૨૦મી જૂન બલિદાન દિવસ નિમિત્તે.... । Kalibai Bhil vishe mahiti
દેશની આઝાદીનો સૂર્ય ઊગવાની તૈયારીમાં હતો. ગ્રામીણ અને વનવાસી વિસ્તારોમાં પણ લોકો ખૂબ ઉત્સાહિત હતા. શિક્ષણની જ્યોત બધે પ્રકાશ ફેલાવી રહી હતી. અંગ્રેજોએ ભારત છોડવાનું એલાન કરી દીધું હતું ત્યારે રાજસ્થાનના ડુંગરપુરમાં બનેલી ઘટનાએ સૌનાં હૃદય હચમચાવી દીધાં હતાં.
૧૩ વર્ષની નાની વનવાસી બાળાએ પોતાની શાળાના ગુરુ સેંગાભાઈનો જીવ બચાવવા જતાં જુલમી શાસકોની બંદૂકની ગોળીઓનો શિકાર થઈ અને શિક્ષણ માટે બલિદાન આપ્યું. એ બાળાનું નામ હતું કાળીબાઈ ભીલ અને એ બલિદાનનો દિવસ હતો ૨૦ જૂન, ૧૯૪૭.
આઝાદીના બે મહિના પહેલાં અંગ્રેજ સરકાર અને ડુંગરપુરના રાજવી શાસકોના આદેશને કારણે વનવાસી વિસ્તારોમાં શિક્ષણ આપતી પાઠશાળાઓ પરાણે બંધ કરાવવામાં આવી રહી હતી. તેઓ ઇચ્છતા હતા કે વનવાસી બાળકોને શિક્ષણ ન મળે. જો તેઓ ભણશે તો પોતાના હક અને અધિકારોની વાત કરશે.
વીરબાળા કાલીબાઈ ડુંગરપુર જિલ્લાના રાસ્તાપાલ ગામની એક ભીલ બાલિકા હતી. તેના પિતાનું નામ સોમાભાઈ ભીલ અને માતાનું નામ નવલીબાઈ હતું. તેઓ ખેતીવાડી દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. કાલીબાઈના પિતા સોમાભાઈ વનવાસીઓમાં જાગૃતિ લાવનાર ગોવિંદગુરુથી ખૂબ પ્રભાવિત હતા. ગોવિંદગુરુએ બનાવેલી `સંપ સભા'થી પ્રેરાઈને તેમણે કાલીબાઈને ભણવા માટે પાઠશાળામાં મૂકી.
નાનાભાઈ ખાંટ અને સેંગાભાઈ રાસ્તાપાલ ગામમાં પાઠશાળા ચલાવી રહ્યા હતા. નાનાભાઈ ખાંટે શાળા ચલાવવા માટે પોતાનું મકાન આપ્યું હતું. અંગ્રેજ સરકારના હુકમ પર ડુંગરપુરના મહારાજાએ પોતાના સૈનિકો મોકલીને બંનેને પાઠશાળા બંધ કરવા માટેનું ફરમાન કર્યું, પરંતુ સ્વતંત્રતા અને શિક્ષણના પ્રેમી આ બંને અગ્રણીઓ પોતાના વિચારો પર દૃઢ રહ્યા અને શાળા બંધ કરવાની ના પાડી દીધી. ૧૭ જૂન, ૧૯૪૭ના દિવસે ડુંગરપુરના એક પોલીસ અધિકારી પોતાના જવાનો સાથે રાસ્તાપાલ ગામ ગયા. પાઠશાળા બંધ કરવાની ના પાડતાં સેંગાભાઈ અને નાનાભાઈને બેરહમીથી માર માર્યો પરંતુ બંને ટસના મસ ના થયા.
નાનાભાઈ પર લાઠીઓના ઘા વરસતા રહ્યા. તેમનું વૃદ્ધ શરીર માર સહન કરી શક્યું નહીં. તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા અને મૃત્યુ પામ્યા. આમ છતાં પોલીસનો ગુસ્સો શાંત થયો નહીં. તેમણે સેંગાભાઈને પોતાની જીપની પાછળ દોરડાથી બાંધી દીધા અને ઢસડવા લાગ્યા. ગામના ઘણા લોકો ત્યાં હાજર હતા પણ પોલીસના ડરથી કોઈની બોલવાની હિંમત ચાલી નહીં.
એવામાં ૧૩ વર્ષીય કાલીબાઈ ખેતરમાંથી ઘરે આવી રહી હતી. તેણે આ દૃશ્ય જોયું અને ત્યાં જ ઊભી રહી. અને પોલીસ અધિકારીને સેંગાભાઈને બાંધીને લઈ જવાનું કારણ પૂછ્યું. પહેલાં તો કોઈ જવાબ મળ્યો નહીં, પંરતુ વારંવાર પૂછવાથી કહ્યું `સરકારના આદેશ વિરુદ્ધ વિદ્યાલય ચલાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.'
કાલીબાઈએ કહ્યું `શાળા ચલાવવી એ કોઈ ગુનો નથી. શિક્ષણ જ અમારા વિકાસની ચાવી છે.'
પોલીસ અધિકારી આવો નીડરતાભર્યો જવાબ સાંભળી હેબતાઈ ગયો. તેણે કહ્યું, `શાળા ચલાવનારને ગોળી મારી દેવામાં આવશે.'
કાલીબાઈએ કહ્યું, `તો સૌથી પહેલાં ગોળી મને મારો.'
આવો જવાબ સાંભળી ગામના લોકો ઉત્સાહમાં આવી ગયા અને અંગ્રેજ સરકાર મુર્દાબાદ, મહારાજા મુર્દાબાદના નારા પોકારવા લાગ્યા.
પોલીસ જીપ પાછળ બાંધેલા સેંગાભાઈને ઘસડવા લાગી. સેંગાભાઈનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું.
કાલીબાઈએ આ ઘટનાથી ગુસ્સે થઈ રણચંડીનું રૂપ ધારણ કર્યું, તેણે પોતાના હાથમાં રહેલા દાતરડાથી જીપ પાછળનું દોરડું એક ઝટકે કાપી નાંખ્યું અને સેંગાભાઈને મુક્ત કર્યા.
પોલીસ અધિકારીએ ગુસ્સામાં આવી પોતાની પિસ્તોલ કાઢી અને કાલીબાઈની છાતી પર ગોળી મારી. કાલીબાઈ ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડી.
વનવાસીઓએ પોતાનો બુંગિયો ઢોલ વગાડી લોકોને ભેગા કર્યા અને કહ્યું, `જેની પાસે જે હથિયાર હોય તે લઈને આવી જવાની હાકલ કરી.'
ચારેબાજુથી પોલીસ પર પથ્થરો અને તીરકામઠાંનો મારો શરૂ થયો. પોલીસ ત્યાંથી ભાગી ગઈ. કાલીબાઈ અને સેંગાભાઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ૨૦ જૂનના રોજ કાલીબાઈ પોતાના શિક્ષક સેંગાભાઈને બચાવતાં બલિદાનને પામી પછી પોલીસે ક્યારેય આ બાજુ પાછું વળીને જોયું નહીં. થોડા દિવસો પછી દેશ આઝાદ થઈ ગયો. કાલીબાઈ અને નાનાભાઈ જેવા શૂરવીરોનાં બલિદાનોને લીધે આ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત જલતી રહી છે. ધન્ય છે આવી વીરબાળા કાલીબાઈના બલિદાનને.. ધન્ય છે તેનાં માતા-પિતા અને ગુરુને..