દેશની પ્રગતિ માટે આર્થિક અનુશાસન જરૂરી

જો સાચા અર્થમાં આર્થિક વિકાસ કરવો હશે અને દેશની પ્રગતિ જોવી હશે તો ભારતના દરેક નાગરિકે આર્થિક અનુશાસન જાળવવું પડશે.

    ૨૭-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

economy india discipline anushasan
 
 
દિલ્લીની ચૂંટણી માથે આવી એટલે આઆપ સરકારે રેવડીઓ વહેંચવાની શરૂ કરી દીધી. પહેલાં મહિલાઓને દર મહિને ૨,૧૦૦ રૂપિયા વહેંચવાની જાહેરાત થઈ. બંધારણની અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની વાતો કરતા કેજરીવાલે આ યોજનાની જાહેરાત પોતે કરી. કરવી જોઈતી હતી, મુખ્ય પ્રધાન આતિશી મારલેનાએ. જોકે કેજરીવાલ પોતે જ તેમને કામચલાઉ મુખ્ય પ્રધાન કહીને તેમના પદની ગરિમા ઓછી કરે છે. એમ તો, પંજાબમાં નવી-નવી આઆપ સરકાર રચાઈ તે પછી ત્યાંના આઈએએસ અધિકારીઓની બેઠક કેજરીવાલે દિલ્લીમાં બોલાવી હતી !
 
પરંતુ આ જાહેરાત પછી તરત રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવાયું. પછી ભાંગરો વટાઈ ગયો છે તેમ જાણ થતાં આતિશી સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે જ જાહેરાત કરી કે, હજુ આ યોજના અમલમાં નથી મુકાઈ એટલે આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો સાથે નોંધણી કરાવવા દોડી ન આવતા.
 
આટલું હજુ ઓછું હોય તેમ કેજરીવાલે પૂજારી અને ગ્રંથિઓ માટે મહિને રૂ. ૧૮,૦૦૦ આપવાની યોજનાની જાહેરાત કરી. જે કેજરીવાલ અને તેમના સાથીઓ અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ પર મંદિરની જગ્યાએ હૉસ્પિટલ બનાવવાની વાતો કરતા હતા અને સીએએની સામે મુસ્લિમોને ધરણા માટે મદદ કરતા હતા, તેમજ અગાઉની ચૂંટણી પછી ઈમામોને પગાર ચાલુ કર્યા હતા તેમને અચાનક પૂજારી અને ગ્રંથિઓ પ્રત્યે પ્રેમ ઊભરાઈ આવ્યો તેથી શું થશે એ ભગવાન જાણે, પરંતુ મુસ્લિમોના મતો કૉંગ્રેસ તરફ ઢળે તેવી વધુ શક્યતા છે.
 
આ બધામાં પ્રશ્ન એ છે કે, આ પ્રકારની લાલચો ચૂંટણી પહેલાં આપીને મત મેળવવાનું ક્યાં સુધી ચાલશે? ચૂંટણી જીતવા માટે અગાઉ કેજરીવાલે દિલ્લી મેટ્રોમાં મહિલાઓને મફત મુસાફરીનું વચન આપેલું. ૨૦૦ યુનિટ સુધી મફત વીજળીનું વચન આપ્યું. યોજનાઓ ગરીબોને કે નિમ્ન મધ્યમ વર્ગને લાભ આપવા માટે હોય તેમાં કોઈ નકાર ન હોઈ શકે. પરંતુ આવા રેવડી કલ્ચરથી દેશનું આર્થિક અનુશાસન જોખમાય છે. અને આવી આર્થિક અનુશાસનહીનતા લાંબા સમય સુધી ચાલે તો દેશને સર્વ ક્ષેત્રે નુકસાન થાય છે.
 
આજે પણ વિપક્ષ શાસિત રાજ્યોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિશેષ તો કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશ પર દેવાનો બોજો વધતો જઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પગાર અને પેન્શનનો ખર્ચો વધતો જઈ રહ્યો છે. આવક ઉત્પન્ન કરવાનાં સંસાધનો મર્યાદિત છે. આના કારણે કૉંગ્રેસ સરકારને આર્થિક શિસ્તનાં પગલાં લાદવા પડ્યાં છે. તમને સ્મરણ હોય તો ૨૦૦૮ની વૈશ્વિક મંદી વખતે પણ યુપીએ સરકારે આવાં પગલાં લાદ્યાં હતાં, પરંતુ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન શશિ થરૂરને તે પસંદ પડ્યા નહોતાં અને તેમણે તેની ટીકા કરી હતી. તેમને વિમાનમાં ઈકૉનૉમી ક્લાસમાં મુસાફરી કરવાનું સરકારે નક્કી કર્યું તે ગમ્યું નહોતું અને તેને ઢોરોનો ડબ્બો (કેટલ ક્લાસ) ગણાવ્યો હતો. તે પછી તેમનો બંગલો રિનૉવેશનમાં હતો, તેથી તેઓ હૉટલમાં રહે તે વાત માની શકાય, પરંતુ ફાઈવ સ્ટાર હૉટલમાં તેઓ રહેતા હતા તે પણ ટીકાને પાત્ર બન્યું હતું.
 
આમ, પહેલાં મત મેળવવા ખેડૂતોનું ઋણ ક્ષમા કરી દેવાનું અને એવાં વચનો આપવાનાં, ફોન પર લોન અપાવવાની, અને પછી આ રીતે કરકસરનાં પગલાં જાહેર કરી અમે તમારી સાથે છીએ તેવો જનતાને સંદેશ આપવાનો. તેમાંય શશિ થરૂર જેવા પ્રધાનો પાછા ન માને.
 
હિમાચલ પ્રદેશમાં પણ આવું જ છે. બે વર્ષ પહેલાં તેનું દેવું ૮૮,૦૦૦ કરોડ હતું, જે ગયા વર્ષે (૨૦૨૪)માં ૯૭,૦૦૦ કરોડ થાય તેવો અંદાજ છે. થોડા મહિનાઓ પહેલાં સીઆઈડી મુખ્યાલયમાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન સુખવિન્દરસિંહ સુક્ખુ ઉપસ્થિત રહેવાના હતા તેમાં સમોસાં મંગાવાયાં હતાં, પરંતુ મુખ્ય પ્રધાન સુધી તે પહોંચ્યાં નહીં. અને તેની સીઆઈડી તપાસનો આદેશ થયો! બોલો! સમોસાંની કિંમત કેટલી! પરંતુ સમોસાં પણ છૂટતાં નથી. અને હિમાચલ પ્રદેશમાં ઘરોમાં કેટલાં શૌચાલય છે તે મુજબ કર લગાવવાનો નિર્ણય કરાયો છે! (જોકે પછી ત્યાંના જળશક્તિ વિભાગે જાહેરાત કરી કે, આવો કોઈ વેરો કૉમર્શિયલ ટૉઇલેટ સીટ પર લગાવાયો નથી, પરંતુ ઘરેઘરે શૌચાલય હોય તેનું શું તે જાણ નથી) આ જ રીતે જાહેર શૌચાલયોમાં પણ પુરુષો અને મહિલાઓ માટે શુલ્ક લેવાનું શરૂ કરાયું હતું. જોકે વિરોધ પછી આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. સરકારે લોકોનું મન જીતવા એવી જાહેરાત કરી કે, બે મહિના સુધી પ્રધાનો પોતાનો પગાર નહીં લે.
 
વીજળી અને પાણી મફત આપવાના વચન સાથે પંજાબમાં આઆપે સત્તા તો મેળવી લીધી, પરંતુ આર્થિક સ્થિતિ બગડી જતાં હવે ત્યાં પણ આઆપ સરકાર જાતજાતના વેરા લગાવી રહી છે. આ બધું આર્થિક અનુશાસનના અભાવે થઈ રહ્યું છે.
ગત વર્ષે એપ્રિલમાં કેરળમાં પણ આર્થિક સંકટ જોરદાર હતું. કર્મચારીઓનો પગાર અને પેન્શન અટકી પડે તેમ હતું. સરકારે આના માટે કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ છૂટું ન થયું હોવાનું બહાનું સામ્યવાદી સરકારે કાઢ્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલયમાં કેન્દ્રએ પણ કહેવું પડ્યું હતું કે કેરળ આર્થિક રીતે સૌથી માંદું રાજ્ય છે. અને તેનું કારણ આર્થિક પ્રબંધનની અને આર્થિક અનુશાસનની જાળવવાની અણઆવડત છે. જોકે `દેશ પ્રથમ'ની ભાવના સાથે કેરળમાં ભલે વિપક્ષી સરકાર હોય, પરંતુ લોકો તો ભારતીય છે, તેમને તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકારે ગત વર્ષે મેમાં રૂ. ૨૧,૨૫૩ કરોડના પેકેજની અનુમતિ આપી હતી.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં સાક્ષરતા મિશન હેઠળ કામ કરનારા સાક્ષરતા પ્રેરક ઈ. એસ. બિજુમનને નવ મહિનાનો પગાર ન મળતાં, તેમણે આત્મહત્યા કરી લીધી હતી. બિજુમનને સર્વ શ્રેષ્ઠ સાક્ષરતા પ્રેરક તરીકે રાષ્ટપતિનો પુરસ્કાર મળ્યો હતો ! વર્તમાન મોંઘવારીમાં, એકાદ મહિનાનો પગાર પણ ન મળે તો સ્થિતિ કફોડી થઈ જાય ત્યારે આ તો નવ મહિના ! ત્યાં પણ સામ્યવાદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયાનો ઉપ વેરો (સેસ) નાખી જનતાને ખંખેરી લીધી.
 
આમ, વિકાસકામો કરી વચનો પૂર્ણ કરી મત મેળવવાના બદલે વિપક્ષો જનતાને રેવડીઓ વહેંચવાનાં વચનો આપી ચૂંટણી તો જીતી લે છે, પરંતુ તેના કારણે આર્થિક અનુશાસન ન જળવાતાં પછી શૌચાલય વેરા જેવા ઝીંકવા લાગે છે. જનતા વધુ હેરાન થાય છે. સુવિધા મળતી નથી. પગાર થતા નથી. અને દેશને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના વડા પ્રધાન મોદીના સપનાને ફટકો પડે તે તો અલગ.
 

economy india discipline anushasan 
 
પ્રજા માટે પણ આર્થિક અનુશાસન આવશ્યક
 
સરકારે જેમ દેશની અને રાજ્યની તિજોરી પર અનાવશ્યક બોજો ન પડવા દેવો જોઈએ તેમ દેશની પ્રજાનું પણ કર્તવ્ય છે કે, તે પણ અનાવશ્યક ખર્ચા ટાળી આર્થિક અનુશાસન જાળવે. ૧૯૯૧માં ઉદારીકરણ પછી દેશ મૂડીવાદના માર્ગે છે. તેના લીધે આજે સ્થિતિ એ છે કે, દરેક બાબતને તેના ભૌતિક મૂલ્યથી આંકવામાં આવે છે. રૂપિયા-પૈસામાં માપવામાં આવે છે.
 
સમાચારપત્રો - ટીવી - વેબસાઇટ પર થતો વિજ્ઞાપનોનો મારો, ધારાવાહિકો અને ફિલ્મોમાં આડકતરી રીતે દર્શાવાતી વિજ્ઞાપનોના લીધે તે ચીજ સ્વાસ્થ્ય માટે કે ત્વચા માટે કેટલી સારી છે કે ખરાબ તે વિચાર્યા વગર લોકો ખરીદવા લાગે છે.
ભારતીય દર્શન આંતરિક સૌંદર્ય પર ભાર મૂકે છે, જ્યારે પશ્ચિમ બાહ્ય સૌંદર્ય પર. પહેલાં એક ઘરમાં અરીઠાથી આખો પરિવાર વાળ ધોતો તેમાં હવે ઘરના સભ્યો દીઠ અલગ-અલગ શેમ્પૂ આવે છે. શેમ્પૂ વાળની ગુણવત્તા મુજબ અલગ-અલગ આવે છે. તેથી દરેક સભ્ય હવે કમાનાર નથી રહ્યો, પણ ઉપભોક્તા અવશ્ય બની ગયો છે.
 
દર રવિવારે મોંઘી હૉટલમાં લાઇનમાં ઊભા રહીને પણ પેટ બગડે તેવું જમવું તે હવે એક પરંપરા બની ગઈ છે. તે સિવાય ઝૉમેટો, સ્વિગીના કારણે ઘરમાં જંક ફૂડ મંગાવવામાં આવે તે જુદું. બાળકોને બ્રાન્ડેડ ચીજો જ જોઈએ છે.
 
દર વર્ષે ક્યાંક ફરવા જવું જ એવો નિયમ બની ગયો છે. અને એ માટે પણ દેખાદેખીમાં લોકો બેફામ ખર્ચા કરે છે. જેનાથી પરિવારનું આર્થિક આયોજન બગડે છે. અને આ અનુશાસનહીનતા ક્યારેક પરિવારો માટે ગંભીર સ્થિતિ ઊભી કરે છે.
જન્મદિવસની ઉજવણી અને લગ્ન દિવસે ને દિવસે મોંઘા બનાવતાં જઈએ છીએ. સૉશિયલ મીડિયાના કારણે લોકોને દેખાડવું હવે એક અનિવાર્ય દૂષણ બની ગયું છે. આ બધાના કારણે પતિને અનિચ્છાએ લૉન લેવી પડે છે. કાર લેવી હોય તો લૉન પર. ઘર લેવું હોય તો લૉન પર. બહાર ફરવા જવું હોય તો લૉન. બાળકને ભણાવવું હોય તો લૉન. બીજા રાજ્યમાં ભણવા મોકલવું હોય તો લૉન અને આજકાલ તો ૧૨મા પછી બાળકને અને તેની માતાને બાળકને વિદેશ ભણવા મોકલવાની જે ઘેલછા છે તે અનહદ છે. તેના માટે ખાતામાં લાખો રૂપિયા બતાવવા પડે છે.
 
આ માટે માણસો આડેધડ લોનો લે છે. પછી ડાયાબીટીસ, બીપી, અસ્થમા, ડિપ્રેશન જેવા રોગોનો ભોગ બને છે. અમેરિકામાં ૨૦૦૮માં પ્રાઇમ ક્રાઇસિસ નામે ઓળખાતી મહા મંદી આવી હતી તેનું કારણ આ લૉન જ હતું. લોકો લૉન ન ભરી શક્યા. પરિણામે મંદી આવી ગઈ. ભારતમાં જ્યારે આવું થશે ત્યારે? લોકોની બચત આજે ઘટતી જાય છે. ખર્ચા સતત વધતા જાય છે. વધુ ખર્ચા ભ્રષ્ટાચાર નોતરે છે. જ્યારે વ્યક્તિ તેમાં પકડાય છે ત્યારે નોકરી અને પ્રતિષ્ઠા બંને ગુમાવવાનાં થાય છે. આથી જ જેટલો પગાર હોય તેટલા પગારમાં અનુશાસન કેળવીને ઘર ચલાવવું હિતાવહ છે, કારણ કે અમેરિકાની પ્રાઇમ કટોકટીની આખા વિશ્વ પર અસર પડી હતી તેમ, એક ભારતીય ઉદ્યોગપતિ નાદાર થાય તો તેની અસર આખા ભારતના અર્થતંત્ર પર પડે, તેમ લોકો પણ લૉન ચૂકવી ન શકે તેની અસર બૅંકિંગ ક્ષેત્ર પર પડે. કોઈ બીજાના કારણે આપણને કારણ વગર તકલીફ ભોગવવાની આવે તે આપણને ગમે? ન જ ગમે. તેમ આપણે લૉન ન ભરી શકીએ તેના કારણે બૅંકમાં કોઈ મહેનતુ માણસોએ મૂકેલા પૈસા ડૂબે તો તે માણસોને કેટલી તકલીફ પડે?
 
ચાર્વાક ઋષિનું ` 'વાળું ચિંતન આજે સમગ્ર બજારે અપનાવી લીધું છે. ઇસ કી ટોપી ઉસકે સર. ઉસકી ટોપી ઇસ કે સર. ભપકાદાર જીવન જીવવામાં ઘણા લોકો ચોરી કરતા થઈ જાય છે, આર્થિક છેતરપિંડી કરે છે. કૌભાંડ કરે છે. લોકો પોતાના સગાને પણ શીશામાં ઉતારતાં ખચકાતા નથી. આ બધું આર્થિક અનુશાસનના અભાવને કારણે થાય છે. હિન્દુ જીવનશૈલીમાં ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ આવે છે. આજે અર્થ અને કામ એ જ પ્રમુખ ધ્યેય બની ગયા છે. હવે જો સાચા અર્થમાં આર્થિક વિકાસ કરવો હશે અને દેશની પ્રગતિ જોવી હશે તો ભારતના દરેક નાગરિકે આર્થિક અનુશાસન જાળવવું પડશે. ધર્મ અને મોક્ષના બંને કિનારા વચ્ચે, સંયમિત પ્રવાહમાં અર્થ અને કામ વહેતો થાય એ જ સમગ્ર હિન્દુ અને ભારતીય સમાજના હિતમાં છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…