‘નમસ્તે, વડીલ..’
‘નમસ્તે, વૈદેહી…’
‘કેમ આજે ધૈર્ય નથી દેખાતો ?’
‘મહોદય, એ આજે ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા આપવા ગયો છે…’
‘બહુ સારી વાત છે. તમે જાણો છો કે આપણી એક જવાબદારી એ પણ છે કે આપણે સારા નાગરિકો બનીએ. ખાસ કરીને ટ્રાફિક સેન્સની બાબતમાં આપણા દેશમાં વધુ જાગૃતિની જરૂર છે.’
‘અમારા એક પ્રોફેસર મેડમ છે એ કહેતાં હતાં કે ક્યાં પાર્કિંગ કરવું, કેવી રીતે સાઈડ બતાવવી, ટ્રાફિક જામ થાય તો કેવી રીતે મદદ કરવી એવી અનેક બાબતો છે જેમાંથી સૌએ કંઈક શીખવું જોઈએ…’
‘પહેલી વાત આપણે એ સમજવું જોઈએ કે દરેક વસ્તુ કે સમસ્યાનો ઉકેલ પોલીસ જ લાવશે એ માનસિકતામાંથી આપણે બહાર આવવું જોઈએ.. આપણો નાગરિકધર્મ બરાબર બજાવીએ તો એ પણ એક મોટી રાષ્ટ્રસેવા છે, એક ઉદાહરણ આપું. જ્યારે ટ્રાફિક લાઈટ ખૂલે ત્યારે બધાં વાહનો ધીરે ધીરે આગળ વધતાં હોય ત્યારે હોર્ન વગાડી ધ્વનિપ્રદૂષણ કરવાની જરૂર નથી હોતી. પણ આપણા લોકોમાં ધૈર્ય નથી હોતું. આ દુનિયામાં સૌથી મોટો અને અગત્યનો શબ્દ હોય તો એ ‘સહઅસ્તિત્વ’નો છે. આ પૃથ્વી ઉપર આપણે બધાં એક સાથે રહીએ છીએ, બધાંએ એકબીજાની સાથે સમજણ કેળવીને રહેવું જોઈએ. તો જ ‘वसुधैव कुटुम्बकम्’ની ભાવના આપણે સાર્થક થતી જોઈ શકીશું.’
‘સર, માફ કરજો પણ એક પ્રશ્ન થાય છે કે હમણાં દિલ્હીમાં જે ત્રાસવાદના ભાગરૂપે બોમ્બ બ્લાસ્ટ થયો એમાં ડોક્ટરો સામેલ હોય એવું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ કેટલી ચિંતાજનક છે?’
‘ચિંતાજનક છે એટલું જ નહીં પણ ખતરનાક પણ છે.. તમે વિચાર કરો કે, જે ડોક્ટરોને સરકાર લાખો રૂપિયા ખર્ચીને કોઈની પીડા દૂર કરવા માટે ભણાવતી હોય, જેમને આપણે માનવતાના દૂત ગણીએ.. એ લોકો નિર્દોષ માણસોને મારી નાખવાનો વિચાર કરે એ કયા પ્રકારની માનસિકતા કહેવાય? જો એ મઝહબી ઝનૂન હોય તો બધા લોકોએ એની નિંદા કરવી જોઈએ….’
‘મહોદય, આ વિષયમાં નાગરિક ધર્મ વિશે તમે શું કહેશો?’
‘જુઓ, નાગરિકોની સુખાકારી અને સુરક્ષા એ પ્રાથમિક રીતે કદાચ સરકારની જવાબદારી છે એવું સ્વીકારીએ, પણ નાગરિકોએ પોતે જ પોતાનું રક્ષણ કરવું જોઈએ અને પોતે જ પોતાની સુખાકારીની કાળજી રાખવી જોઈએ..’
‘એ કેવી રીતે શક્ય બને ?’
‘બને જ… જો આપણે કોરોના વખતે કેટલા બધા સાવધાન થઈ ગયા..! કારણ કે સામે મોત દેખાતું હતું.. શરીરની શુદ્ધિ માટે, હાથ પગ ચોખ્ખા રાખવા માંડ્યા, ખાવાનું એકદમ ચોખ્ખું ખાવા લાગ્યા. તો જેમ શરીરની શુદ્ધિ રાખવાથી શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓને રોકી શકાય છે અથવા મારી શકાય છે એવી જ રીતે સમાજ પણ એક પુરુષ છે અથવા સમાજ એક શરીર છે એવું સમજીને નાગરિકધર્મ બજાવવો જોઈએ… જો કોઈપણ ખૂણામાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય અથવા એવી પ્રવૃત્તિ ચાલવાની આપણને માહિતી હોય કે જેમાં રાષ્ટ્રવિરોધી તત્ત્વો ભેગાં થઈને શહેરની અથવા દેશની શાંતિમાં ખલેલ પહોંચાડવા માંગે છે. તો આ બાબતે આપણે એક સાવધાન નાગરિક તરીકે પોલીસને જાણ કરવી જોઈએ. કોઈ અજાણ્યા માણસોની અવરજવર વધી જતી હોય એવું જણાય તો પણ પોલીસને ખબર આપવી જોઈએ. આપણી બેન-દીકરીઓ ઉપર કોઈ ખરાબ નજર નાંખીને ફોસલાવી જવાની પ્રવૃત્તિઓ થતી હોય તો એ બાબતે સતર્કતા રાખવી જોઈએ. આ સંયુક્ત જવાબદારી છે….’
‘સરજી, ધૈર્ય હમણાંથી નિયમિત રીતે શાખા પર જાય છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વ્યક્તિઘડતરમાં એક અગત્યનું પાસું જે શીખવવામાં આવે છે એ સામૂહિક જીવન..’
‘બસ, આ સામૂહિક જીવન જીવતાં આવડે તો બાકીના ઘણા બધા પ્રશ્નો હલ કરી શકાય. આજકાલ આપણે એવું ગૌરવ અનુભવીએ છીએ કે, અમારા ફ્લેટમાં બાજુમાં કોણ રહે છે એની પણ અમને ખબર નથી. આ ગૌરવ અનુભવવા જેવી બાબત નથી પણ શરમ અનુભવવા જેવી છે, કારણ કે જેને અંગ્રેજીમાં કમ્યુનિટી લાઇફ કહે છે, એવી સમૂહભાવના ધીરે ધીરે અદૃશ્ય થાય છે. આ બે કાળજી સમાજ માટે ભારે અસુરક્ષા ઊભી કરી શકે..’
‘જી, મારા દાદા કહેતા હતા કે અમે તો બધા ઉત્સવો સાથે ઉજવતા હતા…’
‘હા, ગામડાંમાં આવું હતું. આજે પણ છે. આપણે જાણીએ છીએ કે, શહેરીકરણને લીધે વિસ્તારો અને વસ્તી વધી છે. કોઈને સમય નથી, બધાં બહુ વ્યસ્ત છે. પણ આ બધામાં સમાજ એટલે કે ૧૦-૧૨-૧૫ જણની એક ટોળી સાથે બેસી અને સમગ્ર ફ્લેટની સાંસ્કૃતિક બાબતો વિશે વિચાર કરે. આપણે કેવા ઉત્સવ ઉજવવા છે, કેવી રીતે સમાજનો દરેક વ્યક્તિ ભાગ લે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આવું કરીશું તો એકબીજાના કલ્યાણ માટે અને એકબીજાની સુરક્ષા માટે પણ એક લાગણી ઊભી થશે.’
‘જી, હમણાં બહેનો એટલે કે યુવતીઓ માટે પણ સ્વસુરક્ષા માટેના કેમ્પ થયા છે..’
‘જુઓ, હવે પુરુષ અને સ્ત્રી એવા વિભાગ પાડવાની જરૂર નથી. હવે સ્ત્રીઓ પણ ખૂબ જ સક્ષમ છે મજબૂત છે અને તાલીમ લે છે. સ્વસુરક્ષાની તાલીમ દરેક વ્યક્તિએ લેવી જોઈએ.’
‘હિન્દુ સમાજ સમરસ થશે, જાતિ સંપ્રદાય વગેરેથી ઉપર ઊઠીને અમે સૌ એક છીએ અને આ ભારત અમારી માતા છે એ ભાવ સાથે સમૂહમાં જીવવાનું શરૂ કરીશું તો આપણે દુનિયાના કોઈપણ આક્રમણને પહોંચી વળીશું…’