એક દિવસ એક વ્યક્તિ મહાન દાર્શનિક સુકરાત પાસે સફળતાનું રહસ્ય જાણવા પહોંચ્યો. સુકરાતે કહ્યું, `કાલે સવારે નદીકાંઠે આવજે, ત્યાં હું તને સફળતાનું રહસ્ય જણાવીશ.' પેલો વ્યક્તિ બીજા દિવસે નિશ્ચિત સમયે નદીકિનારે પહોંચ્યો. સુકરાત ત્યાં પહેલેથી જ હાજર હતા. સુકરાતે તેને નદીમાં ઊતરી તેનું ઊંડાણ માપવાનું કહ્યું.
પેલો વ્યક્તિ નદીમાં ઉતર્યું અને જેવું પાણી તેના નાક સુધી પહોંચ્યું, સુકરાત તેની પાછળ જઈ તેના માથા પર હાથ મૂકી તેને પાણીમાં ડુબાડી દીધો. પેલો વ્યક્તિ બહાર નીકળવા માટે તરફડિયાં મારવા લાગ્યો. પરંતુ સુકરાત થોડો વધારે મજબૂત હતો.
સુકરાતે સમય તેને પાણીમાં ડુબાડી રાખ્યો. થોડા સમય બાદ તેને છોડી દીધો. પેલો વ્યક્તિ ખૂબ જ ઝડપથી પોતાનું મોઢું બહાર કાઢી મોટે મોટેથી શ્વાસ લેવા માંડ્યો. સુકરાતે તેને પૂછ્યું, તું જ્યારે પાણીની અંદર હતો ત્યારે શું ઇચ્છતો હતો?
પેલા વ્યક્તિએ કહ્યું, વહેલામાં વહેલા પાણીમાંથી બહાર નીકળી શ્વાસ લેવા માગતો હતો. તેના સિવાય બીજો કોઈ જ વિચાર મને આવતો ન હતો. સુકરાતે કહ્યું, તે જ તારા પ્રશ્નનો જવાબ છે. જ્યારે તું સફળતા માટે એટલી જ તીવ્ર ઇચ્છા સેવતો થઈશ, જેટલી તીવ્ર ઇચ્છા તને પાણીમાં ડૂબતી વખતે બહાર નીકળવાની થતી હતી ત્યારે તને સફળ થતાં કોઈ જ રોકી નહીં શકે.