ડો. બાબાસાહેબ આંબેડકર અને અનુશાસન

ડો. બાબાસાહેબ આંબેડકર ૧૯ ઓગસ્ટ, ૧૯૩૯ના રોજ પૂનાની ભાવે સ્કુલમાં ચાલતા રાષ્ટીય સ્વયંસેવક સંઘના શિબિરમાં આવ્યા ત્યારે ડો. હેડગેવારની ઉપસ્થિતિમાં એમણે જે વ્યાખ્યાન આપેલું એનો વિષય પણ `લશ્કરી અનુશાસન અને સંગઠન" હતો.

    ૨૭-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

babasaheb ambedkar anushasan in gujarati
 
 
યુગપ્રવર્તક મહાપુરૂષ પોતાના અલ્પજીવનકાળમાં સમાજ અને રાષ્ટ્રજીવનના અનેક પાસાંને સ્પર્શે છે. ઘણીવાર આ મહાપુરૂષના કોઇ એક જ પાસા પર વધુ ભાર મૂકી એજ એમનું જીવન કાર્ય હતું એવી વાતો વહેતી કરવામાં આવે છે. દરેક જણ પોતાની ફૂટપટ્ટીથી મહાપુરૂષને માપવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં એ મહાપુરૂષનું અધૂરું વિષ્લેષણ હોય છે.
ડો. ભીમરાવ રામજી આંબેડકર પણ માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યતા સામે લડવાર એક સામાજિક યોદ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર નેતા જ નહોતા, તેઓ એક મહાન રાષ્ટ્રનિર્માતા હતા. ડો. બાબાસાહેબનું વ્યક્તિત્વ ઘણું વિરાટ અને ઉત્તુંગ હતું. `નેશન ફર્સ્ટ' એ એમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં રહ્યું. મહાપુરુષની શ્રેણીમાં ડો. બાબાસાહેબની ગણના એટલા માટે થઇ કે, એમણે પોતાના જીવનમાં અનુશાસનને સૌથી વધુ મહત્વ આપ્યું. એમણે અનુશાસનને પોતાના જીવનમાં સર્વોચ્ચ ન માન્યું હોત તો એ સમાજને અરાજકતા તરફ લઇ ગયા હોત, પણ એવું ન બન્યું! મહાડ સત્યાગ્રહ અને કાલા મંદિર પ્રવેશ સત્યાગ્રહ સમયે આપણે એ દેખાય છે! સંવિધાન રચનામાં પણ આપણે એજ અનુશાસનના દર્શન કરી શકીએ છીએ. ડો. આંબેડકરજીની દૃઢ માન્યતા છે કે, અનુશાસન વગર લોકતંત્ર ટકી ન શકે. ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે બંધારણ સભાને બંધારણઅર્પણ સમયે આપેલા ભાષણમાં એમણે કહ્યું છે, લોકતંત્રને ટકાવી રાખવું હોય મારા મત અનુસાર આપણા સામાજિક અને આર્થિક ઉદ્દેશ્ય સાધ્ય કરવા માટે કાયદાકીય યોગ્ય માર્ગે ચાલવું જોઇએ. ક્રાંતિના વિધ્વંસકારી માર્ગોનો ત્યાગ કરવો જોઇએ. આપણે કાનૂન ભંગ, અસહયોગ તથા સત્યાગ્રહના માર્ગો છોડવા જોઇએ.
અસ્પૃશ્યતા સામે એમણે વ્યક્ત કરેલા આક્રોશમાં પણ એમની વાણી - વર્તનમાં અનુશાસન અનુભવી શકીશું. કહેવાય છે કે, રાષ્ટ્રપુરૂષનો પડછાયો ભવિષ્ય પર બહુ લાંબો પડે છે.
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર જીવન અલૌકિક હતું. એમનો પરિવાર આર્થિક રીતે સામાન્ય હતો, પરંતુ અત્યંત ધાર્મિકવૃત્તિ ધરાવતો હતો. તેમના દાદા માલોજીરાવે રામાનંદ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. અધ્યાત્મ જાણે તેમની નસનસમાં લોહી બનીને વહેતો હતો. પિતા રામજી પણ એટલા જ ધાર્મિક. તેમણે પણ કબીરપંથની દીક્ષા લીધી. રામજીના મોટા ભાઈ એટલે કે બાબાસાહેબના મોટા કાકાએ પણ સંન્યાસની દીક્ષા લઇ ગૃહત્યાગ કર્યો હતો.
 
ડૉ. બાબાસાહેબના જીવનની એક બીજી પણ મહત્ત્વપૂર્ણ વાત છે કે, બાળ ભીમને પિતા રામજીએ બાળપણથી જ ધાર્મિક સંસ્કાર આપ્યા હતા. બાળપણના આ સંસ્કારોનો તેમના પર આજીવન ઊંડો પ્રભાવ રહ્યો. રામજી વહેલી પ્રભાતે ઊઠી જતા. ભજન, સ્તોત્રો અને શ્લોકો વગેરેનો પાઠ કરતા. સાંજે પણ સાતથી નવ વાગ્યા સુધી પૂજા-અર્ચના ચાલતી. પૂજા સમાપ્ત થયા પછી ગીતાના બીજા અધ્યાયના ૧૯થી ૨૩ સુધીના શ્લોકોનું નિત્ય પઠન થતું. શ્લોકો ગાતી વખતે તેમનો સ્વર અત્યંત ગહન અને મધુર રહેતો. તેઓ અંતે ભીમને આશીર્વાદ આપતી વખતે કહેતા, તું ખૂબ-ખૂબ ભણ. મોટો થઈને વિદ્વાન બન. તું ખૂબ કીર્તિ મેળવ અને સમગ્ર દુનિયામાં આપણા કુળનું નામ રોશન કર.
 
બાળપણમાં મળેલા ધર્મ અને ધાર્મિક સંસ્કારનો ડૉ. બાબાસાહેબ પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. ધાર્મિક વાતાવરણની પોતાના મન પર પડેલી અસર વિશે ડૉ. બાબાસાહેબ કહે છે- અમારો પરિવાર બહું ધનવાન નહોતો. છતાં ઘરનું વાતાવરણ કોઈ પ્રગતિશીલ સુશિક્ષિત પરિવારને શોભે એવું હતું. અમારા પિતા હંમેશા સજાગ રહેતા કે અમારામાં અભ્યાસની રુચિ હંમેશા જાગૃત રહે અને અમારું ચરિત્ર ઉજ્જવળ બને. ભોજન પહેલાં તેઓ અમને પૂજાઘર સામે બેસાડીને અમારી પાસે ભજન, દોહા વગેરે ગવડાવતા.
 
તેઓ ભક્તિભાવથી સંતોનાં ભજન અને કબીરના દોહા ગાતા ત્યારે વાતાવરણ બહુ ગંભીર અને પવિત્ર બની જતું. `મારા પિતાજીમાં ઘણું ખરું કંઠસ્થ કરી લેવાની ક્ષમતા હતી. પિતાજી એક પછી એક સતત ભજન ગાઈ શકતા. પિતાજીની આ ક્ષમતાનો અમને ખૂબ ગર્વ થતો. આ જ રીતે મારી બહેનો જ્યારે મધુર સ્વરમાં ભજનો ગાતી ત્યારે મને બહુ ગમતું.' તેઓ આગળ કહે છે, `હું ધર્મને માનવતા સાથે જોડું છું. પિતાજીની ભજનભક્તિને કારણે મને મુક્તેશ્વર, તુકારામ જેવા સંત કવિઓના ગીત-ભજન-દોહા કંઠસ્થ થઈ ગયેલા.'
 
અસ્પૃશ્ય સમાજના ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્રકાર્ય-દેશસેવા છે. તેમના ઉત્થાન માટે પુરુષાર્થ કરવો એટલે ભારતીય રાષ્ટ્ર તથા વિશ્વની સેવા કરવા સમાન છે (જનતા સામયિક, ૧૫ જૂન, ૧૯૩૨)
 
જો તમે આપણા રાષ્ટ્રની ઉન્નતિ ઇચ્છતા હોય અને દુનિયાના મુખ્ય રાષ્ટોમાં આપણને પણ માન મળવું જોઇએ. આ માટે પ્રયત્નો થવા જોઇએ તેમજ કોઇપણ રાષ્ટ્રમાં, સમાજમાં આંતરિક સમન્વય હોવું જોઇએ.
 
(મૂકનાયક સામયિક અંક ૧૩, ૩૧, જુલાઇ ૧૯૨૦)
 
ડો. આંબેડકરે કરુણા, વિદ્યા, અનુશાસન અને સંસ્કાર એ ચાર શબ્દોથી પોતાના જીવનનું ઘડતર કર્યું.
 
તેઓ માને છે કે સફળતા અનુશાસન-ચારિત્ર્ય વગર ન મળે, અને એ માણસમાં લાવવાની તાકાત શિક્ષકમાં છે. શીલ વિનાના શિક્ષણનું મૂલ્યશૂન્ય છે. જ્ઞાન તલવાર છે. તલવારનો સદુપયોગ કે દુરુપયોગ તલવારને પકડનારાના શીલ પર આધાર રાખે છે. તલવારથી તે રક્ષક પણ બની શકે છે અને ભક્ષક પણ. એટલે જ જો શિક્ષિત વ્યક્તિ શીલવાન હશે તો તે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના ઉદ્ધાર માટે કરશે. જોતે શીલવાન નહીં હોય તો સમાજને નુકસાન કરી બેસશે.
 
૨૦ માર્ચ, ૧૯૨૭ના દિવસે મહાડના ચવદાર તળાવનું પાણી પીવા માટે સત્ય, ન્યાય અને પોતાના બાંધવોના ઉદ્ધાર માટે પોતાના અનુયાયીઓની સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર તળાવ પર પહોંચ્યા ત્યારે કહેવાય છે કે, તેમના અનુયાયીઓની શિસ્ત વખાણવા લાયક હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચવદાર તળાવનું પાણી પોતાની હથેળીમાં લઈને પીધું, ત્યાં હાજર દરેક અસ્પૃશ્ય લોકોએ ડો. આંબેડકરની ક્રિયાનું અનુકરણ કર્યું. યુગો બાદ અસ્પૃશ્યોએ પોતાના નાગરિક અને માનવીય અધિકારોને સ્વીકાર્યા એટલું જ નહીં તેને અમલી બનાવ્યા હતા. તળાવનું પાણી પીધા બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમના અનુયાયીઓ શાંતિથી સભાસ્થળે પાછા ફર્યા. અનુશાસનના આધારે શરુ થયેલા સત્યાગ્રહ એ ડૉ. બાબાસાહેબ આંબેડકરની હિન્દુ સમાજની સામાજિક પુનઃરચનાની ચળવળને નવો જ વળાંક આપનારી અભૂતપૂર્વ ઘટના હતી. પરંતુ આ ઘટનાથી મહાડના જાતિવાદી લોકો ચિડાયા. એમણે તળાવનું શુદ્ધિકરણનું નાટક કર્યું. જાતિવાદીઓના દબાણથી અંગ્રેજ સરકારે ફરીથી અછૂતોને તળાવનું પાણી લેવા પર પ્રતિબંધ લાદ્યો.
 
જાતિવાદીઓ દ્વારા શુદ્ધિ અને અંગ્રજે સરકારની પીછેહઠથી નારાજ થઈ ડો. બાબાસાહેબે મહાડમાં પુન સત્યાગ્રહ કરવાનો કાર્યક્રમ આપ્યો. તારીખ હતી ૨૫ ડિસેમ્બર ૧૯૨૭. ડૉ. બાબાસાહેબ આંબેડકરે મહાડ સત્યાગ્રહ ન્યાય મેળવવા માટે શરૂ કર્યો હતો અને ન્યાય, અન્યાયની આ લડત માટે એમણે ગીતાનો સહારો લીધો.
 
સત્યાગ્રહ શરુ કરતા પહેલા અમરાવતીમાં ૧૩ નવેમ્બર, ૧૯૨૭ના રોજ બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં અધ્યક્ષીય પ્રવચનમાં ડો. આંબેડકરે જે કહ્યું એ એમના જ શબ્દોમાં નૈતિકતા, સમાનતા, સામૂહિકતા છે ત્યાં સત્ય છે. આ સિદ્ધાંતો માટે ભરાતું પગલું સત્યાગ્રહ છે. સત્યાગ્રહની મારી પરિભાષા આ જ છે. સત્યાગ્રહ એ મારો પોતાનો વિચાર નથી, એ મેં ગીતામાં વાંચ્યો છે. ઘણા લોકોન્ો આશ્ચર્ય થતું હશે કે હું સત્યાગ્રહ માટે ગીતાનો સહારો કેમ લઉં છું? ઘણા માને છે કે સત્યાગ્રહ ગીતાની વિષયવસ્તુ નથી, પરંતુ એ સાચું નથી. વાસ્તવમાં સત્યાગ્રહ ગીતાનો મૂળ સિદ્ધાંત છે. તમે ખૂબ ધ્યાનથી વિચારશો કે શ્રીકૃષ્ણએ ગીતાનો સંદેશ કેમ આપ્યો, તો ખબર પડશે કે હું જે કંઇ કહું છું એ સાચું છે. અર્જુન જ્યારે રથ ઉપરથી ઊતરી ગયો અને યુદ્ધમાં પોતાની સામે પોતાના વડીલો અને ગુરુઓને જોઈને દુઃખી થઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણએ એને શું સલાહ આપી હતી? શ્રીકૃષ્ણએ કહ્યું હતું - દુઃખી ન થા, જેણે તારું રાજ્ય છીનવી લીધું છે એવા લોકો સાથે તારા અધિકારો માટે લડવા તૈયાર રહે... એ પછી અર્જુને પૂછયું કે, મને બતાવો કે તમે જે કહી રહ્યા છો, એ સત્ય કેવી રીતે છે અને મારી માંગણી સત્યાગ્રહ કેવી રીતે છે? અર્જુનનો આ એક સવાલનો જવાબ જ ગીતા છે. ગીતામાં બીજો કોઈ સિદ્ધાંત નથી, પરંતુ સત્યાગ્રહની જ વાત છે. એટલા જ માટે મેં અછૂતો માટે સમાન અધિકારની અમારી માંગણી માટે ગીતાને આધાર બનાવી છે.
 
જેના માટે મેં સત્યાગ્રહનો આધાર ગીતાને બનાવી એનું કારણ એક બીજું પણ છે અને એ છે ગીતા બંન્ને પક્ષોને સ્વીકાર્ય છે - અસ્પૃશ્ય અને સવર્ણ બંનેને... હવે જોવાનું એ રહે છે કે અમારો સત્યાગ્રહ ગીતાની કસોટી પર ખરો ઊતરે છે કે નહીં.
કેસ કોર્ટમાં હોવાથી સરકારે સત્યાગ્રહ માટે મંજૂરી ન આપી ત્યારે એક લીડરની ભૂમિકા કેવી અનુશાસન પ્રિય હોવી જોઇએ એના દર્શન ડો. આંબેડકરમાં થાય છે. દેશભરમાંથી હજારો લોકો સત્યાગ્રહ માટે આવ્યા હતા. બધા આક્રોશમાં હતા એમને સમજાવવાના હતા. ડો. આંબેડકર પોતાના અનુયાયીઓને આ શબ્દોમાં સમજાવે છે, `તમારી લાગણી હું સમજુ છું પરંતુ મામલો કોર્ટમાં હોય તો ચુકાદાની રાહ જોવી તે લોકશાહી રીત છે.'
 
આ સત્યાગ્રહ સમયે વિવિધ ઠરાવ પસાર થયા હતા. તેમાં ત્રીજા ઠરાવ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે, `સર્વે હિંદુઓને એક જ વર્ણના સમજવા.'
 
નેતૃત્વની કસોટી આવી કટોકટીની પળે થતી હોય છે. ભયાનક વિસ્ફોટક પરિસ્થિતિ હોવા છતાં ડો. આંબેડકરે એ પછી હજારો અનુશાસનબદ્ધ લોકો ડો. બાબાસાહેબના નેતૃત્વમાં સરઘસ રૂપે ચવદાર તળાવે ગયા. માત્ર ચવદાર તળાવની પ્રદક્ષિણા કરી. કાયદાને માન આપ્યું. એક નેતાની નૈતિક શક્તિ જ આવા અદ્ભુત અનુશાસનના દર્શન કરાવી શકે!
 
ખુદ ડો. આંબેડકરના અનુયાયી અને બીજી લોકસભામાં (૧૯૫૭-૧૯૬૨) શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનમાંથી ચૂંટાયેલા એક માત્ર સંસદસભ્ય બાળાસાહેબ સાળુંકેની ડાયરીમાં લખ્યું છે, તે અનુસાર. ડો. બાબાસાહેબ આંબેડકર ૧૯ ઓગસ્ટ, ૧૯૩૯ના રોજ પૂનાની ભાવે સ્કુલમાં ચાલતા રાષ્ટીય સ્વયંસેવક સંઘના શિબિરમાં આવ્યા ત્યારે ડો. હેડગેવારની ઉપસ્થિતિમાં એમણે જે વ્યાખ્યાન આપેલું એનો વિષય પણ `લશ્કરી અનુશાસન અને સંગઠન' હતો.
 
 - કિશોર મકવાણા ( પૂર્વ તંત્રી, સાધના સાપ્તાહિક )