અનુશાસનના પ્લેટફોર્મ પર પહોંચતાં હજુ કેટલાં વર્ષો લાગશે?

આપણે જ સૌથી પહેલાં તો આપણા દેશ અને તેની જાહેર મિલકતો પ્રત્યે આદર કેળવતાં શીખવું પડશે તથા તમામ સ્તરે અનુશાસનમાં રહેતાં શીખવું પડશે.

    ૨૯-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

success anushasan in gujarati
 
 
ભારત દેશનો વિકાસ હવે વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન પામે તેવો થઈ ચૂક્યો છે. હજુ ત્રણેક દાયકા પહેલાં અમેરિકાથી આવતા આપણા સગા સ્નેહી ગિફ્ટમાં બ્લેડ, રેઝર, ચોકલેટથી માંડી ઇલેક્ટ્રોનિક ઉપકરણ આપતા તો આપણે કૌતુક અનુભવતા. આવા પરિવારજન વિદેશમાં મોલ, રેસ્ટોરાં, ફૂડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેન, વિમાન સેવા અને આરામદેહ સગવડની વાતો કરે ત્યારે આપણે કોઈ નાનું બાળક વિસ્મય સાથે વાર્તા સાંભળે તેવા લાગતા હતા.
 
પણ હવે તો આ બધી ચીજવસ્તુઓ, બજાર, બ્રાન્ડ અને સેવા આપણા ઘરની બહાર ડગ માંડતા જ નજર સામે હોય છે.
ભારતના અંતરિયાળ ગામમાં રહેતી વ્યક્તિને પણ હવે વિદેશમાં જાય તો કંઈ પ્રભાવિત નથી કરતું.
ભારતમાં આપણે આધુનિક દુનિયા અને ટેકનોલોજી ખડી કરી છે આમ છતાં વિશ્વના વિકસિત દેશોની નજરે આપણે હજુ ત્રીજા વિશ્વના દેશ જ છીએ તેનું કારણ શું?
 
આપણે પણ ગૌરવ સાથે કહીશું કે અમે પણ વિદેશી કંપનીઓ જોડે હાથ મિલાવીને વિદેશી બ્રાન્ડ કારના માલિક છીએ. અમારી ટ્રેન, અમારી રેસ્ટોરાં, અમારી વિમાનસેવા, અમારા રસ્તા, ડિજિટલ દુનિયા બધું આધુનિક છે. પણ ભારતના નાગરિકો પણ વિદેશ જઈને કબૂલાત કરે છે કે `વિદેશના નાગરિકોની ટ્રાફિક શિસ્ત, સ્વચ્છતા, નાગરિક તરીકેની ફરજ - શિસ્ત, પ્રામાણિકતા, ગ્રાહકને અપાતી સેવા વખતનો વ્યવહાર, પરસ્પર આદર સન્માન, શિસ્ત અને રાષ્ટ્રગૌરવ બેમિસાલ છે.'
એકંદરે એમ કહી શકાય કે વિદેશ જવાનું અને ત્યાં વસવાનું નવી પેઢીને જે આકર્ષણ છે તેના પાયામાં વિદેશની રોજેરોજની અનુભવાતી જાહેર અને અંગત શિસ્ત અને સિસ્ટમ છે.
 
સ્વ. ડૉ. અબ્દુલ કલામે યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે, `તમે જેવા ભારતની કલ્પના કરો છો તેવું ભારત તમે બનાવી જ શકો છો.' તે પછી તેમણે યુવાનોને સવાલ કર્યો હતો કે `તમે બધા વિદેશમાં જે સ્વચ્છતા, નોકરી કે ધંધામાં ગ્રાહક માટે સેવાની તત્પરતા અને વર્તન અને શિસ્તની વાતો કરીને પ્રભાવિત થાવ છો તેવું ભારતમાં કેમ નથી કરતા? એક ભારતીય પણ વિદેશમાં તો ખૂબ સાલસ બનીને રહે છે. તેને કાયદાનો ડર છે. પણ ભારતમાં તે બેફામ અને અપ્રમાણિક વર્તન કરે છે.'
 
કલામ સાહેબ અનુશાસનની વાત કરતા હતા. આપણે સ્વાતંત્ર્ય કરતાં સ્વચ્છંદતા મેળવી હોય તેવું વધુ લાગે છે. સરકાર તો સ્વચ્છતા, ટ્રાફિક સેન્સ, શિસ્ત અને પર્યાવરણ, સ્વચ્છતાથી માંડી શિક્ષણ સુધીના પ્રયત્નો કરે છે. બજેટ ફાળવે છે. જાહેર સેવા અને સાધનો પૂરાં પાડે છે, પણ આપણે ગંદકી કરવી છે. જાહેર મિલકતો સાચવવી નથી, બેફામ વાહનો ચલાવવાં છે. કાયદાનો ડર નથી. કર્મચારી, વેપારી કે માલિક તરીકે ગ્રાહકોની જોડેનું વર્તન અમાનવીય છે. પ્રામાણિકતા પર દંભની સરસાઈ જોઈ શકાય છે.
 
આપણે સરકાર કે નેતાઓ પર દોષનો ટોપલો ઓઢાડીને આપણી જવાબદારીમાંથી છટકી જતા હોઈએ છીએ.
 
વિદેશી કારનો માલિક પણ જાહેર માર્ગ પર કાર થોભાવીને રસ્તા પર પાન-ગુટખાની પિચકારી મારી શકે છે. વિના કારણ આપણે ઇમારતની સીડી ઊતરતાં કે લિફ્ટમાં થૂંકી શકીએ છીએ. વાહનો ઓવર ટેક કરવામાં જરૂર ન હોય તો પણ હોર્ન માર્યા કરવામાં અને ઘરની બારીમાંથી ભીનો કચરો બેધડક ફેંક્યા કરવામાં આપણે શરમ અનુભવતા નથી. વેપારીઓ ભેળસેળ કરવામાં પાવરધા છે. વજનમાં છેતરપિંડી તો સહજ બની ચૂક્યું છે.
માત્ર વિદેશ ખડું કરવાથી આપણે તેમના જેવી ગુણવત્તા ધરાવતા નથી થઈ જતા પણ તેમના નાગરિક જેવું અનુશાસન મહત્ત્વનું છે.
 
યાદ રહે, અહીં આપણે ભારત દેશમાં પશ્ચિમ જગતની નકારાત્મક બાબતો છે તેને અપનાવવાની વાત નથી કરતા પણ તેઓના હાર્દમાં શું છે તે પ્રમાણે હેપીનેસ ઈન્ડેક્ષ ઉપર લઈ જવા પર ધ્યાન આપવા માંગીએ છીએ. કમનસીબે આપણે જે ગ્રહણ ન કરવાનું હોય તે અપનાવી લીધું છે.
 
અનુશાસનને ચારિત્ર્ય સાથે જોડાવાની જરૂર છે. દેશ માટે ગૌરવ હોવું તે પણ એટલું જ મહત્ત્વનું છે.
 
ચાલો એક પ્રસંગને યાદ કરીને કઈ રીતે રાષ્ટ્રગૌરવને અનુશાસન જોડે જોડી શકાય તે જોઈએ.
 
ભારતનો એક પ્રવાસી જાપાનની રેલ્વેમાં મુસાફરી કરી રહ્યો હતો. એક સ્ટેશન આવતા કેટલાક પ્રવાસીઓ કોચમાંથી તેમના સામાન સાથે ઊતર્યા. હજુ ટ્રેન સ્ટેશન પર જ ઊભી હતી, ત્યાં જ ભારતનો પ્રવાસી કોચમાં બૂમ પાડવા લાગ્યો કે 'અરે ટ્રેન ઉપાડવા ન દેતા... મારી બેગ ચોરાઈ ગઈ છે.'
 
કોઈ ગઠિયો મારી બેગ લઈને સ્ટેશનમાંથી બહાર નાસી જાય તે પહેલાં તેને પકડો. ક્યાં છે પોલીસ, કઈ રીતે બોલાવાય છે અહીં રેલવે પોલીસ .. કોઈ ઝડપથી મદદ કરો.. મારી બાજુમાં બેસેલ જાપાનીઝ પેસેન્જર ચોર હતો તે હવે સમજાયું.' અંગ્રેજી ભાષામાં સતત આવી બૂમાબૂમ સાથે તેણે કોચ અને નીચે ઊતરી સ્ટેશનને ગજવી મૂક્યું.
 
કોચમાં બેઠેલા જાપાનીઝ મુસાફરો પૈકી એક જણાએ આ ભારતીય ભાઈને અંગ્રેજીમાં કહ્યું કે, `તમારી બેગ તમને પરત મળી જશે. તમે અમારા દેશના નાગરિકને ચોર ના કહી શકો. આવું અમે હરગિઝ ચલાવી નહીં લઈએ. અમને તો અમારી કોઈ ચીજવસ્તુ હાથ ન લાગે તો તે અમારા દેશના નાગરિકે ચોરી લીધી તેવો વિચાર જ ના આવે. અમારા નાગરિક વિષે તમે આવું અનુમાન અને આરોપ મૂકો અને તે પણ અન્ય વિદેશી પ્રવાસીઓની હાજરીમાં લગાવો તે એક જાપાન જેવા પ્રામાણિક દેશ અને તેના નાગરિક તરીકે હું સાંભળી નથી શકતો.'
 
ભારતના પ્રવાસીની હજુ `ચોર ચોર.. પકડો.. પકડો..'ની કાગારોળ ચાલુ જ હતી. ત્યાં જ તેની નજર સામે પોલીસ દેખાયા જે સીધા તેના કોચ તરફ આવ્યા. શોરબકોર કરતા ભારતીય પ્રવાસીની નજીક આવી પોલીસકર્મીએ સસ્મિત બેગ આપતાં કહ્યું કે `તમારી જોડેનું સહપ્રવાસી દંપતી ભૂલથી તમારી બેગ પણ તેમના સામાન સાથે લઈ ગયું હતું. જે તેઓએ સ્ટેશન બહાર જતાં પહેલાં અમને કોચ નંબર જણાવી ભારતીય મુસાફરને આપી દેવા જણાવ્યું છે.' ભારતીય પ્રવાસી તો કાપો તો લોહી ન નીકળે તેમ છોભીલો પડી ગયો. `સોરી સોરી.. થેંક યુ થેંક યુ' કહી તેણે તેની બેઠક ગ્રહણ કરી. ટ્રેન ઉપડવાની વ્હીસલ વાગી ત્યારે પોલીસે જતાં અગાઉ કહ્યું કે, `તમારી બેગ તમને પહોંચાડવા અમે ટ્રેન પાંચ મિનિટ મોડી કરાવી હતી.'
 
ટ્રેને થોડી રફ્તાર પકડી તે સાથે જાપાની સહપ્રવાસીએ ભારતીય પ્રવાસીને વિનંતીના સૂરમાં કહ્યું કે, `મહેરબાની કરીને તમારા દેશમાં જઈને આ પ્રસંગ જણાવો તો એવું ના કહેતા કે જાપાનમાં તમારી બેગ સ્ટેશન પર ચોરાઈ ગઈ હતી અને તે પરત મળી.. ખાસ એ વાત પર ભાર મૂકજો કે, એક જાપાની દંપતી ભૂલથી બેગ લઈ ગયું હતું અને ખબર પડતાં જ તેઓએ પોલીસને પરત કરી હતી. કોઈ પરદેશી અમારા દેશમાં તેનો સામાન કે પર્સ ખોઈ નાખે અને તે ચોરીની ફરિયાદ કરે તો પણ અમે શરમથી ઝૂકી જઈએ છીએ.' ભારતના નાગરિકે મનોમન જાપાન દેશ અને તેના નાગરિકોને વંદન કર્યા.
 
ખરેખર તો ભારતના ગરીબો વધુ સંસ્કારી અને સ્વમાની છે. ભગવાન બધું જુએ છે તેમ માનનારા છે. આવાં પણ ઘણાં ઉચ્ચ ભાવનાથી ઓતપ્રોત ઉદાહરણો મળી આવે છે. એક ઉદાહરણ જોઈએ...
 
સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, ત્યારે સ્વયંસેવકોની દયાળુતા, નિઃસ્વાર્થતા અને બલિદાને મહામારીના કપરા સંજોગોમાં દેશના લોકોને શાતા આપી હતી. આવી જ એક ઘટનામાં નાગપુરના ૮૫ વર્ષીય રા. સ્વ. સંઘના કાર્યકર્તા નારાયણ દાભદકર કોરોનાથી સંક્રમિત થતાં મહાપ્રયાસે ઇન્દિરા ગાંધી હૉસ્પિટલમાં તેમના માટે બેડ મળી શક્યો હતો, ત્યારે અચાનક તેમની નજર હૉસ્પિટલમાં ૪૦ વર્ષીય મહિલાને પોતાનાં બાળકો સાથે રડતાં જોયાં, તે હૉસ્પિટલના અધિકારીઓ પાસે પોતાના કોરોનાગ્રસ્ત પતિને દાખલ કરવા બેડની ભીખ માગી રહી હતી. તે ઘણો જ ગંભીર હતો ત્યારે દાભદકરજીએ મેડિકલ ટીમને કહ્યું - હું ૮૫ વર્ષનો થઈ ચૂક્યો છું. મેં મારું જીવન જીવી લીધું છે. મારા બદલે પેલી મહિલાને બેડ આપી દો, મારા કરતાં તેના પતિનું જીવન વધારે મહત્ત્વનું છે. ત્યાર બાદ ત્રણ દિવસ કોરોના સામે લડતાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
 
જાહેર સંપત્તિ જાળવવાની સૌની જવાબદારી છે તેવી ભારતના મહત્તમ નાગરિકોમાં ભાવના કે સંસ્કાર જ નથી. જાહેર સંપત્તિને બેઠા બેઠા મચડી નાંખવાની કે તેના પાર્ટસ તોડતાં કે ચોરતાં રહેવું તે આપણી આદત છે.
 
આપણે જ સૌથી પહેલાં તો આપણા દેશ અને તેની જાહેર મિલકતો પ્રત્યે આદર કેળવતાં શીખવું પડશે તથા તમામ સ્તરે અનુશાસનમાં રહેતાં શીખવું પડશે.
 
ભારતમાં સીસી ટીવી કેમેરા કે કોઈ જ જોતું ન હોય ત્યારે પણ માત્ર સંસ્કારવશ સહજ આપણા પોતીકા માટેની, માહ્યલામાંથી નીપજતી નૈતિકતા અને અનુશાસન અવિરત પ્રગટ થવા જોઈએ. જાહેર સંપત્તિ અને સુવિધાની જાળવણી તેમજ રાષ્ટ્રગૌરવ પરસ્પર જોડાયેલું હોય છે. આપણે અનુશાસનમાં જીવીશું તો ગૌરવ સાથે કહી શકીશું કે `મેરા દેશ બદલ રહા હૈ.'
 
- ભવેન કચ્છી