શાસન નહીં અનુશાસન શ્રેષ્ઠ છે કારણ કે, શાસન તો પછીથી આવ્યું

શાસનવ્યવસ્થા કાયદાપોથીમાં બતાવેલા નિયમો મુજબ ચાલે છે, જ્યારે અનુશાસન લોકોના મન-મસ્તિષ્કમાં દૃઢ થયેલા સંસ્કારોમાંથી પ્રગટ થાય છે.

    ૨૯-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

self discipline anushasan in gujarati
 
 
અનુશાસન વગરની ભીડ કેવી માનવસર્જિત દુર્ઘટનાઓ સર્જી શકે છે તેનાં ઉદાહરણો સાથે લેખનો પ્રારંભ કરીએ.
 
(૧) તાજેતરમાં જ દિ. ૮ જાન્યુઆરી, ૨૦૨૫ના દિને તિરુપતિ મંદિરમાં અનિયંત્રિત ભીડ દ્વારા છ ભક્તોનાં કરુણ મૃત્યુ થયાં તો જુલાઈ, ૨૦૨૪માં ઉત્તરપ્રદેશના હાથરસમાં ભોલેબાબાની કથામાં ૧૨૦ લોકો ચગદાઈને મૃત્યુ પામ્યા. તો ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં રાજસ્થાનના જોધપુરમાં ચામુંડા દેવીના મંદિરમાં ધક્કામુક્કી થતાં ૨૫૦ દર્શનાર્થીઓએ પ્રાણ ગુમાવ્યા.
 
(૨) ક્રિસમસ સમયે તાન્ઝાનિયામાં મોશી ગામમાં ચર્ચ પ્રેરિત કાર્યક્રમમાં હજારો લોકો ભેગા થયા હતા. તેમાં પાસ્ટરે લોકો પર પવિત્ર તેલનો છંટકાવ કરતાં કહ્યું કે, જેના ઉપર આ પવિત્ર તેલના છાંટા પડશે તેમની બીમારી ને બેકારી દૂર થઈ જશે. તે પછી ધક્કામુક્કી શરૂ થઈ, જેમાં ૨૦ લોકો ચગદાઈને મૃત્યુ પામ્યા અને એક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા. તાજેતરમાં ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના દિને નાઇજીરિયામાં ક્રિસમસની ઉજવણી સમયે ચર્ચમાં પ્રવેશવા માટે થયેલી ધક્કામુક્કીની ત્રણ ઘટનનાઓમાં કુલ ૬૭ લોકો મૃત્યુ પામ્યા.
 
(૩) આવી જ કરુણ ઘટનાઓ હજયાત્રા સમયે સાઉદી અરેબિયામાં અનેક વાર બને છે. જે લોકો હજ કરવા જાય છે, તેઓ મીના શહેરમાં શેતાનના થાંભલાને પથ્થરો મારવા જતા હોય છે. સન ૨૦૦૬માં શેતાનને પથ્થરો મારવા દરમ્યાન થયેલી ધક્કામુક્કીમાં ૩૪૬ હાજીઓ મૃત્યુ પામ્યા હતા. તો ૨૦૧૫માં મીના શહેરમાં ધક્કામુક્કીમાં ૨૪૧૧ હાજીઓ ચગદાઈને મૃત્યુ પામ્યા હતા તો એપ્રિલ, ૧૯૯૮માં શેતાનને પથ્થરો મારવામાં ૧૫૦ હાજીઓએ પ્રાણ ગુમાવ્યા હતા જેમાં ૨૪ ભારતીય હાજીઓ હતા.
 
અનુશાસન સંસ્કારોમાંથી પ્રગટ થાય છે
 
ઉપરની તમામ ઘટનાઓમાં ત્રણ બાબતો એકસરખી જોવા મળે છે : (૧) જ્યાં ધક્કામુક્કી અને મૃત્યુ થયાં તે તમામ ધાર્મિક સ્થળો છે. (૨) ભેગા થયેલા તમામ લોકો કોઈ તોફાની લોકો ન હતા પણ ભક્તિભાવ ધરાવતા લોકો હતા અને (૩) આ તમામ સ્થળોએ શાસનવ્યવસ્થા હતી છતાં અનુશાસન હીનતાને કારણે માનવખુવારી થઈ ત્યારે શાસનની મર્યાદા અને અનુશાસનની અગત્યતાનો વિચાર કરવો ખૂબ આવશ્યક છે.
 
શાસનવ્યવસ્થા કાયદાપોથીમાં બતાવેલા નિયમો મુજબ ચાલે છે, જ્યારે અનુશાસન લોકોના મન-મસ્તિષ્કમાં દૃઢ થયેલા સંસ્કારોમાંથી પ્રગટ થાય છે.
 
શિસ્ત શબ્દ માટે અંગ્રેજીમાં Discipline શબ્દ વપરાય છે. આ Discipline શબ્દ Disiple શબ્દ પરથી આવ્યો છે. Disiple એટલે અનુયાયી. માસ્ટર જે આજ્ઞા કરે તે મુજબ અનુયાયીઓ વર્તે. પણ અનુશાસન આનાથી થોડું અલગ પડે છે, કારણ કે શિસ્તની આધારભૂમિ આજ્ઞાપાલન છે, જ્યારે અનુશાસનની આધારભૂમિ સિદ્ધાન્ત ધર્મ અર્થાત્ કર્તવ્યભાવ છે તેથી જ કડક શિસ્ત માટે પંકાયેલાં સૈન્યો પણ અનુશાસનહીનતાને કારણે બદનામ થતાં જોયાં છે. આ બાબતના ચોંકાવનારા સમાચાર તા. ૧૭-૫-૨૦૧૦ના `સંદેશ' દૈનિકમાં પણ છપાયા હતા. આ સમાચાર મુજબ અફઘાન મોરચે તાલીબાનો સામે મોકલેલ અમેરિકન લશ્કરની ૧૫ સૈનિક મહિલાઓ સગર્ભા બની જતાં તેમને મોરચેથી પરત મોકલવી પડી હતી અને સન ૨૦૦૩ થી ૨૦૦૯ દરમ્યાન બ્રિટનના લશ્કરની ૧૦૨ મહિલા સૈનિકો પણ સગર્ભા થતાં પરત મોકલાઈ હતી.
 
ઇતિહાસમાં બનેલી ઘટનાઓ બોધ આપે છે કે, જે પ્રજા કે સેના અનુશાસનમાં રહેતી નથી તેને ઘણું સહન કરવાનો વારો આવે છે.
 
અનુશાસનના અભાવને કારણે ઇતિહાસ બદલાયો
 
 
(૧) ૪ ફેબ્રુઆરી, ૧૯૨૨ના દિવસે ગોરખપુર જિલ્લાના લોકોએ ચૌરીચૌરા ગામમાં ગાંધીજીએ છેડેલી અસહકારની લડતના સંદર્ભમાં સરઘસ કાઢ્યું હતું, પરંતુ ગાંધીજીની નોન વાયોલન્સ નીતિની વિરુદ્ધ જઈ લોકોએ ચૌરીચૌરાના પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનમાં પુરાઈ ગયેલા ૨૨ પોલીસકર્મીઓને સળગાવી માર્યા. ચૌરીચૌરાની આ ઘટનાથી દેશ સ્તબ્ધ બની ગયો અને ૧૨ ફેબ્રુઆરીના દિને ગાંધીજીને પોતાની લડત પાછી ખેંચી લેવી પડી હતી. અનુશાસન વગરના લોકોએ કરેલા એક કૃત્યથી દેશને ભારે નુકસાન થયું હતું.
 
(૨) ૧૮૫૭ના સ્વાતંત્ર્ય યુદ્ધના નિષ્ફળ જવાનાં અનેક કારણોમાં એક મહત્ત્વનું કારણ એ પણ હતું કે અંગ્રેજો વિરુદ્ધ સંગઠિત યુદ્ધ તમામ સ્થળે એક સાથે તા. ૩૧ મે ના દિવસે શરૂ કરવાનું નક્કી થયું હતું પણ બ્રિટિશ સૈન્યના ઉગ્ર દેશદાઝ ધરાવતા સૈનિક મંગલ પાંડેએ અનુશાસનનું પાલન ન કરીને ઉતાવળે ૨૯ માર્ચના દિવસે એટલે કે નક્કી કરેલા દિવસના બે મહિના અગાઉ જ બ્રિટિશ સત્તા સામે જંગનું એલાન કરી દીધું હતું. તેમણે ૨૯ માર્ચના દિવસે જ સાર્જન્ટ મેજર હ્યુસનને ગોળીથી વીંધી દીધો અને તે બાદ લેફ્ટેનન્ટ બાવ્હને પણ ધરાશાયી કરી પરેડ મેદાનમાં જ મેરઠની બૈરકપુરની છાવણીના સૈનિકોને ધર્મના શપથ આપી સ્વાધીનતા માટે નીકળી પડવાનું એલાન કરી દીધું હતું. પરિણામે અંગ્રેજો સચેત થઈ ગયા અને વિદ્રોહ આખા દેશમાં શરૂ થાય તે પહેલાં જ સૈન્ય-વ્યવસ્થા કરી સ્વાતંત્ર્ય સંગ્રામને નિષ્ફળ બનાવી દીધો હતો.
 
ભારતીય સૈનિકોના વ્યવહારથી તદ્દન ઊલટું અંગ્રેજસેનામાં દેખાયું હતું. ૧૮૫૭ના સંગ્રામને નિષ્ફળ બનાવવા કંપની સરકારે પોતાની સેનામાં ચાર-ચાર સેનાપતિઓને એક પછી એક બદલ્યા પણ અંગ્રેજ સેનાપતિઓએ કંપની સરકારના આ નિર્ણયને મનદુઃખ લગાડ્યા વગર શિસ્તબદ્ધ રીતે અને હોંશભેર સ્વીકારી લીધો હતો. સમગ્ર ઘટના આ પ્રમાણે બની હતી. કાનપુરના વિદ્રોહને દબાવવા સેનાપતિ નીલ મહેનત કરતો હતો. આમ છતાં તે થોડો ઢીલો લાગતાં તેને હટાવી સેનાપતિ હેવલૉકને નિયુક્ત કરવામાં આવ્યો. નીલે આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો તે દરમ્યાન લખનૌમાં વિદ્રોહ થતાં હેવલૉકે વધુ મદદ માંગી તો કંપની સરકારે મદદ મોકલવાને બદલે હેવલૉકના સ્થાને સર આઉટ્રમને સેનાપતિ તરીકે મોકલી દીધો. યુદ્ધ વિસ્તરતાં આઉટ્રમે પણ વધુ મદદ માગી તો કંપની સરકારે મદદ મોકલવાને બદલે કેમ્પબેલને સેનાપતિ તરીકે મોકલી આઉટ્રમને પાછો બોલાવી લીધો. આમ એક જ યુદ્ધમાં ચાર સેનાપતિઓની સેવા લીધી પણ અનુશાસિત સેના વડે ૧૮૫૭ના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી લીધો.
 
(૩) પાણીપતનું ત્રીજુ યુદ્ધ ૧૭૬૧માં અહમદશાહ અબદલ્લી અને મરાઠાઓ વચ્ચે લડાયું જેમાં અનુશાસનના અભાવને કારણે જ મરાઠાઓ યુદ્ધમાં હાર્યા હતા તેવું ઇતિહાસના મર્મજ્ઞો માને છે. યુદ્ધ દરમ્યાન સેનાપતિ સદાશિવરાવ વિચાર્યા વગર આડેધડ હુકમો આપતા હતા. પરિણામે સૈન્યમાં અનેક ગેરસમજો ઊભી થઈ હતી. યુદ્ધ સમયે જ બે મરાઠા સરદારો એકબીજા સાથે લડી પડ્યા હતા, તેનું કારણ એ હતું કે એક મરાઠા સરદાર પોતાને બીજા મરાઠા સરદાર કરતાં ઊંચી વર્ણના માનતા હતા. તેથી તેમણે પોતાનો તંબુ બીજા મરાઠા સરદારના તંબુ કરતાં ઊંચી જગાએ બાંધ્યો હતો. તેથી તેઓ આપસમાં જ લડી પડ્યા. આ યુદ્ધમાં સદાશિવરાવને મદદ કરવા પેશ્વા બાલાજીરાવ નીકળ્યા પણ એક કુમારિકા સાથે લગ્ન કરવા રસ્તામાં જ રોકાઈ ગયેલા. પંડિતોએ કન્યા સાથે પાણીગ્રહણ તો કરાવ્યું પણ ત્યાં સુધીમાં તો પાણીપતનું ત્રીજુ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને મરાઠાઓનો ઘોર પરાજય થઈ ગયો હતો.
 
***
 
સમાજજીવનમાં અનુશાસનહીનતા
 
પશ્ચિમી જગત અને વિશેષ કરીને યુરોપના દેશોની પ્રજામાં અનુશાસનનો ગુણ કે આગ્રહ છેલ્લી કેટલીક સદીઓથી વિકસિત થઈ રહ્યો છે. તેના માટે સમાજશાસ્ત્રીઓ કહે છે કે, યુરોપમાં થયેલ રેનીસાન્સ (નવજાગૃતિ) અને રીફોર્મેશન (ધર્મસુધારણા) જેવી પરિવર્તનકારી ઘટનાઓ અને તે પછી યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિની ઘટના અને તે પછી થયેલા બે વિશ્વયુદ્ધોને કારણે ત્યાંની પ્રજાને શિસ્તબદ્ધ જીવન જીવવાની તાલીમ અને આવશ્યક્તા મળી ગયાં હતાં.
 
અલબત્ત શેષ જગતમાં આવું પરિવર્તન જોવા ન મળ્યું કારણ કે, આ દેશો ગરીબી, શોષણ, અછત, ગુલામી, પછાતપણું અને આંતરિક સમસ્યાઓથી ઘેરાયેલા હતા. સમય જતાં આ દેશો પણ સ્વતંત્ર થયા પણ ત્યાંના નાગરિકો સ્વતંત્રતાનો સાચો અર્થ સમજી શક્યા નહીં. તેઓ સ્વતંત્રતાને સ્વચ્છંદતા સમજી બેઠા અને સરેઆમ અનુશાસનહીન વ્યવહાર કરતા થયા. પ્રસિદ્ધ મરાઠી લેખક વિ. સ. ખાંડેકર લિખિત `યયાતિ' નવલકથામાં આનો એક પ્રસંગ લખાયો છે. રશિયામાં ૧૯૧૭માં બોલ્શેવિક ક્રાન્તિ થયા પછી રાજા ઝારની તાનાશાહી પૂરી થઈ ગઈ ત્યારે એક મહિલા એક શહેરના ખૂબ ગિરદીવાળા રસ્તાની વચ્ચોવચ્ચ પોતાને ગમે તે રીતે ચાલવા અને કૂદવા લાગી તો પોલીસે તે મહિલાને રસ્તાની બાજુમાં ચાલવા સૂચના આપી તો પેલી મહિલા બોલી, `હવે હું સ્વતંત્ર થઈ છું, મને ફાવે તે રીતે રસ્તામાં નાચી-કૂદી શકું છું. તમે વળી મને હુકમ કરનાર કોણ?' આ સંવાદ લખ્યા પછી લેખક વિ. સ. ખાંડેકર લખે છે કે સ્વતંત્રતાની મર્યાદાઓ નહીં જળવાય તો આપણા દેશમાં પણ રશિયાની જેમ જ અનુશાસનહીનતા દેખાશે. અને બન્યું પણ તેવું જ. લાંબા સમયના ગુલામીકાળ દરમ્યાન કુંઠિત થઈ ગયેલા આપણા દેશના સમાજજીવનમાં પણ અનુશાસનહીનતા પ્રવેશી ચૂકી હતી.
 
આપણું આત્માનુશાસન અને જીવન
 
ક્યારેક તો અનેક દેશોમાં અરાજકતા ઊભી થતી જોવા મળે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, શાસન કેમ નિષ્ફળ થતું જોવા મળે છે? શું શાસનની મર્યાદા હવે જગજાહેર થતી જાય છે? અથવા મનીષીઓએ બનાવેલ શાસનવ્યવસ્થા આટલાં બધાં વર્ષો પછી કોઈ કોઈ નવા વિકલ્પ માટે જગ્યા બનાવી રહી છે? તો આનો ઉત્તર આપતાં સામ્યવાદી ચિંતન સૂચવે છે કે, વિશ્વમાં સામ્યવાદ જ્યારે સફળ થશે ત્યારે વિશ્વ રાજ્યવિહીન બની જશે, ત્યારે રાજ્ય નામની વ્યવસ્થા જ નહીં હોય. તેમણે Statelessnessનો વિચાર મૂક્યો. ત્યારે પ્રશ્ન ઊભો થયો કે વિશ્વમાં રાજ્ય નામની વ્યવસ્થા જ નહીં હોય તો નાગરિકોની સુરક્ષા કેવી રીતે થશે? તો તેમણે Survival of the Fittestનો વિચાર મૂકતાં કહ્યું કે જે જીવવા યોગ્ય હશે તે જીવશે. આ સાવ અસ્પષ્ટ્ર અને ઉડાઉ ઉત્તરનો સાચો ઉત્તર ભારતીય ચિંતને આપ્યો છે. ભારતીય ચિંતકો કહે છે કે સૃષ્ટિ ઉપર શાસન તો પછીથી આવ્યું. તે પહેલાં સૃષ્ટિ અનુશાસનથી ચાલતી હતી. ધર્મે પ્રબોધેલા કર્તવ્યબોધમાંથી જન્મતા અનુશાસનને કારણે જનજીવન ચાલતું હતું. તે માટે ચિંતકો કૃતયુગનું દૃષ્ટાંત આપતાં કહે છે કે, સૃષ્ટિ પર એક સમયે કૃતયુગ ચાલતો હતો. કૃતયુગમાં રાજ્ય ન હતું, રાજા ન હતો, કોઈ દંડિત ન હતું, તો કોઈ દંડ આપનાર પણ ન હતું છતાં, પ્રજાજીવન સુપેરે સુખપૂર્વક ચાલતું હતું કારણ કે પ્રજા ધર્મ દ્વારા અનુશાસિત હતી.
 
આ સ્થિતિ દર્શાવતો શ્લોક ટાંકતાં ચિંતકો કહે છે કે કૃતયુગમાં
 
न राज्यं नैव राजासीत्,
न दण्ड्यो न च दाण्डिकाः।
धर्मेणैव प्रजाः सर्वा
रक्षन्ति स्म परस्परम् ॥
 
આ જ સંદર્ભમાં અહીં અન્ય બે વિદ્વાનોનાં મંતવ્યો ટાંકવા ઉચિત લાગે છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ પોતાના ઇન્ડિયન કલ્ચર નામના લેખમાં લખ્યું છે કે, ભારતમાં જ બે પ્રભાવી સરકારોના કાલખંડની વચ્ચેના ગાળામાં એવું તો જોવા મળ્યું છે કે, તે સમયે ન તો કોઈ કેન્દ્રીય સરકાર કે ન તો કોઈ ક્ષેત્રીય સરકારો દેશમાં હતી. આ શાસન વિહીનતાની સ્થિતિમાં આપણી આત્માનુશાસન પદ્ધતિને કારણે જ સમાજ વ્યવસ્થા સુચારુ ઢંગથી ચાલતી હતી.
આવા જ વિચારો ભારતના ખ્યાતનામ કાયદાશાસ્ત્રી નાની પાલખીવાલાએ ૧૯૮૦માં તિરુપતિમાં શ્રી વ્યંકટેશ્વર વિશ્વ વિદ્યાલયમાં આયોજિત વ્યાખ્યાનમાળામાં પ્રસ્તુત કરતાં કહેલું કે, `સંવિધાન દ્વારા કર્તવ્યોનું પાલન તો થાય છે, પરંતુ કાનૂનના દાયરામાં જેમનો સમાવેશ નથી થઈ શક્યો તેવા કર્તવ્યોનો દાયરો ઘણો મોટો છે, જેમાં કાનૂનનો હસ્તક્ષેપ ન તો સંભવિત છે કે, ન તો ઇચ્છનીય છે. કારણ કે, આ બધું આત્માનુશાસનથી ચાલે છે. જે ઉદ્દંડતાથી સાવ વિપરીત છે.'
 
આત્માનુશાસનનાં હૃદયસ્પર્શી ઉદાહરણો
 
આમ ત્રીજા વિશ્વના લોકોમાં જોવા મળતી અનુશાસનહીનતાથી સાવ અલગ પડીને આપણા દેશના લોકોમાં આશ્ચર્ય પમાડી દે તેવું અનુશાસન પણ જોવા મળ્યું છે. સમાજશાસ્ત્રીઓ માને છે કે, ભારતના લોકોનું જીવન ધર્મના અનુષ્ઠાન પર આધારિત હોવાને કારણે ભાગ્યે જ જોવા મળતું સદવર્તન આપણા દેશમાં જોવા મળે છે તેની કેટલીક ઘટનાઓ નીચે મુજબ છેઃ
 
(૧) એક વાર સંઘના અ.ભા. વરિષ્ઠ પ્રચારક મા. શેષાદ્રીજીનું મુંબઈના બડેવાલા મહોલ્લાના દ્વારકાનાથ ભવનમાં ઉપરના માળે રોકાણ હતું. બપોરની વિશ્રાન્તિ દરમિયાન નીચે આવેલી ઝૂંપડપટ્ટીમાં તેમને કોલાહલ સંભળાયો તો જોવામાં આવ્યું કે એક હૃષ્ટ્રપુષ્ટ્ર મહિલા બીજી દૂબળી મહિલા સામે ઝપાઝપી કરી રહી હતી. પડોસીઓ પેલી દૂબળી મહિલાને ખેંચીને તેના મકાનમાં લઈ ગયા, પણ થોડી વાર પછી પેલી હૃષ્ટ્રપુષ્ટ્ર મહિલા પોતાની નાની દીકરી સાથે પેલી દુબળી મહિલાના આંગણે ગઈ. તેની દીકરીએ ટકોરા મારી પેલી મહિલાનું બારણું ખોલાવ્યું અને કહ્યું કે, `માસી, ઝઘડામાં તમારું મંગલસૂત્ર મારી બાની મુઠ્ઠીમાં આવી ગયું હતું. લો, તમારું આ મંગલસૂત્ર.' આટલું કહીને બંને ચાલી ગયાં. આ પ્રસંગનું વર્ણન કરતાં પોતાના બૌદ્ધિક સત્રમાં મા. શેષાદ્રીજીએ કહ્યું કે બંને વચ્ચે દ્વેષભાવ હોવા છતાં પેલી બાઈનું મંગલસૂત્ર મારે પરત દઈ દેવું જોઈએ તેવી લાગણી શાસનની કલમના કારણે નહીં પણ તેનામાં રહેલી કર્તવ્યબુદ્ધિને કારણે જાગી હતી. આને આત્માનુશાસન કહી શકાય.
 
(૨) અમેરિકાના કેટલાક ગોરા વિદ્યાર્થીઓ ભારતમાં પ્રવાસ અર્થે આવેલા. પ્રવાસમાંથી પરત ગયા બાદ એક પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો કે, `તમારી ભારતયાત્રા દરમ્યાન તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તેવો અનુભવ કયો હતો ?' આના ઉત્તરમાં વિદ્યાર્થીઓએ પોતાને થયેલા હૃદયસ્પર્શી અનુભવનું વર્ણન કરતાં કહ્યું કે, `અમારી ટીમ એક શહેરમાં વાહન દ્વારા જઈ રહી હતી ત્યારે ચાર રસ્તે રેડ લાઇટ થતાં બધાં વાહનો ઊભા રહી ગયાં. થોડી વારમાં ગ્રીન લાઈટ થઈ પણ વાહનો આગળ વધતાં જ ન હતાં કારણ એ હતું કે ત્રણ કુરકુરિયાં મસ્તી કરતાં કરતાં રસ્તો ઓળંગી રહ્યાં હતાં. જ્યાં સુધી આ કુરકુરિયાં રસ્તો ઓળંગી રહ્યાં હતાં ત્યાં સુધી ભરચક ટ્રાફિક શાંતભાવથી સ્થગિત રહ્યો હતો. કુરકુરિયાંઓએ રસ્તો ઓળંગી લીધા પછી જ ટ્રાફિક આગળ વધ્યો.' હવે અહીં જ શાસન અને અનુશાસનનો ભેદ સમજાય છે. શાસને તો ગ્રીનલાઇટ કરી ટ્રાફિકને આગળ વધવા મંજૂરી આપી દીધી પણ વાહનચાલકોના હૃદયમાં રહેલા કર્તવ્યબોધે શાસનથી પણ મુઠ્ઠી ઊંચેરા નાગરિક વ્યવહારનું દર્શન કરાવ્યું હતું. ચિંતકો આને આત્માનુશાસન કહે છે.
 
(3) આ ઘટના ૨૦૧૦ની છે. ઓરિસ્સામાં ભગવાન શ્રી જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રામાં લાખો લોકોની ભીડ દર્શનાર્થે એકત્રિત થતી હોય છે. એવી એક યાત્રા દરમ્યાન ટી.વી. ચેનલના એક કોમેન્ટેટર કહેતા સંભળાયા હતા કે, અત્યારે અહીં લાખો લોકોની ભીડ છે. પણ કોઈ ધાંધલ ધમાલ કે ધક્કામુક્કી નથી. લાખો લોકો શાંતભાવે દર્શનનો લાભ લેવા ઊભા છે. આ પ્રસંગના પ્રસારણ દરમ્યાન કોમેન્ટેટરે સ્થળ પરના અહેવાલદાતાને પ્રશ્ન કર્યો કે, `અહીં લૉ અૅન્ડ અૉર્ડર માટે મુકાયેલ પોલીસ શું કરે છે?' ત્યારે સ્થળ પરના અહેવાલદાતાએ કહ્યું કે, `આમાં પોલીસને કોઈ ખાસ કામ કરવાનું રહેતું નથી. લોકો સ્વયંભૂ શિસ્ત પાળે છે.' તો કોમેન્ટેટરે બીજો પ્રશ્ન પૂછ્યો, `આનું કારણ શું?' ત્યારે સ્થળ પરના અહેવાલદાતાએ કહ્યું કે, `અહીં જે લોકો એકત્રિત થયા છે તેમના અપાર ભક્તિભાવને કારણે શાંત અને ભાવવિભોર થયેલું તેમનું મન જ તેમને અનુશાસનમાં રાખે છે.'
 
આ પ્રસંગો દર્શાવે છે કે શાસન નહીં પણ અનુશાસન શ્રેષ્ઠ છે. અને આ અનુશાસનનો ભાવ આપણા મનોજગતમાં સ્થપાયેલા ઉત્કૃષ્ટ્ર વિચારોને કારણે છે. એકવાર NCCના અધિકારીઓએ પ.પૂ. ગુરુજી ગોળવળકરજીને પ્રશ્ન કરેલો કે, `અમારા NCCના કેડેટો મેદાન પર તો શિસ્તમાં રહે છે પણ બાકીના સમયમાં તેમના દ્વારા આચરવામાં આવતી ગેરશિસ્તનું કારણ શું?' એના ઉત્તરમાં શ્રી ગુરુજીએ કહેલું કે, `તે માટે તેમની સામે મહાન ધ્યેય મૂકવું જરૂરી છે. રાષ્ટીય શિસ્ત માટે રાષ્ટીય મન ઊભું કરવું પડે છે. અનુશાસન માટે રાષ્ટ્રનું ઉદાત્ત સ્વરૂપ તેમના મનોજગતમાં સ્થિર કરવું પડે છે.'
 
તો, આવો આપણે સહુ આ પંથે આગળ વધીએ. અસ્તુ.
 
 

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.