તંત્રીસ્થાનેથી ।  ૨૦૨૬થી નક્સલમુક્ત થનાર ભારતે...બીજાં કયાં રાજકીય અનિષ્ટોથી મુક્ત થવાનું છે?

    ૩૧-ડિસેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |


કમ્યુનિઝમ એટલે.. માર્ક્સવાદ-વામપંથ-ડાબેરી-લેફ્ટ લિબરલ્સ-સામ્યવાદ-સમાજવાદ-માઓવાદ-LDF નક્સલવાદ-મેકોલે શિક્ષણ-ટુકડે ગેંગ-વોકેઈઝમ+. આ + શું છે તે ‘LGBTQ+’ના ઉદાહરણથી સ્પષ્ટ થશે.

આ કમ્યુનિઝમના કાળા ચોપડે વિશ્વભરનો કુલ ૧૦ કરોડનો નરસંહાર જમા છે. ભારતમાં કમ્યુનિઝમને ૧૦૦ વર્ષ થયાં. તેના એક વેરિયન્ટ- ‘નક્સલવાદ’ના ક્રૂર પંજામાંથી ભારત માર્ચ-૨૦૨૬માં સંપૂર્ણ મુક્ત થઈ જશે. જનજાતિ માટે મુક્તિનો, સમૃદ્ધિનો તથા શિક્ષણપદ્ધતિનો સોનાનો સૂરજ ઉગશે!

તિરુવનંતપુરમ્‌ના મ્યુનિ. કોર્પોરેશનમાં લોકતંત્રનો ચૂંટણીરૂપી યજ્ઞ ધધક્યો. રાષ્ટ્રીયતાના દિવ્ય મંત્ર ‘वंदे मातरम्’ના મહાનાદે વિદેશી જડ વિચારધારાના અહંકારને ઉખાડી ફેંક્યો. ભારતના એક માત્ર કમ્યુનિસ્ટ શાસનવાળા રાજ્ય કેરળનું ગુરુત્વકેન્દ્ર (રાજધાની-પાટનગર) તિરુવનંતપુરમ રાષ્ટ્રીયતાના રંગે રંગાયું. દંભી વિદ્વતાનો અંચળો ઓઢીને ભ્રમ ફેલાવતા અર્બન નક્સલરૂપી રાવણોનો રામબાણથી નાભીઈલાજ થયો. ચાર દાયકાથી ય વધુ જૂનો LDF ગઢ તૂટી પડયો. અગાઉ કરતાં વધુ ૭ પંચાયતો સાથે કુલ ૨૬ પર જીત હાંસલ કરી. ખિલેલાં નવાં કમળોએ નવા પ્રભાતને અભિનંદન આપ્યા! પહેલીવાર કેરળમાં ‘રાષ્ટ્ર પ્રથમ’વાળા ભાજપના ૪૫ વર્ષીય વી.વી. રાજેશે મેયર તરીકે શપથ લઈ ઈતિહાસ રચ્યો.

૨૦૨૪માં કોંગ્રેસે; કેરળની લોકસભાની કુલ ૨૦ બેઠકોમાંથી ૧૮ પર વિજય મેળવેલો. આના કારણે કેરળની વર્તમાન LDF સરકાર ચિંતાની ગર્તામાં ડૂબેલી છે. હિન્દુ મંદિર: સબરીમાલાની પરંપરાઓને તોડવા સામે અને આ મંદિરના સોનાની ચોરીના કૌભાંડ અંગે LDF સામે પ્રજાનો આક્રોશ ઢીલો પડ્યો નથી. તેથી જે LDF સરકારનું નેતૃત્વ હિન્દુત્વ ઉપર જીવલેણ હુમલા કરવા માટે કુખ્યાત હતું, તેણે ભગવાન શ્રી અયપ્પાનાં સંમેલનો યોજવાં પડી રહ્યાં છે. ધર્મને અફીણ કહેનારાઓને ધર્મનું ફીણ ચાટવાનો વારો આવ્યો છે.

બીજી તરફ તિરુવનંતપુરમની લોકસભાની બેઠક પર શશિ થરૂર (હાલની કોંગ્રેસના વિભિષણ) માત્ર ૧૨, ૬૦૦ મતથી જ ભાજપ સામે જીતી શકેલા.‌ તેઓએ ઑપરેશન સિંદૂર સંદર્ભે હમણાં એક મહત્વપૂર્ણ વાત કરી કે, પીએમ મોદી હારી ગયા તેવું કહીને ખુશી મનાવવી, એ રાષ્ટ્રની હાર પર ખુશ થવા બરાબર છે. તેઓ કોંગ્રેસને રાષ્ટ્રીયતાના પાઠ ભણાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે તો થરૂર માટે દરવાજા જ બંધ કરી દીધા છે. કોંગ્રેસ હવે પોતાના છૂપા રાષ્ટ્રવિરોધી એજન્ડાથી પાછી વળે તેમ નથી. જુઓને ગાંધી પરિવારના પૈતૃક સલાહકાર સામ પિત્રોડાએ હમણાં એક ઇન્ટરવ્યૂમાં કરેલ ઘટસ્ફોટ અનુસાર.. ૧) રાહુલ ગાંધી જર્મનીમાં ‘Global Progressive Alliance (GPA)’માં ભાગ લેવા ગયેલા. ૨) આ GPAમાં રાહુલ ગાંધીનું અધ્યક્ષ પ્રકારનું સ્થાન છે, પોતે (પિત્રોડા) તેના સદસ્ય છે. ૩) આ GPA; ૧૧૦ ડેમોક્રેટિક દેશોનું એલાયન્સ છે.

પણ.. અહીં પ્રશ્ન એ છે કે, આ કયા ૧૧૦ ડેમોક્રેટિક દેશો છે...??? કારણ કે વિશ્વ આખામાં કુલ ૧૯૦ દેશ છે. ૫૭ મુસ્લિમ દેશો, ૩૦ રાજાશાહી દેશો અને ઘણા બધા સરમુખત્યાર દેશોને જો ૧૯૦માંથી બાદ કરીએ તો GPA કહે છે તેવા સ્થાયી લોકતંત્ર ધરાવતા ૧૧૦ દેશો જ દુનિયાના નક્શા પર ઉપલબ્ધ નથી...!!! વિચાર કરો.. આ GPA કઈ ડેમોક્રસી માટે કેવાં કામ કરી રહ્યું હશે? જુઓને.. પહેલાં રાહુલ ગાંધી Central Europian University અંતર્ગત કૉનેર્લિયા વૉલને રૂબરૂ મળ્યા, જે કુખ્યાત ભારતવિરોધી કાવતરાંબાજ જ્યોર્જ સોરોસની Open Society Foundationના ફંડથી ચાલે છે. આવાં ભારતવિરોધી સંગઠનો-ષડયંત્રોના નેટવર્કના જ હિસ્સાવિષયક રહસ્યોથી ખરડાયેલા GPAના સત્યને જાણવાનો જન-જનનો અધિકાર છે. છાશવારે વિદેશમાં જઈને ભારતને બેફામ ભાંડવાનાં કૃત્યોના તથા ભારતવિરોધી એજન્ડાનાં અધમ કૃત્યોના ભારથી દંભી કોંગ્રેસનું દોઢ વામપંથી નેતૃત્વ અધ:પતિત થયું છે, તેવો સર્વસામાન્ય વ્યક્તિઓનો સૂર દિન-પ્રતિદિન પ્રબળ બની રહ્યો છે. જાગેલા ‘સ્વ’યુક્ત-અનિષ્ટમુક્ત-ધર્મનિષ્ઠ ભારતે હવે રાત્રિ-જાગરણનું વ્રત ધારણ કરેલું હોઈ અંધારામાં કરેલાં, અરે! છેક વિદેશમાં આચરેલાં અપકૃત્યો-પાપો તરફડે છે! સત્યના સર્વવ્યાપી પ્રકાશમાં અસત્ય ચમકે છે, અંતે પકડાય છે.

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.