સાંપ્રત । દેશભક્તિનું ગીત સંઘનું હોય તેથી નહીં ગાવાનું?

સંઘનાં ગીતોનો અભ્યાસ કરો તો ખબર પડે. તેમાં કેવી પ્રબળ રાષ્ટ્રભાવના ભરેલી હોય છે. સંઘની પ્રાર્થનાથી જ શરૂ કરો. તેમાં ભારતમાતાને પ્રણામ કરી, અજય શક્તિ સંચિત કરી, ધર્મનું સંરક્ષણ કરી (હિન્દુ ધર્મની વાત નથી) ભારતને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવાનો સંકલ્પ છે.

    ૨૪-નવેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Patriotism Under Attack in Kerala
 
 
શું દેશભક્તિનું ગીત ગાવું એ અપરાધ છે? કેરળની સામ્યવાદી સરકાર મુજબ, હા. અને આ અપરાધની સજા કેરળની એક શાળાને આપવાનું કેરળ સરકારે નક્કી કર્યું છે. ઘટના એવી બની કે આઠ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેરળને વધુ એક વંદે ભારત ટ્રેન મળી જે એર્નાકુલમથી બેંગ્લુરુ વચ્ચેની હતી. કેરળ એક વામપંથી – વિપક્ષી રાજ્ય (અને કર્ણાટક પણ) હોવા છતાં તેના વિકાસમાં કોઈ પૂર્વગ્રહ દાખવાતો નથી. બાકી, અગાઉ તો બિહારના કે પ. બંગાળના રેલવે પ્રધાનો રહેતા ત્યારે ગુજરાતને કેટલો અન્યાય થતો તે સુવિદિત છે.
 
પરંતુ આ વિકાસ બદલ આભારી થવાના બદલે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને આઠ નવેમ્બરે ટ્વીટ કરી કહ્યું કે આ લોકાર્પણ દરમિયાન બાળકોએ સંઘનું ગીત ગાયું અને તે બદલ અમે દક્ષિણ રેલવેનો કડક વિરોધ કરીએ છીએ. તેમણે લખ્યું કે, આ બતાવે છે કે રાષ્ટ્રીય સંસ્થાઓ સંઘ પરિવારના રાજકારણ દ્વારા નાશ પામી રહી છે. તેમણે સેક્યુલર બળોને આ ભયજનક પગલાંનો વિરોધ કરવા આહ્વાન પણ કર્યું.
 
પિનરાઈ વિજયનને જાણ પણ ન થાત, પરંતુ બે મળયાળમ ચેનલોએ ઉલ્લેખ કર્યો કે, આ ગીત તો સંઘનું છે. અને પછી માત્ર ટ્વિટર પર વિરોધ કરવાના બદલે સીપીએમ-સીપીઆઈ સરકારે જાહેર સૂચનાના નિયામક (ડીપીઆઈ)-ને આ ઘટનાની તપાસ કરવા અને એક અહેવાલ આપવા આદેશ આપ્યો. રાજ્યમાં વિપક્ષ કૉંગ્રેસે પણ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરતાં પોતાનાં બાળકોને ‘સાંપ્રદાયિક હેતુ’ માટે ઉપયોગમાં લેવા માટે શાળાના સત્તાધીશો સામે કાર્યવાહી કરવાની માગણી કરી. દક્ષિણ રેલવેએ તરત જ ડરી જઈને અથવા વિવાદથી બચવા, શરૂઆતમાં પોતાના ટ્વિટર ખાતાથી આ ગીતવાળી ક્લિપ હટાવી દીધી. જોકે આઠ નવેમ્બરે સાંજે રેલવેએ આ ક્લિપ ફરીથી મૂકી દીધી.
 
જોકે સરસ્વતી વિદ્યા નિકેતન શાળાના પ્રબંધને બાળકો દ્વારા આ ગીત ગવડાવવાનો બચાવ કરતાં કહ્યું કે, તેમાં વિવિધતામાં એકતાનો સંદેશ છે. તેમાં સાંપ્રદાયિકતા જેવું શું છે? એટલું જ નહીં, શાળાના પ્રધાનાચાર્ય ડિન્ટો કે. પી.એ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો, “જે ગીત ગવાયું છે તેમાં સેક્યુલરિઝમ કે રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ કંઈ નથી. ‘પરમ પવિત્રમ્ થામિ મન્નીલ ભારતમ્બે પૂજિક્કન’ નામના ગીતમાં ભારત માતા પ્રત્યે સન્માન અને આપણા દેશ માટે ગૌરવની અભિવ્યક્તિ છે.”…માતાપિતા, બાળકો અને શિક્ષકોએ આ (ગીતના) પ્રદર્શનથી ખૂબ ગૌરવ અનુભવ્યું અને (દક્ષિણ રેલવે દ્વારા) આ વિડિયો ડિલીટ કરવાના કારણે અમારા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, માતાપિતાઓ અને શુભેચ્છકો દુઃખી થઈ ગયાં છે.”
 
તેમણે પ્રશ્ન પૂછ્યો કે, “અમે નમ્રતાથી પૂછીએ છીએ કે શું અમારાં બાળકો એક દેશભક્તિસભર ગીત ન ગાઈ શકે જે આપણી માતૃભૂમિની પ્રશંસા કરતું હોય? આવાં (સરકારનાં) પગલાંથી યુવાન મસ્તિષ્કોમાં રાષ્ટ્રવાદની ભાવનાને હતોત્સાહન મળે છે.”
આ સરસ્વતી વિદ્યાનિકેતન ભારતીય વિદ્યા નિકેતન અંતર્ગત ચાલે છે અને સીબીએસઇ સંલગ્ન છે. ભારતીય વિદ્યા નિકેતન સંઘ પ્રેરિત વિદ્યા ભારતીનું એક એકમ છે.
 
આ પહેલો અવસર નથી જ્યારે વિદ્યા નિકેતન શાળાઓ કેરળની સામ્યવાદી સરકારની ઝપટે ચડી હોય. આ પહેલાં ગત જુલાઈ ૨૦૨૫માં ગુરુ પૂર્ણિમા નિમિત્તે કસારાગોડના બંડાડકાની એક શાળાનો વિડિયો વાઇરલ થયાનું ‘ધ ન્યૂઝ મિનિટ’એ જણાવ્યું હતું. (વાસ્તવમાં આ પ્રકારનું મીડિયા જ સાંપ્રદાયિક રંગનો આક્ષેપ કરતું લખી નાખે અને પછી સરકારના ધ્યાનમાં આવતું હોય છે, બાકી સરકારનું ઘણી વાર ધ્યાન પણ હોતું નથી.) આવા વિડિયો વાઇરલ ન થયા હોય તો પણ લખી નાખે કે વિડિયો વાઇરલ થયો છે. ચર્ચાસ્પદ ન બન્યો હોય કે હોબાળો/ખળભળાટ ન મચ્યો હોય તો પણ લખી નાખે કે હોબાળો મચી ગયો. લોકોમાં બહુ વિરોધ થયો છે. સૉશિયલ મીડિયા પર બે-ચાર જણાએ વિરુદ્ધ કૉમેન્ટ કરી હોય તો તેને ટાંકીને લખે કે સૉશિયલ મીડિયા પર ભારે વિરોધ.
 
તો ઉપરોક્ત કથિત ‘વાઇરલ’ વિડિયોમાં વિદ્યાર્થીઓને ગુરુઓની ‘પાદપૂજા’ કરતા દર્શાવાયા હતા. ‘ધ ન્યૂઝ મિનિટ’એ લખ્યું, “આના કારણે લોકોમાં બહુ રોષ વ્યાપી ગયો છે અને રાજકીય ટીકા પણ થઈ છે.”
 
આ પછી કેરળની સામ્યવાદી સરકારે આ ઘટનામાં પણ તપાસના આદેશ આપી દીધા. કેરળના બાળ અધિકારોની રક્ષાના પંચે (કેએસસીપીસીઆર) સુઓ મૉટો નૉટિસ પણ લીધી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે આ કૃત્યનો બચાવ કર્યો. બાળકોની એક સાંસ્કૃતિક સંસ્થા - બાળગોકુૂમ્‌’ની દક્ષિણ ભારત મહાસભાને સંબોધતાં તેમણે કહ્યું, “ગુરુપૂજા આપણી પરંપરા છે. ભારતીય સંસ્કૃતિ મુજબ, ગુરુનું સદા સન્માન કરાય છે. મને તેમાં કોઈ વિવાદ જણાતો નથી.”
 
કેરળમાં સામ્યવાદી અને સવાયી સામ્યવાદી કૉંગ્રેસી સરકારો વારાફરતી રહી છે. આથી ત્યાં ઇકૉ સિસ્ટમ પણ સામ્યવાદી જ છે. આથી ત્યાંની શાળાઓ વિવાદમાં આવતી રહે છે. ત્રિશૂરની શ્રી ગોકુલમ્‌ પબ્લિક સ્કૂલ વિવાદમાં આવી છે. સબરીમાલા ખાતે ભગવાન અયપ્પાનાં દર્શન માટે વ્રત રાખવાનું હોય છે. ૪૧ દિવસ સુધી ભૂમિ પર શયન, માંસાહાર-મદ્યપાનનો ત્યાગ કરવો, ગળામાં રુદ્રાક્ષ કે તુલસીની માળા પહેરવી, કાળાં કપડાં પહેરવાં, બ્રહ્મચર્યનું પાલન કરવું, ખુલ્લા પગે ચાલવું, દિવસમાં બે વાર સ્નાન કરવું, તેવું લોકો સ્વૈચ્છિક રીતે કરતા હોય છે.
 
માત્ર ધોરણ ત્રણમાં ભણતો એક વિદ્યાર્થી પણ ભગવાન અયપ્પાના દર્શન માટે આ વ્રત કરતો હતો. આ માટે શાળાએ સંપૂર્ણ રજા અથવા વહેલો છોડી મૂકવો, બીજી કોઈ છૂટ તેને આપવાની નહોતી. માત્ર તેને કાળાં વસ્ત્રોમાં શાળાએ આવવા દેવાનો હતો. પરંતુ શાળાએ તેવી અનુમતિ ન આપી. આ ઘટના ત્રણ નવેમ્બરે બની હતી.
 
આ જ કેરળમાં આ જ સામ્યવાદી સરકારને વિદ્યાર્થિની કાળા રંગનો હિજાબ પહેરીને આવે તેનો વાંધો નથી. એક ખ્રિસ્તી શાળા સેન્ટ રિટાસ પબ્લિક સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરી ન આવવા દેવાઈ. આથી દુઃખી થઈ સાત ઑક્ટોબર, ૨૦૨૫એ પિતાએ બીજી શાળામાં દીકરીને મૂકી દીધી અને તેમણે સામ્યવાદી સરકારનો આભાર માન્યો કે તેમણે આ બાબતે હિજાબ પહેરીને આવવાના મુસ્લિમ દીકરીના અધિકારનું સમર્થન કર્યું. આ ખ્રિસ્તી શાળા હતી, તેથી સરસ્વતી વિદ્યાલયની જેમ પિનરાઈ વિજયન સરકારે કોઈ પગલાં તો તેની સામે ન લીધાં પણ હિજાબનું સમર્થન અવશ્ય કર્યું. આ ઘટના પછી બીજી બે મુસ્લિમ છોકરીઓને તેમનાં માતાપિતાએ આ શાળામાંથી ઉઠાડી લીધી.
 
આ ઘટના પછી પેરન્ટ્સ ટીચર્સ એસોસિયેશન પણ આમાં જોડાયું. જોકે તેણે મુસ્લિમોનો પક્ષ લેવાના બદલે આ ઘટનાને ક્રિશ્ચિયનો દ્વારા ચાલતું શાળા પર આક્રમણ ગણાવી. તેણે કહ્યું કે (મુસ્લિમ વિદ્યાર્થિનીઓનાં) માતાપિતાને સૉશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇણ્ડિયા જે પ્રતિબંધિત ઇસ્લામી ત્રાસવાદી સંસ્થા પીએફઆઈની રાજકીય પાંખ છે, તેનું સમર્થન છે. માતાપિતા કરતાં તો તેના કાર્યકર્તાઓ શાળા પર વધુ દબાણ કરી રહ્યા છે. દબાણ વધતાં, ખ્રિસ્તી શાળાએ ૧૩ અને ૧૪ ઑક્ટોબર, એમ બે દિવસ શાળામાં અવકાશ જાહેર કરી દીધો હતો.
 
આ જ કેરળના એક ખ્રિસ્તી મહાનુભાવ જે પોતે ખ્રિસ્તી શાળામાં ભણ્યા તેમણે એક ઑક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના ઉત્સવની ઉજવણીના કાર્યક્રમમાં સંઘના ગણવેશમાં ઉપસ્થિતિ નોંધાવી હતી. આ મહાનુભાવ બીજું કોઈ નહીં પણ કેરળના પૂર્વ પોલીસ મહા નિયામક (ડીજીપી) જેકબ થોમસ છે. અર્થાત્ ખ્રિસ્તી મહાનુભાવને સંઘ સામે કોઈ વાંધો નથી, પણ સામ્યવાદી સરકારને છે. જેકબ થોમસે કહ્યું કે, ‘આરએસએસ એ કોઈ પંથ નથી, કોઈ ભાષા નથી, કોઈ પ્રાદેશિકવાદ નથી, કોઈ જ્ઞાતિ નથી. આ એવું સંગઠન છે, જે સર્વ કોઈનો સમાવેશ કરે છે અને બધાને સશક્ત બનાવવાની પ્રાર્થના કરે છે.’
 
જેકબ થોમસના મિત્ર કોમ્બારાણા ગણપતિ બાપૈયા કોડાગુ જિલ્લા ભાજપ પ્રમુખ હતા. એક સમયે તેમણે જેકબ થોમસને સંઘ પ્રેરિત એક શાળાની મુલાકાતનું આમંત્રણ આપ્યું. શાળાના પ્રબંધકે જેકબ થોમસને સંઘનો પરિચય આપ્યો. તેમણે શાળામાં રાષ્ટ્રનિર્માણ અંગે ઘણાં બધાં પૉસ્ટરો જોયાં.” ત્યારથી તેઓ સંઘના સંપર્કમાં આવ્યા.
 
કહેવાનો અર્થ એ છે કે, જે સંઘ અને તેના દ્વારા પ્રેરિત સંસ્થાઓમાં નિર્ભેળ દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની વાત શીખવતી હોય તે સંઘના દેશભક્તિસભર ગીત અને તેની પ્રેરણાથી ચાલતી સંસ્થા સામે સામ્યવાદીઓ આદું ખાઈને પાછળ પડી જાય છે. આ જ સામ્યવાદીઓને હિજાબ સામે કોઈ વાંધો નથી. તેમને જેએનયુમાં તેમની જ પાંખના વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસવાદી અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થાય તેનો વાંધો નથી. તેમને તેમની જ વિચારધારાના વિદ્યાર્થીઓ દ્વારા ‘ભારત તેરે ટુકડે હોંગે’નું ગીત ગવાય તેની સામે કોઈ વાંધો નથી. તેમને તેમની જ વિચારધારાના પ્રાધ્યાપકો દ્વારા જેએનયુમાં ખોટો ઇતિહાસ ભણાવાય તેનો વાંધો નથી. તેમને નિવેદિતા મેનન જેવી પ્રાધ્યાપક દ્વારા કાશ્મીર અને મણિપુર (કૉંગ્રેસના સમયથી ચાલ્યો આવતો) ભારતમાં છે તે ખટકે છે અને તેઓ કહે છે કે ભારતે તેમને બળાત્ પચાવી પાડ્યાં છે.
 
અને સંઘનાં ગીતોનો અભ્યાસ કરો તો ખબર પડે. તેમાં કેવી પ્રબળ રાષ્ટ્રભાવના ભરેલી હોય છે. સંઘની પ્રાર્થનાથી જ શરૂ કરો. તેમાં ભારતમાતાને પ્રણામ કરી, અજય શક્તિ સંચિત કરી, ધર્મનું સંરક્ષણ કરી (હિન્દુ ધર્મની વાત નથી) ભારતને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવાનો સંકલ્પ છે. ‘સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલે’ એ ગીત સેવાભાવથી છલકાતું ગીત છે. આ ગીતમાં ઊંચનીચના ભેદ ભૂલવાની વાત આવે છે. બંધુભાવ કેળવવાની વાત છે. અને આ બંધુભાવ આગળ હિન્દુ શબ્દ લખાયો નથી. સ્વાવલંબી સ્વાભિમાની ભાવ જગાના હૈ, ચલે ગાંવ કી ઓર, હમેં ફિર વૈભવ લાના હૈ ગીતની સામે શું વાંધો હોઈ શકે? પણ જે આરએસએસ શબ્દ સાંભળતાં જ છળી મરે છે તેમને તો વિરોધ રહેવાનો જ.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…