એક અનોખું કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વ - ડૉ. પુંડરિકભાઈ રાવલ

તેઓની એક આગવી પ્રતિભા હતી, સૂઝબૂઝ હતી અને વ્યાપક દૃષ્ટિ હતી. વ્યક્તિ-વ્યક્તિના ઘડતર માટે હસતા મોંઢે આખું જીવન લગાવી દેવું; એ ડૉ. પુંડરિકભાઈના વ્યક્તિત્વની ઊંચાઈ હતી.

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

Rashtriya Swayamsevak sangh Pundarik Rawal
 
 
જય જનની જય પુણ્યધરા અનુપમ તેરી પરંપરા... સંગઠન ગઢે ચલો સુપંથ પર બઢે ચલો... જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ... જેવાં ગીતોના ગણગણાટ સાથે જેમની સવાર પડતી, નિર્માણો કે પાવન યુગ મેં હમ ચરિત્રનિર્માણ ન ભૂલે... જેવાં ગીતોના ભાવ જેઓની રગેરગમાં વ્યાપ્ત હતા તેવા ડૉ. પુંડરિકભાઈ રાવલ એક અનોખું વ્યક્તિત્વ અને રાષ્ટીય સ્વયંસેવક સંઘના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા હતા.
 
વિ. સં. ૨૦૦૪ ભાદરવા સુદ ૧ (દિ. ૧૫/૦૯/૧૯૪૭)ના દિવસે લીંબડી તાલુકાના નાનકડા રળોલ ગામે તેમનો જન્મ થયો પણ મોટાભાગનું જીવન કર્ણાવતીમાં જ વિતાવ્યું. પિતાજી મયાશંકર રાવલ જૂના સ્વયંસેવક હોવાથી પુંડરિકભાઈને રાષ્ટપ્રેમ, નીડરતા, કર્તવ્યનિષ્ઠા તથા સેવાભાવ, આ બધા સદ્ગુણો વારસામાં મળ્યા હતા. માતા વસંતબહેન અત્યંત ધાર્મિક હોવાથી તેમનો દયા અને ધર્મનિષ્ઠ સ્વભાવ ડૉ. પુંડરિકભાઈમાં સહજ આવ્યો હતો. ડૉ. પુંડરિકભાઈ સાત બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા. પૂરા ય પરિવારની સંઘનિષ્ઠા એવી હતી કે, સંઘના કાર્યક્રમમાં આખો પરિવાર ઉપસ્થિત રહેતો. પ.પૂ. ગુરુજીને પરિવારજનોનાં નામ મોઢે રહેતાં તેવી આત્મીયતા સૌની સાથે કેળવાયેલી, એ એક વિશેષતા હતી.
 
નાનપણમાં તેમના ઘરે શ્રી વકીલ સાહેબ, શ્રી દામલેજી, શ્રી અનંતરાવજી, શ્રી શાંતિમામા અને શ્રી હરીશભાઈ નાયક જેવા સંઘના પ્રચારકોનો તથા શ્રી સંજીવનદાદા જેવા સંનિષ્ઠ કાર્યકર્તાઓનો આવરો-જાવરો રહેતો. સંઘ અને દેશની વાતો થતી રહેતી. તેઓએ બાળપણતી જ આવી બધી વાતો સાંભળેલી. આવી અનૌપચારિક જ્ઞાનસંપદાથી ડૉ. પુંડરિકભાઈનું જીવનઘડતર થયું.
 
ડૉ. પુંડરિકભાઈએ BDSની ડિગ્રી કર્ણાવતીની ગવર્નમેન્ટ ડેન્ટલ કૉલેજમાંથી મેળવી. બી. જે. મેડિકલ કૉલેજથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. નોકરીની સાથે સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. MDS પૂર્ણ કર્યું. તેઓ તબીબી વિદ્યાર્થીઓને માનવશરીરનું રચનાશાસ્ત્ર (Anatomy) શીખવતા. મેડિકલનો અભ્યાસ હોય કે કારકિર્દી; ડૉ. પુંડરિકભાઈએ સદૈવ રાષ્ટીય સ્વયંસેવક સંઘના કાર્યને જ કેન્દ્રમાં રાખ્યું. તેમણે સંઘના તૃતીય વર્ષનું શિક્ષણ પણ મેળવ્યું. બી. જે. મેડિકલ કૉલેજમાં અધ્યાપન ઉપરાંત ડૉ. પુંડરિકભાઈ ટેરિટોરિયલ આર્મીમાં પણ ડૉક્ટરની સેવા આપતા. આના કારણે છેલ્લે તેઓને મેજરની પદવીથી સન્માનિત કરાયા હતા.
 
`સ્વદેશી' માટે સંપૂર્ણ નિષ્ઠાવાન
 
ડૉ. પુંડરિકભાઈને એક વખત કોલગેટ કંપનીના માર્કેટિંગ રિપ્રેઝન્ટેટિવ (MR)એ કોલગેટ ટૂથપેસ્ટનું આખું બોક્ષ ભેટરૂપે આપવાની કુચેષ્ટા કરેલી ત્યારે તે MRની શું હાલત થઈ હશે તેની કલ્પના કરી શકાય તેમ છે?!
 
ઈ.સ. ૧૯૭૨માં તેમનાં લગ્ન
 
શ્રી ભારતીબેન સાથે થયાં. ભારતીબેનનો પણ સંઘકાર્યમાં પૂર્ણ સહયોગ રહેતો. ભારતીબેન થકી ડૉ. પુંડરિકભાઈને સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર પ્રાપ્ત થયાં. તેઓની સંઘકાર્યની જવાબદારી ઉપરાંત પારિવારિક જવાબદારીઓ શરૂ થઈ. વળી સાત બહેનોના સંતાનોના એક માત્ર અતિપ્રિય મામા તો તેઓ હતા જ. વેકેશનમાં તો ઘરે આનંદ-કિલ્લોલનું મેળાનું વાતાવરણ સર્જાતું. એક નાનકડા ફ્લેટમાં કલરવ ગુંજી ઉઠતો. સમય જતાં બહોળા હિન્દુ પરિવાર તરીકેની સારા-નરસા પ્રસંગોએ, વાર-તહેવારે બનતી તમામ જવાબદારીઓનું તેઓએ પૂરા મનથી નિર્વહન કર્યું.
 
કર્ણાવતી શહેરમાં જ હોય તેમ છતાં સળંગ બબ્બે રાત સંઘકાર્યને કારણે ડૉ. પુંડરિકભાઈ પોતાના ઘરે ન ગયા હોય તેવું ઘણીવાર બનેલું.
 
૧૯૭૫ની તાનાશાહી વખતે લદાયેલી કટોકટીના દિવસોમાં પ્રચારકજી દામલેજી સરકારના હાથે પકડાઈ ન જાય તે માટે (તેમને ગાડી કે બસથી રાજકોટ જતા રોકીને) પોતે પોતાના સ્કૂટર પર રાજકોટ મૂકવા ગયેલા.
 
૧૯૯૦માં સરકારે કર્ણાવતીની ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા રોકવાનો પ્રયત્ન કરેલો. એ જમાનામાં મોબાઈલ-વોટ્સએપ નહોતા ત્યારે દૂધની કેબીનો મારફતે હસ્તલિખિત ચિઠ્ઠીઓ આગળ વધારવાની સફળ યોજના બનાવી રથયાત્રા માટે સજ્જ થવા સમાજને બળ આપેલું. આપણને ખબર છે કે, સરકારનું આખું તંત્ર પણ રથયાત્રાને રોકી શકેલું નહીં.
 
ડૉ. પુંડરિકભાઈને જ્યારે પણ જોઈએ ત્યારે એ જ સદા હસતો ચહેરો, શાંત છતાં સામાવાળાને આનંદ પમાડતા હાવ-ભાવ, જાણે ડૉ. સાહેબે સ્વામી વિવેકાનંદજીને વાંચતાં વાંચતાં તેમના કર્મયોગ, રાજયોગ અને જ્ઞાનયોગને પૂર્ણપણે આત્મસાત્ ન કરી લીધા હોય! પરિવારની કે કૉલેજની કોઈ જ જવાબદારીઓ સંઘની જવાબદારીમાં બાધારૂપ બની ન હતી.
 
પ્રાકૃતિક આપદાઓ- મોરબીની અને કર્ણાવતીની ગિરનાર સોસાયટીની પૂરગ્રસ્ત સ્થિતિમાં પોતે ઘરબાર છોડીને દિવસોના દિવસ સુધી રાહતના કામમાં લાગેલા. પોતાના સ્વયંના ઉદાહરણ થકી તેઓએ સમાજસેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરેલું.
 
એકદમ જૂના વરિષ્ઠ સંઘ અધિકારી હોય કે નવા નવા જોડાયેલા સ્વયંસેવક હોય, સૌને ડૉ. પુંડરિકભાઈ એક જેવા જ લાગતા. તેઓને મળ્યા પછી કોઈના મનની મૂંઝવણ બાકી બચતી નહિ. સંઘમાં વાસણાની શાખાના ગટનાયકથી લઈ અનેકવિધ દાયિત્વ સંભાળતાં સંભાળતાં અનેક વર્ષો સુધી કર્ણાવતી મહાનગરના કાર્યવાહ અને પ્રાંતના પ્રચાર પ્રમુખ તરીકે સૌનું માર્ગદર્શન કર્યું, એમ કહેવાને બદલે સૌને પ્રેમ વહેંચ્યો, તેવું કહેવું વધુ યોગ્ય લાગે છે.
 
તેઓની એક આગવી પ્રતિભા હતી, સૂઝબૂઝ હતી અને વ્યાપક દૃષ્ટિ હતી. વ્યક્તિ-વ્યક્તિના ઘડતર માટે હસતા મોંઢે આખું જીવન લગાવી દેવું; એ ડૉ. પુંડરિકભાઈના વ્યક્તિત્વની ઊંચાઈ હતી.
 
આપણા પ્રાંતના વર્તમાન સહ કાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરીસા ત્યારે સંઘની એક શાખાના કાર્યવાહનું દાયિત્વ સંભાળતા, ત્યારના સંસ્મરણો વાગોળતાં તેઓએ કહેલું કે, સૌ મેડિકલ વિદ્યાર્થીઓ માટે તેઓ આદરણીય હતા. તેઓ પેસેજમાંથી પસાર થતા હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂર્ણ આદર સાથે બાજુએ ઊભા રહી જતા. તેઓએ ક્યારેય એક પણ વિદ્યાર્થીને તુકારે બોલાવ્યો હોય તેવું બન્યું નથી. આ સમયમાં મોટાભાગના પ્રોફેસરો ગાડી લઈને આવતા ત્યારે ડૉ. પુંડરિકભાઈ તેઓનું બજાજનું ૩૧૧૦ નંબરવાળું સ્કૂટર લઈને આવતા. તેઓ પ્રેમથી `સુનીલભાઈ' કહીને બોલાવતા. ખૂબ જ સ્નેહથી નાની નાની બધી જ બાબતોએ જાણકારી મેળવતાં. એક કાર્યકર્તાના જીવનનો ભાગ કેવી રીતે બનવું તે માટે ડૉ. સાહેબ સૌના માટે પ્રેરણાદાયી હતા.
 
જુનાગઢ સંઘશિક્ષા વર્ગમાં ડૉ. પુંડરિકભાઈ બૌદ્ધિક વિભાગમાં હતા, તે સમયનો એક નાનો પ્રસંગ ભાનુભાઈના જ શબ્દોમાં જોઈએ તો, `બૌદ્ધિક પહેલાં વિષયને અનુરૂપ એક વ્યક્તિગત ગીત મારે ગાવું તેવું ડૉ. પુંડરિકભાઈએ જણાવ્યું. મેં ડોકું હલાવ્યું. તેઓએ મારા હાથમાં ગીતની પ્રત મૂકીને મંદ હસીને ઉમેર્યું કે, આ ગીત ગાવાનું (જે મારા માટે સંપૂર્ણપણે નવું હતું) અને પ્રત લીધા વિના ગાવાનું, અને આજે જ બપોરના બૌદ્ધિક સત્રમાં ગાવાનું છે! મેં કહ્યું, ડૉક્ટર સાહેબ, આ તો કેવી રીતે શક્ય બને, મને તો રાગ જ આવડતો નથી, અને હવે સમય પણ ક્યાંથી લાવવો. તેઓએ કહ્યું, આજે બપોરે મારું અને તમારું ભોજન પાછું ઠેલીએ. સાંજે બંને ટંકનું સાથે જમી લઈશું. બપોરના ભોજન-વિશ્રાંતિના સમયમાં ગીત તૈયાર થઈ જશે. અંતે બૌદ્ધિક વર્ગમાં મારું કંઠસ્થ વ્યક્તિગત ગીત ગવાયું.'
 
સંઘની જવાબદારી સાથે સાથે ડૉ. પુંડરિકભાઈ `સાધના' સાપ્તાહિકના ટ્રસ્ટી હતા. આ ઉપરાંત તેઓએ રામકૃષ્ણ સેવા સમિતિ-અમદાવાદ, સોલા ભાગવત વિદ્યાપીઠ અને સંન્યાસ આશ્રમમાં પણ સેવા આપતા હતા. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી સંસ્થાના ગુજરાત ક્ષેત્રના અધ્યક્ષ તરીકેનું દાયિત્વ પણ ઘણાં વર્ષો સુધી વહન કર્યું. સ્વામી વિવેકાનંદ રૉક મેમોરિયલના નિર્માણકાર્ય વખતે સંસ્થાના રાષ્ટીય પ્રમુખ શ્રી એકનાથજી રાનડે સાથે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી લોકો સુધી સ્વામી વિવેકાનંદજીના વિચારો પહોંચાડ્યા. નાનામાં નાના વ્યક્તિઓને કાર્ય સાથે જોડ્યા. આ ઉપરાંત સેવાભાવી સંસ્થા સમુત્કર્ષ અને ભારત વિકાસ પરિષદ ગુજરાતના સ્થાપક સભ્યો પૈકીના એક ડૉ. પુંડરિકભાઈ હતા.
 
કર્ણાવતીમાં આટ-આટલી જવાબદારીઓ હોવા છતાં પોતાના વતન રળોલ સાથે પાક્કો નાતો જાળવી રાખેલો. કૉલેજ ઉપર કે ઘરે રળોલના ગ્રામજનો પોતાનાં નાનાં-મોટાં કામ માટે તેઓને પૂરા હક્કથી મળતાં.
 
તેઓનાં પૂ. બાની; છેલ્લા વર્ષોમાં તેઓએ એક આદર્શ પુત્ર તરીકે કરેલી સેવા, સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ છે.
 
ઈ. સ. ૧૯૯૨માં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે સમગ્ર દેશમાંથી લાખો કારસેવકો કારસેવા કરવા ગયા હતા, ત્યારે કર્ણાવતીથી જનારા કારસેવકોનું નેતૃત્ત્વ ડૉ. પુંડરિકભાઈએ કરેલું.
 
ઈ. સ. ૧૯૯૭માં ગુજરાત સરકારે ડૉ. પુંડરિકભાઈ રાવલ પર વિશ્વાસ મુકીને તેઓને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના અધ્યક્ષ તરીકેનું દાયિત્વ સોંપેલું. GPSCના કામ માટે મળેલી લેન્ડલાઈન ઘરના કામ માટે નહીં વાપરવાની, એવું એમનું સંનિષ્ઠ અનુશાસન સૌ સ્વયંસેવકો માટે દીવાદાંડી સમાન છે. તેઓએ સંભાળેલા પારદર્શક અને ક્ષમતાપૂર્ણ વહીવટ માટે ડૉ. પુંડરિકભાઈને આજે ય યાદ કરવામાં આવે છે.
 
૧૯૯૫માં દ્વિતિય સંઘ શિક્ષાવર્ગના દિક્ષાંત સમાપન વખતે સંઘના વરિષ્ઠ પ્રચારક મા. મધુભાઈએ આદર્શ કાર્યકર્તા તરીકે ડૉ. પુંડરિકભાઈનું ઉદાહરણ સૌ સમક્ષ મુકેલું.
 
વર્ષ ૨૦૦૨માં ડૉ. પુંડરિકભાઈને સ્વાદુપિંડના કેન્સરનું નિદાન થયું ત્યારે કુટુંબના સભ્યો, સંઘના અને વિચાર-પરિવારના સૌ અને પરિચિતો, સૌને ભારે આઘાત લાગ્યો. કોઈ વ્યક્તિ જ્યારે ડૉ. પુંડરિકભાઈને બીમારી માટે સાંત્વના આપે ત્યારે તેઓ જૂના હસી-મજાકના પ્રસંગોને વાગોળી સાંત્વના આપનારનો ભાર હળવો કરી દેતા. અંતિમ દિવસોમાં સંઘકાર્યની વાતો જ તેઓ માટે અકસીર ઇલાજ હતો.
 
વર્ષ ૨૦૦૪ની મકરસંક્રાંતિની જાણે તેઓ રાહ જોઈ રહ્યા હોય તેમ ૧૫ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ બ્રહ્મમુહૂર્તમાં ડૉ. પુંડરિકભાઈએ શરીર છોડ્યું ત્યારે ભારતમાતાના એ સપૂતના એ શબ્દો આકાશને ભરી રહ્યા હતા...
 
તેરા વૈભવ અમર રહે મા,
હમ દિન ચાર રહે ના રહે.
 
***
 
- નીરવ રાવલ
 
લેખકશ્રી રા.સ્વ.સંઘમાં પ્રાંત કાર્યકારણી સદસ્ય (અભિલેખાગાર, ગુજરાત) છે.