સંવિધાન દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ અનુશાસન । `રામરાજય' માટે બંધારણમાં અનુશાસન તે જ એકમાત્ર ઉપાય છે

અનુશાસનથી ભારતના નાગરિકો, સમાજ, સંસ્થાઓને પોતાનો વિકાસ કરવાની તક મળી રહી છે, જેમાં જ્યાં અનુશાસનનો અભાવ છે ત્યાં તેમની વિરુદ્ધ પણ પરિણામો મળી રહ્યાં છે, જેથી બંધારણમાં અનુશાસન તે જ એક માત્ર ઉપાય છે.

    ૨૭-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

samvidhan discipline anushasan
 
 
ભારતના બંધારણના ૭૫મા વર્ષના અવસરે ભારતના બંધારણનો વિષય ચર્ચામાં રહ્યો છે, જેની ચર્ચા લોકસભાથી માંડી ઇલેકટ્રોનિક મીડિયા તથા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, જેમાં હકારાત્મક તથા નકારાત્મક વાતો ચર્ચાઈ રહી છે, તેમજ આક્ષેપબાજી પણ ચાલી રહી છે. પરંતુ તેને કારણે સામાન્ય નાગરિકની રુચિ ભારતના બંધારણની જોગવાઇઓ પ્રત્યે વધી રહી છે અને ભારતના બંધારણનાં જુદાં જુદાં પાસાંનો અભ્યાસ કરવાનો તથા જાણકારી મેળવવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. બંધારણ પણ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે અનુશાસન શીખવી રહ્યું છે.
 
સૌ પ્રથમ `અનુશાસન' શબ્દનો અર્થ સમજીશું. અનુશાસન શબ્દમાં `અનુ' તે ઉપસર્ગ છે અને વ્યાકરણની દૃષ્ટિએ અનુ ઉપસર્ગ જે શબ્દની સાથે જોડાય તેનું અનુસરણ કરવું તેવો થાય છે એટલે કે અનુશાસન શબ્દનો જે ઉપસર્ગ છે. તે શાસન શબ્દની સાથે જોડાયેલો છે, એટલે કે હવે અનુશાસન શબ્દનો ભાવાર્થ કરીએ તો શાસનનું અનુસરણ અથવા તો સમર્થન કરવું તેમ થાય છે.
 
હવે શાસન શબ્દનો અર્થ એવો થાય છે કે, કોઇપણ નિયમ, કાયદાઓનું પાલન કરી વ્યવસ્થા ઊભી કરવી એટલે કે દેશના અનુસંધાનમાં જોઇએ તો લોકશાહી ઢબે કામ કરવા માટે જે કંઇ કાયદાઓ, નિયમો કે બંધારણની જોગવાઇઓ લાગુ કરી વ્યવસ્થા ઊભી કરવી તે શાસન છે. આ રીતે ભારતના સંવિધાનની જોગવાઇઓ દ્વારા શાસન ચલાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ અનુશાસન કેવી રીતે થઇ રહ્યું છે અથવા તો કેવી રીતે થવું જોઇએ તેમજ તેમાં નાગરિકોનું શું યોગદાન હોઇ શકે તે પાસાનો વિચાર કરીશું.
 
આપણે વારંવાર શાસનના અનુસંધાનમાં `જંગલરાજ' તેમજ `રામરાજ' તેવા શબ્દો સાંભળ્યા છે. `જંગલરાજ'ને સમજાવવાની કોઈ જરૂર લાગતી નથી. `રામરાજ્ય' અથવા તો જેને અંગ્રેજીમાં RULE OF LAW કહે છે, તેની સ્થાપના કરવા માટે અથવા તો તે નિયમ કે બંધારણની જોગવાઇઓનું પાલન કેવી રીતે કરવું જોઇએ અથવા તો કેવી રીતે કરાવવું જોઇએ તેનો નિર્ણય કરવા માટે અનુશાસનનું મહત્ત્વ છે.
 
આ અંગે ભારતના બંધારણની બે મહત્ત્વની જોગવાઇઓ ધ્યાનમાં લેવી જરૂરી છે. ભારતના બંધારણના ભાગ-૩માં મૂળભૂત હકકોની જોગવાઇ છે, જેમાં સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધર્મ-સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક હક અને શૈક્ષણિક હકનો સમાવેશ થાય છે. આ તમામ હકોના ભંગના પ્રસંગે તેનો અમલ કરાવવા માટેના ઉપાયો પણ ભારતના બંધારણના આર્ટિકલ ૩૨ તથા ૨૨૬, ૨૨૭થી અનુક્રમે આદરણીય સુપ્રીમકોર્ટ તથા આદરણીય જે તે રાજયની હાઇકોર્ટને રીટ જયુરિડિકશન આપેલ છે અને જેના દ્વારા હકોનું પાલન કરાવી શકાય છે. એટલે કે ફક્ત હકો કાગળ ઉપર નથી, પરંતુ તે હકોનો લાભ નાગરિકોને મળે તે માટે સ્પષ્ટ્ર જોગવાઇ છે અને જેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે. આ રીતે આ જોગવાઇઓનો ભારતના દરેક નાગરિકને પ્રત્યક્ષ લાભ મળી રહ્યો છે, જેમાં જાતિ લિંગ, વર્ણ, પ્રાન્ત (પ્રદેશ)નો પણ કોઇ બાધ નથી.
 
આ હકીકત હોવા છતાં આપણે ભારતના નાગરિકો રોજેરોજ કાયદાના પાલનની ત્રુટીઓ જોઇ રહ્યા છીએ, જેમાં શાસનકર્તાની પણ જવાબદારી છે. તેમજ કાયદાનો અમલ કરાવનાર બ્યુરોકેટની પણ જવાબદારી છે તેમજ સામાન્ય નાગરિકોની પણ જવાબદારી છે. દાખલા તરીકે, ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવું. તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય તેવી વ્યવસ્થા ઊભી નહીં કરવી. અહીંયાં ટ્રાફિકનું ઉદાહરણ એટલા માટે આપ્યું છે, કારણ કે ટ્રાફિકના નિયમોનો અનુભવ રોજેરોજ દરેક નાગરિકને થઇ રહ્યો છે. પરંતુ અનુશાસનના અભાવના કારણે ટ્રાફિકના નિયમો સિવાય પણ સંપત્તિ, વેરાઓ, મિલકતોના વ્યવહારો, નોકરીની ફરજોના પાલન વિગેરેમાં પણ આ જ સ્થિતિ છે.
 
ભારતના બંધારણમાં મોડો મોડો પણ આર્ટિકલ ૫૧ (ક) નો ઉમેરો કરવામાં આવેલો, જેમાં ભારતના નાગરિકો પાસેથી ફરજો અપેક્ષિત છે. જેમાં (૧) સંવિધાનને વફાદાર રહેવાની તેના આદર્શો તથા સંસ્થાઓના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, (૨) સ્વાતંત્ર્ય માટેની આપણી રાષ્ટીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની, (૩) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની, (૪) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની, (૫) આર્થિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને બંધુતાની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની, (૬) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેનું જતન કરવાની, (૭) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, (૮) વૈજ્ઞાનિક માનસ, માનવતા અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની, (૯) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, (૧૦) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે ક્ષેષ્ઠતા હાંસલ કરે તેવા પ્રયત્ન કરવાની અને (૧૧) માતા-પિતા અથવા વાલી દ્વારા ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા યથાપ્રસંગ પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવામાં આવે, આ બંધારણીય ફરજોનું પાલન કરાવવા માટે નાગરિકો ઉપર ફરજો લાદેલ નથી. એટલે કે જે રીતે બંધારણીય હકો માટે તેના પાલન માટેની જોગવાઇઓ છે. તેવું ફરજો માટે નથી, પરંતુ ફરજોના અનુસંધાને જે કેટલાક વિશેષ કાયદાઓએ છે તેનાથી નાગરિકો પાસેથી ફરજો અપેક્ષિત છે.
 
ભારતના બંધારણની જોગવાઇઓ મુજબ નિયમિત સમયે દરેક સ્તરે ચૂંટણીઓ કરાવવાનું કામ તે અનુશાસનનું મોટું ઉદાહરણ છે. તેમજ કાયદો બનાવવાની પ્રક્રિયાનું પાલન તે પણ અનુશાસનનું ઉદાહરણ છે. તે જ રીતે ન્યાયતંત્રની વ્યવસ્થાથી તાલુકા કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની વ્યવસ્થા તે પણ અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.
 
આ રીતે ભારતના નાગરિકોની રોજેરોજની પ્રવૃત્તિઓ માટે કે કામગીરી માટે કે ધંધા રોજગાર માટેના ભારતના બંધારણને અનુરૂપ અલગ અલગ કાયદાઓથી અને અનુશાસન પ્રમાણે તેની અમલવારીથી નાગરિકો પાસે પ્રત્યક્ષ અનુશાસન અપેક્ષિત છે.
 
આ રીતે ભારતના સંવિધાનની વિવિધ જોગવાઇઓ દ્વારા સ્થાપિત થઇ રહેલ અનુશાસનથી ભારતના નાગરિકો, સમાજ, સંસ્થાઓને પોતાનો વિકાસ કરવાની તક મળી રહી છે, જેમાં જ્યાં અનુશાસનનો અભાવ છે ત્યાં તેમની વિરુદ્ધ પણ પરિણામો મળી રહ્યાં છે, જેથી બંધારણમાં અનુશાસન તે જ એક માત્ર ઉપાય છે. અથવા `રામરાજય' માટે બંધારણમાં અનુશાસન તે જ એકમાત્ર ઉપાય છે.
 
 
- પરિમલ પાઠક