પ્રકરણ - ૨૭ । સ્મરણ તુમ્હારા સતત રહે, યહ કરતેં હૈં, હમ નમ્ર પ્રાર્થના

એ કમભાગી દિવસ હતો ૧૩મી ઓગસ્ટ, ૧૭૯૫નો. ૩૧મી મે , ૧૭૨૫ના દિવસે એક સામાન્ય ધનગરના પરિવારમાં જન્મેલાં અહલ્યાબાઈ ૭૦ વર્ષની ઉંમરે મરાઠા સામ્રાજ્યની એક મહાન અને દયાળું મહારાણી બનીને, પ્રજાવત્સલ માતોશ્રી બનીને અવસાન પામ્યાં.

    ૨૪-માર્ચ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

ahilyabai holkar jivankatha prakaran 27 
 
 
સમયની બલિહારી કોઈ સમજી શક્યું નથી. ચાહે તે દેવ હોય કે માનવી. કાળ દેવતા તેમનું કામ કરીને જ રહે છે. અહલ્યાબાઈ હોલકરે આખી જિંદગી પીડા વેઠી હતી, કોઈ પણ પ્રકારનાં પાપ કર્યાં નહોતાં, છતાં તેઓને અનેક યાતનાઓ વેઠવી પડી. હા, અને એ પારાવાર પીડાઓમાંય તેમણે બીજાને શાતા આપવાનું બંધ નહોતું કર્યું. પણ તેમ છતાં સમય એનો ખેલ ખેલતો હતો. કાશીએ જઈને પ્રભુસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો ત્યાં જ લપસી જતાં અસ્થિ ભંગ થયો. પગની ગતિ રોકાઈ ગઈ. તેઓ પરવશ બની ગયા તોયે તેમનાં સેવાકાર્યોમાં ઓટ નહોતી આવી. ઉલ્ટાંના તેમના સેવાકાર્યો વધી ગયાં હતાં. તેમણે દાન-ધર્મની માત્રા વધારી દીધી હતી. તેઓને વિચાર આવતો હતો કે, હવે એમના દેહનો કોઈ ભરોસો નથી માટે દેશ માટે, સમાજ માટે જેટલું વધારે અને સારું થાય તેટલું કરીને જ જવું.
 
માનવમાત્રના ઉદ્ધાર માટે અગ્રેસર રહેનારાં અહલ્યાબાઈએ એક પત્રમાં અધિકારીને આજ્ઞા કરી કે, `જે કોઈ ગુનેગારો જેલમાં હોય તેના કુટુંબીજનોને રોજની એક શેર જુવાર આપવી. જેથી તેઓ ભૂખ્યાં ન રહે. ગુનેગારોને શિક્ષા કરવામાં તેઓ કઠોર હતાં, પરંતુ તેમનું સંવેદનશીલ હૃદય કરુણાથી ભરેલું હતું. જગતના ઇતિહાસમાં ગુનેગારોના કુટુંબીજનોની ચિંતા પણ કરનાર શાસક જોવા મળવો બહુ મુશ્કેલ છે.
 
એક વખત મહત્પુરના રાજપૂતો પોતાની સમસ્યાઓ લઈને મહેશ્વર અહલ્યાબાઈ પાસે ગયા અને પોતાના પ્રશ્નો કહ્યા. અહલ્યાબાઈએ એમના પ્રશ્નો સાંભળ્યા બાદ અગિયાર કલમોનું એક પત્રક તૈયાર કર્યું અને તેનો અમલ કરાવ્યો.
 
એકવાર એક ભિખારી નિઃસંતાન મૃત્યુ પામ્યો અને તેની કેટલીક રૂપિયાની રકમ સરકારી તિજોરીમાં જમા કરાઈ હતી જ્યારે અહલ્યાબાઈની જાણમાં આવ્યું કે તેને પુત્ર હતો ત્યારે તે રકમ તેને પરત કરવામાં આવી હતી. અહીં રકમ કેટલી હતી એના કરતાં ન્યાય કેવો હતો તે મહત્ત્વનું છે.
 
નીલકંઠરાવ તુકદેવ ચીટનીસ નામના અહલ્યાબાઈના એક સેવક હતા. તેમને ૧૨૦૦ રૂપિયા રોકડા પગારના તેમજ પાલખીનું માન મળતું હતું. નીલકંઠ રાવે બીજી જૂને, ૧૭૯૨ના રોજ અહલ્યાબાઈને એક પત્ર લખ્યો, `બા સાહેબ, આપને વંદન. જત જણાવવાનું કે મારાં ધર્મપત્નીનું મૃત્યુ થયું છે અને વૃદ્ધ મા બીમાર છે. આથી તુકોજીના હુકમ પ્રમાણે હું યુદ્ધમોરચા પર જઈ શકું તેમ નથી તો મને માફ કરવા વિનંતી છે.'
 
અહલ્યાબાઈ આ પત્ર વાંચી ભાવુક બન્યાં. સૈનિકને યુદ્ધમોરચે જવામાંથી મુક્તિ આપી અને તેમની માતાની સેવા માટે પણ વ્યવસ્થા કરી આપી.
 
રામારાવ અપ્પાજી નામના એક સેવક મોરચા પર જતા હતા ત્યારે દરબારી દસ્તાવેજ વરસાદમાં પલળી ગયા. અહલ્યાબાઈને આ વાતની જાણ જ્યારે થઈ ત્યારે તેમને તે બદલ ઠપકો આપ્યો પણ સાથે સાથે ગરમ કપડાં અને જળરક્ષક સામાન પણ આપવાનું ભૂલ્યાં નહિ. અહલ્યાબાઈનો તેમના સેવકો પ્રત્યે પણ ખૂબ અનુરાગ હતો.
 
***
 
અહલ્યાબાઈ ચાલી નહોતા શકતાં, પણ તેમનાં સેવાકાર્યો અટક્યાં નહોતાં. બીમારી દરમિયાન જ અહલ્યાબાઈએ જેજૂરી પાસે તળાવ બંધાવવાની શરૂઆત કરાવી. અનેક સેવકોને ત્યાં કામે લગાવ્યા અને કામ અંગે રોજેરોજની માહિતી પણ મેળવતા રહેતાં. અહીં તળાવ માટે મજબૂત ભીંત બાંધવાની જરૂર હતી. આ કામ માટે નિમાયેલા બાંધકામ અધિકારી સદો બાપુજીએ જે ચીજવસ્તુઓની માગણી કરી તે અહલ્યાબાઈના અંદાજ કરતાં વધુ ખર્ચાળ હતી. અહલ્યાબાઈએ અહીં મોટા મોટા પથ્થરોની દીવાલ બનાવવાનો રસ્તો સૂઝાડ્યો. આનાથી ખર્ચ પણ ઓછો થઈ જાય તેમ હતું.
 
અહલ્યાબાઈ સેવકોના ગુણોની કદર કરવાવાળાં હતાં. તેમને લાગ્યું કે, પોતાનો અંતકાળ હવે નજીક આવી રહ્યો છે ત્યારે તેમણે હોળકર સંસ્થાનની સેવા કરનારા નિષ્ઠાવાન બાર સેવકોનું બહુમાન કરેલું. અહલ્યાબાઈએ આર્થિક કારોબાર સંભાળનારા ફડનીસો માટે પંદર નિયમો બનાવ્યા હતા જે પાછળથી `ફડનીસી કાયદા' તરીકે ઓળખાયા. અહલ્યાબાઈ ભલે અર્થશાસ્ત્રમાં પારંગત હોવાની કોઈ ઉપાધિ ધરાવતાં ન હતાં, તેમ છતાં આ કાયદાઓ પરથી આ વિષયની તેમની આગવી સૂઝ તેમજ તલસ્પર્શી અભ્યાસનું દર્શન થયા વગર રહેતું નથી.
 
અહલ્યાબાઈનું પોતાનું પસંદગીનું ક્ષેત્ર નાગરિકોની સેવાનું હોવા છતાં લશ્કર પ્રત્યે પણ તેમણે કયારેય દુર્લક્ષ સેવ્યું નહિ. તેઓ લશ્કરના દરેક કાર્યમાં તુકોજીને સહાય કરતાં. તુકોજીને પરાક્રમ કરવા માટે પ્રોત્સાહિત પણ કરતાં.
 
આમ અવિરત સેવાકાર્ય પણ ચાલુ હતું અને અહલ્યાબાઈનું જીવન પણ પૂર્ણ થવાને આરે દોડી રહ્યું હતું. તેમનું મન જ જાણે અંદરથી કહી રહ્યું હતું કે, આ પાંજરું હવે જૂનું થયું છે, જીવ નામના પંખીને હવે નવા પાંજરાની નહીં પણ ઘનઘોર ઘટાદાર, જંગલની જરૂર છે.
 
બીમારી અને લોકસેવા સાથે સાથે ઈશ્વરસેવા પણ ચાલુ જ હતી. અહલ્યાબાઈ પથારીવશ હતાં. પગનું હાડકું ભાંગ્યું હતું. જમીન પર પગ પણ નહોતાં મૂકી શકતાં. છતાં તેમણે જીદ કરી કે તેઓ રોજ શિવમંદિરે દર્શને તો જશે જ. આથી સૌએ પાલખીમાં તેમને શિવમંદિરે લઈ જવાની અને લાવવાની વ્યવસ્થા કરી. એ પછી તો જાણે તેમનો એ જ નિત્ય ક્રમ બની ગયો.
અહલ્યાબાઈ પથારીવશ હતાં એટલે તુકોજી, ભારમલદાદા કે બીજા કોઈ તેમને કોઈ કામ સોંપતા નહીં. થોડા દિવસ બાદ અહલ્યાબાઈએ પોતે જ કહ્યું કે, `મારો પગ ભાંગ્યો છે પણ મગજ સાબૂત છે. રાજકાજનું કામ મને કહ્યા કરો!'
 
એ પછી તેઓ પથારીમાં બેઠાં બેઠાં જે કાર્યો થાય તે પણ કરવા લાગ્યાં. તેઓ કશું જ ચૂકતાં નહીં. સમય પસાર થતો રહ્યો. અહલ્યાબાઈ સાવ કૃશ થવા લાગ્યા. જીવનમાં જાણે કંઈ બચ્યું જ નહોતું તેવું તેમને લાગવા માંડ્યું. ધીમે ધીમે બીમારી વધી. જ્વરથી પ્રારંભ થયો અને પછી તો સ્વાસ્થ્ય બગડતું જ ગયું. અનેક રાજવૈદ્યોએ ઔષધો આપ્યાં, પણ કોઈ ફેર નહોતો પડતો. ઉંમર કંઈ બહુ નહોતી, પરંતું માનસિક રીતે તેઓની શક્તિ હણાઈ ગઈ હતી. જીવન પસાર થતું રહ્યું. તેમની બીમારી વધતી ગઈ. એટલી બધી વધી ગઈ કે પછી તો તેઓ પથારીમાંથી ઊભાં થઈને પાલખીમાં પણ બેસી નહોતાં શકતાં. ભાંગી ગયેલા પગમાં તો રાહત થઈ ગઈ હતી પણ મન જ ભાંગી ગયું હતું.
 
અહલ્યાબાઈના ખરાબ સ્વાસ્થ્યના સમાચારો નગરે નગરે પહોંચી ગયા. બહુ દૂર દૂરથી લોકો તેમની ખબર પૂછવા માટે આવવા લાગ્યા. પ્રારંભમાં તેમના સેવકો ખબર પૂછવા આવનારા સૌને રોકતા હતા. પરંતું અહલ્યાબાઈને આ વાતની જાણ થતાં તેમણે આદેશ આપ્યો કે, `મારા ખબર અંતર પૂછવા આવનારા કોઈને રોકવામાંં ના આવે. મને મળવા દેવામાં આવે. મહેમાનોને આ રીતે અટકાવવા ઠીક નથી.'
 
સુરક્ષાકર્મીએ કહ્યું, `પરંતુ માતોશ્રી આપની સુરક્ષાનો પણ અમારે વિચાર કરવો પડે.'
 
માતોશ્રી મર્માળું હસ્યાં અને બોલ્યાં, `મળવા આવનારા બધા સ્નેહીઓ જ હોય. છતાં કોઈ સ્નેહીના વેશમાં વેરી આવી જશે તો ય મને કોઈ ફરક નથી પડતો. એ કરી કરીને શું કરશે? મારી નાંખશે? આમેય હવે તો મારા અંતિમ દિવસો જ ચાલી રહ્યા છે.'
`એવું ના કહો માતોશ્રી! આપની સુરક્ષાની અમારી જવાબદારી પણ છે અને લાગણી પણ છે.'
 
`મારી સુરક્ષા તો ભગવાન કાશી વિશ્વનાથ કરશે. આપ ચિંતા ના કરો. બધાંને મળવાની છૂટ આપવામાં આવે. આ મારો આદેશ છે.'
 
માતોશ્રીના આદેશ પછી સૌને મળવા દેવાની છૂટ આપવામાં આવી. અહલ્યાબાઈની કીર્તિ ચોમેર પ્રસરેલી હતી. જેમ જેમ સૌને ખબર પડવા લાગી તેમ તેમ અનેક રાજાઓ, મહાનુભાવો, સૂબેદારો, સેનાપતિઓ, નગરપતિઓ, દીવાનો માતોશ્રીની ખબર પૂછવા આખાયે ભારતમાંથી આવવા લાગ્યા.
 
સમય સમયનું કામ કરતો રહ્યો. માતોશ્રીની પથારી પાસે સતત આઠ- દસ લોકો સેવામાં હાજર જ રહેતા. સેવકો ઉપરાંત હરકુંવર બા, ઉદાબાઈ, તુકોજી, સંતાજી, ભારમલદાદા, મુકુન્દરાવજી સહિત અન્ય મહાનુભાવો પણ તેમની શય્યા પાસે જ સતત રહેવા લાગ્યા.
 
એક વખત અહલ્યાબાઈએ ભારમલદાદાને ધીમા સાદે કહ્યું, `મારું એક કામ કરશો?'
 
`એક નહીં હજાર કરીશ. આદેશ કરો.'
 
`મને લાગે છે કે હવે હું ઝાઝું નહીં જીવી શકું. મારે ખૂબ દાન કરવું છે. ગૌદાન, ધનદાન, વસ્ત્રદાનની વ્યવસ્થા કરો.'
 
`આજથી જ આપના શુભ નામે આ દાન કરવાનું શરૂ થઈ જશે. આપ આપના સ્વાસ્થ્યની ચિંતા ના કરો. બધું જ સારું થઈ જશે. મેં દૂર દેશાવરથી એક પ્રકાંડ વૈદ્યજીને પણ બોલાવ્યા છે.'
 
માતોશ્રી હસ્યાં, `ઉપરવાળો બોલાવે પછી નીચેવાળા રોકી નથી શકતા ભારમલદાદા.'
 
કોઈ કંઈ બોલ્યું નહીં. ચોમેર ઉદાસી છવાયેલી હતી.
 
એ પછી થોડાક જ દિવસોમાં અહલ્યાબાઈની તબિયત અત્યંત ખરાબ થઈ. સૌ તેમની પથારી પાસે જ હતાં. અહલ્યાબાઈના ગળામાંથી બરાબર અવાજ પણ નહોતો નીકળી શકતો. હરકુંવરબાઈએ તેમના માથે હાથ ફેરવ્યો, `બેટા, જીવને શાંત કર!'
`બા સાહેબ, જીવ તાળવે ચોંટ્યો છે. એ હવે નીચે નહીં ઊતરે, સીધો ઉપર જ જશે.'
 
હરકુંવરબાઈની આંખો ભરાઈ આવી.
 
તુકોજીએ પૂછ્યું, `માતોશ્રી, કંઈ કહેવું છે?'
 
`હા, મારા મૃત્યુ બાદ મારી તમામ લૌકિક ક્રિયા સંતાજી કરે તેવી મારી અંતિમ ઇચ્છા છે.'
 
સંતાજી મલ્હારરાવના નાના ભાઈ હતા. તેઓ ત્યાં જ ઉપસ્થિત હતા. તેમની આંખો ભરાઈ આવી. તેઓ કંઈ બોલ્યા નહીં, માત્ર માતોશ્રીના પગ પકડીને આંસુ સારી રહ્યા.
 
અહલ્યાબાઈ ટૂટતા સાદે બોલ્યાં, `સંતાજી, મેં મારી તમામ સંપત્તિ આધ્યાત્મિક કાર્યો, મંદિરો અને ગરીબોને દાનમાં આપવા માટે સોંપી દીધી છે. તેમાંથી ગરીબોને દાન કરજો. ભૂખ્યાને જમાડજો. મારો જીવ સેવામાં જ લાગેલો છે.'
 
સૌ સમજી ગયા હતા કે અહલ્યાબાઈના પ્રાણ હવે દેહ છોડવા માટે તૈયાર છે. સૌના હૈયામાં ભયંકર પીડા થઈ રહી હતી. પણ ઈશ્વરની મરજી સામે કોઈનું કંઈ થોડુ ચાલે છે. થોડીવારે સંતાજી, ભારમલદાદા અને બીજા બે લોકો બહાર ગયા અને વાતો કરવા લાગ્યા. ભારમલદાદાએ કહ્યું, `આપણે ગમે તે કહીએ પણ હવે આપણા માથેથી માતોશ્રીનો છાંયો ઊઠી જવાનો છે. મને તેમની આસપાસ મોત ફરતું હોય એવું સ્પષ્ટ્ર દેખાઈ રહ્યું છે. આપણે હવે તેમના છેલ્લા શ્વાસ સારી રીતે છૂટે તેમ કરવું જોઈએ. આપણા ધાર્મિક રીત-રિવાજો પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવી જોઈએ. સેવકોને દોડાવીને તાત્કાલિક દીપ મંગાવો. તુલસી પાન મંગાવો અને ગંગાજળ પણ મંગાવો. તેમની આંખો મીંચાઇ એ પહેલાં આપણે ઓછામાં ઓછું તેમને તુલસી પાનથી ગંગાજળ આપીએ. તેમના આશીર્વાદ લઈએ. હજુ પણ તેમને જે કહેવું હોય એ પૂછી લઈએ. હવેની બધી જ ઘડીઓ ગંભીર છે, જોખમી છે. ગમે ત્યારે માતોશ્રીનો શ્વાસ છૂટી શકે તેમ છે. ઈશ્વર હવે હોળકર સામ્રાજ્યની જ નહીં પરંતુ ભારતવર્ષની એક ઉત્તમ સન્નારીને લેવા આવી રહ્યો છે. દુઃખ અને પીડા અપાર છે પણ જીવન અને મૃત્યુ તો શાશ્વત છે. તેઓ સનાતન ધર્મ માટે જ જીવ્યાં અને સનાતનનું કામ કરતાં કરતાં જ મૃત્યુને વરી રહ્યાં છે. એ મોટી વાત છે.
 
ભારમલદાદા લાગણીથી બોલી રહ્યા હતા. ઘણું બધું બોલી ગયા. સૌ પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નહોતા બચ્યા. તાત્કાલિક સેવકોને બોલાવીને બધી વ્યવસ્થા કરવામાં આવી. સૌ માતોશ્રીની શય્યાની આસપાસ જ ઊભા હતા. હરકુંવરબાએ માતોશ્રીને પૂછ્યું, `બેટા, હજુ તારે કંઈ કહેવુ છે?'
 
`હા!'
 
`બોલ!'
 
`પ્રજાને સાચવજો, હોળકરના ગૌરવ માટે, હિન્દુસ્થાનના રક્ષણ માટે મારા પરિવારની આખી પેઢી ખતમ થઈ ગઈ. એક પણ જીવ બચ્યો નથી. હોળકરોની રક્ષા, ગૌરવ અને હિન્દુસ્થાનની રક્ષા આપ સૌના હાથમાં છે. જોજો ઊની આંચ પણ ના આવે.'
`અમારું વચન છે માતોશ્રી, આપની બધી જ ઇચ્છાઓ પૂરી થશે.' એકસામટા અનેક ગળામાંથી આ અવાજ નીકળ્યો.
 
અહલ્યાબાઈએ કહ્યું, `બસ, ત્યારે હવે હું જાઉં. મારો સમય થઈ ગયો છે.' તેઓ બોલ્યાં. તરત જ સંતાજીએ તુલસી પત્ર દ્વારા તેમના મુખમાં ગંગાજળ મૂક્યું. સામે દીપ પ્રગટાવેલો હતો. ગંગાજળ ગળાની નીચે ઊતરતાં જ અહલ્યાબાઈના ચહેરા પર એક સંતોષ અને તેજ પ્રગટ્યું અને તરત જ એ તેજ હવામાં વિલીન થઈ ગયું. તેમની આંખો મીંચાઈ ગઈ.
 
એ કમભાગી દિવસ હતો ૧૩મી ઓગસ્ટ, ૧૭૯૫નો. ૩૧મી મે , ૧૭૨૫ના દિવસે એક સામાન્ય ધનગરના પરિવારમાં જન્મેલાં અહલ્યાબાઈ ૭૦ વર્ષની ઉંમરે મરાઠા સામ્રાજ્યની એક મહાન અને દયાળું મહારાણી બનીને, પ્રજાવત્સલ માતોશ્રી બનીને અવસાન પામ્યાં. તેમની આંખો મીંચાતાં જ ત્યાં ઊભેલાં સૌની આંખોમાંથી દડ દડ કરતાં આંસુ સરી પડ્યાં. કેટલાંકે તો રીતસર પોક મૂકી. દ્વારે ઊભેલા સેવકોએ આ જાણ્યું કે તરત જ તેમની આંખોય ભીની થઈ ગઈ.
 
થોડી જ વારમાં આ દુઃખદ સમાચાર આખાયે મહેશ્વરમાં પહોંચી ગયા. પછી તો ઈન્દોર અને બીજાં રાજ્યોમાં પણ હવાની પીઠ પર સવાર થઈને ખબર પહોંચી ગઈ. જેમ જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ અહલ્યાબાઈના મહેલની બહાર લોકોની ભીડ એકઠી થવા લાગી. માતોશ્રી લોકોને એટલાં બધાં પ્રિય હતાં કે, લોકો પોક મૂકીને રડી રહ્યાં હતાં. આખાયે મહેશ્વરનું આસમાન તેમના આક્રંદથી ભરાઈ ગયું.
 
હોળકર સામ્રાજ્યની મહારાણીને છાજે તે રીતે તેમના અંતિમ સંસ્કારનું આયોજન થયું. દેશ-દેશાવરથી અનેક લોકો આવી પહોંચ્યા હતા અને આખરે પ્રજાનાં આંસુઓના વરસાદ વચ્ચે માતોશ્રી અહલ્યાબાઈ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયાં. તેમની ચિતા પ્રગટતી હતી ત્યારે લોકોના આક્રંદ વચ્ચે કવિ ફંદી ડુમા ભરેલા અવાજે ગાઈ રહ્યા હતા,
 
શ્રવણ કી થી વદ્યા ચતુર્થી,
છોડ ગઈ બિલખતા સભી કો,
ચરિત્ર કા આલેખ તુમ્હારા,
માર્ગ દિખલાયેગા હમ સબકો,
સ્મરણ તુમ્હારા સતત રહે,
યહ કરતે હૈં હમ નમ્ર પ્રાર્થના,
શત-શત વંદન દેવી અહલ્યે,
હમ સબ કી હો દિવ્ય - પ્રેરણા.
 
***
 
(સમાપ્ત)
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.