`નમસ્તે, મહોદય!'
`નમસ્તે, કહો શૌર્ય, તમારી સોસાયટીમાં કોઈ યુવતીએ આત્મહત્યા કરી, સાચી વાત છે?'
`જી, સર.. ખબર નથી પડતી પણ કોઈ બહુ મોટી ગેરસમજ થઈ ગઈ લાગે છે. મરનાર યુવતી જેનું નામ યામિની હતું તે ભણવામાં બહુ હોંશિયાર હતી.'
`હા, આ જ બહુ ચિંતાનો વિષય છે, ખૂબ જ હોશિયાર છોકરાઓ એકદમ લાગણીના આવેગમાં આવી અને પોતાનું જીવન ટૂંકાવે છે. તમે લોકો સોસાયટીમાંથી બધાં કારણો જાણશો, આપણે ચર્ચા પણ કરીશું, પણ કેટલીક મૂળભૂત બાબતો સમજી લેવી જોઈએ.'
`હા, સર! બે એરિયા અગત્યના છે, એક છે શૈક્ષણિક કારકિર્દી અને બીજું છે લગ્ન અને એને લગતા પ્રશ્નો!!!'
`એક વાત આપણા સૌના ધ્યાન ઉપર આવી છે કે, મોટાભાગના કેસમાં મા-બાપ ખૂબ જ અપેક્ષાઓ રાખતાં હોય છે. ક્યારેક તો યુવાનોને પણ સમાજની અપેક્ષા બહુ હેરાન કરતી હોય છે. આપણે એક વાત મા-બાપને સમજાવવી જોઈએ કે, તમે જીવનમાં જે નથી પામ્યાં અથવા નથી મેળવી શક્યાં એ તમારું બાળક મેળવે એવી તમે ઇચ્છા રાખો એ યોગ્ય છે, પણ કોઈપણ પ્રકારે એને એન્જિનિયર થવું પડે કે ડૉક્ટર જ થવું પડે એવો જે દુરાગ્રહ રાખવામાં આવે છે તેનાથી બધા પ્રશ્નો ઊભા થાય છે. શિક્ષણની બાબતમાં આપણે સમજવું જોઈએ કે, બાળકમાં કયા પ્રકારનો એટિટ્યુડ છે, તે અગત્યનું છે. કેટલાંક બાળકોને ગણિત અને લોજિકમાં વધારે મજા આવે, તો કેટલાંક બાળકોને ગીત ગાવામાં, પ્રવાસ કરવામાં કે વાર્તાઓ બનાવીને કહેવામાં રસ પડે. જેવી જેની રુચિ તેવો તેને અભ્યાસ કરાવીએ તો તેનો પૂરો વિકાસ થાય. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે એની ક્ષમતા પ્રમાણેનો એનો વિકાસ થવો જોઈએ. પણ જ્યારે સમાજ કે મા-બાપ કે યુવાન પોતે જ પોતાના ઉપર જ પુષ્કળ દબાણ ઊભું કરે છે, ત્યારે અસાધારણ તનાવ ઊભો થતો હોય છે.'
`સાચી વાત છે, સર! એવું પણ થાય છે કે, છોકરાઓના અને છોકરીઓના અંદર અંદરના મિત્રવર્તુળમાં પણ ટકાની બાબતમાં કે કઈ લાઇન લીધી અથવા ક્યાં એડમિશન મળ્યું કે ન મળ્યું તે બાબતમાં પણ ઘણા બધા સ્ટેટસ જેવા પ્રશ્નો ઊભા થતા હોય છે!!. આ બધી બાબતોને લીધે યુવાન સતત દબાણમાં રહેતો હોય છે..'
`તારી વાત સાચી છે, ભાઇ! પણ મૂળ હેતુ તો એવો હોવો જોઈએ કે, કોઈપણ સંજોગોમાં જીવનનો સ્વીકાર કરતાં શીખો. દરેક વ્યક્તિને એની અપેક્ષા પ્રમાણેની પરિસ્થિતિ મળે જ એવું હોતું નથી.'
`પહેલી વાત જો ટકાથી કરીએ તો તમે ઇચ્છો એવા ટકા તમને પરિણામમાં ન પણ મળે. ટકા ઉપર ભાર આપવાને બદલે યુવાનને; કોઈપણ પરિણામ આવે તો એનું સ્વાગત કરતાં શીખવવું જોઈએ. સમજાવવું જોઈએ કે, જે પરીક્ષા આપી રહ્યો છે એ પરીક્ષા જીવનની છેલ્લી પરીક્ષા નથી. આ તો હજી જ શરૂઆત છે!!! જીવનમાં તો ડગલે અને પગલે પરીક્ષા થવાની છે. તો પરીક્ષાઓનો ડર કે તણાવ થવો જોઈએ નહીં..!'
`સર, અમને તમારા વનલાઇનર્સ બહુ ગમે છે, એકાદ વાક્ય કહો ને, અમારે અમારા મિત્રોને કહેવા છે..'
`શૌર્ય, સાચી વાત એક જ છે, આ જીવન તમારું છે, એને કેવી રીતે ચલાવવું એ તમારા હાથમાં જ છે! જેમ સાયકલ ચલાવો ત્યારે ગવર્નર તમારા હાથમાં હોય છે એવી જ રીતે જીવનનું સ્ટીયરગ પણ તમારા હાથમાં રાખો!'
`સર, આને તત્વજ્ઞાન સાથે પણ જોડી શકાય ને!'
`જો ભાઈ, તમે જેને તત્વજ્ઞાન કહો છો તે વાસ્તવમાં તો આપણી રોજબરોજની જિંદગીની જ વાત છે.. ભગવાન અર્જુનને પણ કહે છે કે, જીતમાં કે હારમાં, વિજયમાં કે પરાજયમાં એકસરખી માનસિકતા રાખવી તે સ્થિતપ્રજ્ઞતા છે. આમાં તત્વજ્ઞાન કરતાં જીવનમાં સ્થિરતા મેળવવાની ચાવી છે. હું તો એવું માનું છું કે, જીવનમાં મનનું સ્થૈર્ય અને ધૈર્ય એ જ અગત્યની બાબત છે..
તમારા મન ઉપર કાબૂ વધારો. જેટલું તમે તમારું મન કેળવશો, એટલા તમે સ્થિર રહી શકશો! દુઃખ તો બધાંને છે અને બધાંને સુખ પણ આવે છે અને જાય છે. કોઈને સામાજિક દુઃખ હોય, કોઈને શારીરિક પીડા હોય, કોઈને આર્થિક વિટંબણા હોય. આ તો બધું રહેવાનું જ છે, પણ આ બધાંની વચ્ચે તમે તમારી સ્થિરતા ચૂકો નહીં તો આવા અંતિમ પગલાં લેવાની જરૂર ન પડે!'
`સર, તમારી એક વાત ખૂબ ગમી ગઈ કે, પરિવારમાં વાત થવી જોઈએ! આજે આ શિરસ્તો તૂટી ગયો છે.. એ ચાલુ થવો જોઈએ..'
`એકદમ સાચી વાત કરી, કોઈપણ વસ્તુ નાની નાની ટેવમાંથી ચાલુ કરી શકાય.. તમે નક્કી કરો કે, અઠવાડિયામાં એક વખત પરિવારના બધા લોકો સાથે બેસશે. ગમ્મત કરશે, અંતકડી રમશે. કોઈપણ એક બાબત સાતત્યપૂર્વક કરવામાં આવે તો એનાં બહુ સારાં પરિણામો મળી શકે છે..'
`સાચી વાત છે, આજે પણ કેટલાય પરિવારોમાં મા-બાપ અને બાળકો સાથે બેસીને પ્રાર્થના કરે છે, જમતી વખતે શ્લોક બોલે છે.'
`એક કામ કરવું જોઈએ. કેટલાંક પરિવારોએ હમણાંથી મોબાઈલનો ઉપવાસ અથવા ડિજિટલ ઉપવાસ શરૂ કર્યા છે! એટલે કે રવિવારે સવારે અમે કોઈ અમારા ફોનમાં જોઈશું નહીં પણ આજુબાજુ જીવતાં આપણાં દાદા-દાદી કે ફોઈ-ફુવા કે મા બાપ સાથે વાત કરીશું..'
`કરો શરૂઆત.. શુભસ્ય શીઘ્રમ્.'