મહાન પ્રતિભાઓ આળસમાં ખોવાઈ જાય છે, સરેરાશ લોકો અનુશાસનથી જીતી શકે છે !

દુનિયામાં આપણાથી વધુ પ્રતિભાશાળી, વધુ સુંદર, વધુ હોશિયાર, વધુ ચાલાક, વધુ ક્રિએટિવ, વધુ પૈસાદાર, વધુ પહોંચ કે વગવાળા, વધુ સ્માર્ટ, વધુ ભણેલા હજારો-લાખો લોકો હશે. એને એમ બીટ નહિ જ કરી શકાય. પણ એક બાબત માત્ર આપણા હાથમાં હોવાની. આપણે વધુ મહેનત તો કરી જ શકીએ.

    ૨૯-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

jay vasavada on anushasan in gujarati
 
 
`કાં બહાનાં બને કાં પૈસા બને, પણ બંને એકસાથે ન બને !'
 
અમેરિકાના ફાઉન્ડિંગ ફાધર્સ પૈકીના શિરમોર જ્યોર્જ વોશિંગ્ટન બાબતે કહેવાતું કે કોઈએ એમને જમવા બોલાવ્યા હોય અને આપેલ ટકોરાબંધ સમયથી યજમાન વાતોમાં મોડું કરે, તો વોશિંગ્ટન નિયત સમયે એકલા જમવાનું શરૂ કરી દે (આહારશાસ્ત્રમાં લાંબુ જીવવા બાબતે જમવાના એક સમયના નિયમિત ચુસ્ત કાયમી પાલનનું મહાત્મ્ય છે.) એક વાર એક અગત્યની મીટિંગમાં એમના સેક્રેટરી થોડી મિનિટો મોડા આવ્યા તો વોશિંગ્ટન સાહેબ તાડૂક્યા, `કાં તમારે ઘડિયાળ બદલવી પડશે, ને કાં મારે સેક્રેટરી !'
 
વિલાયત (પશ્ચિમ)માં જ ભણેલા ગાંધીજી પણ આ મામલે અનુશાસનના આગ્રહી હતા. સાંભળ્યા મુજબ એકવાર એમણે કોઈ કારણસર એમના સહાયક મહાદેવભાઈને ચોક્કસ તારીખે કલકત્તા આવવાનું કહેણ મોકલ્યું. પત્રમાં `લગભગ પહોંચી જઈશ' એવો જવાબ વાંચી બાપુએ સમસમી જવાય એવો જવાબ એમના વારંવાર ખૂલતા ત્રીજા નેત્રની આગ સાથે લખ્યો `લગભગવાળાં કામો સરખાં થાય નહિ. કાં ટ્રેન મોડી પડીના સમાચાર હોવા જોઈએ. કાં હું ઊકલી ગયો હોઉં ને કાં તમારા અકાળ મૃત્યુનો તાર મને મળે. આ ત્રણ જ વિકલ્પ છે !'
 
૭૪ વર્ષે નરેન્દ્ર મોદી, ૮૦ વર્ષે મોરારિબાપુ અને ૮૨ વર્ષે અમિતાભ આટલા પ્રવાસો કરીને ફ્રેશ કેવી રીતે રહી શકે છે? આદિત્ય ચોપરા જવાન ઉંમરમાં પાંચ પિક્ચર ડાયરેક્ટ કરીને થાકી ગયો, ને યશ ચોપરાએ એનાથી અનેકગણાં વધુ કેમ બનાવી નાખ્યાં છેલ્લા શ્વાસ સુધી? પંડિત જસરાજ મોટી ઉંમર સુધી કેમ ગાઈ શક્યા? સમકાલીન લેખકો કરતા ચંદ્રકાંત બક્ષી કે અગાથા ક્રિસ્ટી કેમ વધુ પુસ્તકો લખી શક્યાં? મહેન્દ્રસિંહ ધોની રિટાયર્ડ થયા છતાં પણ હજુ એક્ટિવ ક્રિકેટ કેપ્ટન હોય તેવું કેમ લાગે છે?
 
જવાબ છે ડિસિપ્લિન. અનુશાસન. વધુ બહેતર શબ્દોમાં કહીએ તો સેલ્ફ ડિસિપ્લિન. સ્વયંશિસ્ત. કારણ કે, એક તબક્કા પછી આગળ વધવા માટે કોઈ સતત સાથે ને સાથે રહી શકતું નથી. ભીતરના ભેરૂને પોકારવો પડે છે અને બધું જ કામ ટેલન્ટથી નથી થતું. એને નિખારવા માટે સ્વયંશિસ્ત જોઈએ. સેલ્ફ ચેક, સેલ્ફ એનાલિસિસ અને સેલ્ફ સોલ્યુશન. ગાંધીજીએ સ્વરાજ શબ્દ આઝાદીને બદલે બોલતા. સ્વરાજ એટલે `સ્વ' ઉપરનું આપણું રાજ. સેલ્ફ કન્ટ્રોલ.
 
ગમે અને ફાવે એ કામ બધા કરે. ને બધા કરે એ જ તમે કરો તો બધાથી આગળ કે અલગ કેમ રહો? ન ગમતું, ન ફાવતું કામ કરવાની પણ આદત પાડવી પડે. ગમે તેવો શોખનો વિષય હોય, કંટાળો ક્યારેક તો એમાં આવે જ. થાક લાગે જ. ઘણા લોકો ક્રિએટિવિટીના નામે એસ્કેપ શોધતા હોય છે. કામ ન કરવાના જાતે જ બહાનાં બનાવી ટાળમટોળ (પ્રોકાસ્ટિનેશનનું ગુજરાતી !) કર્યા કરે. લૂક, બધું જ આપણું ધાર્યું કે આપણું ગમતું કદી કોઈની લાઇફમાં નથી થવાનું. ડિસિપ્લિન જો હેબિટ બની જાય, તો પ્રોબ્લેમ ઘણો ઓછો થાય. લાગે છે, એટલું અઘરું કામ નથી. કસરત હોય કે સંગીત, રિયાઝ તો કરવો જ પડે.
આમ કરવામાં થોડું દર્દ થાય, હતાશા પણ આવે હમણાં સેન્સિબલ અભિનેતા પંકજ ત્રિપાઠીએ સરસ વાત કરી હતી `બીજ માટીમાં દટાઈ જાય છે, તો ખતમ નથી થતું, ખોવાઈ નથી જતું. થોડા સમય પછી અંકુરિત થાય છે. માટીને હટાવી બહાર છોડ તરીકે માથું કાઢે છે, ને જે માટીએ દાટી દીધું હતું એના જ રસકસ લઈને વિકાસ પામે છે.' થોડી ધીરજ રાખો. સંજોગો તમને એમ ધરબી નહિ શકે. જો તમે બિયું હશો, તો તમારામાંથી આખું વૃક્ષ બહાર આવી જશે. બસ, વાતાવરણને પલટાવા દો. સિમ્પલ.
 
વાત તો એટલી જ છે કે દબાણ યાને પ્રેશર આવે એ પણ લાંબા ગાળાના ઘડતર માટે જરૂરી છે. ડિસિપ્લિન એટલે ચીંધ્યું કામ કરવાની મજૂરી નહિ. પ્રેશર હેન્ડલ કરવાની આવડત. કોલસો અતિશય દબાણ અનુભવે તો હીરો થઈને બહાર આવે. દરેક કાર્બન ડાયમંડ નથી થતો, પણ જે પ્રેશરને જીરવી જાય છે એ હીરો બની શકે છે.
 
લાઇફ ઇઝ બ્યુટીફૂલ બિકોઝ ઈટ હેઝ કર્વ્ઝ. વળાંકોવાળા રસ્તાના ફોટા જ સરસ આવે. અગત્યની વાત અચાનક આવી જતો ચેલેન્જિંગ ટર્ન નથી. અગત્યનો છે, એ આવે ત્યારે તમે આપેલો રિસ્પોન્સ. લોકોને કેવું લાગશે, એ શું કહેશે, એવા જજમેન્ટલ ઓપિનિયન બાબતે લાપરવાહ બનીને બીજાના રીએક્શન કરતાં પોતાના એક્શન પર ફોકસ કરતા રહેવું તે અને આ માટે પ્રેશર આવે ત્યારે પેશન્સ ગુમાવ્યા વિના તૈયારી કર્યા કરવી પડે. ઊલટું અન્ડરપ્રેશર આપણી શક્તિઓ ખીલવી જોઈએ. યાદ રાખજો.. મૂર્તિ હોય કે મકાન, ફર્નિચર હોય કે ફેશન - દબાયા ને કપાયા વિના કોઈ આકૃતિ ઘડાતી નથી. ક્યારેક આપણે કપાઈએ છીએ, એમાં નાશ નથી, નિર્માણ છે.
 
પ્રોક્રાસ્ટિનેશન. ઉચ્ચાર સરખો ન થાય એવા આ અંગ્રેજી શબ્દનો અર્થ છે, કામને ટાળવાની વૃત્તિ. જાણી જોઈને જ કામ મોડું કરવાની અથવા ડેડલાઇન પર કરવાની ટેવ. જેમ એમ.એસ. ધોની જેવા ખેલાડીઓ ક્રાઇસિસમાં પુરબહારમાં ખીલે, એમ ઘણાને છેલ્લી ઘડીએ જ કામ કરવાનો `કાંટો' ચડે. વહેલું એ કરવા જાય તોય એમાં ભલીવાર ન હોય. પ્રેશરમાં જ કામ કરવાની આદત પડી ગઈ હોય! પરીક્ષામાં વહેલા વાંચે તો યાદ ન રહે, પણ છેલ્લે વાંચીને છવાઈ જાવ એવું. અલબત્ત, સાવ એદી હોય જેનાથી છેલ્લી ઘડીએ ય કશું ઉકાળી શકાતું ન હોય, એની વાત નથી. આવડતનો અભાવ જુદો મુદ્દો થયો. કેપેસિટી હોવા છતાં, ક્વોલિટી કામ ઝપાટાબંધ ન થાય એની વાત છે.
 
સાઇકોલોજિકલ એનાલિસિસ એવું ય કહે છે કે, કામ ટાળવાનું કારણ હંમેશા અણઆવડત કે અણગમો નથી. એ ય હોય ઘણા માટે, પણ એક ત્રીજું કારણ પણ છે. ભીતર ધરબાયેલો એક ડર. કામ સારું ન થાય તો? એ ભય, વહેલું કરવામાં કામ ખરાબ કેમ કરાય? બસ, આ જ પ્રોબ્લેમ છે. પરફેક્શનની પ્યાસ એવું કામ ડિલિવર નહિ થાય તો? તો પછી ટાળીએ, નથી કરવું. એ ડર. જે પ્રત્યક્ષ નથી, ઇનડાયરેક્ટ છે. મનુષ્યનો સ્વભાવ છે કે એ જે વાતમાં મજા ન આવતી હોય અથવા ડર લાગતો હોય એ બને ત્યાં સુધી ટાળે. સમય સરખો દોડાદોડીમાં નહિ અપાય એ ખબર છે, એટલે પછી ફ્રેશ ફુરસદની તલાશમાં કામ ટાળવામાં આવે. આપણે સેટ કરેલા સ્ટાન્ડર્ડ મુજબ કામ ન થાય તો ન ચાલે, એ સેલ્ફ રિસ્પોન્સિબિલિટી છે.
 
પરફેક્શનના અતિ આગ્રહી થવામાં કામ પૂરું જ ન કરવું એમ પણ નહિ. સમય મુજબ થોડી બાંધછોડ સાથે બને એટલું શ્રેષ્ઠ કામ કરવા પ્રામાણિક પ્રયત્નો કરવા એ આદર્શ ભૂમિકા છે. જેમ કારમાં ફ્યુઅલ કારને દોડાવે એટલો કંટ્રોલ હોવો જોઈએ, નહિ તો એ કારને જ આગમાં ભસ્મીભૂત કરી નાખે, એવું જ ધ્યાન રાખવાનું કે પરફેક્શન આપણું પેશન હોવું જોઈએ પણ ઓબ્સેશન યાને વળગણ નહિ, એટલે માત્ર એ ન મળે એ ખાતર આળસુના પીર બની નિષ્ક્રિય બેઠા રહેવું પાલવે નહિ.
 
આળસુઓને સેલ્ફ ડિસિપ્લિન યાને સ્વ-અનુશાસન શીખવાની તાતી જરૂર ખરી. એક મેન્ટલ સોફ્ટવેર જ બની જવો જોઈએ કે કોઈ જુએ કે ન જુએ, પૂછે કે ન પૂછે આટલું તો હું કરીશ. સેલ્ફ કમિટમેન્ટ, એ શરૂઆતમાં ન ફાવે ને કામ કરવાથી મળતા પોઝિટિવ વાઈબ્સ કરતાં એ ટાળવાના નેગેટિવ વાઈબ્સ પણ આપણા પર `હાવી' થઈ જતા હોય એમ લાગ્યા જ કરે તો એ માટેનો એક નુસખો મેનેજમેન્ટના પાર્કિન્સન પ્રિન્સિપલ નામના નિયમમાંથી પસાર થાય છે. જે એવું કહે છે કે, `કોઈપણ કામ એના પૂર્ણ થવાની મુદતના સમપ્રમાણમાં લંબાયા કરે છે' ઇન્ટરેસ્ટિંગ. મતલબ લેખ લખવા ચોવીસ કલાકનો જ સમય છે એવી ખાતરી થયે એ ફટાફટ લખાશે. દસ દિવસ છે એવો અહેસાસ થશે તો આ જ લેખ દસ દિવસે જ લખાશે ! વિદ્યાર્થીઓને અને સરકારી તંત્રને તો આ બહુ લાગુ પડે.
 
એનો તોડ છે- જાતને કામ સાથે ફરજિયાત બાંધી દેવી. અર્થાત્ આ કામ આટલા દિવસમાં થઈ જશે એવો મેક્સિમમ લોકો સામે ઢંઢેરો પીટવો એટલે એમની પૂછપરછ કે એમને જવાબ દેવાનું સાઇકોલોજિકલ દબાણ તમને કામ કરવા પ્રેરી શકે. બીજો અનુશાસનનો રસ્તો છે, તમને ઈમોશનલ અપીલ થાય એ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું.
 
જેના વળતર બમ્પર પણ કામ પૂરું કરવા દોટ મૂકો. જેમ કે, ડાયેટિંગ કરવું હોય તો ઘેર કરવાને બદલે કોઈ નેચર ક્યોર ફાર્મમાં પૈસા ખર્ચી રજિસ્ટ્રેશન કરાવો જેથી પૈસા પડી જવાની બીકે શરૂ થાય. સ્વિમિંગ શીખવાની ફી ભરી દો. બીક લાગે એવી રાઈડની, એડ્વેન્ચર સ્પોર્ટ્સની મોંઘી ટિકિટ ખરીદી લો પછી ધક્કો લાગે આપોઆપ.
 
એક જગજાહેર રસ્તો છે, જે અટપટું લાગે, બીવડાવે એ જ ભાગ કામનો સૌથી પહેલાં હાથમાં લો એટલે એ પૂરું થાય પછી બાકીનું સહેલું લાગે. એક્ઝેટ એનાથી ઊલટું કરવું એ પણ ઉકેલ છે. કામનો સાદો, સરળ હિસ્સો શરૂ કરો. ધીમેધીમે બાકીનું આપોઆપ થવા લાગશે.
 
અનુશાસનની અગત્યતા ક્યારેક આવડતથી પણ વધુ હોય છે. પણ સફળ વ્યક્તિઓ ફક્ત ટેલેન્ટના જોર પર આગળ નથી વધ્યા. પણ સ્વયંશિસ્તના છોડ પર ઊગતા નિરંતર ખંત (કન્ટિન્યુઅસ પર્ઝિસ્ટન્સ)ના ફળ ખાઈ મીઠા મુકામે પહોંચ્યા છે. યુ કેન ઓલ્સો ડુ ધ સેઈમ. નિયમિતતા, નમ્રતા, નિર્ણયાત્મકતાનાં ત્રણ પાસાંઓ એક સાથે દુર્લભ છે. એને લીધે હ્યુમન એક્શન બને અને તમે જે કામ કરવા માગતા હો એમાં મદદ પણ મળે જ. સો થિંકર્સ કરતાં ડુઅર્સ મોટા એચિવર્સ હોય છે. માત્ર મોટી મોટી વાતો ને સપનાંઓનાં આયોજનો જ થાય, એના કરતાં નાનાં પણ નક્કર કામ ફટાફટ કરે એને વધુ સહયોગ મળે. પ્લાન કરતાં એક્શન મોટી બાબત છે. એક્શન ખાતર આયોજન જોઈએ પણ બહુ વિચારી મોડા લેવાતા સાચા નિર્ણય કરતાં ઝડપથી ખોટો નિર્ણય પણ લેવાશે તો ઝડપથી જ એ નકામો હોવાની ખબર પડતાં સમયસર બદલાવી તો શકાશે!
 
આપણે ગ્લોબલાઇઝેશન પછી મેકડોનાલ્ડ ને કોક-પેપ્સી તરત કોપી કરી લઈ આવ્યા, ફેસબુક ને નેટફલીક્સ પણ આવી ગયા. પણ આ પંકચ્યુઆલિટી યાને સમયપાલનની `પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ' અહીં રોઝ ડે અને ચોકલેટ કેક પછી ય થયું નહિ. અર્થાત્ આ આદતનું આપણને આકર્ષણ જ થયું નહિ! અમિતાભ બચ્ચન; સવારની શિફ્ટ માટે બપોરે તો જાગતા લેટ લતીફોથી છલકાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વયંશિસ્તથી સમયપાલનની મિસાલ ગણાય છે આજેય. ઘણી વાર એવું બન્યું છે કે નિર્ધારિત સમયે અમિતાભ સેટ પર હોય પણ સાથી કલાકારો તો શું, પ્રોડયુસર - ડાયરેક્ટર જ પહોંચ્યા ન હોય ! મોરારિબાપુ કથામાં ક્યારેય મોડા ના હોય. ભલે ટ્રાફિક હોય કે તોફાન. એ સમયસર જ પહોંચે અને એક જ બેઠકે બેસીને ચાર-ચાર કલાક રામકથા કરે ! પ્રવાસનો થાક કે કોઈ સ્થિતિ એમનન અનુશાસનને ફેરવી ના શકે!
 
એક જરાક ઢીલું મૂકે એટલે બીજાએ એમાં ખેંચાવું જ પડે. ધીરેધીરે ખોટું કરનારાઓની બહુમતી થતાં, અંધોના ગામમાં દેખતાએય ગાંધારીધર્મથી આંખો જાણી જોઈ ફોડી એમાં ભળવું પડે, ને પછી ટેવ પડતી જાય.
 
પશ્ચિમના દેશોમાં સેકન્ડોની પણ ગણત્રીના દાખલા ટૂરિસ્ટલોગ જ આપતા હોય છે. અદ્ભુત સમયપાલન, જાણે પબ્લિક ઘડિયાળ પેટમાં ગળી ગઈ હોય એવું ! આમ પણ એ શીખો નહિ તો મોટા ભાગના પશ્ચિમી દેશોમાં કશું ફરી જ ન શકો. જે વેસ્ટર્ન (અને એ રીતે જુઓ તો ઘણાખરા - એશિયાઈ જાપાન-સિંગાપોર-દુબાઈ જેવા પ્રદેશો ય) વર્લ્ડમાં ચસચસાવીને ફરતા હોય, એ પંક્ચ્યુઅલ હોય જ. ક્લીન પણ હોય. ચોખ્ખાચણાક. એની આ સિમ્પલ સાબિતી છે. નહિ તો કશું જોઈ ન શકાય, કશે પહોંચીય ન શકાય !
 
અલબત્ત ભારતમાં મૂળ મામલો જાહેર શિસ્તનો છે. માનસિક ટેવનો છે. આપણે ત્યાં ટ્રાફિકજામ મોટે ભાગે અનુશાસન વગરની ઉતાવળનો વધુ હોય છે. એવું જ ગંદકીના કે ઘોંઘાટના કે ધાર્મિકતાના જાહેર પ્રદર્શન કે મોબાઇલને લીધે બીજાને પહોંચતી ખલેલ બાબતે છે. પૃથ્વી થિયેટરના દરવાજા નિયત સમયે બંધ જ થાય ભલે ગમે તેવી સેલિબ્રિટી આવે! લગ્નની જાન કે ધાર્મિક વિધિમાંય છાપેલા ટાઇમથી મોડું ચાલ્યા કરે, ને એ ધારીને જ બધા અવરજવર કરે! પાટીદાર જેવા સમુદાયની છાપ છે એમાં કોઈ મોડું ના પડે. મતલબ, અનુશાસનને આદત બનાવી દો તો બીજાઓ આપોઆપ એને અનુકૂળ થઈ જાય છે!
બધાં ઇન્ટરરિલેટેડ છે. સ્વચ્છતા, ટ્રાફિક, ઘોંઘાટ વિનાની શાંતિ, પ્રદૂષણ-વ્યસનમુક્તિ, સમયપાલન. માર્ક કરજો, જ્યાં એક હશે ત્યાં બધું હશે. વિકસિત રાષ્ટ્રોમાં સ્વચ્છતા, ટ્રાફિક ડિસિપ્લિન, હોર્ન કે કોલાહલ વિના કતારબદ્ધ ચાલતી ભીડ, કચરા-ગંદકીનો અભાવ, પંક્ચ્યુઆલિટી બધું જ એકસાથે જોવા મળે. કેમ? કારણ કે, એમાં કાયદા કરતા સામાજિક-સામૂહિક શિસ્તના માહોલની બચપણથી, ખાસ તો શાળાથી જ પડતી ટેવ પણ ભાગ ભજવે છે.
 
સક્સેસનું આ મેજર સિક્રેટ છે. જે બેહદ સાદું હોવાને લીધે ઝટ સમજાતું નથી. એનું નામ છે પરઝિસ્ટન્સ, ખંત. જેને લીધે જળવાય કન્ઝિસ્ટન્સી, સાતત્ય. અને એના માટે જોઈએ ડિસિપ્લિન, સ્વનિયંત્રણ. આ થઈ સક્સેસની ડીસીપી ફોર્મ્યુલા.
વિલ સ્મિથ હોલીવૂડના ઇતિહાસમાં સૌથી સફળ બ્લેક એક્ટર. સુપરસ્ટાર. એની જિંદગી વિષે વાત કરતાં એણે એક વાર કહેલું, એ એક્ઝામ દેનારા સ્ટુડન્ટથી લઈને કરિઅર પ્રોફેશનલ સુધીના સ્ટ્રગલર્સ માટે કામનું છે. વિલ સ્મિથે કહેલું કે મારામાં બીજાઓ કરતાં અલગ કોઈ બાબત હોય તો એ એટલી જ કે હું ટ્રેડમિલ પર મરી જવાથી ડરતો નહોતો. તમારી પાસે મારા કરતાં વધુ ટેલન્ટ હોઈ શકે. તમે મારાથી વધુ સ્માર્ટ હોઈ શકો. તમે મારા કરતાં વધુ સુંદર દેખાતા હશો. પણ જો આપણે જીમમાં સાથે કસરત કરવા જઈશું તો બે જ બાબત બનશે. કાં તમે મારી પહેલાં થાકશો ને કાં હું મરીને ઢળી પડીશ. આઈ વિલ આઉટવર્ક યુ ઈન એક્સરસાઇઝ. અને એ ફિટનેસે એને ચાર્મર બનાવી દીધો. કસરત કરવા કે વજન ઘટાડવા ડાયેટ કરવા પણ કોઈ સાધન પછી પહેલાં તો મનનું અનુશાસન જોઈએ ! ભણવા માટે પણ અને આ લેખ સમયસર લખવા માટે પણ !
 
દુનિયામાં આપણાથી વધુ પ્રતિભાશાળી, વધુ સુંદર, વધુ હોશિયાર, વધુ ચાલાક, વધુ ક્રિએટિવ, વધુ પૈસાદાર, વધુ પહોંચ કે વગવાળા, વધુ સ્માર્ટ, વધુ ભણેલા હજારો-લાખો લોકો હશે. એને એમ બીટ નહિ જ કરી શકાય. પણ એક બાબત માત્ર આપણા હાથમાં હોવાની. આપણે વધુ મહેનત તો કરી જ શકીએ. કમિટમેન્ટ રાખી તપસ્વીની જેમ મચી તો પડીએ જ. કઠોર પરિશ્રમ, સ્વ અનુશાસન અને દૃઢ મનોબળનો કોઈ વિકલ્પ નહોતો જ ને નથી જ. તમે જો એકધારા ટકી રહો, તોય અડધા હરીફોને તો કાળ જ ખાઈ જશે. મતલબ, સમય જતાં એમના ચમકારા આપોઆપ ઝાંખા થઈ જશે.
 
આ મામલો મૂળભૂત રીતે સેલ્ફ કંટ્રોલ, સેલ્ફ ડિસિપ્લિનનો છે. કાયદો પછી આવે છે. અનુશાસન પણ વાઈરસની જેમ ચેપી બાબત છે. શૂઝ હારબંધ ગોઠવેલાં હોય ત્યાં આપોઆપ એ જ લાઇનમાં ગોઠવવાનું મન થશે. વેલ્યુ ઑફ સેલ્ફ કમિટમેન્ટ. અંતરાત્મા થકી પરમાત્મા બધું જુએ છે એ ખ્યાલ દૃઢ થાય તો આપોઅપ આળસને બદલે અનુશાસન કેળવાઈ જાય. કારણ કે અનુશાસન પણ એક રીતે પ્રભુની પૂજા છે!
 
 
- જય વસાવડા