અનુશાસનના આકાશમાં રાજા રામનો ઝળહળતો સૂર્ય

વિચારના વિહારમાં, અનુશાસનના આકાશમાં ફરવું હશે તો શ્રી રામ પ્રથમ અને પ્રખર મુકામ છે.

    ૨૯-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

raja ram anushasan in gujarati
 
 
અનુશાસનના સિક્કાની બીજી બાજુ જુઓ તો રામ હશે. રામ શિસ્ત સર્વોચ્ચ છે. રઘુકુલની રીતિ રહી છે કે, પ્રાણ જાય પણ વચન ન જાય. એક વચન ખાતર ચૌદ વર્ષનો વનવાસ લેવો એ કંઈ જેવીતેવી વાત નથી. અનેક કષ્ટો પડ્યાં પણ વચનમાં અફર અને અડગ રહ્યા. માણસમાં અનુશાસન કેટલું છે એના પરથી એની મહાનતા ખબર પડે છે. જગતના મહાપુરુષોનાં ઉદાહરણ જોશો તો ખ્યાલ આવશે કે એમનામાં અદ્ભુત અનુશાસન હતું. અનુશાસન એ બે શબ્દોથી બનેલો શબ્દ છે - અનુ અને શાસન. અનુ એ એક ઉપસર્ગ છે જે શાસન સાથે સંબંધિત છે અને જેના પરથી શિસ્ત શબ્દ આવ્યો છે, જેનો અર્થ છે અમુક નિયમો હેઠળ જીવવું અથવા નિયમો દ્વારા સંચાલિત થવું.
 
જેમ પ્રેમને કોઈ કારણ હોતાં નથી એમ શ્રદ્ધા માટે કોઈ તર્ક હોતા નથી. એમાં કોઈ સિદ્ધાંત કામ ન લાગે. તર્ક માટે શાસ્ત્ર છે પણ શ્રદ્ધા માટે સંવેદના છે. શ્રદ્ધા અજન્મા છે. હું તુલસીને પ્રેમ કરું છું પણ એનો ગુલામ નથી, એમની જે સારી વાત લાગે એ તમારા સુધી પહોંચાડું છું. જે બીજાને નિમ્ન સમજે એના જેવો નિમ્ન કોઈ નથી. રામાયણ વૈષ્ણવ ગ્રંથ નથી, વૈશ્વિક ગ્રંથ છે. હૃદયને પણ એક હૃદય છે, જેમાં રામ વસે છે. શ્રદ્ધા પૂછે અને વિશ્વાસ જવાબ આપે ત્યારે કથા થાય છે. ભવાની શ્રદ્ધા છે અને શિવ વિશ્વાસ છે. રામજન્મ સમયે આવ્યા બ્રહ્મ અને થયો ભ્રમ. આ બંને વચ્ચેની ભેદરેખાને જે સમજી શકે એ જ રામત્વને પામી શકે છે. જે રામ સાથે નાતો ન જોડે એ અનાથ છે.
 
આપણા જીવનમાં દરેક કાર્યને વધુ સારી શિસ્તની જરૂર હોય છે. કૌટુંબિક અને સામાજિક જીવનમાં વધુ શિસ્તની જરૂર છે. એ કડવું સત્ય છે કે શિસ્ત વગર સફળતા મળી શકતી નથી. જે દેશની પ્રજા શિસ્તબદ્ધ હશે, જ્યાં તેની સેના અનુશાસિત હશે, તે દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહેશે, તે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરતો રહેશે. અનુશાસન એટલે સ્વયમ્ પરનો કંટ્રોલ. જાતને નાણવાનો અને માણવાનો અવસર.
 
રામ એ પ્રેમસ્વરૂપ છે. પ્રેમ કદી કોઈ પર દબાવ કે દબાણ ન કરે. પોતાને અત્યંત પ્રિય હોય એને છેલ્લે રાખે એવું પ્રેમમાં તાટસ્થ્ય હોય છે. રામે વનવાસ જતા પહેલાં ભરતને કહેલું કે મા કૈકયીનું દિલ દુભાવીશ તો તારી રામભક્તિ લાજશે. આપણા ઇષ્ટનો સહવાસ એ પણ એક ભક્તિ છે. સ્વયંવરમાં જગતજનની સીતાને વરીને અયોધ્યા નગરીમાં રામ પગલાં કરે છે. દશરથના આનંદનો પાર ન રહ્યો. પુત્ર સવાયો બને ત્યારે પિતાનો આનંદ અઢી ગણો થઈ જાય છે. એમણે નક્કી કર્યું કે હવે રામનો રાજ્યાભિષેક કરી દઉં. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે... કૈકેયીએ દશરથ પાસે બાકી રહેલાં બે વરદાન માગ્યાં. જેમાં રામને ચૌદ વરસનો વનવાસ અને ભરતને રાજગાદી.
 
વનમાં નીકળેલા રામ ગંગાના તીરે પહોંચ્યા. નાવિક કેવટને સામે કિનારે લઈ જવા કહ્યું. ત્યારે કેવટે કહ્યું કે મને ભવસાગર પાર કરાવો. રામે કહ્યું કે તમારી વાતનું તાત્પર્ય સમજ્યો નહીં. ત્યારે નાવિકે કહ્યું કે પ્રભુ, તમારા પગ ધોવા દ્યો. રામે કેવટનો ભક્તિભાવ જોઈ સહર્ષ સંમતિ આપી. ચતુર કેવટ જાણતો હતો કે રામના ચરણસ્પર્શ થવાથી મારા સાત કુળનો ઉદ્ધાર થવાનો છે. આજે સાક્ષાત્ ભગવાન મારી સામે છે. આ સોનેરી અવસર હાથમાંથી જવા ન દેવાય. પગ ધોઈને રામને નદી પાર કરાવ્યા. દરેકના જીવનમાં એક સોનેરી તક ઈશ્વર આપે જ છે. એ તકને જે ઝડપી લે એનો બેડો પાર થતો હોય છે. આ નદી સાથે જોડાયેલો સ્નેહસમર્પણનો શ્રેષ્ઠ પ્રસંગ છે. રાજમહેલમાં પ્રોટોકોલમાં રહેતા રામ અહીં લિબરલ છે. અનુશાસનનો અર્થ જડતા નહીં.
 
એકવાર મહાકાલ રામને મળવા આવ્યા અને કહ્યું કે હું તમારી સાથે એક અગત્યની વાત કરવા આવ્યો છું. પણ એ પહેલાં મારી એક શરત છે. આપણને વાત કરતાં કોઈ સાંભળે કે જુએ તો એને તમારે મૃત્યુદંડ દેવો પડશે. મહાકાલની આ શરત સ્વીકારી રામ એને પોતાના કક્ષમાં લઈ ગયા. બહાર લક્ષ્મણને સૂચના આપી કે અમારી વાત કોઈ સાંભળે નહીં કે અંદર કોઈ આવે નહીં એની ખાસ તકેદારી રાખજો. મહાકાલે કહ્યું કે મને બ્રહ્માએમોકલ્યો છે. પૃથ્વી પરનાં તમારાં તમામ કર્તવ્યો પૂર્ણ થયાં છે. હજુ પૃથ્વી પર રહેવા માંગો છો કે પરમધામ આવવા માંગો છો?
 
ત્યાં જ દુર્વાસા મુનિ રામને મળવા આવ્યા. લક્ષ્મણે કહ્યું કે થોડીવાર બેસો પણ દુર્વાસાએ ગુસ્સે થઈને કહ્યું કે મારે અત્યારે જ રામને મળવું અનિવાર્ય છે. મને મળવા દેવામાં નહીં આવે તો હું અયોધ્યા નગરીને શ્રાપ દઈશ.
 
લક્ષ્મણ વિમાસણમાં પડ્યા. ઋષિને જવા દઉં તોય પ્રશ્ન અને ન જવા દઉં તોય પ્રશ્ન. મારું જે થવાનું હોય તે થાય. અયોધ્યા નગરીને કશું ન થવું જોઈએ એમ વિચારીને અંદર ગયા. લક્ષ્મણને અંદર આવેલા જોઈ મહાકાલ અદૃશ્ય થઈ ગયા. વચનને કારણે રામે પોતાના ભાઈનો જ વધ કરવો પડે એવી સ્થિતિ આવી ઊભી. તેઓ વશિષ્ઠજી પાસે ગયા. વશિષ્ઠજીએ ઉપાય બતાવ્યો કે લક્ષ્મણનો ત્યાગ કરી દો. કોઈનો ત્યાગ કરવો એ એના વધ કરવા બરાબર છે. આથી રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો. લક્ષ્મણ દ્રવિત હૃદયે સરયૂ નદીમાં સંમિલિત થયા. લક્ષ્મણજીએ પોતાની બધી ઇન્દ્રિયો વશમાં કરી શ્વાસ રોકી લીધો. આનાથી મોટું બીજું શું અનુશાસન હોઈ શકે ?
 
ઇતિહાસનાં કેટલાંક અનુશાસનનાં કાલજયી પાત્રો છે, એમાં ત્યાગમૂર્તિ ભરત તુરંત સ્મરણે ચડે. જેમ ભાવ કે કુભાવથી રામ બોલવાથી પુણ્યનો સંચય થાય છે એમ ભરત બોલવાથી પાપ-પ્રપંચનો નાશ થાય છે. માનસમાં આ મંત્રદીક્ષા છે. સ્વયમ્ રામ પણ ભરત નામનો મંત્રજાપ કરે છે. વિધિલેખને બદલવામાં સમર્થ વિવેકસાગર ભગવાન વશિષ્ઠ જ્યારે કૈકયીપુત્રનું નામ ભરત રાખે છે ત્યારે કેટલા સંદર્ભો સાથે રાખ્યું હશે, જે શબ્દબ્રહ્મ નામના ઉચ્ચારણથી અખિલ અમંગલ ભાર મટી જાય છે.
 
તાડકાવધ પછી રામની યશગાથા દૂરસુદૂર પહોંચી ગઈ. યૌવનના ઉંબરે પહોંચતાં તો પ્રતિભાના પુદ્ગલ પુષ્પ બની મહેકવા લાગ્યાં. મિથિલા નગરીના મહારાજા જનકે પોતાની દીકરી સીતાનો સ્વયંવર યોજવાનું નક્કી કર્યું. દેશવિદેશના સ્વનામધન્ય રાજાઓને આમંત્રણ અપાયાં. આમંત્રણને માન આપી વિશ્વામિત્ર પણ રામ-લક્ષ્મણ સાથે સ્વયંવરમાં સહભાગી બન્યા. રામે રમકડાંની જેમ સહજતાથી હાથમાં ધનુષ્ય ઊંચકીને વીજળીના ઝબકારા માફક પલકવારમાં પણછ ચડાવી. એકાએક વજ્રપાત જેવા ભયાનક અવાજ સાથે ધનુષભંગ થયો. ભગવાન રામે જ્યારે ધનુષ તોડ્યું ત્યારે સૌપ્રથમ પકડ્યું, ઉઠાવ્યું, તોડ્યું અને પછી ફેંકીને ચાલી નીકળ્યા. કથામાં જ્યારે હું કહું છું એમ કહું છું ત્યારે એ મારો અનુભવ છે. એમ હું અહીં વ્યાસપીઠ પર બેઠો છું ત્યારે હું, મારું એમ કહેવું પડે છે. અહીંથી ઊતરીશ ત્યારે એ બધું ફેંકીને ચાલ્યો જઈશ. એ મારો નિયમ છે. સભામાં સન્નાટો છવાઈ ગયો. એક ફૂટડા યુવાનનું પરાક્રમ જોઈને સૌ દંગ રહી ગયા. રામનું પરાક્રમ જોઈ જનક રાજા આનંદવિભોર બન્યા. સીતાએ રામને વરમાળા પહેરાવી. ચાર આંખ અને બે હૃદયનો મેળાપ થયો. પ્રેમને પરિભાષા મળી. સીતા પણ સર્વસ્વ ત્યાગીને પતિના પગલે વનવાસ ગયાં હતાં. સ્ત્રીના અનુશાસનનું શિખર એટલે સીતા.
 
કૈલાસ પર જ્યારે કથા શરૂ હતી ત્યારે મારા લઘુબંધુ જગાબાપુનું નિર્ર્વાણ થયું. મેં કથાને અટકાવી નહોતી. શો મસ્ટ ગો ઓન... હું રામના ગુણ ગાઉં તો એટલું તો અનુશાસન મારામાં આવે જ ને...
 
અનુશાસન માટે મારાં ભાઈબહેનો, ચાર વસ્તુ યાદ રાખજો. એક આદર; બીજું વાત્સલ્ય; ત્રીજું જીવનમાં કોઈ ખિતાબ મળી જાય એ અને ચોથી કૃપા; આ ચારેય જ્યારે પણ મળે એને પચાવવી. ક્યારેક ક્યારેક આપણને સન્માન મળી જાય છે પણ પચતું નથી. મા લોહીનું દૂધ બનાવીને પોતાના બાળકને પીવડાવે છે. ક્યારેક ક્યારેક બાળકને દૂધ પચતું નથી તો વમન કરે છે. વાત્સલ્યને પચાવવું જોઈએ. અભિમાન કરતાં પહેલાં પરમ રહસ્યભર્યા પરમ તત્ત્વનો વિચાર કરજો. શયદા કહે છે કે...
 
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર.
 
વિચારના વિહારમાં, અનુશાસનના આકાશમાં ફરવું હશે તો રામ પ્રથમ અને પ્રખર મુકામ છે.
 
***
 
(સંકલન : હરદ્વાર ગોસ્વામી)
 

મોરારિબાપુ

પૂ. મોરારિબાપુ એટલે પ્રવૃત્તિનો પાવરહાઉસ.પૂ. બાપુએ ૫૦૦થી વધારે કથાઓ ગુજરાતીમાં દેશ-વિદેશમાં કરીને માતૃભાષાની બહુમૂલ્ય સીવા કરી છે. સંતશ્રી તુલસીદાસ પછી રામાયણને ઘરે-ઘરે પહોંચાડવાનો શ્રેય બાપુને જ જાય છે. તેમણે હજારોની માનવ મેદનીને જીવન શિક્ષણના પાઠ ભાણાવ્યા છે. કથા દરમિયાન એ  પ્રસંગ પારિજાતના  અહિં સાધનાના વાચકો હવે વાંચી શકશે...બાપુ કહે છે કે ૨૧મી સદીનો નવો ધર્મ એટલે મુસ્કુરાહટ. જે હવે બાપુની આ કોલમ થકી સૌ વાચકોને મળશે....