મહા વદ દસમ | મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મની દ્વિશતાબ્દી નિમિત્તે...
એકવાર મહાશિવરાત્રીની રાત્રે ટંકારાના એક શિવાલયમાં શિવલિંગ પર ધરાવેલો પ્રસાદ ખાવા માટે ઉંદરો દોડાદોડી કરતા હતા. ઉંદરો શિવલિંગને અપવિત્ર કરી રહ્યા હતા. આ જોઈને એક બાળક અત્યંત દુઃખી થઈ ગયો. તે બાળકનું નામ હતું મૂળશંકર. નાની ઉંમરમાં પણ એની સમજશક્તિ અપાર હતી. સમાજમાં ચાલતી કેટલીક બાબતો પ્રત્યે તેના મનમાં અનેક પ્રશ્નો થતા હતા. એ દિવસે તેણે મહાશિવરાત્રીનું વ્રત રાખ્યું હતું. પણ શિવલિંગને અપવિત્ર થતું નિહાળીને તેની શ્રદ્ધા હચમચી ગઈ અને મૂર્તિપૂજા પરથી તેનો વિશ્વાસ ઊઠી ગયો.
એ રાત પછી એ કોઈ રાત ઊંઘી ના શક્યો. પછી તો તેના મનમાં દિવસ-રાત સામાજિક, ધાર્મિક બાબતોની ઊથલ-પાથલ ચાલતી જ રહી. તે બાળક યુવાન થયો. ૨૨ વર્ષની ઉંમર સુધીમાં તેણે જાણે સમાજનો સાર પામી લીધો. એ અરસામાં હિંદુ સમુદાયમાં ઘણા કુરિવાજો પણ હતા. ભલો-ભોળો હિન્દુ સમાજ કેટલાક પાખંડીઓની કુરીતિઓની જાળમાં અત્યંત આઘાતજનક રીતે સપડાયેલો હતો. દોરાધાગા, નજર લાગવી, વહેમ, શુકન-અપશુકન જેવા અનેક અંધવિશ્વાસમાં ખૂંપેલો હતો. ઈસાઈ પાદરીઓ અને ઇસ્લામના મૌલવીઓ ભારતના હિંદુઓની અજ્ઞાનતાનો લાભ લઈ ગરીબ, અણસમજ હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવતા હતા. આ જોઈને મૂળશંકરનો અંતરાત્મા કકળી ઊઠતો. આથી સત્યનું જ્ઞાન પામવા અને સત્યજ્ઞાની ગુરુની શોધમાં તે ૨૨ વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયો. ત્યારબાદ સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને મૂળશંકર મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી કહેવાયા. અને પછી ક્રાંતિકારી સમાજસુધારક તરીકે તેમણે એવાં કાર્યો કર્યાં કે આજે તેમના જન્મની બે સદી પછી પણ તેમનું સ્મરણ કરી વંદન કરાય છે. સ્વામી દયાનંદ સરસ્વતી મૂળ ક્યાંના, તેઓ ક્રાંતિકારી સમાજસુધારક કેમ કહેવાયા? અને હિન્દુ ધર્મના ઉત્થાન માટે તેમણે શું શું કર્યું? તેનું આજે સ્મરણ કરીશું.
ગુજરાતમાં મહા વદ દસમે જન્મેલ મહાવિભૂતિ
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સંવત ૧૮૮૧ની મહા વદ દસમના શુભ દિને ગુજરાતના ટંકારા ગામમાં થયો હતો. તે દિવસે તારીખ હતી ૧૨ ફેબ્રુઆરી, ૧૮૨૪. આ વર્ષે મહા વદ દસમ - ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ છે. આ દિવસે તેમના જન્મને દ્વિશતાબ્દી પૂર્ણ થવાની છે. તેમનું મૂળ નામ મૂળશંકર હતું. પિતાનું નામ કરશનદાસ ત્રિવાડી. ભારતમાં વ્યાપ્ત કુરિવાજો અને ઈસાઈ તથા મુસ્લિમ પાખંડીઓનાં ષડયંત્રોથી તેઓ દ્રવિત થયા અને અધ્યાત્મના માર્ગે વળી ૨૨ વર્ષની ઉંમરે સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. ત્યારબાદ તેઓ અધ્યાત્મના માર્ગે આગળ તો વધી રહ્યા હતા, પરંતુ હજુ પણ સંપૂર્ણ સત્યજ્ઞાની ગુરુનો તેમને ભેટો નહોતો થયો. તેઓ સાચા ગુરુની શોધમાં વિહરતા જ રહ્યા. આખરે ૩૬ વર્ષની ઉંમરે મથુરામાં રહેતા વયોવૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ, વૈદિક જ્ઞાનસમ્રાટ સ્વામી વિરજાનંદજી ગુરુ પાસેથી સંપૂર્ણ વેદોક્ત જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુની વિદાય વેળાએ સ્વામીજીએ તેમણે દક્ષિણા આપવાની ઇચ્છા વ્યક્ત કરી. એ વખતે ગુરુએ કહ્યું, `દયાનંદ, આ દુઃખી સંસારને વેદોનો સંદેશ આપો. ‘कृण्वतो विश्वमार्यम्!’ દીન-હીન ભારત દેશને સ્વતંત્ર કરાવી દેશનો ઉદ્ધાર કરો. લોકકલ્યાણમાં સમર્પિત બનીને વૈદિક ધર્મનો પુનરુદ્ધાર કરો, એ જ મારો આદેશ છે, એ જ મારો ઉપદેશ છે, એ જ મારી ગુરુદક્ષિણા છે.'
ગુરુ શ્રી વિરજાનંદજીએ શિષ્ય દયાનંદ પાસેથી આ પ્રકારની ગુરુદક્ષિણા માંગી, કારણ કે એ વખતે ભારત દેશમાં કેટલીક વિપરીત શક્તિઓ હાવી થઈ ગઈ હતી. હિન્દુ સમાજને કોરી ખાનારી એ ત્રણ વિપરીત શક્તિઓ નીચે મુજબ હતી.
(૧) મેકોલે પ્રણિત અંગ્રેજી કેળવણીના પ્રભાવ હેઠળ ભારતની ભણેલી પેઢીએ અંગ્રેજોની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરી લીધો હતો. અંગ્રેજી વિચારધારાને પરમોચ્ચ ગણી પ્રબુદ્ધ વર્ગ અંગ્રેજભક્ત બની રહ્યો હતો.
(૨) ઈસાઈ અને ઇસ્લામના પ્રચારકો ભોળા હિન્દુઓને ભટકાવી મોટા પાયા પર તેમનું ધર્માંતરણ કરી રહ્યા હતા.
(૩) વિધ્વંસક પરિબળ હિન્દુ સમાજની અંદર પણ હતું. કેટલાક પંથના ધર્માચાર્યો સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને પ્રોત્સાહન આપતા હતા. ધર્મનો સાચો અર્થ સમજાવવાને બદલે ધર્મને નામે ધતિંગ કરી ધર્મની દુકાનો ચલાવતા હતા. આ આંતરિક નબળાઈઓને કારણે સનાતન ધર્મને હાનિ પહોંચી રહી હતી.
હિન્દુ સમાજની આ બધી વિટંબણાઓથી દુઃખી થઈને દયાનંદજીએ ગુરુ શ્રી વિરજાનંદની આજ્ઞાને માથે ચડાવી ને તેમનું સૂચવેલું કામ કરવા સંકલ્પ કર્યો. આ પછી દયાનંદ સરસ્વતીએ ભારતના સમાજનો ગૌરવપૂર્ણ ઉત્કર્ષ કરવા સત્ય પ્રચારકાર્ય શરૂ કર્યું અને પાખંડ સામે યુદ્ધ આદર્યું. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાર્ય કર્યું. સ્વામીજી ઇસ્લામ અને ઈસાઈ ધર્મની જૂઠી માન્યતાઓ પર પણ પ્રહાર કરવાનું ચૂક્યા નહીં. આથી અનેક લોકો સ્વામીજી પર અતિશય નારાજ થયા અને તેમના પર હુમલાઓ કર્યા. છતાં સ્વામીજી સત્યને ઉજાગર કરવામાં લેશમાત્ર ડગ્યા નહીં. તેમણે સમાજસુધારણા માટે અનેક સૂચનો કર્યાં અને નીડરતાપૂર્વક પોતાનું જીવનકાર્ય આગળ ધપાવ્યું.
સમાજસુધારણા માટે સ્વામી દયાનંદજીનાં સૂચનો
ભારતીય સમાજને કુરિવાજોમાંથી મુક્ત કરાવવા સ્વામી દયાનંદ સરસ્વતીજીએ અનેક માર્ગદર્શક સૂચનો કર્યાં હતાં. તેમાંનાં અનેક આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. આવો, તેમાંનાં કેટલાંક સૂચનો જાણીએ..
- ભારત દેશને પરદેશી રાજ્યશાસન, રાજ્યકર્તાઓની સત્તામાંથી મુક્ત-સ્વતંત્ર કરાવવો અને ભારતની રાષ્ટીય ભાષા હિન્દી રાખવી.
- પુત્ર-પુત્રીઓને કેળવણી માટે સમાન તક આપવી.
- સતીપ્રથા, બાળવિવાહ, ગોવધ, બલિપ્રથા, આભડછેટ, નવજાત પુત્રીહત્યા વગેરે પર નિષેધ લાદવો-પ્રતિબંધ લાદવો.
- વિધવા થયેલી નિરાધાર બાલિકાઓને, સ્ત્રીઓને ફરીથી બીજાં લગ્ન, પુનર્લગ્ન કરવાની છૂટ આપવી.
- મૂળ હિન્દુઓ કે જેમણે વિવશતાથી પરવશ થઈને ઈસાઈ કે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોય, પણ પછી તેમની ભૂલ સમજાતાં તેમણે ફરી હિંદુ ધર્મ અપનાવવો હોય તો તેમનાં શુદ્ધિકરણ કરી ફરી હિન્દુ સમાજમાં અપનાવવા.
- અછૂત ગણી કોઈનો પણ બહિષ્કાર કરવો નહીં.
સ્વામીજીનાં સૂચનો ખરા અર્થમાં ક્રાંતિકારી હતાં. તે સમયના ટૂંકી દૃષ્ટિવાળા, સ્વાર્થી તથા અધર્મી લોકોએ તેને સ્વીકાર્યા નહીં. પરંતુ સ્વામી દયાનંદજી તેનાથી જરાય હતાશ થયા નહીં. તેમને મન તો તેમનાં આ સૂચનોને સ્વીકારીને આગળ વધનારા લોકો મહત્ત્વના હતા. તેમણે હિન્દુ સંસ્કૃતિના ઉત્થાન માટે એક મોટું વૈચારિક આંદોલન પણ ચલાવ્યું. તેમણે કરેલી `સત્યાર્થ પ્રકાશ'ની રચનાથી વેચારિક ક્રાંતિનું આંદોલન વેગીલું બન્યું. અનેક નવયુવકો વૈદિક ધર્મમાં દીક્ષિત થઈને સ્વસંસ્કૃતિ, સ્વરાજ્યના સંઘર્ષ માટે તૈયાર થવા લાગ્યા. દયાનંદ સરસ્વતી આ રીતે સમાજના ઉત્થાન માટે અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યા હતા અને દેશમાં ધર્મ, અધ્યાત્મ, સમરસતા, સંસ્કૃતિ વગેરેનું ઉત્થાન કરી રહ્યા હતા. ધર્મની વિટંબણાઓ, ભોળા લોકો, વિદેશી અને સ્વદેશી ઘર્ષણ તથા ધર્મપરિવર્તન બાબતે સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનમાં બનેલા થોડાક પ્રસંગો જોઈએ.
સ્વધર્મના પતનની પરાકાષ્ઠા
એક દિવસ ગંગાતટે મેળો ભરાયો હતો. મેળામાંથી પસાર થતાં સ્વામીજીએ એક હૃદયવિદારક દૃશ્ય જોયું કે લોકો પોતાની પુત્રીઓ પંડાઓને દાનમાં આપી રહ્યા હતા. સ્વામીજી માટે એક ભક્ત નંદન ઓઝા રોજ ભોજન લાવતો. તે દિવસે ભોજન મૂકીને તે ચાલ્યો ગયો. સવારે જોયું તો સ્વામીજીએ ભોજન કર્યું ન હતું. કારણ પૂછતાં સ્વામીજીએ સંતાપ સાથે કહ્યુંં, `ધર્મજીવી પંડાઓની ધૂર્તતા, ધર્મના નામ પર ભોળા લોકોની મૂર્ખતા અને સ્વધર્મના પતનની પરાકાષ્ઠા પર રાત્રે ચિંતન કરતાં કરતાં મને એટલી વેદના થઈ કે ભોજન કરવાનું યાદ જ ન રહ્યું.'
સ્વદેશી માટે લડત
દયાનંદજીને ખબર હતી કે માત્ર ધર્મની વાતોથી નહીં ચાલે. ભારતના લોકોને વિદેશીઓના સકંજામાંથી છોડાવવા સ્વદેશીનો પાઠ પણ ભણાવવો પડશે. આથી સ્વામીજી દેશકલ્યાણ માટે સ્વદેશીની ભાવના જાગ્રત કરતા રહ્યા. સ્વદેશી વસ્ત્રો ધારણ કરવાની પ્રેરણા આપતા રહ્યા. એક દિવસ ઠાકોર ભૂપાલસિંહ નામના વ્યક્તિ તેમના પુત્ર ઉધોસિંહ સાથે મળવા આવ્યા. ઉધોસિંહને વિદેશી વસ્ત્રો પરિધાન કરેલા જોઈને સ્વામીજીએ તેમને સ્વદેશી વસ્તુઓનો પ્રયોગ કરવાનો ઉપદેશ આપ્યો અને તેમણે તે સ્વીકાર્યો પણ ખરો.
એટલું જ નહીં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના વિકાસ માટે પણ સ્વામીજી સદાય કાર્યરત રહેતા. રાજ્યના કારભારમાં આર્ય-હિન્દી ભાષા અને દેવનાગરી લિપિના પ્રયોગનો પ્રારંભ પણ તેમણે જ કરાવેલો. રાજકાજમાં અરબી ભાષાના શબ્દોને સ્થાને હિન્દી ભાષાના શબ્દો બનાવીને તેનું અમલીકરણ કરવાના તેમના સૂચનને ઉદયપુરના મહારાજાએ સ્વીકારી લીધું હતું.
સ્વામીજી, હું હિન્દુ ધર્મમાં પાછો આવવા માંગું છું!
સ્વામીજીએ હિન્દુઓનું ધર્મપરિવર્તન થતું અટકાવ્યું હતું. એટલું જ નહીં તેમને પાછા સ્વધર્મમાં લાવવાની ઝુંબેશ પણ શરૂ કરી હતી. તેઓએ સમાજના લોકોને ધર્મપરિવર્તન ન કરવા માટે ખૂબ સમજાવ્યા. અન્ય ધર્મમાં ગયા પછી કેવી પીડાઓ છે તેની પણ માહિતી આપી. ગામડે ગામડે ફરીને, લોકોને એકઠા કરીને તેઓ કહેતા કે, `સ્વધર્મથી મોટો કોઈ ધર્મ નથી. ઈસાઈ મિશનરીઓ ધર્મપરિવર્તન કરાવીને તેમનો ફાયદો જ જુએ છે. અત્યારે જૂઠાં વચનો આપીને ધર્મ બદલાવે પરંતુ ત્યાં ગયા પછી સ્થિતિ વધુ ખરાબ થાય છે.' તેમનાં પ્રવચનોથી ઘણા લોકો જાગ્રત થયા હતા અને સ્વધર્મમાં પરત ફર્યા હતા.
એક દિવસ પાદરીઓ સાથે ધર્મચર્ચા ચાલતી હતી ત્યારે બ્રાહ્મણમાંથી ખ્રિસ્તી બનેલ એક યુવકે પશ્ચાત્તાપ સાથે કહ્યું, `સ્વામીજી, આપ જેવા મહાત્મા મને અગાઉ મળ્યા હોત તો હું ખ્રિસ્તી બન્યો જ ન હોત. હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે પાદરીના હિન્દુ ધર્મ પરના કટાક્ષ સાંભળીને ઘરે આવતો અને પંડિતોને તેનો જવાબ પૂછતો, પણ મને તેના કોઈ સંતોષજનક ઉત્તરો ન મળતાં આખરે હું ખ્રિસ્તી બની ગયો. પણ આપના જ્ઞાનથી હું અભિભૂત થયો છું. મને સમજાઈ ગયું છે કે હિન્દુ ધર્મ જ શ્રેષ્ઠ છે. હવે હું પાછો હિન્દુધર્મમાં આવવા માંગુ છું. સ્વામીજી, આપ મારો ઉદ્ધાર કરો.' એ પછી સ્વામી દયાનંદજીએ તેની હિન્દુધર્મમાં ઘરવાપસી કરી.
રાજસ્થાનના મસુદા સ્ટેટમાં પછાત અને વનવાસી હિન્દુઓને વટલાવીને મુસ્લિમ બનાવાયેલાં. પરંતુ તેમાંથી થોડા લોકો હિન્દુ રહી ગયેલા. પણ આ હિન્દુઓ પોતાની કન્યાઓ આ મુસ્લિમોના પરિવારોમાં પરણાવતા. સ્વામીજીએ આ હિન્દુ જ્ઞાતિના આગેવાનોને સમજાવીને આ પ્રથા બંધ કરાવી, આમ આર્યપુત્રીઓને વિધર્મી થતી બચાવી લીધી.
પાદરી નેરીંગની પ્રેરણાથી પંડિત ખંગસિંહ ખ્રિસ્તી બની ગયેલા. સ્વામીજી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તે તૈયાર થયા. સ્વામીજીની યોગ્યતા ચકાસવા માટે ખંગસિંહ પોતાના એક મિત્ર સાથે સ્વામીજી પાસે ગયા. તે વખતે સ્વામીજીની એક બ્રાહ્મણ પંડિત સાથે જ્ઞાન-ચર્ચા ચાલતી હતી. આ ચર્ચા સાંભળીને જ ઈસાઈ ખેંગસિંહ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તે સ્વામીજીના અનુયાયી બની ગયા.
૧૮૫૭ની ક્રાંતિમાં સ્વામી દયાનંદ સરસ્વતીનું યોગદાન
સ્વામી દયાનંદજીના અનેક પ્રયત્નો છતાં પણ અંગ્રેજોની પકડ દેશ પર ધીમે ધીમે મજબૂત બની રહી હતી. સમય જતાં તેમણે જોયું કે, બ્રિટિશ સરકાર ભારતીય લોકોની ખૂબ સતામણી કરી રહી છે. તેમણે લોકોને આ દુષ્ટતા અને જુલમ સામે જાગૃત કરવાનું અને સંપૂર્ણ સ્વરાજપ્રાપ્તિ માટે લોકોને એક કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં ૧૮૫૭ની ક્રાંતિ વખતે પણ તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું. ૧૮૫૭ની ક્રાંતિના યોદ્ધાઓને માર્ગદર્શન, ંફ અને પ્રેરણા તેમણે આપ્યાં હતાં. આર્યસમાજના પુસ્તકોમાં પણ લખ્યું છે કે, સ્વામી દયાનંદે ૧૮૫૭ના નાયકો રંગો બાપુ, તાત્યા ટોપે, નાના સાહેબ સહિત અનેક ક્રાંતિકારીઓને ગુજરાતમાં ગુપ્તવેશે ઘણી મદદ કરી હતી. ૧૮૫૭ના યોદ્ધા નાનાસાહેબ પેશ્વા સંન્યાસીના ગુપ્ત વેશે પોતાના શેષ જીવન દરમ્યાન સ્વામીજીની સૂચના અનુસાર મોરબીમાં રહ્યા હતા. મોરબીના નગરશેઠના વંશજ ચંદ્રકાન્તભાઈની પાસે, નાનાસાહેબે જળરંગોથી કાચ પર ચીતરેલી તાત્યાટોપે, માધવરાવ પેશ્વા અને બહાદુરશાહ ઝફરની કલાકૃતિઓ આજે પણ સુરક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે, ૧૮૫૭ની ક્રાંતિ અસફળ રહી ત્યારે સ્વામીજીએ કહ્યુંં હતું કે, `આ હારથી નિરાશ થવાની જરૂર નથી. આવા સમયે પણ પ્રસન્ન રહેવાનું છે. ટૂંક સમયમાં જ આગામી સમયમાં સ્વતંત્રતાની બીજી લહેર ઊઠશે, જે ક્રૂર ઇંગ્લિશ શાસનને કાંઠે નાંખશે.'
મુસ્લિમો અને ઈસાઈઓ પણ પ્રભાવિત થયા...
એક દિવસ સ્વામીજીએ ગાયત્રી મંત્ર, ઓમ્ તથા સંધ્યોપાસનાની વ્યાખ્યા પોતાના પ્રવચનમાં કરી. તેનો મોલવી મુહમદીન પર એટલો પ્રભાવ પડ્યો કે તેણે સભામાં ઊભા થઈ જાહેર કર્યું કે, હવે હું નમાજને બદલે ગાયત્રી જપયુક્ત સંધ્યોપાસના કરીશ.'
સ્વામીજીએ દહેરાદૂનમાં શુદ્ધિયજ્ઞનો પ્રારંભ કર્યો. તેમાં મોહંમદ ઉમર નામના મુસ્લિમે પ્રથમ દીક્ષા લીધી હતી. સ્વામીજીએ તેને વૈદિક ધર્મની દીક્ષા આપીને અલખધારી નામ આપ્યું. આ અલખધારીએ વિદ્વાન બની વૈદિક ધર્મ વિશે ઉર્દૂમાં અનેક પુસ્તકો લખ્યાં.
જ્વાલાપુરના મુસલમાન જાગીરદાર રાવ એવજખાંએ સ્વામીજી સાથેના વાર્તાલાપથી પ્રભાવિત થઈને માંસાહારનો ત્યાગ કર્યો હતો અને પોતાના ધર્મબંધુઓને પણ ગોરક્ષા માટે પ્રેરિત કરવાનું વચન આપ્યું હતું. એવી જ રીતે `રાજપૂતાના ગેઝેટ'ના સંપાદક શ્રી મુહંમદ મુરાદઅલી સ્વામીજી સાથેના વાર્તાલાપમાં પોતાની શંકાઓનું સમાધાન મેળવી એટલા પ્રભાવિત થયા કે, તેમણે ગોરક્ષા વિષયમાં પ્રયાસ કરવાનો સંકલ્પ લીધો હતો.
એક દિવસ એક મૌલવીએ વાતચિતમાં સ્વામીજીને કહ્યુંં કે, `કુરાન ઈશ્વરીય જ્ઞાન-ખુદાકા કલામ હૈ.'
સ્વામીજીએ પૂછ્યું, `જે ગ્રંથની શરૂઆતમાં જ... `પ્રારંભ કરતા હું અલ્લાહ કે નામ પર, જો બખ્શનેવાલા ઔર રહમ કરનેવાલા હૈ....!' આવાં વાક્યો પ્રયુક્ત થયેલ હોય તેનો રચયિતા ખુદા કેવી રીતે હોઈ શકે?' સ્વામીજીના તર્ક પર મૌલવી ચૂપ થઈ ગયા.
એક વખત આગ્રાના સેન્ટપીટર્સ ચર્ચના બીશપે સ્વામીજીને ચર્ચા કરવા અને ચર્ચ જોવા બોલાવ્યા. ચર્ચમાં પ્રવેશ કરતી વખતે દરવાને સ્વામીજીને પોતાની પાઘડી ઉતારીને અંદર પ્રવેશ કરવા જણાવ્યું. સ્વાભિમાની સ્વામીજીએ કહ્યું, `અમારા દેશમાં પાઘડી ધારણ કરી રાખવી એ સન્માનનું સૂચક છે. તમે કહો તો હું જોડાં ઉતારી નાખું, કારણ કે જોડાં પહેરીને કોઈ પૂજાગૃહમાં જવું એ અમારી સંસ્કૃતિની વિરુદ્ધ છે.' અને સ્વામી પ્રવેશ કર્યા વગર ચાલ્યા ગયા.
એકવખત ખ્રિસ્તી પાદરી જ્હૉન રોબસન સાથે હતો. ત્રણ દિવસ વાદ-વિવાદ ચાલ્યો. ચોથા દિવસે ઈસુનું ઈશ્વર હોવું, મૃત્યુ પછી કબરમાંથી જીવિત થઈ આકાશમાં ઊડી જવું વગેરે વિશે ચર્ચા ચાલી. સ્વામીજીએ આ ઘટનાઓ નકારી કાઢી તેથી પાદરીએ ચિડાઈને કહ્યુંં, `તમારી આવી વાતોથી તમે જેલમાં જશો.' સ્વામીજીએ નિર્ભયતાપૂર્વક ઉત્તર આપ્યો, સત્ય માટે જેલ જવું પડે તો કોઈ શરમની વાત નથી. જેલના ભયથી સત્યનો ત્યાગ થઈ શકે નહીં.' (ઘટના સન ૧૮૬૬)
એક દિવસ અંગ્રેજ ન્યાયાધીશ કારસ્ટીફન સાહેબે સ્વામીજી સાથેના વાર્તાલાપમાં કહ્યુંં, `મહારાજ! શ્રીકૃષ્ણની લોકોત્તર લીલા જોતાં તેઓ મહાત્મા હતા તે વાત બુદ્ધિ સ્વીકારતી નથી.'
સ્વામીજીએ ઉત્તર આપ્યો, `શ્રીકૃષ્ણ પરના દોષો પુરાણોક્ત અને મિથ્યા છે, પરંતુ પરમેશ્વરનો આત્મા કબૂતરના રૂપમાં આકાશમાંથી ઊતરીને મેરી કુંવારી હોવા છતાં તેના ગર્ભાશયમાં દાખલ થયો અને તેનાથી ઈસુનો જન્મ થયો એમ બાઇબલમાં કહ્યુંં છે. તે વાતને તમારી બુદ્ધિ સ્વીકારે છે ને?' આ સાંભળીને સાહેબ ચૂપ થઈ ગયા.
આર્યસમાજની સ્થાપના અને ગૌહત્યા પર પાબંદી
સ્વામી દયાનંદ સરસ્વતીએ ભારતમાં આર્ય ધર્મનો વિજયધ્વજ ફરકાવ્યો હતો. પાખંડીઓને ખુલ્લા પાડી તેઓ ઘણાં વર્ષોથી ભારતમાં ધર્મના સત્યને ઉજાગર કરી રહ્યા હતા અને તેમાં સફળ પણ બન્યા હતા. એ સફળતાના પરિપાક રૂપે સ્વામીજીએ ગુડી પડવાના દિવસે ૧૮૭૫માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. તેનો પાયો પરોપકાર, જાહેર સેવા, જ્ઞાન અને ક્રિયાના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.
એક દિવસ ઉમેદા નામનો વાળંદ પોતાના ઘેરથી સ્વામીજી માટે ભોજન બનાવીને લાવ્યો. ઉપસ્થિત લોકોએ કહ્યું, `આ તો વાળંદની રોટી છે.' સ્વામીજીએ વિનોદપૂર્વક કહ્યુંં, `આ વાળંદની ક્યાં છે ? આ તો ઘઉંની રોટી છે !' ઊંચનીચના ભેદ અને અસ્પૃશ્યતાના એ જમાનામાં દયાનંદનું સુધારકાર્ય પ્રશંસનીય હતું.
સન ૧૮૮૧માં જનગણનાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે સ્વામીજીએ અનુયાયીઓને આદેશ આપ્યો કે, ધર્મના ખાનામાં વૈદિક ધર્મ અને જાતિના ખાનામાં આર્ય લખાવવું. ઉપરાંત ગોવધ બંધ કરાવવા માટે દોઢ સદી પહેલાં દેશમાં જનમત જાગ્રત કરવા સ્વામીજીએ એક યોજના બનાવી હતી. દેશભરમાંથી ૪ લાખ ૭૭ હજારથી વધુ હસ્તાક્ષર પ્રાપ્ત થયા હતા. સ્વામીજીની ઇચ્છા કરોડો હસ્તાક્ષરો લઈને મહારાણી પાસે પહોંચવાની હતી. પરંતુ તેમની ઇચ્છા પરિપૂર્ણ થઈ નહિ... કારણ? કારણ કે વિધર્મી અને અધર્મીઓએ સ્વામીજીનાં હિન્દુ-ઉત્થાનનાં કાર્યોથી ડરીને તેમની હત્યા કરવાનું ભયંકર ષડયંત્ર રચી નાંખ્યું હતું.
અને મહર્ષિએ મહાપ્રયાણ કર્યું..
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ભારતના ઉત્થાન માટે ખૂબ મોટી જાગૃતિ કરી હતી. તેથી વિરોધીઓને ઊંધા મોઢે પછડાવું પડ્યું હતું. સમાજજાગૃતિનાં તેમનાં કાર્યો ચારે તરફ ફેલાયાં હતાં. લોકોમાં જાગૃતિ આવી રહી હતી. પરંતુ સાથે સાથે તેમના દુશ્મનો પણ વધી રહ્યા હતા. અનેક વિરોધીઓએ તેમને મારવાનાં ષડયંત્રો રચ્યાં હતાં.
વિદેશી ઈસાઈ પાદરીઓ તથા નર્તકી નન્હીજાનના કાવતરાથી મહર્ષિ સ્વામી દયાનંદજીને ત્રણ-ત્રણ વખત દૂધમાં ઝેર ભેળવીને અપાયું હતું. બે વખત તો સ્વામીજીએ યોગના પ્રયોગ દ્વારા શરીરમાંથી ઝેર કાઢી નાખ્યું હતું, પરંતુ ત્રીજી વખત તેઓ ન બચી શક્યા.
એ દિવસ હતો ૨૯ સપ્ટેમ્બર, ૧૮૮૩નો. સ્વામીજીને મારી નાંખવાનું ષડયંત્ર બરાબર ગોઠવાયું હતું. રાત્રે નિયમ મુજબ સ્વામીજી દૂધ લેતા. તેમના રસોઇયા ધૂડમિશ્રએ દૂધમાં કાતિલ વિષ ભેળવી દીધું હતું. દૂધ પીધા બાદ વિષ આખા શરીરમાં વ્યાપી ગયું. આવી સ્થિતિમાં પણ સ્વામીજી બોલી ઊઠ્યા, `મુઝે ક્સીિને અમૃત પિલાયા હૈ.' આ તેમની શુદ્ધ ભાવનાની પરાકાષ્ઠા હતી. એ વખતે ડૉ. લક્ષ્મીદાસ ત્યાં ઉપસ્થિત હતા. અસહ્ય વેદના અને અત્યંત કષ્ટદાયક સ્થિતિ છતાં મહર્ષિ દયાનંદજીનું શાંતચિત્ત જોઈને ડોક્ટર લક્ષ્મીદાસે કહ્યું હતું કે, `ધૈર્યનો આવો ધણી આ ધરતી પર મેં આજ સુધી નથી જોયો.'
વધસ્તંભ પર ચઢેલા ઈસુએ સૌને માફ કરી દીધેલા, પરંતુ અહીં તો સ્વામીજી પાસે જે કાંઈ નાણાં હતાં તે ધૂડમિશ્રને આપ્યાં અને કહ્યું કે, `જે રીતે ભાગી શકે તે રીતે ભાગી જા, નહિ તો તે મને ઝેર આપ્યું છે તેના કારણે લોકો તારી હત્યા કરી નાંખશે.' માફીનું આવું ઉદાહરણ જગત આખામાંથી ક્યાંયે મળી શકે કે?
સ્વામીજીની સારવાર શરૂ થઈ. પરંતુ દુર્ભાગ્ય એ હતું કે દુશ્મનોનું ષડયંત્ર ખૂબ મોટું હતું. ચિકિત્સા પણ તેમના હાથમાં જ હતી. ડૉ. અલીમર્દાનખાંએ જાણી જોઈને વિપરીત ચિકિત્સા કરી. તેમણે કેમોનલ નામના ઘાતક પદાર્થની અનેકગણી માત્રા ૧૬ દિવસ સુધી આપી. જોકે પછી અજમેરના સિવિલ સર્જન ડૉ. ન્યૂમેને સારવાર આપી, પણ અફસોસ! એક મહિના સુધી મૃત્યદેવ સામે ઝઝૂમતા આ ઋષિએ આખરે મૃત્યુદેવનું સહર્ષ સ્વાગત કર્યું. સ્વામીજીએ મંત્રપાઠ કર્યો અને `ઓ...ઓ...ઓમ'...નો પ્રચંડ ધ્વનિ ગુંજાયમાન કરીને શ્વાસને સદાને માટે શરીર બહાર કાઢી નાખ્યો. ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આ મહાન તેજસ્વી વિરક્ત સંન્યાસીના અંતિમ શબ્દો હતા. `હે પ્રભો, તારી ઇચ્છા પૂર્ણ થાઓ !' અને દિવાળીની અંધારી રાતે બ્રહ્મતેજના પ્રકાશપુંજ કિરણોથી ઝળહળતો દૈદીપ્યમાન, ચમકતો ભારત માતાનો તેજસ્વી સૂર્ય માત્ર ૫૯ વર્ષની વયે હંમેશને માટે અસ્ત થઈ ગયો ! લાખો લોકોના અશ્રુપાત વચ્ચે સંવત ૧૯૪૦ કારતક સુદ એકમ બુધવાર નૂતન વર્ષના પ્રથમ દિને (૩૧ ઓક્ટો., ૧૮૮૩ના રોજ) સ્વામીજીની અંતિમ ક્રિયા કરવામાં આવી.
સ્વામીજીના મહામંત્રને સાર્થક કરવાનો સંકલ્પ કરીએ
સ્વામીનો પવિત્ર દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયો. ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરેમાંથી દેશને મુક્ત કરવામાં તેમણે જીવનભર પ્રયત્નો કર્યા. તેમણે મૂર્તિપૂજાનો વિરોધ, વિધવા-વિવાહને સમર્થન, અસ્પૃશ્યોને યજ્ઞોપવીત, પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું હતું. સ્વામીજીએ બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મ દ્વારા થતાં સાંસ્કૃતિક આક્રમણોનો પણ જબરદસ્ત વિરોધ કર્યો હતો. આમ તેમનું સમગ્ર જીવન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ માટે ખપી ગયું હતું, અને એટલે જ આજે જન્મના બસ્સો વર્ષ પછી પણ સ્વામીજીનાં કાર્યોની સુવાસ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. એકવાર સ્વામીજીના શિષ્ય મોહનલાલ પંડ્યાએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે, `મહારાજ, ભારતની સંપૂર્ણ રાષ્ટીય ઉન્નતિ ક્યારે થશે?' તેના ઉત્તરમાં સ્વામીજીએ એક મહામંત્ર આપ્યો,
`આર્યોની ઉન્નતિ માટે એક ઈશ્વર ઓમ્,
એક ધર્મ વૈદિક, એક ધર્મગ્રંથ વેદ,
એક જાતિ આર્ય, એક ભાષા આર્ય-હિન્દી,
એક રાષ્ટ્ર આર્યાવ્રત અને એક અભિવાદન નમસ્તે.'
આ સપ્તસૂત્રો સમાજની એકતા અને સંગઠનની શૃંખલા સાધનારો મંત્ર છે. તે વડે ઉન્નતિ, એકતા પ્રાપ્ત થશે. આવો આપણે સ્વામીજીના જન્મના દ્વિશતાબ્દી અવસરે આ મહામંત્રને સાર્થક કરવાનો સંકલ્પ કરીએ.