સંઘગાથા – ૮ । સંઘશાખા એટલે સમરસતાની સરસ્વતી

ડોક્ટરજીએ વધુ એક પ્રેરણાસૂત્ર શાખા સાથે જોડ્યું. તે એટલે તું હિન્દુ, હું હિન્દુ, આપણે બંને બંધુ બંધુ.

    ૨૫-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

all about rss and shakha gujarati bhag 8
 
 
અત્યંત પ્રાચીન કાળથી એક પ્રગત અને સુસંસ્કૃત સમાજ તરીકે આપણે આ ભૂમિ પર રહેતા આવ્યા છીએ. સભ્ય અને સુસંસ્કૃત સમાજજીવન સૌ પ્રથમ અહીં વિકસ્યું. તેને માટે ભૂગોળ પણ કારણભૂત છે. ઉત્તરે હિમાલય અને દક્ષિણે સાગરનું રક્ષાકવચ હતું. વનસ્પતિની વિવિધતા, નદીઓની વિપુલતા હતી. ખેતી માટે પુષ્કળ જમીન હતી. સમાજજીવન સરળ, સુરક્ષિત અને શાંત હોવું જોઈએ. તેથી અધ્યયન, ચિંતન, સંશોધન, પ્રયોગો કરવા માટે વાતાવરણ અત્યંત અનુકૂળ હતું. પ્રાચીન પ્રજ્ઞાપ્રવાહ ગતિમાન હોવો જોઈએ.
 
જ્ઞાનની અનેક શાખાઓનો જન્મ આ ભૂમિ પર થયો છે. હું કોણ? આ અસ્તિત્વ એટલે શું? મારા અને અસ્તિત્વ વચ્ચે કોઈ સંબંધ છે કે? મારા જન્મનું પ્રયોજન શું? જન્મમૃત્યુ શું છે? આવા પ્રશ્નો કોઈ પણ મનુષ્ય સમૂહમાં ઊભા થવા સ્વાભાવિક છે. આપણા પૂર્વજોએ આના જે જવાબો હજારો વર્ષ પહેલાં શોધી કાઢ્યા તે વિજ્ઞાનની કસોટી પર ખરા ઊતર્યા છે.
 
અસ્તિત્વની રચના અખંડ મંડલાકાર છે. (अखंड मंडलाकारम्‌ व्याप्तं येन चराचरम्‌)
- હું એટલે શરીર, મન, બુદ્ધિ, આત્મા.
 
અખિલ અસ્તિત્વ એક જ ચૈતન્યનો આવિષ્કાર છે. (सर्वं खल्विदं ब्रह्मं)
 
બધા જ માનવો પણ તે જ અસ્તિત્વનાં અવિભાજ્ય અંગ છે. (तत्त्वमसि)
 
માનવમન અને બુદ્ધિની ધારણા-શક્તિ એટલી આશ્ચર્યકારક છે કે, મનુષ્ય આ તત્ત્વોની અનુભૂતિ કરી શકે છે અને તેમાં જ મનુષ્યજીવનની સાર્થકતા છે.
 
આપણા બંધારણની મૂળ પ્રતમાં ચોવીસ ચિત્રોનો સમાવેશ કર્યો છે. મોહન-જો-દડોના ઉત્ખનનમાં જડેલા એક હૃષ્ટપુષ્ટ નંદીનું પહેલું ચિત્ર છે. બીજું ચિત્ર પ્રાચીન ગુરુકૂળનું છે. આપણો દેશ કૃષિપ્રધાન અને ઋષિપ્રધાન છે. કૃષિ એટલે ખેતી. ઋષિ એટલે જ્ઞાન. જ્ઞાન એટલે સત્યનું જ્ઞાન.
 
મનુષ્યને હું એટલે માત્ર શરીર નહીં તે સમજાવું જોઈએ. એક જ ચૈતન્યતત્ત્વ સર્વત્ર વિરાજમાન છે એ તેને સમજાવું જોઈએ. મને ભૂખ લાગે છે તેવી જ ભૂખ બીજાને પણ લાગતી હોવી જ જોઈએ એ પણ તેને સમજાવું જોઈએ.
 
`ઇન્ટરમાં ભણતી વખતે ઉપનિષદની એક કથા વાંચવામાં આવી હતી' શ્રી ગુરુકુલનું શિક્ષણ પૂર્ણ કરી બે ભાઈઓ ઘેર જવા નીકળ્યા હતા. ગુરુકૂળમાંથી રસ્તામાં જમવા માટે ભાખરી - શાકનું ભાથું બાંધી આપ્યું હતું. બપોરે બંને જમવાના હેતુથી પોટલી છોડીને બેઠા. એટલામાં એક યાચક ભાખરી મળવાની આશાએ તેમની પાસે આવ્યો. નાના ભાઈએ તેને ભાખરી આપવાનું નકાર્યું. અમને જ પૂરતું નહીં પડે ત્યાં તને ક્યાંથી આપીએ? મોટાભાઈએ નાનાભાઈની પીઠ પર એક ધબ્બો મારતાં કહ્યું, બાર વર્ષ વિદ્યા શીખીને तत्‌ त्वम असि‌’ એ સત્ય ભૂલી ગયો? તારામાં જે ચૈતન્ય અને તેનામાં જે ચૈતન્ય છે તે એક જ છે. તું જો તેને ભાખરી આપવાનું નકારીશ તો તને પણ એ ભાખરીને હાથ લગાવવાનો કોઈ અધિકાર નથી. તે કથાનું નામ જ ‘तत्त्वमसि‌’ હતું.
 
1. सर्वं खल्विदं ब्रह्मं
2. ‘तत्त्वमसि‌’
 
માનવ એવા વૈશ્વિક શાશ્વત સત્ય પર આધારિત અહીંની જીવનશૈલીનો વિકાસ થયો. તેને આધ્યાત્મિક જીવનશૈલી કહે છે. આધ્યાત્મિક જીવનશૈલી સર્વકલ્યાણક, પર્યાવરણપ્રેમી, લાંબો સમય ઉપયોગી, માનવતાવાદી જીવનશૈલી છે. આધ્યાત્મિક વિચાર ‘तत्त्वमसि‌’ સત્ય પર આધારિત હોવાથી ‘मैं नही तू ही‌’ એ વિચાર વ્યવહારમાં સર્વ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્રિયાક્લાપોમાં પ્રભાવી હતો. વિષમતા, ઊંચનીચ, ભેદભાવ વગેરેને સ્વાભાવિક જ કોઈ સ્થાન નહોતું. સુખસમૃદ્ધિ, જ્ઞાન અને આનંદ આપનારું જીવન હોવું જોઈએ. શાંત - સમરસ, સરળતાથી ચાલનારું, મારા-તારાના ભાવ વગરનું સમાજજીવન હજારો વર્ષ ચાલ્યું હશે.
 
વર્તમાનકાળમાં આપણા દેશાંતર્ગત સમાજની સ્થિતિ જોઈએ તો ક્યારેક આપણે ત્યાં સર્વકલ્યાણક, ભેદભાવરહિત, સમરસ સમાજજીવન હતું એ વાત પર વિશ્વાસ જ બેસતો નથી. સમરસતાની સરસ્વતી લુપ્ત ક્યારે અને કેવી રીતે થઈ એ સમજાયું જ નહીં. ‘मैं नही तू ही‌ની નિરહંકારી જીવનશૈલી લુપ્ત થઈ. અહંકાર વધારનારી જીવનશૈલીનો પ્રભાવ વધ્યો. શિક્ષણનો, સંપત્તિનો, કુટુંબનો, પોતાના જૂથનો અહંકાર, ધંધાનો, ભાષાનો, વેશનો વગેરે કશાનો પણ અહંકાર એ અહીંના માણસનો સ્વભાવ બની ગયો.
 
`હું અને મારું'નો વિચાર પ્રભાવી થતો ગયો. માણસ-માણસ વચ્ચેનું અંતર વધ્યું. પરકીય આક્રમકો સામે દેશ ટકયો નહીં. આશરે હજાર વર્ષ દેશ ગુલામીમાં રહ્યો. વંશશ્રેષ્ઠતા, ઊંચનીચ, અસ્પૃશ્યતા, અનૈતિકતા જેવા અનેક રોગોએ હિન્દુ સ્પૃશ્ય અસ્પૃશ્યભાવે સમાજમાં ઘર કર્યું. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સ્વાતંત્ર્યવીર સાવરકર, છત્રપતિ શાહુ મહારાજ, મહાત્મા ફૂલે, ડૉકટર બાબાસાહેબ આંબેડકર, પંડિત મદનમોહન માલવીય, પૂજ્ય નારાયણગુરુ વગેરે મહાપુરુષોએ આ રોગમાંથી આપણા સમાજને મુક્ત કરવા ઘણા પ્રયાસો કર્યા.
 
આ રોગે સમાજમન પર લીધેલી પકડ થોડી ઢીલી તો થઈ છે પણ રોગ જ એટલો જૂનો અને રગેરગમાં પ્રસરી ગએલો છે કે, ફક્ત કેટલાક મહાપુરુષોના પ્રયત્નોથી સમાજ રોગમુક્ત નહીં થાય. મનોરોગથી પીડિત પ્રત્યેક વ્યક્તિમાં આ રોગમાંથી મુક્ત થવાની તીવ્ર ઇચ્છા જાગવી જોઈએ. જાતિ તોડો, અહંકાર છોડો જેવી ઘોષણાઓથી કે આંદોલનોથી સંપૂર્ણ સમાજ રોગમુક્ત નહીં થાય. રોગ જૂનો હોવાથી તેના ઉપાયો પણ ગંભીર કરવા પડશે.
 
રોગમુક્ત અને બંધુત્વને નાતે જોડાયેલો એક સશક્તસમાજ નિર્માણ થવા સુધી ધીરજપૂર્વક લાંબો સમય નિયમિત દવા લેવી પડશે. આપણે કોઈ અસાધ્ય રોગ પર દવા લઈ રહ્યા છીએ, એવું પણ લાગવું ન જોઈએ. હોમિયોપથીની દવાઓ જેવો ઉપચાર જોઈએ. સાબુદાણા જેવડી મીઠી ગોળીઓ ખાતી વખતે આપણે દવા લઈ રહ્યા છીએ એવું લાગતું પણ નથી.
 
સંઘનિર્માતા ડૉ. હેડગેવારજીએ સમાજની અસંગઠિત અવસ્થા વિશે અને પરાજય વિષે ઊંડું ચિંતન કર્યું હતું. ઊંચનીચ અને અસ્પૃશ્યતાની ગાંઠો સમાજની રક્તવાહિનીઓમાં નિર્માણ થવાને કારણે એકબીજાથી દૂર જવાનો તેનો સ્વભાવ થઈ ગયો છે. વર્ણશ્રેષ્ઠત્વનો મિથ્યાભાવ તો છે જ, પણ સાથે સાથે જાતિઉપજાતિના અભિનિવેશ પણ ભરેલા છે. મુંબઈની ધાારાવી વસ્તી પ્રસિદ્ધ છે. મરેલાં પ્રાણીનું ચામડું ઉતારનારો એક પરિવાર અને તે ચામડાની ચપ્પલ તૈયાર કરનારો બીજો પરિવાર એકબીજાને ઘેર જશે નહીં, રોટીવ્યવહાર જ નહીં તો બેટીવ્યવહાર તો અશક્ય જ છે ને! આવા ભેદભાવો શોધવાનો પ્રયત્ન કરીએ તો પગ કિચડમાં વધુ ને વધુ ઊંડો ઊતરતો જશે.
 
ડોક્ટરજીનું નિરીક્ષણ, વિશ્લેષણ, નિષ્કર્ષ બધાં કરતાં જુદાં અને બધાને ગળે ઉતરનારાં હતાં. `સમાજબાંધવોનો એકબીજાથી દૂર ને દૂર જવાનો સ્વભાવ બની ગયો છે.' ત્યારે એવો કયો વિષય છે કે જેનાથી ભેદભાવથી ઉપર ઊઠીને એકત્ર થવાની પ્રેરણા મળે? ભારત આપણી માતા છે, આપણે બધાં તેનાં સંતાનો છીએ, ભારતમાતાને વૈભવશાળી બનાવવી એ આપણું કર્તવ્ય છે એ વિચાર આપણને સદૈવ પેઢી દર પેઢી પ્રેરણા આપતો રહેશે. ડોક્ટરજીએ પ્રયોગ તરીકે સંઘાશાખા શરૂ કરી.
 
ડોક્ટરજીએ વધુ એક પ્રેરણાસૂત્ર શાખા સાથે જોડ્યું. તે એટલે તું હિન્દુ, હું હિન્દુ, આપણે બંને બંધુ બંધુ. જાતિવર્ણનો વિચાર જ નહીં. એક કલાકની શાખામાં રમતનું ઘણું મહત્ત્વ છે. બાલ, કિશોર, તરુણ, રમતનાં આકર્ષણથી સંઘશાખામાં ભેગા થવા લાગ્યા. રમતોમાં કબડ્ડીનું ઘણું વધુ મહત્ત્વ છે. કબડ્ડીમાં મૃત મનાયેલો ખેલાડી ફરી જીવતો થાય છે. અમરત્વનો સંદેશ આપનારી રમત. અસ્પૃશ્યતા ક્યાંની ક્યાં ભાગી જાય છે. મનમાં વિચારસરખો આવતો નથી. કબડ્ડી એટલે સમરસતાનો સ્રોત. સંઘ એટલે હોમિયોપથીની મીઠી ગોળી.
 
શાશ્વત સિદ્ધાંત ‘तत्वमसि‌’ના પ્રકાશમાં શાખા ચાલે છે. `બીજાની ચિંતા કરવી' એ શાખાના યશની ગુરુચાવી છે. ભાઈ તરીકે એકબીજાને ત્યાં સહજ જવું મુશ્કેલીમાં મદદરૂપ થવું, કોઈ બીમાર હોય તો તેની વધુ ચિંતા કરવી, રસોડા સુધી સ્વયંસેવકનો સંપર્ક જોઈએ. સંઘશાખા એટલે સમરસતાનો વ્યવહાર. ‘मैं नही तू ही‌’નું આચરણ એટલે શાખા.
 
શરીરમાં રક્તાભિસરણનું જે મહત્ત્વ છે એટલું જ સમાજમાં સામાજિક અભિસરણનું મહત્ત્વ છે. રક્તવાહિનીઓમાં ક્યાંક `બ્લોકેજ' હોય તો બધાં કામો ચાલુ હોય ત્યારે પણ એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ કરી કાઢી નાખવું પડે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બાયપાસ સર્જરી કરી બૌદ્ધ ધમ્મનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. સમરસતાની સરસ્વતી ફરી પ્રવાહિત કરી નાના મોટા અવરોધો જ્યાં પણ હોય ત્યાંથી સરસ્વતીના મહાપ્રવાહને જોરે દૂર કરવા પડશે. બંધુભાવનાનો ‘तत्त्वमसि‌’ એ ધાર્મિક આધાર જાગ્રત કરવો પડશે. શાશ્વત અને વૈશ્વિક સત્ય પર આધારિત (આધ્યાત્મિક સત્ય પર આધારિત) સમાજજીવનની પુનર્રચના કરવી પડશે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરનું સમરસ, એકરસ હિન્દુ સમાજજીવન નિર્માણ કરવું એ જ સંઘનું ધ્યેય છે. તે અવસ્થાને જ સંઘ `હિન્દુ સંગઠન' કહે છે.
 
***
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
 
અનુવાદ - જ્યોતિ ભાંડારી