
એ એક વિચિત્ર બાબત જ કહેવાશે કે, એક અર્થશાસ્ત્રી તરીકે જોવાતા મોહમ્મદ યુનૂસના વચગાળાના શાસનમાં બાંગ્લાદેશ ન માત્ર પાકિસ્તાન તરફ, પણ ઇસ્લામિક કટ્ટરતા તરફ પણ ઝૂકી રહ્યું છે.
આ કડીમાં મહત્ત્વની ઘટના ઉમેરાઈ, ગત ૧૫ નવેમ્બરે બાંગ્લાદેશમાં ખત્મ એ નુબુવ્વત કાર્યક્રમ દ્વારા. બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આંતરરાષ્ટ્રીય મજલિસ તહફ્ફુઝ ખત્મ એ નુબુવ્વતનું સુહરાવર્દી ઉદ્યાન ખાતે આયોજન કરાયું હતું. (સારું છે કે સંસ્કૃત ઉદ્યાન શબ્દ હજુ પણ બાંગ્લાદેશમાં છે. ભારતમાં તો બાગ-બગીચો જ વપરાય છે.) આ કાર્યક્રમમાં પાકિસ્તાનથી તો મૌલાનાઓ ઉમટી પડ્યા જ હતા, પરંતુ સાથે ભારત, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને અન્ય ત્રણેક દેશોમાંથી જેને અંગ્રેજીમાં ઇસ્લામિક સ્કૉલર કહે છે તેઓ ઉમટ્યા હતા. આ કાર્યક્રમની પૃષ્ઠભૂમિ સમજવા જેવી છે.
ખત્મ એ નુબુવ્વત ચળવળ શું છે?
સામાન્ય રીતે તો એવું લાગે કે, આ બહુ સારી અને ઇસ્લામની માન્યતા દૃઢ કરનારી ચળવળ છે, પરંતુ તેની પાછળનો આશય અલગ હતો. ખત્મ એ નુબુવ્વત એટલે મોહમ્મદ પયગંબર જ છેલ્લા પયગંબર છે તેવી માન્યતા. અને આ માન્યતાનું રક્ષણ કરવું. ઈ. સ. ૧૯૫૦માં મોહમ્મદ અબ્દુલ ગફૂર હઝારવી નામના કહેવાતા વિદ્વાને કવિ અને લેખક ઝાફર અલી ખાન, કવિ અબ્દુલ હમીદ કાદરી બદાયૂની, અબ્દુલ સતાર ખાન નિયાઝી વગેરે સાથે મળીને મજલિસ એ તહફ્ફુઝ એ ખત્મે નબુવ્વતની સ્થાપના કરી. મુખ્યત્વે ભારતના બરેલીના- બરેલવી પંથના મુસ્લિમો (જે પાકિસ્તાન ગયા હતા)નું સંગઠન. અહીં શબ્દોના અર્થ સમજીએ. ઉર્દૂમાં પહેલો શબ્દ એ ગુજરાતી-હિન્દી વગેરે સંસ્કૃતમાંથી ઉતરેલી ભાષાઓમાં છેલ્લે લેવાનો. મજલિસ એટલે સભા. ‘એ’ એટલે અંગ્રેજીનો of, ગુજરાતીમાં ‘નો’, ‘ની’, ‘નું’, ‘ના’ જેવો પ્રત્યય. તહફ્ફુઝ એટલે રક્ષણ. ખત્મે એટલે પૂરું-છેવટનું-અંતિમ. નબુવ્વત એટલે પયગંબરત્વ. મોહમ્મદ છેલ્લા પયગંબર છે તેવી માન્યતાની રક્ષણ કરનારી સભા.

આ સભાની સ્થાપના કેમ થઈ? તેનાં મૂળ ઈ. સ. ૧૮૮૦ના દાયકામાં જાય છે. તે સમયે અખંડ ભારતના ગુરદાસપુર જિલ્લાના કાદિયનના મિર્ઝા ગુલામ અહમદે પોતાને ઇસ્લામના પયગંબર ઘોષિત કર્યા હતા. આવું તો હિન્દુ ધર્મમાં પણ થાય છે. રાજકોટમાં રમેશ ફેફર નામનો કોઈ ભાઈ પોતાને કલ્કિ અવતાર ગણાવતો હતો, પરંતુ તેના લીધે હિન્દુઓએ તેને કે તેના પરિવાર સામે હિંસા કરી નહોતી. પણ પાકિસ્તાનમાં સ્વતંત્રતા પછી થઈ.
મિર્ઝા ગુલામ અહમદની માન્યતામાં માનનારા મુસ્લિમો અહમદિયા કહેવાયા. આ અહમદિયા મુસ્લિમો પાકિસ્તાનની મજબૂત તરફેણ કરતા હતા. તેઓ મુસ્લિમ લીગની સાથે હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે, તેઓ જે માગી રહ્યા છે તે પાકિસ્તાનમાં તેઓ સુરક્ષિત નહીં રહે! સ્વતંત્રતા પછી તેઓ સરકાર, અધિકારી તંત્ર (બ્યૂરોક્રસી)માં અને સેનામાં ટોચનાં પદો પર હતા, કારણ કે તેમનામાં સાક્ષરતાનો દર પણ વધુ હતો. ભલે અહમદિયાઓએ પાકિસ્તાનની રચનાનું સમર્થન કર્યું હતું, પરંતુ તેઓ સેક્યુલરિઝમની તરફેણમાં હતા.
કટ્ટર મુસ્લિમોને કૉંગ્રેસનો સાથ હતો
એ તો હવે સુવિદિત છે કે, ગાંધીજીએ તુર્કીમાં ખલીફાના શાસનની પુનઃસ્થાપનાના આંદોલનને ભારતમાં થવા દીધેલું તે ખિલાફ આંદોલનથી કટ્ટર મુસ્લિમોના તુષ્ટિકરણની શરૂઆત થઈ. પરંતુ એ વાત બહુ ઓછી જાણીતી છે કે, કૉંગ્રેસે એક બીજું તુષ્ટિકરણ પણ કર્યું હતું. તેણે મજલિસ એ અહરાર ઉલ ઇસ્લામ (અહરાર લીગ)નું સમર્થન પણ કર્યું હતું ! આ મજલિસ એ અહરાર ઉલ ઇસ્લામ જેને ટૂંકમાં અહરાર કહેવાય છે તે કહેવાતું તો હતું સામ્રાજ્યવાદ વિરોધી, જમીનદાર વિરોધી, અને ભારતીય રાષ્ટ્રીયતાની વિચારધારાવાળું સંગઠન (!), તે ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવા ઇચ્છતું હતું તે વાત સાચી. તે ખિલાફત આંદોલનનો ભાગ હતું. ઈ. સ. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ નરસંહાર થયો તે પછી તે મઝહબી-રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.
સૈયદ અતા ઉલ્લાહ શાહ બુખારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મૌલાના મઝહર અલી અઝહરે આ અહરાર પક્ષનો ચૂંટણી ઢંઢેરો બોલી સંભળાવ્યો. અને આ ઢંઢેરામાં જ વાત હતી - અહમદિયાઓના વિરોધની! અઝરારે અહમદિયાઓને બિનમુસ્લિમ જાહેર કરવાની ચળવળ ચલાવી.
બોલો! કૉંગ્રેસ આ સંગઠનનું સમર્થન કરતી હતી જે ઇસ્લામના જ અંગ, પરંતુ પયગંબર બાબતે જરા જુદો મત ધરાવતા અહમદિયાઓને મુસ્લિમ નહોતી માનતી. આ એ જ કૉંગ્રેસ હતી જે હિન્દુઓમાં તો અસ્પૃશ્યતા નાબૂદ કરવા મથતી હતી (એ સારી બાબત જ હતી), પરંતુ બીજી તરફ મુસ્લિમોમાં જાતિવાદ ફેલાવતા સંગઠનનું સમર્થન કરતી હતી. ઈ. સ. ૧૯૩૦ના દાયકા સુધીમાં આ અહરાર પંજાબમાં મહત્ત્વનો રાજકીય પક્ષ બની ગઈ.
કહેવા માટે તો તેણે પણ ગાંધીજીની જેમ ભારતના વિભાજનનો વિરોધ કર્યો હતો, પરંતુ પછી તે સ્વીકારી લીધું અને તે પછી પાકિસ્તાનમાં ઈ. સ. ૧૯૫૦માં અહમદિયાઓનો વિરોધ કરવા માંડ્યો. તેમાં જ ઉપરોક્ત ખત્મ એ નુબુવ્વત સંગઠન સ્થપાયું. આ વિરોધ ઈ. સ. ૧૯૫૩નાં ભીષણ પંજાબ રમખાણોમાં પરિણમ્યો...
ઈ. સ. ૧૯૫૩નાં ભીષણ રમખાણો
આ અહમદિયાઓની વિરુદ્ધ અહરાર અને ખત્મ એ નુબુવ્વત સંગઠન પડ્યાં.
ઈ. સ. ૧૯૫૦માં તેમણે માગણી મૂકી:
૧. વિદેશ મંત્રાલયમાંથી બ્રિટિશરોએ સરની ઉપાધિ આપેલા મોહમ્મદ ઝફરુલ્લા ખાનને કાઢો. ૨. સરકારમાં ટોચનાં પદો પર રહેલાં અહમદિયાઓને કાઢો. ૩. અહમદિયાઓને કાફીર જાહેર કરો.
જે રીતે મુસ્લિમોએ પોતાની માગણી ન સંતોષાતાં, અખંડ ભારતમાં ઈ. સ. ૧૯૪૬માં ‘સીધાં પગલાં’ (ડાયરેક્ટ ઍક્શન)ની જાહેરાત કરી હિંસા કરી હતી તે જ રીતે આ અહમદિયા વિરોધી મુસ્લિમોએ પણ જાન્યુઆરી-૧૯૫૩માં જો તેમની માગણી નહીં મનાય તો સીધાં પગલાંની જાહેરાત કરી.
પરંતુ તે સમયની પાકિસ્તાન સરકારે આ માગણીઓ નકારી કાઢી. તે સમયની પાકિસ્તાન સરકારને એમ કે, જે કટ્ટરતાને પોષીને પાળીને આપણે અલગ પાકિસ્તાન લીધું તે આપણી તો કઠપૂતળી છે. આપણે કહીશું એટલે ઊભી થશે અને આપણે કહીશું એટલે બેસી જશે. પરંતુ તેવું થયું નહીં.
આ કટ્ટરતા પાકિસ્તાનની સરકાર માટે આત્મઘાતી બનવાની શરૂઆત થઈ ગઈ હતી. પાકિસ્તાનની સરકારે આ કટ્ટરવાદીઓની વાત ન માની. વઝીર ખાન મસ્જિદમાંથી અબ્દુલ સત્તાર ખાન નિયાઝીએ ખૂબ જ ભડકાવનારું ભાષણ કર્યું. તેની ધરપકડનો આદેશ છૂટ્યો પણ ધરપકડ ક્યાંથી થાય? મસ્જિદની બહાર ટોળાએ ઘેરો ઘાલ્યો હતો! ભાષણની અસર થઈ. હિંસા ફાટી નીકળી. ટોળાંઓએ દુકાનો અને કારખાનાં બળાત્ બંધ કરાવ્યાં. પૉસ્ટ ઑફિસ અને સરકારી કચેરીઓને આગ લગાડી દીધી. ઘરો અને દુકાનોમાં લૂંટ મચાવી. અહમદિયાઓની મસ્જિદ પર આક્રમણ કરી તેને આગ લગાડી દેવામાં આવી.
કુલ ૨૦૦૦ જેટલા લોકો માર્યા ગયા. હજારો લોકો અદૃશ્ય બન્યાં. જોકે પંજાબ સરકારની સત્તાવાર પ્રસિદ્ધિ મુજબ તો માત્ર ૨૦ જણા જ માર્યા ગયાં હતાં. છ માર્ચે સેનાએ માર્શલ લૉ એટલે કે ‘સેનાનું શાસન’ની ઘોષણા કરી. આનાથી બીજી પણ એક ઘટના બની. આ માર્શલ લૉએ સેનાનો રાજકારણમાં પ્રવેશ કરાવ્યો, જે પછી અયૂબ ખાનથી લઈને આજે અસીમ મુનીરના રૂપમાં સ્થાયી રીતે ઘર કરી ગયો છે.
ઈ. સ. ૧૯૫૪માં મજલિસ એ અહરાર પર પ્રતિબંધ મૂકાઈ ગયો, પરંતુ મજલિસ એ તહફ્ફુઝ એ ખત્મ એ નુબુવ્વત ચાલુ રહ્યું. આ સંગઠને ઈ. સ. ૧૯૭૩માં સંસદ પાસે ઘોષણા કરાવવામાં સફળતા મેળવી કે, અહમદિયાઓ મુસ્લિમ નથી! ખત્મ એ નુબુવ્વત સંગઠનને આટલાથી સંતોષ ન થયો. તેણે નવું તૂત ચાલુ કર્યું. અહમદિયાઓએ નવા કાયદાનું પાલન કરવાનું જ. તેઓ મુસ્લિમ શીર્ષક ન રાખી શકે. ઈ. સ. ૧૯૮૪માં કટ્ટર સુન્ની શાસક ઝિયા ઉલ હકે અધ્યાદેશ પસાર કરી પાકિસ્તાન દંડ સંહિતા (પીપીસી) સુધારી. તેના અંતર્ગત હવે અહમદિયાઓ માટે દંડાત્મક જોગવાઈઓ હતી !
આ વિચારધારામાંથી જન્મ થયો નવા રાજકીય પક્ષ ટીએલપીનો. ખાદિમ હુસૈન રિઝવીએ ૧ ઑગસ્ટ, ૨૦૧૫ના દિને તેહરીક એ લબ્બાઇક (ટીએલપી) પક્ષ સ્થાપ્યો જે પણ અહમદિયાવિરોધી છે, જે કટ્ટર ઇસ્લામિક શાસન ઇચ્છે છે. ઑક્ટોબર-૨૦૧૭માં પાકિસ્તાનની નવાઝ શરીફની સરકારે ચૂંટણી ખરડામાં સુધારો કર્યો. પહેલાં અભ્યર્થીએ એમ કહેવું પડતું કે, તે પયગંબર મોહમ્મદના સંપૂર્ણ અને અંતિમ પયગંબરત્વમાં શ્રદ્ધા ધરાવે છે, તેના બદલે એવા શબ્દો મૂકાયા કે તે સોગંદ લે છે (મોહમ્મદ પયગંબરનો તે દરજ્જો છે). ટીએલપીએ માગણી કરી કે આ પરિવર્તન પાછું ખેંચવામાં આવે અને કાયદા પ્રધાનને બરતરફ કરવામાં આવે. આ પક્ષની હિંસાત્મક પ્રવૃત્તિ સાથે પણ સાંઠગાંઠ છે.
૨૦૧૮માં પીએમએલ (એન)ના વરિષ્ઠ નેતા અહસાન ઇકબાલની હત્યા કરનારની કડી ટીએલપી સાથે જોડાયેલી છે. ૨૦૨૪ની ચૂંટણીમાં (જે તેની બીજી જ ચૂંટણી હતી) ટીએલપીને ૨૮.૩ લાખ મતો મળ્યા અને તે ચોથા ક્રમનો પક્ષ બની ગયો.
ટૂંકમાં અહમદિયા વિરોધનાં મૂળ (કૉંગ્રેસ સમર્થિત) મજલિસ એ અહરાર ઉલ ઇસ્લામમાં અને તે પછી ખત્મ એ નુબુવ્વતમાં. આ ખત્મ એ નુબુવ્વત હવે બાંગ્લાદેશમાં પગ ફેલાવવા માગે છે. તેણે બાંગ્લાદેશમાં ૧૫ નવેમ્બરે મળેલા સંમેલનમાં શું માગણી કરી?
ખત્મ એ નુબુવ્વતની બાંગ્લાદેશમાં માગણી
બાંગ્લાદેશમાં પણ ખત્મ એ નુબુવ્વતની શાખા છે. ઈ. સ. ૧૯૯૧માં પહેલી વાર ખાલિદા ઝિયા સત્તામાં આવ્યાં હતાં. તે સમયે બાંગ્લાદેશમાં અહમદિયાઓ પર આક્રમણો ચાલુ થઈ ગયાં હતાં. ૨૦૦૧માં તેઓ ત્રીજી વાર સત્તામાં આવ્યા ત્યારે આ પ્રમાણ વધ્યું. ૧૯૯૨માં અહમદિયાઓની મસ્જિદોમાં તોડફોડ થઈ હતી. એપ્રિલ ૨૦૦૫માં ખત્મ એ નુબુવ્વતની સભા પછી અહમદિયા મુસ્લિમોનાં ઘરો પર આક્રમણો થયાં હતાં.
૧૫ નવેમ્બરે મળેલા સંમેલનમાં પાકિસ્તાનથી ગયેલા જમિયત ઉલેમા એ ઇસ્લામ ફઝી (જેયુઆઈ-એફ)ના વડા મૌલાના ફઝલુર રહેમાન (જે મૌલાના ડીઝલ તરીકે જાણીતા છે) અને મૌલાના ઔરંગઝેબ ફારુકીએ માગણી કરી કે બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની જેમ ઈશનિંદા વિરુદ્ધનો કડક કાયદો અપનાવે અને અહમદિયાઓને બિનમુસ્લિમ એટલે કે કાફીર જાહેર કરે. પરંતુ આ સંમેલન સાથે મૌલાના ડીઝલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકતાની પણ તરફેણ કરી. કહ્યું કે બંને દેશો એક જ શ્રદ્ધા (faith)માં માને છે. બંને દેશના મુસ્લિમો એક જ ઉમ્માહના હિસ્સા છે. આ સંમેલનમાં મૌલાના ડીઝલ સહિત પાકિસ્તાનથી કુલ ૩૫ પંથગુરુ હતા જેમાંથી ૧૯એ ભાષણો આપ્યાં હતાં.
જો અહમદિયાઓને આ લોકો મુસ્લિમ માનવા તૈયાર ન હોય તો બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય લઘુમતીની શું સ્થિતિ થશે? યુનૂસ સરકાર જેટલી વધુ ટકી એટલું વધુ નુકસાન બાંગ્લાદેશનું કરીને જશે.