આજે જ્યારે રાષ્ટીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાના શતાબ્દી વર્ષના ઉંબરે આવીને ઊભો છે ત્યારે ગુજરાતના સંઘકાર્યના વિકાસમાં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા પ્રેરણાપુંજ સમાન કાર્યકર્તાઓનું સ્મરણ કરવું સૌને માટે પ્રેરણાદાયી બની રહેશે. સંઘકાર્ય માટે પોતાનું જીવન મા ભારતીના ચરણોમાં સમર્પિત કરી સંઘદીપને પ્રજ્જવલિત અને ઓજસ્વી બનાવનાર અગણિત કાર્યકરોમાં વર્ષો સુધી રા.સ્વ.સંઘના પ્રાંત સંઘચાલક રહેલા ડૉ. અમૃતભાઈ કડીવાળાનું નામ અગ્રિમ હરોળમાં છે.
હજી તો ત્રણ વર્ષ પહેલાં જ કોરોનાકાળમાં આપણી વચ્ચેથી વિદાય લઈ જીવનલીલા સંકેલી લેનાર સૌના માર્ગદર્શક અમૃતભાઈ આપણી વચ્ચે નથી એવું માનવા મન તૈયાર નથી. તેમની સૂક્ષ્મ ઉપસ્થિતિ અત્ર-તત્ર-સર્વત્ર વર્તાય છે.
કર્ણાવતીના એક સામાન્ય પરિવારમાંથી આવતા અમૃતભાઈનો જન્મ દિ. ૫-૧૨-૧૯૩૮ના રોજ માતા નાથીબેનની કૂખે થયો હતો. પિતા ડાહ્યાભાઈ ગાંધીરોડ પર દરજીની દુકાન ધરાવતા હતા. યોગાનુયોગ આ વર્ષે જ ગુજરાતમાં સંઘકાર્યના શ્રીગણેશ વડોદરામાં થયા હતા. અમૃતભાઈનો ૧૨ વર્ષની વયે ૧૯૫૦માં સંઘ પ્રવેશ થયો. સંઘની અનેકવિધ જવાબદારીઓનું વહન કરતાં કરતાં તેમનું જીવન સંઘમય બની ગયું. જે સમયે વર્તમાન સરસંઘચાલક મા. ડૉ. મોહનજી ભાગવતના પિતા ગુજરાતમાં પ્રાંત પ્રચારક તરીકે કાર્યરત હતા તે સમયે તેઓ સ્વયંસેવક બન્યા અને ઉત્તરોત્તર શાખા કાર્યવાહ, ભાગકાર્યવાહ, મહાનગર કાર્યવાહ - પ્રાંત શારીરીક પ્રમુખ - પ્રાંત કાર્યવાહ અને મા. પ્રાંત સંઘચાલકની જવાબદારી નિભાવી લાખો સંઘ કાર્યકર્તાઓને સંઘકાર્ય માટે પ્રેરિત અને સંસ્કારિત કર્યા. સંઘકાર્યકર્તાના ઘડતર અને પ્રશિક્ષણ માટેના પ્રથમ વર્ષથી લઈ તૃતીય વર્ષ સંઘશિક્ષાવર્ગ તેમણે ૧૯૫૪થી ૫૬માં પૂર્ણ કર્યા.
અમૃતભાઈના ઘડતરમાં સંઘપ્રચારક લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ)નો ભારે પ્રભાવ હતો. જ્યારે સંઘનું કાર્યાલય કર્ણાવતીના માણેકચોકમાં હતું ત્યારે તેઓ વાંચવા માટે ત્યાં જતા અને વકીલ સાહેબના સહવાસનો તેમને લાભ મળતો. સંઘકાર્યની સાથે સાથે તેમણે અભ્યાસમાં પણ તેજસ્વી કારકિર્દી દ્વારા માસ્ટર ઇન સીવીલ એન્જિનીયરીંગ અને ત્યારબાદ સોઈલ ટેસ્ટીંગમાં ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. શરૂઆતમાં તેઓ કે. બી. મહેતા કંપનીમાં જોડાયા અને ત્યાં સોઈલ ટેસ્ટગ લેબોરેટરીની શરૂઆત કરી અને અંત સુધી તેની સાથે જોડાયેલા રહ્યા. આ વિષયના ગુજરાતના તજજ્ઞોમાંના તેઓશ્રી એક હોઈ તેમણે સેપ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઑફ આર્કિટેક્ટ, એલ. ડી. એન્જિનિયરીંગ, નિરમા યુનિવર્સિટી વગેરેમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા.
`સાદું જીવન અને ઉચ્ચ વિચાર' તેમનો જીવનમંત્ર હતો. ગૃહસ્થી જીવનની સાથે સંઘકાર્યને પ્રાથમિકતા આપી. તેમણે રા.સ્વ.સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂ. શ્રી ગુરૂજી, મા. બાળાસાહેબ દેવરસ, મા. રજ્જુભૈયા, મા. સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક મા. મોહનજી ભાગવતના પ્રત્યક્ષ સહયોગમાં ગુજરાતના સંઘકાર્યને સુદૃઢ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
૧૯૭૫ના જૂન મહિનામાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશભરમાં કટોકટી લાદવામાં આવી ત્યારે સંઘના હજારો કાર્યકર્તાઓને જેલમાં પૂરી સંઘ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે શરૂઆતના દશ દિવસ મિત્રોને ત્યાં ભૂગર્ભમાં રહ્યા અને તેમની ધરપકડ થતાં ૨૧ મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. કટોકટી હોય કે રામજન્મભૂમિ આંદોલન, સંઘર્ષના સમયમાં તેમણે સંઘકાર્યકર્તા અને સમાજને યોગ્ય નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
સમાજજીવનની અનેક સંસ્થાઓ અને વિશેષ વ્યક્તિઓના સંપર્કથી તેઓ તેમને સંઘવિચારથી નિકટ લાવ્યા અને તેમને સંઘકાર્ય સાથે જોડ્યા અથવા સહયોગી બનાવ્યા. તેમનો સંપર્ક એટલો સહજ અને આત્મીયપૂર્ણ રહેતો કે સૌને તેઓ પરિવારના સ્વજન લાગતા.
પારિવારિક સંપર્ક અંગેના સંસ્મરણો યાદ કરતાં સામાજિક સમરસતાના વરિષ્ઠ કાર્યકર્તા શ્રી હિંમતભાઈ વાટલિયાએ જણાવ્યું કે, હું જ્યારે કર્ણાવતીના પાલડી ભાગનો સહકાર્યવાહ હતો ત્યારે અમૃતભાઈ મહાનગરમાં પણ રાત્રિ નિવાસી પ્રવાસ કરતા. કાર્યકર્તાને ત્યાં રાત્રે રોકાતા, પરિવાર સાથે ગોષ્ઠિ કરતા. સવારે શાખામાં જતા અને ત્યાંથી સીધા અૉફિસે જતા. આ યોજના પ્રમાણે તેઓએ મારે ત્યાં રાત્રિરોકાણ કર્યું. રાત્રે બાળકોને અભ્યાસમાં કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકાય તેની ટીપ આપી અને ગણિતના દાખલા સરળ રીતે કેવી રીતે ઉકેલી શકાય તે સમજાવ્યું. ત્યારપછી બે સુંદર બોધપ્રદ વાર્તાઓ કહી. સવારે અમે ઉઠીએ તે પહેલાં જાતે જ પાણી ગરમ કરી બધી પ્રાતઃવિધિ પૂર્ણ કરી લીધી. અમે સાથે આનંદ પ્રભાત શાખામાં ગયા. ત્યાંથી બિમાર હતા એવા કાર્યકર્તા પુંડરિકભાઈ રાવલ અને દિનબંધુ દ્વિવેદીના ઘરે સંપર્કમાં ગયા. તેમના પરિવારોને ંફ આપી અને ખબર કાઢવા ગયા હોવાથી ચા-અલ્પાહાર કશું જ લીધું નહીં. ઘરે આવી ચા-નાસ્તો કરતાં મોટી દીકરી ધો.૧૦માં હોવાથી તેને કઈ રીતે મહેનત કરવી તેની સમજણ આપી. તેને લીધે દીકરીને બોર્ડમાં ૮૧ ટકા કરતાં વધારે માર્ક્સ આવ્યા. દીકરી આજે પણ તેમને યાદ કરે છે. પરિવાર સાથેનો તેમનો નિકટતાનો વ્યવહાર યાદ કરી આજે પણ આંખો ભીની થઈ જાય છે.
આવા અનુભવો અનેક કાર્યકર્તાઓને થયા હશે, કારણ કે સંઘકાર્યકર્તાઓના પરિવાર એ જ તેમનો વિરાટ સંઘ પરિવાર હતો. તેમની સાથે મારે પણ અવારનવાર સંપર્કમાં જવાનું થતું. ખાસ કરીને અનુસૂચિત સમાજના પરિવારોમાં જઈએ ત્યારે અગ્રણીઓ પોતાના હૃદયની વ્યથા અને આક્રોશ અમૃતભાઈ; સંઘના પ્રતિનિધિ હોઈ તેમની સામે ઠાલવતા. અમૃતભાઈ સ્વસ્થચિત્તે સાંભળીને સંઘ દ્વારા થતાં સમરસતાનાં કાર્યમાં તેમનો સહકાર માગતા અને તેમની સાથે આત્મીયતા પૂર્ણ વ્યવહાર રાખતા.
ગુજરાત દલિત અધિકાર સંઘના વાર્ષિક સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સ્વ. ફકીરભાઈ વાઘેલા તેમને દર વર્ષે મુખ્ય મહેમાન તરીકે અચૂક ઉપસ્થિત રાખતા. અમૃતભાઈ અચૂક આ કાર્યક્રમમાં જતા. અને સૌને સાંભળતા સમયોચિત વાત કરીને હુંફ પૂરી પાડતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રત્યેક જન્મજયંતીએ કર્ણાવતીના સારંગપુર ખાતે મોટો કાર્યક્રમ યોજાય છે. તેમાં સામાજિક સમરસતા મંચનો સ્ટોલ, પ્રદર્શની અને છાસ વિતરણ કેન્દ્રનું વહેલી સવારેે તેઓ દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાવતા. આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો. પ્રાંત સંઘચાલક હોવા છતાં તેઓ મારી સાથે મોટર સાઈકલ પર પાછળ બેસીને આવતા. તેમની જિંદગીમાં સાદગી અને સરળતા સહજ રીતે વણાઈ ગઈ હતી. તેથી જ તેમના પારિવારિક પ્રસંગોમાં કે અન્ય પ્રસંગોમાં સાહજિક સાદગી વર્તાઈ આવતી.
અમૃતભાઈ વિદ્યાવ્યાસંગી અને વાંચનના અભ્યાસુ હતા. તેમના અંગત પુસ્તકાલયમાં પણ અનેક પુસ્તકો હતા. તેઓ સતત નવું વાંચતા રહેતા. એક વાર તેમણે મને ઘરે બોલાવ્યો. પુસ્તકો વિશે વાત કરી અને પુસ્તકોનો મોટો ઢગલો કર્યો અને કહ્યું આ બધાં પુસ્તકો મેં વાંચી લીધા છે. હવે તે તમે લઈ જાઓ. હું ના. હ. પાલકર લિખિત ડૉ. હેડગેવાર ચરિત્ર સહિત ઘણાં પુસ્તકો લાવ્યો. જે આજે મારા પુસ્તક સંગ્રહમાં અમૃતભાઈની યાદ અપાવે છે.
તેમણે સંઘવિચારના અનેક પુસ્તકોની પ્રસ્તાવના, ભાષા શુધ્ધિ અને માર્ગદર્શન આપ્યું છે. કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહેવા નિયમિત રીતે પોસ્ટકાર્ડ કે પત્રનો ઉપયોગ કરતા. દીપાવલી શુભેચ્છા હોય કે જન્મદિને અભિનંદન, તેમના મરોડદાર અને સુઘડ અક્ષરોથી લખાયેલા પત્રો કાર્યકર્તાના જીવનમાં ઉત્સાહવર્ધન કરતા.
સંઘનું કાર્ય અને સમાજની સેવા એ તેમનું જીવનધ્યેય હતું. તેથી સેવાભારતી-ગુજરાત, માધવસ્મૃતિ ન્યાસ, ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, સંસ્કાર વાંચનાલય જેવી અનેક સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી અને માર્ગદર્શક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી સક્રિય રહ્યા.
`જ્યાં અપેક્ષિત ત્યાં ઉપસ્થિત'ના મંત્ર સાથે તેમણે સંઘની બેઠકોમાં હાજર રહેવાનો ઉપક્રમ જીવનના અંતકાળ સુધી નિભાવ્યો અને સૌને પ્રેરણા પૂરી પાડી. અમૃતભાઈ પોતાના વિચારોમાં દૃઢ અને અડગ રહેતા અને કાર્યકર્તાઓને દિશાનિર્દેશ કરતા, તેનો એક પ્રસંગ વર્ણવતાં પ્રાંતકાર્યવાહ શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે, જ્યારે હું બૌદ્ધિક પ્રમુખ હતો ત્યારે બારેજા ખાતે પ્રાંતકાર્યકારી મંડળની બેઠક યોજાઈ હતી. મારો આગ્રહ રહેતો કે બધા કાર્યકર્તાઓ કોઈ પુસ્તકનું વાચન અને અભ્યાસ કરે. કાર્યકારી મંડળને ગુજરાતના એક મોટા સંત દ્વારા લિખિત ગુજરાતના જ એક મહાપુરુષના જીવનચરિત્રનું વાંચન કરે તો કેવું? તેવું શ્રી શૈલેષભાઈએ અમૃતભાઈને પૂછ્યું. તેના ઉત્તરમાં અમૃતભાઈએ સામે પૂછ્યું કે, આ પુસ્તક આપે વાંચ્યું છે? શક્ય છે તેમાં લેખકના અંગત મંતવ્યો અને ટીકા ટીપ્પણીઓ પણ તેમાં હોય માટે પહેલાં આપણે પુસ્તકનો અભ્યાસ કરી પછી તે યોગ્ય લાગે તો સાર્વત્રિક રૂપે સંઘ કાર્યકર્તાઓને આપવું જોઈએ. પુસ્તક વાંચ્યા પછી તેમની આ વાત સટિક હતી તે ધ્યાનમાં આવ્યું અને તે પુસ્તક આપવાનું મુલતવી રાખ્યું.'
સાધના સાપ્તાહિક સાથે પણ તેમનો દાયકાઓ જૂનો સંબંધ રહ્યો. નાના મોટા દરેક પ્રસંગે તેઓ સમય ફાળવીને અચૂક ઉપસ્થિત રહેતા તેમનું માર્ગદર્શન `સાધના' પરિવારને મળતું રહેતું. ૨૦૧૬માં `સાધના'ના ષષ્ઠિપૂર્તિ નિમિત્તે એક દળદાર સ્મરણિકા બનાવી જેના કામમાં તેઓ દરરોજ `સાધના' કાર્યાલય આવતા અને `સાધના'ના જૂના અંકોમાંથી નવનીત તારવીને સ્મરણિકા માટે આપતા. શ્રી રમણભાઈ શાહ સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કારના કાર્યક્રમમાં તેમણે અધ્યક્ષપદ પણ શોભાવ્યું હતું.
એવું નથી કે તેમના જીવનમાં સંઘર્ષ નથી આવ્યા પણ તેઓ તેની વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞની જેમ અડગ રહી પોતાના ધ્યેયથી સહેજ પણ વિચલિત થયા નથી. પુત્ર પ્રકાશભાઈનું ૨૦૦૪માં કેન્સરની બિમારીને કારણે યુવાનવયે અવસાન થયું. ૨૦૧૪માં ધર્મપત્ની વિમળાબેનનું અવસાન થયું. તેમને પોતાના હૃદયની પણ બાયપાસ સર્જરી કરાવી હતી. છતાં આઘાત સહન કરી તેમાંથી સ્વસ્થ થઈ પૂર્વવત્ સંઘકાર્યમાં સક્રિય થયા હતા. તેમના પુત્ર ચંદ્રશેખર અને પુત્રી ઉમા સહિત સમગ્ર પરિવારે તેમના કાર્યને સહકાર આપ્યો હતો.
સંઘકાર્યની સતત ચિંતા કરનાર તેઓશ્રી કોરોનાકાળમાં સતત ૫૦ દિવસ સુધી કોરોના સામે સંઘર્ષ કરી મુક્ત તો થયા, પરંતુ મ્યુકરમાઈકોસીસની બિમારીને લઈને તેમની સારવાર ચાલુ રહી. તેમની તબિયતમાં ઝડપી સુધારો થતાં તેઓ સૌને કહેતાં, `હું થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ઘરે પાછો આવી જઈશ.' પરંતુ છેલ્લા બે દિવસ બિમારીએ ઊથલો માર્યો અને દિ. ૧૨-૬-૨૦૨૧ના રોજ ૮૩ વર્ષની ઉંમરે તેઓએ જીવનલીલા સંકેલી લીધી. સંઘના એક અજાતશત્રુ તપસ્વી જેવું જીવન અનંતયાત્રાએ ચાલી નીકળ્યા ત્યારે હજારો કાર્યકર્તાઓની આંખમાં આંસુ છલકાતાં હતાં.
તેમની સ્મૃતિમાં સેવાભારતી-ગુજરાત દ્વારા નિર્ણયનગર ખાતે ડૉ. અમૃતભાઈ કડીવાળા સેવા પ્રકલ્પ દ્વારા વાચનાલય, કોમ્પ્યુટર ક્લાસ, બ્યુટીપાર્લર ટ્રેનિંગ, ઇંગ્લીશ સ્પીકગ, મહેંદી ક્લાસ અને યોગકેન્દ્ર ચલાવવામાં આવે છે.
- મધુકાન્ત પ્રજાપતિ