હરિયાણાના ફરીદાબાદમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ એક નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ બુધવારે (29 ઑક્ટોબર 2025) બધી જ શાળાઓને એક પત્ર મોકલ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે શાળાઓ એવા વિદ્યાર્થીઓ પર નજર રાખે જેઓ વર્ગમાં આવતા નથી, વર્ગની જગ્યાએ બહાર ફરવા જાય છે, અથવા કોઈપણ પ્રકારની ‘અસામાજિક પ્રવૃત્તિઓ’ કે 'લવ જિહાદ' જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય.
આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોબાળો મચી ગયો. જો કે આ પત્રની ટીકા થતાં શિક્ષણ  વિભાગે બીજા જ દિવસે આ આદેશ પાછો ખેંચી લીધો હતો.
 
 
 
 
મુદ્દો એ છે કે આમાં ખોટું શું છે? શું આ યોગ્ય પત્ર નથી? આવા વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખવું જોઇએ કે નહીં?
 
 
શિક્ષણ અધિકારીએ દાવો કર્યો હતો કે કેટલાંક વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન પાર્કમાં ફરે છે અને ગેરશિસ્તભર્યું વર્તન કરે છે. આના કારણે તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે દરેક વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે. તેમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની જાણકારી તાત્કાલિક શેર કરવામાં આવે. જેથી વાલીઓને અને શાળાના શિક્ષકોને વિદ્યાર્થીની જાણકારી રહે. આ સાથે જપત્રમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો કોઈ ફરિયાદ મળશે તો સંબંધિત શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.
 
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવેલો આ પત્ર જેવો જાહેર થયો કે તરત જ શિક્ષણ જગત અને સામાજિક સંગઠનોએ તેની આકરી ટીકા કરી. તેમનું કહેવું હતું કે વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવી તો યોગ્ય છે, પરંતુ 'લવ જિહાદ' જેવી શબ્દાવલિને શિક્ષણ સંબંધિત આદેશમાં સામેલ કરવો યોગ્ય નથી.
 
જિલ્લા શિક્ષણ અધિકારીનો ઉદ્દેશ્ય નિઃશંકપણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળામાં શિસ્ત જાળવવાનો હતો, જે એક સકારાત્મક પગલું છે. સ્કૂલ સમય દરમિયાન વિદ્યાર્થીઓનું વર્ગો છોડીને જવું કે ગેરશિસ્તભર્યું વર્તન કરવું તે ચિંતાનો વિષય છે, અને તેના પર નજર રાખવી તેમજ વાલીઓને જાણ કરવી એ તંત્રની ફરજ છે. જોકે, આદેશમાં 'અસામાજિક પ્રવૃત્તિઓ'ની સાથે 'લવ જિહાદ' જેવા શબ્દનો ઉપયોગ કરવાથી વિવાદ ઊભો થયો.
 
શિક્ષણવિદો અને સામાજિક સંગઠનોનું માનવું હતું કે શિક્ષણ વિભાગના આદેશમાં ચોક્કસ સમુદાયને નિશાન બનાવતી આવી વિવાદાસ્પદ પરિભાષાનો સમાવેશ કરવો ગેરબંધારણીય અને અયોગ્ય છે. ભલે ઈરાદો સુરક્ષાનો હોય, પરંતુ આવી શબ્દાવલિએ આ પત્રને શિસ્તના પગલાં કરતાં વૈચારિક મુદ્દો બનાવી દીધો, જેના કારણે વિભાગને અંતે તેને પાછો ખેંચવો પડ્યો.