ભાષામાં અનુશાસનનું મહત્ત્વ | ભાષા અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ ફ્રેંચ ભાષા છે કેમ કે…

ભાષા અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ ફ્રેંચ ભાષા છે. ફ્રાન્સમાં કોઈને ફ્રેંચ ભાષામાં ભૂલો કરવાની છૂટ નથી, એ દંડનીય અપરાધ છે. એવું જ બીજું ઉદાહરણ ઇઝરાયેલની હિબ્રૂ ભાષાનું છે. એક વખતની કર્મકાંડ પૂરતી સીમિત હિબ્રૂ ભાષાને એમણે લોક-વ્યવહારની ભાષા બનાવી દીધી...

    ૨૭-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

language discipline anushasan
 
 
જગતનો પ્રત્યેક માનવી ભાષા નામના સેતુથી એકબીજા સાથે જોડાયેલો છે. જગતનાં ૨૦૦ કરતાં વધુ રાષ્ટોમાં લગભગ ૭૦૦૦ જેટલી ભાષા-બોલી અસ્તિત્વમાં છે. પારસ્પરિક વ્યવહાર માટે `ભાષા' એ મનુષ્યનું મનુષ્ય દ્વારા સર્જાયેલું અમોઘ ઉપકરણ છે. કલ્પના કરીએ કે, ભાષા ન હોત તો આપણું શું થાત? કદાચ ઇશારાથી કામ ચલાવતા હોત! ભાષા ન હોત તો પુસ્તક ન હોત અને શિક્ષણ પણ પાંગર્યું ન હોત. આમ જનજીવનનો આધાર ભાષા છે. પ્રત્યેક મનુષ્યને એની જન્મદાત્રી માતા તરફથી મળતી અણમોલ ભેટ એટલે ભાષા. એટલે મનુષ્ય માત્ર પોતાની માતૃભાષાથી પુરસ્કૃત થયેલો છે.
 
ધ્વનિઓની સુવ્યવસ્થિત ગોઠવણીથી અક્ષર અને શબ્દ રચાય છે અને શબ્દોના અનુશાસિત પ્રયોજનથી મનુષ્ય-વ્યવહારની પ્રત્યેક આવશ્યક્તા પોષાય છે, પણ એ માટે ભાષામાં ચોક્કસ પ્રકારનું અનુશાસન આવશ્યક છે. જેમ પ્રત્યેક રાષ્ટને પોતાના નીતિ-નિયમો અને બંધારણ હોય છે તેમ પ્રત્યેક ભાષાને પણ પોતાનું બંધારણ હોય છે જેના થકી યોગ્ય પ્રકારનું પ્રત્યાયન કે સંપ્રેષણ આકાર પામે છે. ભાષાના પ્રત્યેક અક્ષર કે શબ્દનું અવતરણ જે તે સમયનાં સ્થળ, કાળ અને પરિવેશના આધારે થાય છે, જેને વ્યુત્પત્તિ કહે છે. દરેક શબ્દનો ઇતિહાસ હોય છે, એની કુંડળી હોય છે અને શબ્દોના ઉચિત ઉપયોગથી એનાં સ્પંદનો ધારી અસર જન્માવે છે. પણ જો શબ્દોને યોગ્ય રીતે પ્રયોજવામાં આવે તો તે `ગાળ' જેવી દૂષિત અસર પેદા કરે છે. પ્રદૂષિત માનસમાંથી અપશબ્દો બને છે, જે કલેશ અને કલહનું કારણ બને છે.
 
જોડણી અને શબ્દોના અવિચારી ઉપયોગથી અનર્થ સર્જાય છે
 
જોડણી વ્યક્તિને ભાષા સાથે જોડે છે. પણ સાથે સાથે જોડણીદોષ ભયંકર અનર્થો પણ સર્જે છે અને વિભેદ સર્જે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ. ૧૧મી સદીમાં જન્મેલા એક જૈન યુગાચાર્ય પૂજ્ય હેમાચંદ્રાચાર્યજીએ `સિદ્ધહેમશબ્દાનુશાસન' નામનો મહાગ્રંથ રચ્યો, જે ગુજરાતી ભાષાને અનુશાસિત કરવામાં કારણભૂત બન્યો છે. ત્યારબાદ જૈન પરંપરામાં સર્જનાત્મક ભૂમિકા ઘણા મુનિઓએ ભજવી. એવા એક મુનિશ્રી હિતવિજયજી મહારાજ સાહેબે એક અનોખું પુસ્તક લખ્યું છે - `જોડાક્ષર વિચાર'. આ પુસ્તકના પ્રારંભમાં જ ભાષાનું અનુશાસન સમજાવતો એક શ્લોક ટાંક્યો છે :
 
અર્થ : હે પુત્ર, તારે બહુ ન ભણવું હોય તો ભલે, પણ તું વ્યાકરણ તો (અવશ્ય) ભણ; જેથી સ્વજન (સગાંવહાલાં) `શ્વજન' (કૂતરું) ન થાય, સકલ (બધું) `શકલ' (ટુકડો) ન થાય અને સકૃત્ (એક વાર) `શકૃત્' (છાણ) ન થાય.
 
ભાવાર્થ : વ્યાકરણ ભણવાથી જોડણીની તથા ઉચ્ચારણની ભૂલો ન થાય અને તેથી થતા અર્થના અનર્થ ન થાય.
(આ શ્લોકમાં `સ'ને બદલે `શ' બોલનાર પર કટાક્ષ છે.)
 
 
શબ્દો ભેગા-છૂટા લખવા વિશેની યોગ્ય સમજ ન હોય તો ગરબડ થાય. નીચેનાં ઉદાહરણો જુઓ :
 
(૧) પોલીસ પર પથ્થરમારો
પોલીસ પર પથ્થર મારો.
 
(૨) બેજવાબદાર માણસોને છૂટા કરો.
બે જવાબદાર માણસોને છૂટા કરો
 
(૩) શિવપાર્વતીની આરતી ઉતારે તો...
શિવ પાર્વતીની આરતી ઉતારે તો...
 
ઉપરનાં ઉદાહરણોમાં શબ્દો ભેગા-છૂટા લખવાનો વિવેક ન જળવાતાં કેવો અનર્થ સર્જાય છે તે વાચક સ્વયં સમજી શકશે.
નાનકડાં વિરામચિહ્નોની કરામત લખાણમાં રહેલા અર્થને સ્પષ્ટ કરવામાં વિરામચિહ્નો અગત્યનો ભાગ ભજવે છે. જો વિરામચિહ્નો યોગ્ય રીતે વપરાય તો ભાષામાંની અભિવ્યક્તિને સુબોધ કરવાનું કામ કરે છે, વક્તવ્ય સ્પષ્ટ કરે છે પણ જો એ યોગ્ય રીતે વાપરવામાં ન આવે તો મોટા અનર્થો પણ સર્જે છે.
 

language discipline anushasan 
 
નીચેનાં ઉદાહરણો જુઓ :
 
(૧) અહીંયાં ગંદકી કરવી નહીં, કરશે તેને સજા થશે
અહીંયા ગંદકી કરવી, નહીં કરશે તેને સજા થશે.
 
(૨) સરકાર ચલાવવી અઘરી છે
સર, કાર ચલાવવી અઘરી છે.
 
ઉપર થતા અનર્થો સમજી શકાય એવા છે.
શબ્દોની અયોગ્ય ગોઠવણી થાય તો અપેક્ષિત અર્થ નીકળતો નથી.
 
નીચેના ઉદાહરણો જુઓ :
 
(૧) એક કુમાર નામે છોકરો હતો. (ખોટું)
કુમાર નામે એક છોકરો હતો. (સાચું)
 
(૨) શેઠ જૂના કાપડના વેપારી છે (ખોટું)
શેઠ કાપડના જૂના વેપારી છે. (સાચું)
 
(૩) ઠંડીની ભારે આગાહી (ખોટું)
ભારે ઠંડીની આગાહી (સાચું)
 
(૪) શુદ્ધ ગાયનું ઘી (ખોટું)
ગાયનું શુદ્ધ ઘી (સાચું)
 
સમાન અર્થ ધરાવતા અલગ અલગ શબ્દો વાપરવાની કુટેવ
 
 
જાણ્યે-અજાણ્યે ઘણા માણસો આવા ખોટા શબ્દપ્રયોગો કરતા હોય છે. નીચેનાં ઉદાહરણો જુઓ :
 
(૧) યથાશક્તિ પ્રમાણે નહીં, યથાશક્તિ (શક્તિ પ્રમાણે) લખાય.
(૨) સહકુટુંબ સાથે નહીં, સહકુટુંબ- એટલું જ લખાય.
(૩) સજ્જન માણસ નહીં, સજ્જન એટલું જ લખાય.
(૪) નવા વર્ષનાં નૂતનવર્ષાભિનંદન, નૂતન વર્ષાભિનંદન જ લખાય.
(૫) ગુલાબજળનું પાણી લઈ આવો. ગુલાબજળ એટલું જ લખાય.
 
લેખનમાં જોડણી ખોટી કરીને ભાષાની ગરિમા ખંડિત કરવી.
મોટા ભાગના લોકો કેટલાક સાવ સામાન્ય શબ્દો ખોટા લખે છે.
 
દા.ત. પ્રવિણ નહીં, પ્રવીણ લખાય.
ઋષિકેશ નહીં, હૃષિકેશ લખાય.
દિપક નહીં, દીપક લખાય.
પ્રતિક્ષા નહીં, પ્રતીક્ષા લખાય.
 
આમ, આપણે જ આપણી ભાષા સાચી રીતે લખતા, વાંચતા કે બોલતા નથી. ભાષાનું ગૌરવ આપણે જ હણીએ છીએ. જે ભાષા આપણી પોતાની ઓળખ છે, આપણી અસ્મિતા છે એની ગરિમા ન જાળવતા આપણે શું નગુણા નથી? અંગ્રેજી જેવી પરભાષાના વ્યામોહમાં આપણે એટલા તો ફસાયા છીએ કે, આપણે આપણી સંસ્કૃતિથી પણ વિમુખ થઈ રહ્યા છીએ. અંગ્રેજી સરસ આવડવી જોઈએ, એમાં ભૂલ ન ચાલે પણ માતૃભાષામાં ગમે તેટલી ભૂલો થાય તો વાંધો નહીં આવી દૂષિત માનસિકતા સર્જાઈ છે. એમાંય જે વર્તમાનપત્રો લાખો લોકો રોજ વાંચે છે એ તો ભાષાના અનુશાસનમાં માનતાં જ નથી. રોજ એમના છબરડા વાંચી લોકો પોતાની ભાષા બગાડી રહ્યા છે. ભાષા અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ ફ્રેંચ ભાષા છે. ફ્રાન્સમાં કોઈને ફ્રેંચ ભાષામાં ભૂલો કરવાની છૂટ નથી, એ દંડનીય અપરાધ છે. એવું જ બીજું ઉદાહરણ ઇઝરાયેલની હિબ્રૂ ભાષાનું છે. એક વખતની કર્મકાંડ પૂરતી સીમિત હિબ્રૂ ભાષાને એમણે લોક-વ્યવહારની ભાષા બનાવી દીધી... અને આપણી સંસ્કૃત ભાષાને દેવવાણી કહી કહીને અભેરાઈએ ચડાવી દીધી. ખરેખર તો સંસ્કૃત ભાષાની વૈજ્ઞાનિકતા સમજવાની જરૂર છે. એમાંથી જ વિશ્વની અનેક ભાષાઓ સર્જાઈ છે. એના શબ્દો ઉપરથી જ અનેક દેશોનાં નામ પડ્યાં છે.
 
ગુજરાતી ભાષાની ગંગોત્રી સંસ્કૃત છે. માતૃભાષા અને રાષ્ટભાષા એ આપણી બે આંખો છે. આપણે જો ત્રિનેત્ર બનવું હોય તો સંસ્કૃત ભણવું પડે. પછી પણ આપણે બીજી ભાષાઓનાં ચશ્માં તો પહેરી શકીએ !
 
ગુજરાતી ભાષાના
શબ્દેશબ્દે વૈભવ છલકાય.
ગુજરાતી ભાષાના
શબ્દેશબ્દે ગુજરાત ડોકાય.
ગુજરાતી ભાષાના
શબ્દેશબ્દે પ્રકૃતિ દેખાય.
ચાલો સંકલ્પ કરીએ :
પરભાષા શીખવી પણ
માતૃભાષાના ભોગે નહીં.
પરભાષા બોલવી પણ
માતૃભાષા ભૂલવી નહીં.
પરભાષા લખવી પણ
માતૃભાષા અશુદ્ધ ન જ લખવી.
 
છેલ્લે મદનકુમાર અંજારિયા `ખ્વાબ'ની બે સુંદર પંક્તિઓથી આ લેખનું સમાપન કરું-
 
પ્રગટો હે સ્વયંભૂ ભાવ - લિંગ !
`ભાષાલય' અપૂજ ન રહેવું જોઈએ.
 
- હર્ષદ પ્ર. શાહ