પ્રકરણ - ૪ । અંગ્રેજોએ આપણી યજ્ઞશાળાઓનો નાશ કરીને સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા

એ જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મારા સુવર્ણદેશ બંગાળના ગદ્ય સાહિત્યના પિતામહ છે અને મારા પિતાજી પણ છે..

    ૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

Vande Mataram novel gujarati prakaran 4
 
 

કોલકતાના પોતાના કાર્યાલયમાં બેસીને મેકોલે જ્યારે આ પત્ર લખી રહ્યો હતો ત્યારે ત્યાંથી ૧૨૦ કિ.મી. દૂર કામારપુકુર નામના ગામની એક નાનકડી ઝૂંપડીમાં એક બાળકનો જન્મ થયો. બાળકનું રુદન સાંભળીને લોકો આનંદનાં આંસુ વહાવતાં હતાં. એ બાળકના રુદનનો અર્થ કપટી, દગાખોર અંગ્રેજો સમજી શક્યા નહીં. એ રુદન અન્ય કોઈનું નહીં, આગળ જતાં શ્રી રામકૃષ્ણ પરમહંસ તરીકે જાણીતા થયેલા ગદાધરનું હતું. એ રુદનમાં એ યુગનો પ્રતિશોધ હતો.
 
હાથમાં ત્રાજવાં લઈને જહાજમાંથી ઊતરેલા કંપનીના વેપારીઓએ શરૂઆતના દિવસોમાં દેશવાસીઓની ધાર્મિક બાબતોમાં તટસ્થતાનો ભાવ રાખ્યો. પછી એમણે જોયું કે, હવા બદલાઈ રહી છે. એમણે અધિકારનું સ્વપ્ન જોયું અને એને સાકાર પણ કર્યું. અનાયાસે મળી ગયેલા અધિકાર અર્થાત્‌ સત્તાને સુરક્ષિત કરવાનો વિચાર કરવા માટે તેઓ મજબૂર બન્યા.
 
અંગ્રેજોએ જોયું કે ધર્મના માધ્યમથી પ્લાસીનું પુનરાવર્તન કરી શકાય એમ છે. એમનું એ માનવું હતું કે, વ્યાપક પ્રમાણમાં દેશવાસીઓનું ધર્માંતરણ કરવાથી તેઓ પોતાના પક્ષે આવી જશે. સદીઓ પહેલાં કોચીનમાં જ્યારે પોર્ટુગીઝ જહાજો લાંગર્યાં ત્યારે ત્યાંના ખ્રિસ્તીઓએ એમને મદદ કરી અને કિલ્લા બંધાવવાની સલાહ આપી. એ દ્વારા સંપૂર્ણ કેરળમાં એમનું વર્ચસ્વ સ્થાપિત કરાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. અંગ્રેજોને એ બધી ઘટનાઓનું સ્મરણ થયું.
 
અંગ્રેજોનું પહેલું પગલું શિક્ષણના ક્ષેત્રમાં હતું. સૂક્ષ્મ નિરીક્ષણ અને સર્વેક્ષણ દ્વારા એમને સમજાઈ ગયું કે, આ દેશમાં શિક્ષણની ટકાવારી બ્રિટન કરતાં ઘણી વધારે છે. એમણે જોયું કે, અહીં શિક્ષણ બધી જાતિઓને આપવામાં આવતું હતું અને નિઃશુલ્ક હતું. બ્રાહ્મણો કરતાં પણ વધુ તો બ્રાહ્મણ નહીં એવા તથા કથિત પછાત વર્ગના લોકો શિક્ષણ મેળવતા હતા. પૂર્ણિમા તથા અમાસને દિવસે ભણવામાં રજા રહેતી હતી. કૃષિપ્રધાન દેશ હોવાથી વરસાદના દિવસોમાં લાંબી રજાઓ રહેતી. અંગ્રેજોએ જાણી લીધું કે, અહીં પાઠશાળાઓ જ્ઞાનસંપાદનની યજ્ઞશાળાઓ હતી. ભારતીય શિક્ષણપદ્ધતિના ગૌરવ તથા અસ્તિત્વનો નાશ કરવા માટે એમણે ષડ્યંત્ર રચ્યું. યજ્ઞશાળાઓનો નાશ કરીને સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયત્નો વર્ષો પૂર્વે અસુરોએ પણ કર્યા હતા. અંગ્રેજોએ નવા યુગના અસુર બનીને એ કામ ચાલુ રાખ્યું.
 
એ મુશ્કેલ કામ માટે એમની પાસે એક સક્ષમ માણસ હતો. થોમસ બેવિંગ્ટન મેકોલે. એનો એવો વિશ્વાસ હતો કે, અંગ્રેજી શિક્ષણને સાર્વજનિક કરવાથી માત્ર ધર્મપરિવર્તન જ નહીં તો વિદેશીકરણ પણ શક્ય બને છે. મેકોલે મિશનરી નહોતો, પરંતુ એણે મિશનરીના જોશ સાથે કામ શરૂ કર્યું. એણે વિના વિલંબે નવી શિક્ષણનીતિનો પ્રારંભ કરી દીધો. બેશરમ થઈને એણે પોતાની શિક્ષણપદ્ધતિનો ઉદ્દેશ પણ જાહેર કર્યો, રંગ અને લોહીથી ભારતીય, આચાર-વિચાર, અભિરુચિ અને અભિપ્રાયમાં અંગ્રેજ. આપણી સત્તા તથા લાખોની પ્રજા વચ્ચે મધ્યસ્થી બને તથા દુભાષિયા તરીકે કામ કરે એવો નવો વર્ગ ઊભો કરવા માટે હવે આપણે કઠોર પરિશ્રમ કરવો પડશે.
 
મેકોલેની ઇચ્છા પૂરી થવા લાગી. એને સંતોષપ્રદ અનુભવ થવા લાગ્યો. ગર્વપૂર્વક એણે ૧૮૩૬માં પોતાના પિતાને લખ્યું, `પિતાજી, મારી શિક્ષણપદ્ધતિની અસર આશ્ચર્યજનક છે. અંગ્રેજી શિક્ષણ લીધેલા એક પણ હિન્દુને હવે પોતાના ધર્મ પ્રત્યે લગાવ રહ્યો નથી. કેટલાક લોકો ચોક્કસ નીતિ અંતર્ગત એવો દેખાવ કરે છે ખરા કે એમને પોતાના ધર્મ પર વિશ્વાસ છે, પરંતુ મોટા ભાગના લોકો ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષિત થાય છે. થોડા લોકો તો ખ્રિસ્તી ધર્મમાં આવી પણ ગયા છે. આ શિક્ષણપદ્ધતિ ચાલુ રહે તો ત્રીસ વર્ષમાં તો બંગાળમાં મૂર્તિપૂજા પર વિશ્વાસ ધરાવતી એક પણ વ્યક્તિ નહીં બચે એવો મારો દૃઢ વિશ્વાસ છે. ધર્માંતરણ માટે આપણે હવે વધુ પ્રયત્ન નહીં કરવો પડે. લોકોની ધાર્મિક આઝાદીની બાબતમાં આપણે દખલ નહીં દેવી પડે. આપણી શિક્ષણપદ્ધતિ, જ્ઞાન તથા વિચારનાં સ્વાભાવિક પરિણામ તરીકે આપણું લક્ષ્ય સિદ્ધ થશે એવી મને આશા છે. એ બાબતમાં મને અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે.
 
કોલકતાના પોતાના કાર્યાલયમાં બેસીને મેકોલે જ્યારે આ પત્ર લખી રહ્યો હતો ત્યારે ત્યાંથી ૧૨૦ કિ.મી. દૂર કામારપુકુર નામના ગામની એક નાનકડી ઝૂંપડીમાં એક બાળકનો જન્મ થયો. બાળકનું રુદન સાંભળીને લોકો આનંદનાં આંસુ વહાવતા હતા. એ બાળકના રુદનનો અર્થ કપટી, દગાખોર અંગ્રેજો સમજી શક્યા નહીં. એ રુદન અન્ય કોઈનું નહીં, આગળ જતાં શ્રી રામકૃષ્ણ પરમહંસ તરીકે જાણીતા થયેલા ગદાધરનું હતું. એ રુદનમાં એ યુગનો પ્રતિશોધ જોઈ શકીએ.
 
જ્યાં ભાગીરથી સહસ્રધારા બનીને વહે છે એ પ્રદેશ છે મારું બંગાળ. સાગર, ઝરણાં અને લીલી ધરતીનો દેશ, પશુ-પક્ષીઓ તથા સાપોનો દેશ. અંગ્રેજોએ પહેલાં આ બંગભૂમિને સાપોનો દેશ જ કહ્યો હતો. એમાં આપણને કોઈ વાંધો નથી. સાપ જેવાં અસંખ્ય પ્રાણીઓ આપણા જીવનના અંશ છે. સાપ કરડે છે જ્યારે એની જ એક પ્રજાતિ `પીત સર્પ' કરડતો નથી. પરંતુ મજબૂર કરવામાં આવે તો પીત સર્પ પણ કરડશે અને સન ૧૮૪૫માં એમ જ થયું.
 
ઉમેશચંદ્ર સરકાર. ચૌદ વર્ષનો કિશોર. એ સમયના રિવાજ મુજબ એનાં લગ્ન થઈ ગયાં ૧૧ વર્ષની મિની નામની છોકરી સાથે. લગ્નનાં બે વર્ષ પછી ડફ પાદરીના માણસોએ એ બાળદંપતીનું ધર્માંતરણ કરી નાખ્યું. કોલકતામાં એ ઘટનાએ મોટો વિવાદ ઊભો કર્યો. એ ઘટનાને કારણે મિશનરીઓના સમર્થક એવા ઘણા `બાબુ'ઓ એમની વિરુદ્ધ થઈ ગયા. કોલકતાનો હિન્દુ સમાજ એનો બદલો લેવા માટે તૈયાર થઈ ગયો. દેવેન્દ્રનાથ ઠાકુર તથા એમની તત્ત્વબોધિની સભાએ જાહેરમાં પોતાનો વિરોધ પ્રકટ કર્યો. મિશનરીઓની પોલ ખોલવામાં તેઓ સફળ રહ્યા. મિશનરીઓની પ્રવૃત્તિનું અસલી સ્વરૂપ પ્રકટ કરવા તથા એમનાં કરતૂતોનો જાહેર વિરોધ કરવા માટે લોકો તૈયાર થઈ ગયા.
 
મિશનરીઓ સાથે લડાઈની શરૂઆત રાજા રામમોહન રાયે કરી છે, પરંતુ એ સૈદ્ધાંતિક સ્તર પૂરતી જ મર્યાદિત રહી. દેવેન્દ્રનાથ ઠાકુરનો વિરોધ અલગ સ્વરૂપનો હતો. એમના અનુભવ તથા એમની પરિસ્થિતિઓ તદ્દન અલગ, એનો સંબંધ સર્વસામાન્ય પ્રજા સાથે હતો. એટલે એમનું કુરુક્ષેત્ર તથા ધર્મક્ષેત્ર સામાન્ય જનસમાજ જ રહ્યો. મિશનરીઓનાં ષડયંત્રો સામે લોકોને જાગ્રત કરવાનું કામ દેવેન્દ્રનાથે કર્યું હતું. એક અભિજાત પરિવારમાં જન્મ લઈને પણ એમણે ઘેરઘેર ફરીને મિશનરીઓનાં કરતૂતો વિશે લોકોને માહિતગાર કર્યા. શિક્ષણના નામે થઈ રહેલાં ધર્માંતરણ વિશે લોકોને માહિતી આપી. અંગ્રેજી શિક્ષણને કારણે બાળકોના વિચારો પર થઈ રહેલી પ્રતિકૂળ અસરની વાત કરી. દેવેન્દ્રનાથની પ્રવૃત્તિએ એક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. એમની બદલાની ભાવનાનો પ્રસાર ગામેગામ થવા લાગ્યો. મિશનરીઓની અસરથી મુક્ત હોય એવી શાળાઓ ખૂલવા લાગી. એને પરિણામે મિશનરીઓની પ્રવૃત્તિ ઝાંખી પડી અને દેવેન્દ્રનાથના પ્રયત્નોને સફળતા મળવા લાગી.
 
દેવેન્દ્રનાથે પોતાનું કામ ત્યાં અટકાવ્યું નહીં. એમણે લોકોને આહ્વાન કર્યું કે તેઓ સ્વધર્મ છોડીને અન્ય ધર્મનો સ્વીકાર ન કરે. નેતાઓ તથા યુવાનોને એ દિશામાં વિચારવાની પ્રેરણા એમણે આપી. તત્ત્વબોધિની સભાની મુખ્ય પત્રિકા `તત્ત્વબોધિની'ના માધ્યમથી એમણે પોતાના વિચારો સામાન્ય પ્રજા સુધી પહચાડ્યા. લોકોમાં ભાવાત્મક પરિવર્તન માટે એ સહાયક સાબિત થયા. મિશનરીઓ વિરુદ્ધ એમણે વધુ ઉગ્ર ભાષાનો ઉપયોગ શરૂ કર્યો. એલેકઝાંડર ડફનાં વિધાનોનો એમણે જડબાતોડ જવાબ આપ્યો. છેવટે ડફે પોતાનો પરાજય સ્વીકારી લીધો. અને આવ્યો હતો એમ જ જહાજમાં બેસીને પાછો ચાલ્યો ગયો. એ જ વર્ષે એ જ કોલકતામાં વિશ્વનાથ દત્તને ઘરે નરેન્દ્રનો જન્મ થયો. એ જ નરેન્દ્ર આગળ જતાં સ્વામી વિવેકાનંદને નામે પ્રસિદ્ધ થયા.
 
***
 
ઓગણીસમી સદીને આપણે બે ભાગોમાં વહેંચી શકીએ છીએ. પૂર્વાર્ધ આત્મવિસ્મૃતિનો તથા ઉત્તરાર્ધ આત્મજાગરણનો. આ સદીની શરૂઆતમાં જે. એ. મિલનો ભારતીય ઇતિહાસ ભણાવાતો હતો. અંગ્રેજોના આગમન પહેલાં ભારતીયોની સ્થિતિ અત્યંત દયાજનક હતી તથા એમના આગમનને કારણે ભારતીયોની સ્થિતિ સુધરી ગઈ છે એમ જ ભણાવવામાં આવતું હતું. ભારતીય ઇતિહાસકારોએ પણ એનું સમર્થન કર્યું. પરંતુ એલેકઝાંડર ડફ પાછો ફર્યો એના બે વર્ષ પહેલાં એલેકઝાંડર કનિંગહામની ભૂગર્ભશોધ તથા મેકસમૂલર, વિલ્સન, ફારગુજા, રાજેન્દ્રલાલ મિશ્ર વગેરેની સાહિત્યિક રચનાઓએ શિક્ષણક્ષેત્રે નવી રોશની પ્રકટાવી. ગુરુશિષ્યની જન્મભૂમિ ભારતની તુલના પ્રાચીન રોમ તથા ગ્રીસ સાથે કરી. સમુદ્રપાર ખ્યાતિપ્રાપ્ત ઉત્કૃષ્ટ ભારતીય સંસ્કૃતિનું યશોગાન કરવામાં આવ્યું. એમણે ગૌરવનો અનુભવ કર્યો કે સંતાન છીએ અમે આ દેશનાં, માનવસમાજના આત્મજ્ઞાનના પ્રથમ સ્ફુરણરૂપ વેદી, દાર્શનિકતાથી પ્રજ્વલિત દીપકરૂપી ઉપનિષદો, ધર્મધ્વજની શીળી છાંયમાં દૂર દૂર સુધી પ્રકાશ ફેલાવતા બૌદ્ધ ભિક્ષુઓ, ગાંધારથી કકણ સુધી ફેલાયેલું દેવોને પ્રિય અશોકનું સામ્રાજ્ય, સર્વસંપન્ન સમૃદ્ધિના પ્રતીકરૂપ ગુપ્ત સામ્રાજ્યના સુવર્ણયુગ વગેરેએ યુવામાનસમાં કાયાકલ્પ પેદા કર્યો.
 
બદલાતી પરિસ્થિતિઓ જેમ કે નવી શિક્ષણપદ્ધતિ, નવાં શરૂ થયેલાં સમાચારપત્રો, સમુદ્રપારની વિદેશયાત્રાઓ વગેરેને કારણે યુવાનોને પશ્ચિમની પ્રવૃત્તિઓ જાણવા-સમજવાની મળેલી તક, છેડાયેલાં રાષ્ટ્રીય મુક્તિ આંદોલનો, ગ્રીક રોમ જેવા પૌરાણિક દેશોએ વિદેશી સત્તાને હટાવીને આઝાદી મેળવ્યાની કથાઓ વગેરેની માહિતીએ લોકોમાં જોશ ભરી દીધું. આયર્લેન્ડનો સ્વતંત્રતા સંગ્રામ પણ જોશનું કારણ બની ગયો. એનું મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ હતું, અંગ્રેજી સત્તાના શિકાર બનેલા લોકોની સંવેદના.
 
એક તરફ પ્રજામાં ધાર્મિક ભાવના જાગ્રત કરવાનું કામ મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરના પિતા દેવેન્દ્રનાથ ઠાકુરે કર્યું તો બીજી તરફ લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગ્રત કરવાના જીવનલક્ષ્યનું નિર્વહન મહર્ષિ અરવિંદના મામા રાજનારાયણ બસુએ કર્યું હતું. પશ્ચિમ તરફ ઢળેલા લોકોને પૂર્વ તરફ ફરવાનું એમણે આહ્વાન કર્યું. અંગ્રેજી ભાષા બોલનારા, વિચાર કરનારા તથા અંગ્રેજીમાં જ સ્વપ્ન જોનારા લોકોને એમણે માતૃભાષા બોલવા માટે તથા સંસ્કૃતનું અધ્યયન કરવા માટે અપીલ કરી. પેન્ટ અને કોટને બદલે ઝભ્ભો-લેંઘો પહેરવાનો ઉપદેશ આપ્યો. ટાઈ છોડીને શાલ ઓઢવા કહ્યું, જમીન પર બેસીને ભોજન કરવું, દેશી ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવું તથા દેશી વિદ્યાલયોમાં ભણવું વગેરે બાબતો તેઓ લોકોને સમજાવતા હતા. એમણે બંગાળના વિદ્વાનોને એ પણ અપીલ કરી કે તેઓ ભારતીય સંસ્કૃતિ તથા વારસા સાથે સંબંધિત મહાન ગ્રંથો તથા શોધનિબંધોનો બંગાળી ભાષામાં અનુવાદ કરે..
 
રાષ્ટ્રીય સ્તરે એક લોકનેતા તરીકે ઊભરેલા બસુએ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોનું પ્રત્યક્ષ ખંડન કર્યું. એમનું એ માનવું હતું કે ભલે જાતિભેદ હિન્દુ ધર્મનો એક દોષ હોય એમ છતાં આપણો ધર્મ ખ્રિસ્તી ધર્મ કરતાં તો સારો જ છે. માનવ સમુદાયને પૂર્ણ લક્ષ્યબોધ તો આર્ય ધર્મ જ પ્રદાન કરી શકે છે. એમણે આ બધું જ સશક્ત ભાષામાં ઘોષિત કરવાની હિંમત દેખાડી.
દેશાભિમાની બસુ ક્રાંતિકારી હતા. રાષ્ટ્રીય ભાવના જાગ્રત કરવાના ઉદ્દેશ્યથી એમણે એક સમિતિની રચના કરી. કાંટાને કાંટાથી કાઢવો એમાં જ તેઓ વિશ્વાસ ધરાવતા હતા. જાણી જોઈને એમણે એ સમિતિનું નામ અંગ્રેજી રાખ્યું, 'Society for the promotion of national feeling among the educated natives of Bengal' એ સમિતિને કેન્દ્ર બનાવીને એમણે કામ કર્યું અને આગળ વધ્યા.
 
એમની પ્રવૃત્તિ માત્ર સમિતિ સુધી જ સીમિત ન રહી. તેઓ એમ માનતા હતા કે, અંગ્રેજોએ ન્યાય-અન્યાયની ચિંતા કર્યા વિના દેશ પર અધિકાર સ્થાપિત કરી લીધો છે. એટલે એમને બહાર કાઢવા માટે પણ ન્યાય-અન્યાયનું વિવેચન કરવાની કોઈ જરૂર નથી. નેશનલ સોસાયટી ઉપરાંત એમણે એક ગુપ્ત સમિતિની રચના પણ કરી હતી. રવીન્દ્રનાથ ઠાકુર એ સમિતિના સભ્ય હતા.
નવગોપાલ મિશ્ર એક ઉત્તમ સંયોજક હતા. રાજનારાયણ બસુના આશયો અમલમાં મૂકવામાં એમણે મોટો ફાળો આપ્યો. એમણે દેશી પદ્ધતિના હિન્દુમેળાની શરૂઆત કરી. ભક્તિગીતો ગાવાં, કવિતાઓની રચના કરવી, કવિ સંમેલનોનું આયોજન કરવું, વ્યાખ્યાનમાળા આયોજિત કરવી, કુસ્તી શીખવવી, વ્યાયામની સ્પર્ધાઓ આયોજિત કરવી વગેરે હિન્દુમેળાના કાર્યક્રમો હતા.
 
એક વાર હિન્દુમેળામાં એક અખિલ ભારતીય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. સ્વદેશી ભાવના તથા સ્વાભિમાન વધારવાનો જ એનો ઉદ્દેશ હતો. કાશી, કાશ્મીર, જયપુર, પટના વગેરે અનેક સ્થાનો પરથી કલાકૃતિઓ ત્યાં આવેલી હતી. પ્રદર્શનીએ લોકોને ઘણા આકર્ષિત કર્યા. અંગ્રેજો પણ એ જોવા માટે આવ્યા. એમણે શું અહેવાલ મોકલ્યો એ તો જાણતા નથી, પરંતુ દેશવાસીઓએ મોટી સંખ્યામાં આવીને એ આયોજન સફળ બનાવ્યું. એ સાથે જ સંસ્કૃત અને બંગાળી ભાષામાં લખાયેલાં ઉત્કૃષ્ટ પુસ્તકોને પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. બંગાળના સાહિત્યિક વૈભવને વિકસિત કરવા માટેનું આ પહેલું પગલું હતું. આ હિન્દુમેળો માત્ર લોકોને ભેગા થવાનું સ્થળ જ ન હતું, એ એક આંદોલન હતું. એ પછી સ્થપાયેલાં અનેક સંગઠનોની સ્થાપનાનો માર્ગ એણે ખોલી આપ્યો.
 
***
 
પહેલો હિન્દુમેળો સન ૧૮૬૭માં સંપન્ન થયો. હિન્દુ ધર્મનો નાશ કરવા માટે મેકોલે દ્વારા નિર્ધારિત પદ્ધતિનાં ત્રીસ વર્ષ પછી પરિસ્થિતિ કેવી રહી? બંગાળમાં ધર્માંતરણ માટે એણે જે જે સજ્જનોને લક્ષ્ય બનાવ્યા એ બધા હિન્દુ જ રહ્યા ત્યારે અંગ્રેજોને મોટો આઘાત લાગ્યો. ભણેલા લોકો ભલે અંગ્રેજોની નોકરી કરતા હતા, પરંતુ એમના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન જણાયું. સરકારી નોકરી એમને માટે ગૌરવચિહ્ન કે મહત્ત્વાકાંક્ષા ન રહેતાં જીવન ચલાવવાનું કે પેટ ભરવાનું સાધન માત્ર હતું.
 
એ સરકારી અધિકારીઓમાં એક હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. તેઓ પોતે ઊંચા હોદ્દા પર હતા. એક વાર તેઓ દક્ષિણેશ્વર શ્રી રામકૃષ્ણ પરમહંસનાં દર્શન કરવા માટે ગયા. એમણે શ્રી રામકૃષ્ણને પ્રણામ કર્યા અને એક ખૂણામાં જઈને બેઠા. ચિરપરિચિત બંકિમને જોઈને શ્રી રામકૃષ્ણે સ્મિત કર્યું. શ્રી રામકૃષ્ણની વ્યંગોક્તિ તો પ્રસિદ્ધ છે. બંકિમનું નામ સારી રીતે ધ્યાનમાં રાખીને એમણે પૂછ્યું, `તમે ક્યારથી `બંકિમ' થઈ ગયા ?' (બંગાળી ભાષામાં બંકિમનો અર્થ વાંકો થાય છે.) પ્રશ્ન સાંભળીને ત્યાં બેઠેલા લોકો હસી પડ્યા. બંકિમે પણ એવી જ રીતે જવાબ આપતાં કહ્યું, `બ્રિટિશ બૂટો (જૂતાં)ની લાત ખાઈ ખાઈને.' બધા જ મોટેથી હસી પડ્યા.
 
એ જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મારા સુવર્ણદેશ બંગાળના ગદ્ય સાહિત્યના પિતામહ છે અને મારા પિતાજી પણ છે..
 
***
 
(ક્રમશઃ)