સૌથી લાંબા સમય સુધી સૂર્ય ભગવાનના પ્રકાશિત રહેવાના ૨૧ જૂનના દિવસે `વિશ્વ યોગ દિવસે' વિશ્વ યોગમય બની જતું હોય છે. યોગસૂત્રો થકી યોગદર્શનને - જીવનદર્શનને પામવું, એને સાદી ભાષામાં `નરથી નારાયણની યાત્રા' કહી શકીએ. આ યોગસૂત્ર પૈકીનું એક સૂત્ર છે- अथ योगानुशासनम्..
યોગ સૂત્ર યોગદર્શનનાં કુલ સૂત્રોમાં સૌથી પ્રથમ સૂત્રનો ઉલ્લેખ કરતાં अथ योगानुशासन એવું લખેલ છે, જેનો શાબ્દિક અર્થ `હવે, યોગશાસ્ત્ર અનુસરણ, પાલન કરીએ'. વિસ્તૃત રીતે જોઈએ તો હવે યોગ વિષય શાસ્ત્રનો અભ્યાસ આરંભ કરીએ. એટલે કે અનુશાસિત થઈને યોગના માર્ગમાં આગળ વધીએ.
અહીં યોગ સૂત્રમાં આપેલ અનુશાસન શબ્દ પર વિશેષ પ્રકારે ધ્યાન આપતાં એવું સમજાય છે કે, `યોગ એ શાશ્વત અને નાશવંત વસ્તુનું મિલન- જોડવાની પ્રક્રિયા છે, જેનો સરળ શબ્દોમાં આત્મા અને શરીરનું મિલન, ચૈતન્ય તત્ત્વ અને શરીર બંને અલગ છે. ભૌતિક શરીરમાં રહેલા ચૈતન્ય તત્ત્વની ઓળખ મેળવવી એ જ યોગ છે અને તે પ્રાપ્ત કરવા માટે યોગની વ્યાખ્યા આપતાં મહર્ષિ પતંજલિએ બીજા સૂત્રમાં કહ્યું છે કે ચિતવૃત્તિ નિરોધ એટલે યોગ, સૂત્ર આ પ્રમાણે સંસ્કૃત ભાષામાં આપેલ છે. ‘योगःचित्तवृत्ति निरोध’એટલે કે માનવશરીરમાં ઉત્પન્ન થતી ચિત્તની વૃત્તિઓને રોકવી, તેને અંકુશમાં લેવી, તેને ઉત્પન્ન જ ન થવા દેવી, તેને યોગ કહેવામાં આવે છે. ચિત્ત એટલે મન અને મનની અંદર ઉત્પન્ન થતા વિચારોનાં વૃંદો વર્તુળ આકારમાં ફરતાં જ રહે છે. આવા એક દિવસમાં ૧૭,૦૦૦થી વધુ વિચારો મનની અંદર ઉદ્ભવે છે અને નિરંતન પુનઃ પુનઃ આવતા જ રહે છે તેને અંકુશમાં રાખવા માટેનું શ્રેષ્ઠ સાધન એ યોગ છે.
આમ યોગ અને અનુશાસનને અલગ ન કરી શકીએ. અનુશાસન વિનાનો યોગ શક્ય નથી. આત્માવલોકન કરતાં કરતાં સ્વયંસ્ફુરે તે અનુશાસન. અનુશાસન એટલે યોગીઓનું સ્વયં પરનું શાસન. અનુશાસનમાં માનનાર માટે શિસ્ત (Discipline) અંગેની કોઈ આવશ્યકતા રહેતી નથી. બાહ્ય રીતે ઠોકી બેસાડેલી હોય તે શિસ્ત. શિસ્તમાં બે પક્ષો અનિવાર્ય છે- ૧) શિસ્ત લાદનાર અને ૨) શિસ્ત પાળનાર. તેનાથી પર છે- અનુશાસન. અનુશાસનમાં આવું કોઈનું લાદેલું પાળવું પડે; તેવી કોઈ સ્થિતિ નથી હોતી. અનુશાસન આત્મવત્ હોઈ સર્વ સ્થિતિ-કાળમાં સહજ હોય છે, એવું કહેવું સહેજે અતિશયોક્તિભર્યું નહીં ગણાય કે, અનુશાસન પરિસ્થિતિનિરપેક્ષ છે, જેના મૂળમાં પરિસ્થિતિસાપેક્ષ વિવેક સ્થિત છે.
આધુનિક દોડધામભરી જિંદગીને કારણે માનવી અનેક પ્રકારના રોગોનો ભોગ બન્યો છે. તેમાંથી છુટકારો મેળવવા દરેક વ્યક્તિએ યોગને જીવનમાં ઉતારવો પડશે તો જ સમાજ-વ્યવસ્થા અને તેનાથી રાષ્ટ-વ્યવસ્થા ટકી રહેશે અને વ્યક્તિનિર્માણથી રાષ્ટનિર્માણ તરફ પ્રયાણ થઈ શકશે. રા.સ્વ.સંઘના પરમ પૂજ્ય ગુરુજીના શબ્દોમાં ‘तेरा तुझको अर्पण’, ‘राष्ट्राय स्वाहा’'નો ભાવ ધરવાનો રહે છે.
કોઈ પણ તંત્ર કે વ્યવસ્થા માટે એક કડીરૂપ સાંકળ, સ્ટેપ, અનુક્રમ, પદ્ધતિ અને તર્કબદ્ધ યોજના હોય છે અને આવી યોજના એક નિશ્ચિત ધ્યેયપ્રાપ્તિ માટે અંતિમ પરિણામ સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રેરક બળ (સાધન) બની રહે છે. મહર્ષિ પતંજલિના યોગદર્શનમાં આપેલાં દરેક સૂત્રો સંબંધે અનેક ઋષિમુનિઓ દ્વારા અનેક પ્રકારના વિશ્લેષણ સાથે અનેક પુસ્તકો લખાયેલાં છે, જે પૈકી સ્વામી સ્વાત્વારામજીએ આ પ્રથમ સૂત્રનો અર્થ કરતાં જણાવ્યું છે કે, યોગના માર્ગે આગળ ચાલવાનું છે. પ્રવેશ કરવાનો છે તો અનુશાસિત થઈને ચાલવાનું રહેશે જેમ કે સમગ્ર સૃષ્ટિમાં ચાંદ, તારા, સૂરજ, પૃથ્વી અનેક ગ્રહો એક સુવ્યવસ્થિત સમયબદ્ધ અને નિર્ધારિત સ્થાન પર, નિર્ધારિત કાર્યપદ્ધતિ, નિર્ધારિત લક્ષ્ય સાથે નિત્ય, નિરંતન, અહર્નિશ પોતાનું કામ કરી રહ્યા છે તે પ્રમાણે યોગના માર્ગે આગળ જવા માટે આવું જ અનુશાસન બનાવી રાખવાથી અંતિમ લક્ષ્ય મોક્ષ, સમાધિ સુધી પહોંચી શકાશે તેવું જણાવેલ છે.
વ્યક્તિગત અનુશાસન અંતર્ગત પાંચ નિયમ આપેલા છે- શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રણીધાન અને સામૂહિક અનુશાસન અંતર્ગત પાંચ યમ છે યમ, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તે જ પ્રમાણે રાજ્ય અને રાષ્ટ માટે પણ અનુશાસિત થવા માટે યમ અને નિયમની જેમ બંધારણ, નિયમો, ન્યાયપ્રણાલી, વહીવટીતંત્ર અને જાહેર આદર્શોનું પાલન કરવું અનિવાર્ય છે. અનુશાસનથી વ્યક્તિથી લઈ વિશ્વસ્તરના આનંદની અનુભૂતિ કરાવી શકાય છે.
- શિશપાલજી રાજપૂત