રથયાત્રા : ભીતરનું ભાવપૂર્ણ ભ્રમણ | (અષાઢી બીજ- રથયાત્રા) નિમિત્તે

જગન્નાથપુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે.

    ૨૭-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

all about rathyatra gujarati
 
 
વિષ્ણુના ૨૩ અવતારોમાં સર્વશ્રેષ્ઠ અવતાર એ કૃષ્ણનો છે. વૈવસ્ય મન્વન્તરના ૨૮મા દ્વાપરમાં મથુરાની જેલમાં દેવકીના ગર્ભમાં અવતર્યા હતા. કૃષ્ણજન્મ એટલે અંધકારે હેઠાં મૂકેલાં હથિયાર અને અજવાળાંએ ઊંચકેલું માથું. રાત્રે જન્મ થયો એટલે જગતના અંધકારને સતત ઉલેચતા રહ્યા છે. આઠમા સંતાનનો જન્મ થતાં વાસુદેવ કૃષ્ણને લઇ મિત્ર નંદને ઘરે જવા નીકળ્યા. યમુનાજીનાં પાણી ઉછાળા મારી રહ્યાં હતાં પણ જેવો કૃષ્ણના પગના અંગૂઠાનો સ્પર્શ થયો કે આભે ઊછળતાં મોજાં શાંત થઇ ગયાં. પાણીનું જળમાં રૂપાંતર થઇ ગયું. કૃષ્ણના દેહ ઉપર વરસાદ ન પડે એટલે શિવે માથે સાપની ફેણ છત્રીરૂપે ધરી. કૃષ્ણને યશોદાની ગોદમાં મૂકી અને એમની પુત્રી નંદાને લઇ ફરી મથુરાની જેલમાં આવી જાય છે.
 
બહેન સુભદ્રા તેમના પિયર પધાર્યાં ત્યારે તેમણે શ્રીકૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંને ભાઈઓએ એનો સહર્ષ સ્વીકાર કર્યો. બસ, ત્યારથી રથયાત્રાનો આરંભ થયો છે. વર્ષમાં એકવાર જગતનો નાથ પ્રજાના દ્વારે આવી એનાં દુઃખ દૂર કરે છે. પાંચ વર્ષે એકવાર પોતાના સ્વાર્થ માટે આવતા નેતાઓએ આમાંથી શીખ લેવા જેવી છે. સૌથી પ્રાચીન જગન્નાથપુરીની રથયાત્રા છે. અમદાવાદમાં આ વર્ષે ૧૪૭મી રથયાત્રા નીકળશે. કેરળમાં શિવ-પાર્વતીની રથયાત્રા નીકળે છે તો નેપાળમાં ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે. લંડનમાં પણ ઈસ્કોન સંપ્રદાય દ્વારા રાધા-કૃષ્ણની ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ થાય છે. પાંચેક દાયકાથી ચાલતી ભાવનગરની રથયાત્રા પણ અદ્ભુત હોય છે.
 
ભગવાન જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલાં પંદર દિવસ પહેલાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા અને ગંગાપૂજન કરી ભગવાનને મામાને ઘરે મોકલવામાં આવે છે. ભગવાન જગન્નાથને મામાના ઘરે ખૂબ લાડ લાવવામાં આવે છે અને તેમને ભાવતાં ભોજન, મિષ્ટાન્ન, જાંબુ કે કેરી જેવાં ફળો પણ ખવડાવવામાં આવે છે. એટલે જ ભગવાન જગન્નાથને આંખો આવી હોય છે. તેના કારણે નેત્રોત્સવ વિધિ કરીને તેમની આંખે પાટા બાંધી નિજમંદિર પરત આવે છે. આંખમાં રાહત થયા બાદ પાટા ખોલી કૃષ્ણ નગરજનોને દર્શન આપવા નીકળે છે. જગન્નાથને આંખમાં ઠંડક અને રાહત મળે તેથી રથયાત્રાના પ્રસાદમાં મગ અપાય છે. આમ પણ આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે. આ રોગને મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઇટિસ તરીકે ઓળખાય છે. આયુર્વેદ મુજબ મગ આંખની રક્તશુદ્ધિ માટે ગુણકારી છે.
 
જગન્નાથપુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે. એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઊડતું જોવા મળતું નથી. મુખ્ય શિખર-ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. કોઇ પણ ક્ષેત્રમાંથી મંદિર પરના સુદર્શનચક્રનાં દર્શન કરી શકાય શકાય છે. અથાત્‌ શ્રદ્ધા હોય તો ઈશ્વરનાં ક્યાંયથી પણ દર્શન કરી શકાય છે. વિશ્વનું સૌથી મોટું રસોડું અહીંયાં છે. હજારેક સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ રસોડાનો લાભ લાખો લોકો લે છે. બગદાણામાં પણ આવું સ્વયંભૂ રસોડું છે. રસોઇ માટે મોટાં સાત પાત્રો એકબીજા પર રાખવામાં આવે છે. સૌથી નીચેના પાત્ર નીચે લાકડાં બાળીને પ્રસાદ બનાવાય છે. આશ્ચર્યની વાત છે કે સૌથી ઉપરના પાત્રમાં સૌથી પહેલાં રસોઇ તૈયાર થાય છે અને સૌથી નીચેના પાત્રમાં છેલ્લે રસોઇ બને છે. ગિરનારની ગુફાઓમાં કે કેદારનાથની કંદરામાં આવા અનેક સિદ્ધયોગીઓ વિચરણ કરે છે. એનો ભેટો થાય તો ભવસાગર પાર થઇ જાય.
 
રથયાત્રા પૂર્વે જેઠ-સુદ પૂનમના દિવસે જલયાત્રાનું આયોજન થાય છે. જે મિનિ રથયાત્રા કહેવાય છે. જેમ આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો ઘરની સાફસફાઈ થાય છે. આ તો જગતનો નાથ આપણા આંગણે આવી રહ્યો છે ત્યારે શેરી વળાવી સજ્જ તો કરવી જ ને... સાબરમતીના જળથી જગન્નાથનો જલાભિષેક થાય છે. એ દિવસે જગન્નાથ ગણપતિ સ્વરૂપે દર્શન આપે છે.
 
ગણપતિ સિક્યુરીટીની સર્વિસ એવી છે કે દુન્યવી દુઃખ કે અવિચારી અસદ પ્રવેશી ન શકે. આ દિવસે મનની સફાઈ પણ કરવાની હોય છે. હૃદય પર લાગેલી ધૂળને સાફ કરવાનો આ અવસર છે. કોઈ મોટી ઇવેન્ટ કંપની પણ ન કરી શકે એવું સ્વયંભૂ સંચાલન અમદાવાદની રથયાત્રાનું થાય છે. ઈશ્વરની એક ઝલક જોવા સૌ તલપાપડ હોય છે. નિજ મંદિરથી નિજ મન સુધીની આ યાત્રા છે. અષાઢી બીજનાં દિવ્ય દર્શન એટલે આખા વર્ષની ઊર્જાસંચયનો દિવસ...

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.