આજનો યુગધર્મ- અનુશાસન
મહર્ષિ પતંજલિએ કહ્યું છે, ‘अथ योगानुशासनम्. વિદાય લેતા વિદ્યાર્થી માટે તૈતરીય ઉપનિષદ કહે છે- एतत् अनुशासनम्. મહાભારતમાં આખે-આખું અનુશાસન પર્વ છે. ભારતની પરંપરા એવું કહે છે કે, ‘नामूलं लिख्यते किंचित् नानपेक्षितमुच्यते’જે કંઈ લખવામાં આવે તે સ્રોત વગરનું ન હોવું જોઈએ કે બઢાવી-ચઢાવીને લખાયેલું ન હોવું જોઈએ. આ અનુશાસન; લેખન માટેનું છે. સમાજજીવનને સ્પર્શ કરતાં બધાં પાસાંમાં અનુશાસન, એ ભારતીય જીવનશૈલીનો સાચો પરિચય છે.
અનુવર્તન એટલે.. વર્તનમાં આગળનું વર્તન એટલે કે વર્તન પછીનું વર્તન. કોઈ કાર્યક્રમમાં વર્ત્યા પછી હવે આગળ એ કાર્યનો મૂળ ઉદેશ્ય સફળ થાય તે માટે જે રીતે વર્તવાનું થાય એને કહેવાય અનુવર્તન.
અનુસંધાન એટલે.. સંધાનમાં આગળનું સંધાન એટલે કે સંધાન પછીનું સંધાન. કોઈ વિષયનું સંધાન (લખાણ) કર્યા પછી હવે આગળ એ લખાણનો ઉદ્દેશ્ય સફળ થાય તે માટે જે લખવામાં (સંધાન કરવામાં) આવે એને કહેવાય અનુસંધાન. લખીએ છીએ ને કે, અનુસંધાન આગલે પાને..
અનુશાસન એટલે.. શાસનમાં આગળનું શાસન એટલે કે શાસન પછીનું શાસન. શાસન એટલે માત્ર સત્તા નહીં. શાસન એટલે કુલ મળીને આપણા કર્તૃત્વનો પ્રભાવ. પ્રભાવ ઊભો કરવા માટે કર્તૃત્વની જરૂરિયાત છે, એ ખોટી સમજણ છે. હા, પણ કર્તૃત્વનો પ્રભાવ ઊભો થયા વિના રહેતો નથી, એ પણ હકીકત છે. આ કર્તૃત્વ એટલે કર્તવ્યપરાયણતા. સતત કર્તવ્યોની શ્રૃંખલા રચાય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રત્યેક કર્તવ્ય પછીના કર્તવ્ય માટે પોતાને (સ્વયંને) તૈયાર રાખવા, આમ સતત સ્વયંને તૈયાર રાખવાની સજ્જતા એટલે અનુશાસન. ટૂંકમાં પોતાના ઉપર શાસન એટલે અનુશાસન.
`અનુશાસન અને શિસ્ત'માં ખાસ્સો `ધર્મ અને સંપ્રદાય' જેટલો ભેદ છે. સિક્કાની બે બાજુઓની જેમ ધર્મની બે બાજુઓ છે- ૧) શાશ્વત ધર્મ અને ૨) યુગધર્મ. વિદ્વાનો યુગધર્મના આચરણને અનુશાસન કહે છે. વિશેષરૂપે જ્યારે સંપ્રદાયના ઉપદેશો ભય ફેલાવે, શિસ્તના નામે અત્યાચારો થાય ત્યારે તે બધાથી સમાજને ભયમુક્ત કરવાનું (અનુશાસનના માર્ગે થતું) કર્મ એ જ છે યુગધર્મ.
જ્યારે શિસ્ત માટે તો જોઈએ.. મોટી ઑફિસો-સતત સ્પૂન-ફીડગ, મોટાં આર્થિક બજેટ, નીચેથી ઉપર `યસ સર'વાળી સિસ્ટમ, વચેટિયા, સતત ટપાલ-ઈમેઈલ-સ્પષ્ટ્રતાઓ-પરિપત્રો-સૂચનાઓ-આદેશો-બદલીઓ-વિઝિટો-શિસ્તભંગની નોટિસો વગેરે વગેરે તોય છેલ્લે ભૂલ-ભ્રષ્ટાચાર-ધાંધલી-ગોટાળા કોણે કર્યા તે માટેનાં તપાસપંચો તો લટકાનાં!
આપણો દેશ અશિસ્ત કરતાં અનુશાસનહીનતાના કારણે વધુ વગોવાયો છે. અનુશાસનહીનતાનું તાજેતરનું અતિ કદરૂપું ઉદાહરણ એટલે... રાહુલ ગાંધીએ કોંગ્રેસના નવા મુખ્યાલયે સ્થળાંતરિત થતી વખતે કરેલું ભાષણ. સંઘ-ભાજપની સાથે-સાથે તેમણે `Indian State' સામે પણ પોતે લડી લેશે તેવી વાત કરીને સંવિધાન સામે જ પડકાર ફેંક્યો છે અને સંવિધાનનિર્માતાઓનું હાડોહાડ અપમાન કર્યું છે.
હિન્દુ સમાજનું સશક્ત-સફળ-સતત સંગઠન કરનાર `રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' નામની અભિનવ શક્તિનું પ્રાગટ્ય અનુશાસન યજ્ઞમાંથી થયું. આ રાષ્ટ્રયજ્ઞની ધધકતી જ્વાળાઓમાં પોતાના ‘अहं’ને ભસ્મ કરી ‘इदं न मम्’નો મનોભાવ ધારણ કરી અનેક નવદધીચિઓએ પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું, જેને પગલે આપણું રાષ્ટ્ર વિશ્વકલ્યાણ માટેના એક પ્રતિમાન (મૉડલ) તરીકે આજે ઊભરતું દેખાઈ રહ્યું છે. `૨૧મી સદી હિન્દુત્વની સદી' એ માત્ર શબ્દો નથી, દૃઢ સંકલ્પ છે.
એક સરસ ગીતની પંક્તિ હતી- तुम करो राष्ट्र आराधन પણ સંઘે માત્ર નાનો ફેરફાર કર્યો- ‘तुम करो’ના બદલે ‘हम करे’ ગીતરચનાના અનુશાસનમાં રાષ્ટ્રીય અનુશાસન ભળે એટલે આવું પરિવર્તન આવે. સર્વત્ર રાષ્ટ્રીય અનુશાસન સાથે સમન્વય સાધવો એ આજનો યુગધર્મ છે.