જો.. નાગપુર; આપણા દેશની રાજધાની દિલ્હીની દક્ષિણે આવેલું હોય, તો.. બેંગલોરની પણ દક્ષિણે જ આવેલું હોવું જોઈએ ને! આટલી સાવ સરળ વાતની તમને ખબર નથી પડતી...??? આવું બોલીને તમારી ઓફિસના માલિક કે બોસ ધમકાવી શકે! હા, દેશ પર કટોકટી ઠોકી બેસાડનાર કોઈ સરમુખત્યારનો ચાપલૂસ સરકારી અધિકારી પણ તમને ખખડાવીને સરેઆમ આવું સંભળાવી શકે! ઉદાહરણ તરીકે ૧૯૭૫ની કટોકટીનાં કાળાં કારનામાં આપણી નજરની સામે છે.
પરંતુ જો આપ ખરેખર મન-વચન-કર્મથી પૂર્ણરૂપે સ્વતંત્રતાની અનુભૂતિ કરવા સક્ષમ છો તો આપનો ઉત્તર શું હોય? માનસિક ગુલામી શું હોય છે? જોઈએ વર્તમાનનું એક ઉદાહરણ..
હમાસના ૭ ઓક્ટો., ૨૦૨૩ના ક્રૂર હુમલા પછી ઈઝરાયેલે ગાઝાને આપેલ વળતા કરારા જવાબ પછીના `ઑપરેશન રાઈઝિંગ લાયન'થી ત્રીજું વિશ્વયુદ્ધ બારણે ટકોરા દઈ રહ્યું છે, ઈઝરાયેલ અને ઈરાન સહિતના આજુબાજુના દેશોની થોડી વાત કરવી છે.. વિશ્વના નકશા પર ભારતની પશ્ચિમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અરબી સમુદ્ર આવે. પશ્ચિમ દિશાએ તેની ય આગળ શું આવે? Middle East (મધ્ય પૂર્વ)ના દેશો! અરે આપણે તો પશ્ચિમ તરફ જોઈ રહ્યા છીએ! ત્યાં વળી `East?' `Middle East'થી ઓળખાતા બધા જ દેશો વાસ્તવમાં પશ્ચિમ એશિયાના જ છે. આ દેશો છે- બહેરીન, સાયપ્રસ, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, પેલેસ્ટાઇન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કીયે, સંયુક્ત આરબ અમીરાત અને યમન. તેને શા માટે પૂર્વના દેશો તરીકે ઓળખવાના? ત્યાં વળી પૂર્વ કેવી રીતે આવી ગયું? એ તો આપણા માટે સૂરજ આથમવાની જ દિશા છે. તો પછી આપણે તેને `Middle East'ના દેશો કેમ કહીએ છીએ? એક જ માત્ર કારણ એ છે કે, આપણે અંગ્રેજોના ગુલામ હતા અને અંગ્રેજો તેને `Middle East'ના દેશો કહેતા એટલે આપણે પણ ત્યારથી એમ જ કહેતા આવ્યા છીએ.
હા, પણ અંગ્રેજો કેમ આવું ભૂલ ભરેલું બોલતા? પશ્ચિમને પૂર્વ કેમ કહેતા હતા? કારણ કે, અંગ્રેજો ઈંગ્લેન્ડના હતા અને તેથી તેઓ ઈંગ્લેન્ડમાં રહીને તેની પૂર્વ તરફ જે જોતા, ત્યારે પૂર્વ તરફે મધ્યમાં જે દેશો દેખાતા તેને તેઓ Middle East! (મધ્ય પૂર્વ)ના દેશો કહેતા. ઈંગ્લેન્ડ માટે (ભૂગોળ પ્રમાણે) ઈંગ્લેન્ડના સંદર્ભે એ દેશોને Middle Eastના દેશો કહેવાય. પણ ભારત માટે (ભૂગોળ પ્રમાણે) ભારતના સંદર્ભે તે દેશોને Middle Eastના દેશો ના જ કહેવાય.
ગુલામી વખતે અંગ્રેજો `દિવસ'ને `રાત' કહેતા. સૌને એવું બધું માનવા મજબૂર કરતા, તેથી આપણે પણ Middle East.. Middle East.. કહ્યા કર્યું, પરંતુ હવે આપણે ક્યાં અંગ્રેજાના ગુલામ છીએ! ક્યાં સુધી ગાડરિયા પ્રવાહમાં હાલતા રહીશું? ભારત આપણી ઓળખ છે. આપણી અસ્મિતા છે. ભારત માટે આપણને ગર્વ-ગૌરવ-અભિમાન છે. આપણે ભારતમાં ઉભા છીએ ત્યારે એ આપણા માટે પશ્ચિમે આવેલા જ એ બધા દેશો છે.. તે દેશો એશિયામાં પણ સમાવિષ્ટ છે, તેથી તેને આપણે `પશ્ચિમ એશિયા'ના દેશો કહીએ.
દિશાભ્રમથી બચીએ. ભ્રામક નેરેટિવ્ઝથી બચીએ. ભારતીય વિમર્શનો કોઈ વિકલ્પ નથી. આપણી સામે ઉભેલી વ્યક્તિનો ડાબો હાથ આપણા ડાબા હાથની દિશામાં ક્યારેય ન હોય. આ નથી સમજાતું ત્યાં સુધી આપણે ડાબેરીઓને ડાબેરી તરીકે સમજી શકતા નથી. દેશને તબાહ કરવા ડાબેરીઓ હવે ફેન્સી શબ્દ લાવ્યા છે- `Wokeism'.
આપણી સૌની સારી જાણ સારું કે, આપણી ભારત સરકાર હવે અધિકૃત રીતે તેને `Middle East'ના બદલે `West Asia' કહી રહી છે. આમાં `ભારતબોધ' સમાયેલો છે. દેશ, દિશા અને દૃષ્ટિનું મહત્વ ઓછું ન આંકીએ. જ્યારે આપણા સૌની વિચારપ્રક્રિયા `ભારત'કેન્દ્રિત બનશે ત્યારે વિશ્વના તમામ દેશોમાં ત્યાંનાં બાળકોને એ પણ ભણાવવામાં આવતું થઈ જશે કે, ભારત કઈ દિશામાં આવેલું રાષ્ટ્ર છે! માટે આપણે તૈયાર છીએ ને?!