ગિરિસે ગીરાઓ,
મઝધારોમેં બહાઓ,
મહાસાગરમેં ડૂબાઓ,
કિન્તુ હાથ નહિ જોડેંગે,
તીખી તેગસે કટાઓ,
તપે તેલમે જલાઓ,
ચાહે ખાલ ખીંચવાઓ,
પર મુંહ નહિ મોડેંગે,
કાલી નાગસે ડંસાઓ,
ચાહે ભૂમિમે ગડાઓ,
યા તો શૂલી પે ચડાઓ,
પર પ્રાણ નહિ છોડેંગે,
ભનત પ્રણવ,
હમ સૈનિક સ્વરાજ કે હૈ,
ચિતામે ભી ખાક હોતે,
ટેક નહીં છોડેંગે!
આ પ્રચંડ ગીત ગવાયુ તો હતું ૧૯૩૦માં, ભરુચ પહોંચેલી દાંડી યાત્રામાં. ગીતકાર અને સ્વરકાર આપણા પંડિત ઓમકારનાથ ઠાકુર. મંચ પરથી જ્યારે તેમણે વિરાટ સ્વર વહેતો કર્યો ત્યારે મંચ પર બેઠેલા ગાંધીજી પણ જોઈ રહેલા.
... અને આ જ ગીત છેક ૧૪૫ વર્ષ પછી `સ્વાધીન' ભારતમાં યુવકોએ કરેલા સત્યાગ્રહ માટે પુનઃ પ્રસ્તુત થયું, તે કેવી ઐતિહાસિક ઘટના છે? હા. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, અનેકોની અટકાયતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરના પ્રતિબંધની સામે વ્યક્ત થવાની જે સામગ્રી હતી, તેમાં `સાધના' એ આ ગીત છાપ્યું અને યુવકો સુધી પહોંચી ગયું.
આ વર્ષ કટોકટી સામેના સંગ્રામનું ૫૦મું વર્ષ છે. અર્ધ શતાબ્દીના આ તમામ દિવસોએ કોઈને કોઈ રીતે તેનું સ્મરણ કરવા જેવું છે, એટલી મબલખ સામગ્રી પણ પડી છે. સુરુચિ પ્રકાશન, કેશવ કુંજ, ઝંડેવાલા, નવી દિલ્હીથી જૂન. ૧૯૯૦માં પ્રકાશિત પુસ્તક `આપાતકાલીન સંઘર્ષગાથા' (પ્ર. ગ. સહસ્ત્રબુદ્ધે અને માણિકચંદ વાજપેયી)માં તેની વિગતે માહિતી છે. છતાં, જે કેટલુંક નજર બહાર છૂટી ગયું છે તે પણ એટલું જ, તે સમયનો અંદાજ આપે છે.
જેમ કે એ સમયનાં ગીતો. અટલબિહારી વાજપેયીથી બ્રિટિશ કવિ બર્નાર્ડ કોપ્સ અને જેલોમાં તેમજ જેલોની બહાર અનેક ગીતો રચાયાં, મોટેભાગે ઉપનામે તેનો એક સંગ્રહ જ્હોન ઓલિવર પેરીએ પ્રકાશિત કર્યો હતો તે સ્વ. તંત્રી-કવિ મિત્ર હરીન્દ્ર દવેએ મને મોકલ્યો હતો પણ અત્યારે હાથવગો નથી. (કોઇની પાસે હોય ને મોકલે તો તેના વિષે આવી રીતે લખી શકાય. નામ હતું `વોઈસિસ ઓફ ઇમરજ્ન્સી.)
આજે બીજી જ રસપ્રદ વાત કરવી છે, તે જેલથી બીજી જેલોમાં લખાયેલા પત્રોની. અને કેટલાક જેલોની બહાર લખાયેલા પત્રોની. અમદાવાદમાં વિદ્યાગુર્જરીનું સંમેલન યોજાયું ત્યારે જસલોકમાં સારવાર માટે રહેલા જયપ્રકાશ નારાયણે પથારીમાં પડ્યા પડ્યા અંગત સચિવને એક પત્ર લખવડાવીને મને ફોન પર મોકલ્યો હતો. વડોદરાથી ખ્યાત સાહિત્યકાર સુરેશ જોશીએ (દિ.૨૦-૧૦-૭૬) એ એક સુંદર નિબંધ જેવો પત્ર મોકલ્યો તેનું પ્રથમ વાક્ય હતું `તમે અહીં છો એવી તો ખબર હતી. પણ આપણે સ્નેહી, પણ સગા નહી! જેલોમાં અટકાયતીની મુલાકાત માત્ર તેનાં સગાંવહાલાં જ લઈ શકે, સ્નેહી મિત્રો નહીં તેવો કટાક્ષ આમાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂગર્ભ આગેવાન યાદવરાવ જોશી, લક્ષ્મણરાવ ઇનામદાર, નરેન્દ્ર મોદી વગેરેના પત્રો એ રીતે જેલોમાં બેઠેલાઓને મનોબળ પૂરું પાડતા. સૂર્યકાંત આચાર્ય ભાવનગર જેલમાં, પણ સરકારે હેમાબહેન આચાર્યને પકડ્યાં નહોતાં, એ જ રીતે પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ પટેલ થોડો સમય બહાર હતા, તેમના પત્રો જેલની દિવાલોની અંદર પહોંચી જતા. ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી અને મરાઠી `સાધના'ના યદુનાથ થત્તે વિવિધ ભાષા શીખવા માટેની પુસ્તિકાઓ મોકલતા. એકવાર પત્રલેખક જાતે જ ભાવનગર જેલની મુલાકાતે આવી ગયા, તે નરેન્દ્ર મોદી! આજે પણ તેમના જીવનચરિત્ર લેખકો શોધી શોધીને થાકે છે કે, મોદી જેલ સુધી પહોંચ્યા અને સલામત પાછા આવ્યા કઈ રીતે?
એક સબળ માધ્યમ હતું, બહારની દુનિયાથી જાણકાર રહેવાનું, તે એકથી બીજી જેલોમાં લખાતા પત્રોનું. જેલ ઑફિસમાં તે સેન્સર થતા. ભાગ્યેજ તેમાં કેટલાક વાક્યો વાંચી ના શકાય તે રીતે છેકભુંસ થતી. પણ, રદ કરીને કેટલું કરે? યરવડા જેલમાં તો કોંગ્રેસ મહિલા નેતા હંસાબહેન રાજડાએ તો `સાધના'નું લવાજમ ભરીને જેલમાં અંકો મંગાવવાના ચાલુ કર્યા હતા! આવા પત્રો એક જેલના અટકાયતી બીજી જેલમાં મોકલે તેમાં અનેક વિગતો હોય. અમે તે બધાનું સંકલન કરીને ભૂગર્ભવાસી નેતાઓને મોકલી આપતા, તે ભૂગર્ભ પત્રિકાઓમાં પ્રકાશિત થતા.
બેંગલુરુ જેલમાંથી લાલકૃષ્ણ અડવાણી દેશવ્યાપી - મુખ્યત્વે ગુજરાતના જેલવાસીઓ સાથે સંપર્કમાં રહેતા અને સર્વોચ્ચ અદાલતમાં હેબિયસ કોર્પસની સુનાવણીની સમીક્ષા મોકલતા. બેંગલુરુના જસ્ટિસ રામા જોઇસ, એમ. સી. ચાગલા, સીરવાઈ જેવા ધારાશાસ્ત્રીઓ અનેક અટકાયતીઓની રીટ સાથે હાઇકોર્ટમાં તરફેણના ચૂકાદા લાવ્યા, પણ સરકારે તે ઊથલાવી નાખ્યા, એક ચૂકાદામાં એવું થયું કે, કર્ણાટક હાઇકોર્ટે તો અડવાણી, વાજપેયી, મધુ દંડવતે અને શ્યામનંદન મિશ્રાને છોડી મૂક્યા, અને અદાલતની બહાર નીકળ્યા તો બીજા આદેશ સાથે પોલીસની જીપ ઊભી હતી! ગભરાયેલી સરકારનાં આવાં નાટકો અનેક જગ્યાએ થયા. અંતે બધી સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં પહોંચી. પણ, તેમાં ૨૮ એપ્રિલ, ૧૯૭૬ના રોજ જે ચૂકાદો આવ્યો તેનાથી સ્વાતંત્ર્યની રહીસહી આશા પર આઘાત થયો, ચાર ન્યાયમૂર્તિઓએ સ્વીકારી લીધું કે કટોકટી દરમિયાન અદાલતમાં ન્યાય માંગવાનો અટકાયતીને અધિકાર નથી. એકમાત્ર જસ્ટિસ ખન્નાએ વ્યક્તિ-સ્વાતંત્ર્યને કુદરતની ભેટ ગણાવીને કહ્યું કે, આર્ટીકલ એકવીસને રદબાતલ કે મોકૂફ રાખ્યો હોય તો પણ નગરિકનું સ્વાતંત્ર્ય છીનવી શકાય નહિ. આ અધિકાર સુસંસ્કૃત સમાજનો પાયો છે. ગુજરાતમાં હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરનાર ધારાશાસ્ત્રી સી.ટી, દરૂ હજુ મિસાવાસી બન્યા નહોતા. તેમણે મારી અટકાયતને ટેસ્ટ-કેસ બનાવ્યો હતો, પત્રમાં લખ્યું કે, તમારે અનિશ્ચિત સમય સુધી હવે જેલમાં રહેવું પડશે, આપણું બધાનું સ્વાતંત્ર્ય એક વ્યક્તિની મહેરબાની પર અવલંબે છે, એ વિચાર માત્ર મને અકળાવે છે. એમની અકળામણમાં ઉમેરો કરવો હોય તેમ સરકારે થોડા દિવસ પછી તેમને પણ જેલમાં પૂરી દીધા!
બેંગલુરુ જેલથી અડવાણીના પત્રમાં આને એન્ટિ-ક્લાઇમેકસ ગણાવીને લખ્યું કે, હાઇકોર્ટોએ તો લોકતંત્રના મૂલ્યના રક્ષણ માટે જે દૃઢતા દેખાડી તે સુપ્રીમ કોર્ટમાં ના થયું. તેનો ચુકાદો અલગ અને કંઈક જુદો આવ્યો હોત તો પણ અનુચ્છેદ ૨૨૬માં સુધારો કરીને સરકારે પોતાનો નિર્ણય કાયમ રાખ્યો હોત. વળી પાછો અદાલતી જંગ છેડયો હોત. પણ સુપ્રીમકોર્ટના આત્મસમર્પણની સાથે હવે પડદો પડી ગયો છે. હાઇકોર્ટના નિર્ભિક ચુકાદાઓનું પરિણામ એ આવ્યું કે તેવા ન્યાયમૂર્તિઓની બદલી કરવામાં આવી તેમાં ગુજરાતના ત્રણ ન્યાયમૂર્તિઓ હતા. તેમાંના એક જસ્ટિસ એસ. એચ. શેઠે તો પોતાની બદલીની સામે રિટ પણ કરી. અમદાવાદ હાઇકોર્ટની આ સુનાવણીની રસપ્રદ વિગતો કે. ડી.દેસાઈએ પત્રમાં મોકલી હતી. કે. ડી. દેસાઈએ કોંગ્રેસ વિરોધી પક્ષોની એકતા માટે એક મુસદ્દો પણ તૈયાર કર્યો, તે જેલોમાં સૌએ સમીક્ષા કરવા મોકલ્યો હતો. વડોદરા જેલમાં તેવી બેઠકો પણ થઈ.
વાજપેયીજીનું ગલત ઑપરેશન તેમની બિમારીનું ગંભીર કારણ બન્યું, એટલે તેમને દિલ્હીની એ.આઈ.એમ. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પણ કોઈને મળવાની છૂટ નહિ. એવા સંજોગોમાં પણ તેમણે વડોદરા જેલમાં લખેલા એક પત્રમાં ટંકાર કર્યો - `આપણે સ્વધર્મનું પાલન કરવાનું છે. ફળની આશા કરતાં પ્રયત્નનું મહત્વ છે.' અડવાણી એક બીજા પત્રમાં લખે છે કે, અહીં લગભગ ૨૦૦ અટકાયતી છે. ૩૦ અટકાયતી સંગઠન કોંગ્રેસ, સમાજવાદી, જમાતે ઇસ્લામી, આનંદમાર્ગીના મળીને છે. ત્રણ જનસંઘના. હું, મધુ દંડવતે, શ્યામનંદન મિશ્રા સાંસદ છીએ. શ્રી યાદવરાવ જોશી અહીં છે. અમારો કેસ પૂરો થયા પછી તુરંત રોહતક જેલમાં મોકલી દેવામાં આવશે એવું ધારવામાં આવતું હતું. એક અઠવાડિયું તો વીતી ગયું. એટલે અહીં જ પત્ર લખશો. પીલુ મોદી રોહતક જેલમાં છે. યાદવરાવજીની કરોડરજ્જુનું ઓપરેશન કરાયું, હવે સ્વસ્થ છે. શ્રી મલય્યા પણ અહીં જ છે.
એક રસપ્રદ પત્રમાં તેમણે ઇર્વિંગ વાલેસની નવલકથા `આર. ડૉક્યુમેન્ટ' વિષે કહ્યું કે તે સૌ વાંચી જજો, અત્યારની અહીંની પરિસ્થિતિને તે પોતાની રીતે દર્શાવે છે. સાબરમતી જેલમાં તો આ વાત પહોંચી ગઈ હતી તેની જિકર ડૉ. વસંત પરીખના એક પત્રમાં હતી. જેલોમાં આધ્યાત્મિક અને ધાર્મિક ચિંતનની શક્યતા વધુ રહે છે. સાબરમતી જેલથી વસંત પરીખે લખેલા પત્રમાં આવી અનુભૂતિ છે. `અનંતની યાત્રા નજીકમાં છે એવું સતત લાગ્યા કરે છે. ભયથી નહીં, સમજથી. અધ્યયનમાંથી ફલિત થઈને સ્થિર થઈ ગયેલી અનામ અજ્ઞાત પ્રદેશમાંથી વહેતી લહેરી હોય તેવું લાગે છે. આ વાત તમારા સુધી જ રાખજો.'
જ્યોર્જ ફર્નાન્ડીઝ તો બરોડા ડાયનેમાઈટના ઝૂઝાર આરોપી. તેમની સાથે પકડાયેલાઓમાં ગુજરાતના બે પત્રકારો પણ હતા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના કે. વિક્રમ રાવ (હમણાં થોડા દિવસ પૂર્વે તેમનું અવસાન થયું) અને ઇંડિયન એક્સપ્રેસના કિરીટ ભટ્ટ.
બે વર્ષના જેલવાસમાં અસંખ્ય પત્રો લખાયા, કોઈ તેવા પત્રોને શોધીને તેનું પુસ્તક બનાવે તો તે સમયનો કેદી-ઇતિહાસ પ્રાપ્ત થાય.