈ પણ જાય, પરંતુ તમામ પરિસ્થિતિ તથા પરિણામમાં તે પ્રાપ્ત થવી અસંભવ છે. કારણ કે વાસ્તવમાં તે પૂર્ણતાની અપેક્ષા પ્રત્યેક અસ્થાયી, અપૂર્ણ વસ્તુ-વ્યક્તિ-કાર્યફળમાં કરવામાં છે. વાસ્તવમાં કોઈ પૂર્ણતા અપૂર્ણમાંથી પ્રાપ્ત થઈ શકે નહિ. પૂર્ણ તો માત્ર આત્મા (બ્રહ્મ) જ છે.
આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અંતઃકરણની શુદ્ધિ, તિતિક્ષા, રાગ-દ્વેષથી મુક્તિ, વૈરાગ્ય ઈત્યાદિનાં અભ્યાસ-જ્ઞાનથી જ થાય છે અને એ જ્ઞાન જ મોક્ષ છે અને આ જ્ઞાન માટે અનુશાસનયુક્ત જીવનની જરૂરી છે.
બાલ્યકાળમાં બાળક પોતાના વડીલોની આજ્ઞાઓનું શ્રદ્ધાપૂર્વક શંકારહિત થઈ પાલન કરે છે તે અનુશાસન જ છે. યુવાવસ્થામાં તથા આજીવન તે જ અનુશાસનનું પાલન તે ગુરુની આજ્ઞામાં રહીને કરે તથા આત્માવલોકન કરી સ્વાનુશાસનયુક્ત જીવન જીવે. આ જ હિન્દુ ધર્મનાં શાસ્ત્રોનો (સનાતન) બોધ છે. અનુશાસનરહિત જીવન તમોગુણ પ્રધાન હોય છે અને આપણે કર્તવ્યનિષ્ઠ રહી શકતા નથી. અનુશાસિત જીવન થકી જ આપણને જ્ઞાન અને ધ્યેયની પ્રાપ્તિ થાય છે.
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે પણ પોતાના જીવનમાં અનુશાસનનું પાલન કર્યું. તુલસીકૃત રામાયણમાં અનેક ઉદાહરણ છે, જ્યાં વનવાસ દરમિયાન પણ તેઓએ ગુરુની આજ્ઞા (અનુશાસન)નું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું હતું. સ્વયં શ્રીરામે ઉત્તરકાંડમાં કહ્યું છે કે, ‘सोई सेवक प्रियतम मम सोई। मम अनुशासन मानै जोई’ એટલે કે, તે જ મારો સેવક અને પ્રિયતમ છે, જે મારી આજ્ઞા માને.'
વાલ્મિકી રામાયણમાં એ વિવરણ છે કે, પિતાની આજ્ઞાનું પાલન કરતાં શ્રીરામે વનવાસ સ્વીકાર કર્યો, જે કૈકેઈ વગર કોઈને માન્ય ન હતું. પિતા દશરથના પુત્ર વિયોગમાં પ્રાણ ત્યાગ બાદ ભરતજી, માતાઓ તથા નગરવાસી સહિત ગુરુજનોએ શ્રીરામજીને આગ્રહ કર્યો કે, અયોધ્યામાં પરત ફરી રાજ્યનું વહન કરવું એ ધર્મસંમ્મત જ છે, માટે તેઓ એ વાતનો સ્વીકાર કરી રાજ્યનું પાલન કરે, છતાં પણ શ્રીરામ આજ્ઞાપાલનથી વિરત ન થયા. આ પ્રકારની દૃઢતા અનુશાસનયુક્ત જીવન જીવનાર માટે જ શક્ય છે.
રામાયણનું વચન છે કે, અનુશાસન તથા મર્યાદાનું પાલન કરીને સારા વ્યક્તિ બની શકાય છે અને એ જ પ્રભુ શ્રીરામે આપણને પોતાના જીવન થકી જીવી બતાવ્યું છે, ત્યારે જ તો તેઓ મર્યાદા પુરુષોત્તમની ઉપાધિ મેળવી અને આપણા સૌને માટે ઉદાહરણનાં રૂપમાં આદર્શ બન્યા.
પ્રભુ શ્રીરામે અનુશાસનબદ્ધ નિયમિત જીવન જીવીને જ રામરાજ્યની સ્થાપના કરી, જ્યાં સૌ સુખી હતાં અને જ્યાં સુખ ત્યાં જ સ્વર્ગ.
सब निर्दंभ धर्मरत पुनी । नर अरु नारि चतुर सब गुनी ॥
सब गुनग्य पंडित सब ग्यानी । सब कृतग्य नहिं कपट सयानी ॥
સ્વર્ગનું સુખ રામરાજ્યમાં હતું અને એવા રામરાજ્યની આપણે સદા કામના કરીએ છીએ, જેનાં મૂળમાં અનુશાસનયુક્ત જીવન જ છે.
- સ્વામી પરમાત્માનંદજી