`૯મી ઓગસ્ટ - વિશ્વ મૂળનિવાસી દિવસ' તો જનજાતિઓના સંહારનો દિવસ છે, એને ભારતમાં ના ઊજવવાનો હોય : શ્રી પ્રકાશ ઉઇકે

તાજેતરમાં શ્રી પ્રકાશજી ઉઈકે `સાધના" કાર્યાલયની મુલાકાતે પધાર્યા હતા. અનુસૂચિત જનજાતિ સમાજના કલ્યાણ અર્થે તેમની સાથે દીર્ઘ સાક્ષાત્કાર થયો, તેના અંશો અહીં પ્રસ્તુત છેઃ

    ૧૦-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

world-indigenous-day-and-prakash-uikey
 
 
 
છેલ્લાં ઘણા સમયથી અનુસૂચિત જનજાતિ સમાજને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જનજાતિ સમાજની સંવૈધાનિક પરિભાષા, મૂળનિવાસી દિવસ, ડીલિસ્ટિંગ વગેરે અનેક મુદ્દાઓ અંગે સમાજના જનસામાન્ય લોકોના મનમાં અનેક પ્રશ્નો છે. તો અનુસૂચિત જનજાતિ સંબંધિત આવા અન્ય પ્રશ્નો અને જનજાતિ સમાજના કલ્યાણ માટેની કેટલીક વાતો આજે આપણે શ્રી પ્રકાશ ઉઈકેજી પાસેથી જાણીશું. શ્રી પ્રકાશજી ઉઈકે સ્વયં અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે. તેઓએ મધ્ય પ્રદેશમાં આવેલા પાંઢુર્ણાના ન્યાયાલયમાં ૧૨ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે સેવા આપી છે. કાર્ય કરતાં કરતાં, અનુભવને આધારે તેમને લાગ્યું કે, ન્યાયપાલિકાઓ એની રીતે બરાબર કામ કરે છે, છતાં પણ તેની કેટલીક સીમાઓ છે. માત્ર ન્યાયપાલિકા દ્વારા સમાજના સામાન્ય લોકોના ઉત્થાન, કલ્યાણ અને સેવાનું કાર્ય વ્યાપક રૂપે થઈ શકે નહીં. આથી પ્રકાશજીએ ન્યાયાધિશની સેવામાંથી ત્યાગપત્ર આપી દીધું અને નિરંતર સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયા. વર્તમાનમાં તેઓ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગ (નવી દિલ્હી)ના વરિષ્ઠ સલાહકાર તરીકે કાર્યરત છે. તાજેતરમાં જ તેઓશ્રી `સાધના' કાર્યાલયની મુલાકાતે પધાર્યા હતા. અનુસૂચિત જનજાતિ સમાજના કલ્યાણ અર્થે તેમની સાથે દીર્ઘ સાક્ષાત્કાર થયો, તેના અંશો અહીં પ્રસ્તુત છેઃ
 
 
આપ શ્રી ખાસ કરીને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને તેમના અધિકારો માટે કામ કરી રહ્યા છો. તો સંવિધાનમાં અનુસૂચિત જનજાતિ માટે કયા માનદંડો નક્કી કરવામાં આવ્યા છે? સંવિધાનમાં અનુસૂચિત જાનજાતિની પરિભાષા શું છે?
જનજાતિ સમાજને જુદા જુદા નામે બોલાવવામાં આવે છે. કોઈ અનુસૂચિત જનજાતિ સમાજ કહે છે, કોઈ આદિવાસી કહે છે, કોઈ વનવાસી કહે છે, તો કોઈ ગિરજન પણ કહે છે. અલગ અલગ સમયે અલગ અલગ નામો છે. પરંતુ મૂળભૂત રીતે આપણે એ જોવાનું છે કે શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં તેમને કયા નામથી સંબોધ્યા છે, તેમનું બંધારણીય નામ કયું છે? જો આપણે સંવિધાન તરફ જઈએ, તો સંવિધાનમાં કલમ ૩૬૬ (૨૫)માં અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપેલી છે. તેમાં તેનાં માટે `અનુસૂચિત જનજાતિ' શબ્દ છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કલમ ૩૪૨ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલના અહેવાલ (રીપોર્ટ) પર, જેને જેને જનજાતિના રૂપે અધિસૂચિત કરવામાં આવી છે તે તમામ જાતિ-સમૂહો અનુસૂચિત જનજાતિ છે.
 
પ્રશ્ન - ૧૧૯૬૫માં એક `લોકુર સમિતિ' બની હતી. એ સમિતિએ જનજાતિઓની ઓળખ માટે પાંચ માનદંડ નિર્ધારિત કર્યા હતા. તે કયા છે અને એના સંદર્ભે આપ શું કહેવા માંગો છો?
 
 
૧૯૫૬ પછી જ્યારે ભાષાઓના આધારે વિવિધ રાજ્યોની રચના થઈ, ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત વગેરે રાજ્યો બન્યાં હતા. આ બધાં રાજ્યો રચાયાં તે સમયે એક વિસંગતતા ઊભી થઈ હતી. એ વિસંગતતા એ હતી કે અનુસૂચિત જનજાતિ સમાજ દરેક રાજ્યમાં હાજર હતો. હવે રાજ્ય તો અલગ થઈ ગયું હતું આથી અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ કોણ છે તે અંગે અનેક પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થઈ. આથી એના ઉકેલ માટે એક આયોગ ઊભું કરવામાં આવ્યું. એ આયોગનું નામ હતું `લોકુર સમિતિ'. આ સમિતિને એ કામ સોંપવામાં આવ્યું કે તે નક્કી કરે કે અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ કોણ છે. સંશોધન અને વિચાર-વિમર્શ પછી લોકુર સમિતિએ પાંચ માનદંડો નક્કી કર્યા. એ પેરામીટરમાં જે વ્યક્તિ આવતો હશે એ વ્યક્તિ અનુસૂચિત જાતિનો વ્યક્તિ ગણાશે એવું નિર્ધારિત કર્યું. એ માનદંડોમાં (૧) આદિમ લક્ષણ (૨) વિશિષ્ટ સંસ્કૃતિ (૩) ભૌગોલિક અલગાવ (૪) સામુદાયિક અલગતા અને (૫) પછાતપણું- આ પાંચનો સમાવેશ થાય છે.
 
 
પ્રશ્ન - ૨ ઘણા સમુદાયો અનુસૂચિત જનજાતિના દરજ્જા માટે માંગ કરતાં રહે છે. તે અંગે આપનું શું કહેવું છે?
 
 
હા, સમયાંતરે ઘણા સમુદાયો રજૂઆતો પણ કરતા રહે છે કે, અમને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપો. તાજેતરમાં મહારાષ્ટમાં ધનગર સમુદાયે આ માંગ કરી હતી. પણ ખરેખર અનુસૂચિત જનજાતિના દરજ્જા માટે એક વિશેષ પ્રક્રિયા અને ઉપરના માનદંડોની જરૂર પણ હોય છે. આ માટે રાજ્ય વિધાનસભામાં એક ઠરાવ પસાર કરે છે કે, આ સમુદાયને અમે અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માંગીએ છીએ. રાજ્ય સંશોધન કેન્દ્ર, આદિવાસી સંશોધન કેન્દ્ર વગેરે તેનો અહેવાલ રજૂ કરે. મેં લોકુર સમિતિના જે માનદંડોનો ઉલ્લેખ કર્યો તે પણ જોવાય. તે પછી તે વસ્તીગણતરી કમિશનર પાસે જાય છે. તેઓ તેનું પરીક્ષણ કરે અને પછી તેનો અહેવાલ તેઓ રાષ્ટીય જનજાતિ આયોગને મોકલે છે. આયોગની ટીમ પણ તે જનજાતિઓનો સંપૂર્ણ અભ્યાસ કરે, માહિતી એકત્રિત કરે. આ બધું કર્યા પછી, સમગ્ર અહેવાલ રાજ્યસભા અને લોક્સભામાં મૂકવામાં આવે છે અને ત્યાંથી પસાર થયા પછી જ જે તે સમુદાયને જનજાતિનો દરજ્જો મળે છે. અને આમાં લોકુર સમિતિના પાંચ માનદંડો ખૂબ જ અગત્યના છે.
 
પ્રશ્ન - ૩આપે લોકુર સમિતિની વાત કરી. આવું જ એક નિયોગી કમિશન પણ હતું. તે કમિશન શેના માટે હતું, તેણે કેવી કેવી ભલામણો કરી હતી અને વર્તમાનમાં એ ભલામણોની સ્થિતિ કેવી છે?
 
અનુસૂચિત જનજાતિની વાત કરી રહ્યા છીએ ત્યારે નિયોગી આયોગની વાત કરવી ખૂબ જ અગત્યની છે. નિયોગી આયોગને જો સીધેસીધું જ જનજાતિ સમાજના અસ્તિત્વ સાથે જોડીને જોઈએ તો મારા મતે કોઈ જ અતિશયોક્તિ નહીં થાય.
 
હું માંડીને વાત કરું. આ ૧૯૫૬ની વાત છે. મધ્યપ્રદેશ એક નવું રાજ્ય હતું, જેના પહેલા મુખ્યમંત્રી હતા પંડિત રવિશંકર શુક્લા. એકવાર તેઓ ત્યાંના જસપુર વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યારે જનજાતિ સમાજના બંધુઓએ તેમને કાળા ઝંડા બતાવીને તેમનો વિરોધ કરતાં કહ્યું કે, `આ અમારો દેશ છે, તમે અમારા દેશમાં ખોટા આવી ગયા છો. અમારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે કોઈ લેવા દેવા નથી. આપ પાછા ચાલ્યા જાવ.'
 
જે રીતે સાયમન કમિશન માટે `ગો-બેક'ના નારા લાગ્યા હતા એવા જ નારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના વિરોધમાં તેમના જ રાજ્યમાં, તેમના વિસ્તારમાં લાગ્યા. મુખ્યમંત્રી ખૂબ જ વિચલિત થઈ ગયા. તેમણે વિચાર્યું, `ભાઈ, આ શું છે? હું મારા પોતાના રાજ્યમાં ફરું છું અને લોકો એને અલગ દેશ કહી રહ્યા છે!' તે સમયે ઝારખંડ અને છત્તીસગઢ એક હતા.
 
આ ઘટનાથી મુખ્યમંત્રીને ખૂબ ચિંતા થઈ. તેમણે એક સાથીને પૂછ્યું કે, `આ લોકો આવું કેમ કરી રહ્યા છે?' ત્યારે તેમણે કહ્યું કે, `આ મિશનરીઓ સાથે સંકળાયેલા જનજાતિ સમુદાયના લોકો છે! મિશનરીઓએ તેમને ભ્રમિત કર્યા છે અને એના કારણે તેઓ આપણા જ દેશમાં આવું કરી રહ્યા છે.'
 
આ ઘટના બહુ ગંભીર હતી. એ દિવસે ધર્માતરિત બંધુઓની ઘટનાથી ચિંતિત થયેલા મુખ્યમંત્રીશ્રી પંડિત રવિશંકર શુક્લાએ નિવૃત ન્યાયાધીશ ભવાની શંકરની અધ્યક્ષતામાં એક કમિશન બનાવ્યું. તે કમિશન એટલે નિયોગી આયોગ. આ કમિશને બે વર્ષ સુધી આખા દેશનો અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને તેઓએ જનજાતીય વિસ્તારોની મુલાકાત લઈને મિશનરીઓનો પણ અભ્યાસ કર્યો અને આ બધા અભ્યાસ પછી, તેઓએ ખૂબ લાંબો રિપોર્ટ બનાવ્યો. એ રિપોર્ટ ચારથી પાંચ હજાર પાનાંનો હતો. પરંતુ તેમણે આ સરકારને રજૂ કરતી વખતે સારરૂપે કહ્યું કે, `મિશનરી કાર્ય ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે, જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા મિશનરીઓ કામ કરી રહ્યા છે. તેઓ મુખ્યત્વે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર પર વધુ કામ કરે છે. તેમના દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણની આડમાં ધર્માંતરણનું કામ કરે છે. તેઓ આરોગ્ય ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છે અને તેમાં પણ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત ધર્માંતરણનો છે.'
 
આટલું જ નહીં નિયોગી આયોગે તેમના અહેવાલમાં સરકારને એ પણ ભલામણ કરી કે, મિશનરીઓ દ્વારા જે આશ્રમશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ કે આરોગ્ય સંબંધિત સેવાઓ ચાલે છે તેને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. સરકારે આ કામ કોઈ અન્ય સંસ્થાને આપવું જોઈએ અથવા તો પોતે આ કામ કરવું જોઈએ. પરંતુ આ કામ મિશનરીઓના આ સંગઠન દ્વારા ન થવું જોઈએ, કારણ કે તેઓ ધર્માંતરણને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તે જનજાતિ સમુદાયના અસ્તિત્વ માટે ખતરનાક છે. જો મિશનરીઓ આ જ રીતે કામ કરતા રહેશે તો જનજાતિ સમુદાયનું સમગ્ર અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.
હવે દુઃખદ વાત એ છે કે આ રીપોર્ટ ૧૯૫૬માં આવ્યો હતો, આજે ૭૫ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પણ આ રીપોર્ટની ભલામણો આજ સુધી અમલમાં મુકાઈ નથી. કોઈ સરકારે આ અહેવાલ પર ધ્યાન આપ્યું નથી. કોઈ સરકારે આ અહેવાલની ભલામણો પર વિચાર કર્યો નથી. વિચાર કરો, ૭૦-૭૫ વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી તો આજે શું હશે? કારણ કે તેઓ સતત તે કાર્ય કરી રહ્યા છે. માટે મારું માનવું છે કે આ આયોગની ભલામણોનો જેમ બને તેમ જલદી અમલ થવો જોઈએ.
 
પ્રશ્ન - ૪શું હાલમાં નિયોગી આયોગની ભલામણો અંગે કોઈ કામ ચાલી રહ્યું છે ખરું?
 
 
હા, હાલમાં તે ભલામણો પર થોડું કામ ચાલી રહ્યું છે, પણ સત્ય એ છે કે હજુ એનો અમલ થયો નથી. આ વિષય જનજાતિ સમાજના અસ્તિત્વ સાથે સંબંધિત છે, તેથી આજે આ અહેવાલ સુસંગત છે અને મને લાગે છે કે સરકારે બીજું એક કમિશન બનાવવું જોઈએ જે જનજાતિ વિસ્તારોમાં ધર્માંતરણનાં કારણો અને આવા ધર્માંતરણ માટે કયા સાધનો અપનાવવામાં આવી રહ્યાં છે તેનો અભ્યાસ કરે.
 
પ્રકાશજી, ઘણા સમયથી ડીલિસ્ટિંગની માંગ કરવામાં આવી રહી છે. તો આ માંગ શું છે અને તે શા માટે જરૂરી છે?
જી, આ વાતોનો ઉત્તર જનગણનામાં છે. હવે નવી વસ્તીગણતરી આવશે. એક અંદાજ મુજબ આ દેશમાં લગભગ ૧૦થી ૧૨ કરોડ જનજાતિ સમુદાયના લોકો રહે છે. ડીલિસ્ટગની માંગ કોઈ નવી માંગ નથી. એ માંગ ૧૯૬૭થી કરવામાં આવી રહી છે. એ જમાનામાં બાબા કાર્તિક ઉરાવ નામના એક મોટા કોંગ્રેસી નેતા હતા. તેમણે અવલોકન કર્યું હતું કે, ૧૯૫૦થી જનજાતિ સમુદાયને અનામત આપવામાં આવી રહી છે. તેમણે વિચાર્યું કે, રાજકીય અનામત, શૈક્ષણિક અનામત, નોકરીઓમાં અનામત વગેરે અનામતોનો લાભ લઈને ૧૭ વર્ષમાં જનજાતિ સમાજ ક્યાં પહોંચ્યો છે? તેમની વિકાસયાત્રા શું રહી છે? આ બધું જાણવા-સમજવા માટે તેમણે સરકાર સમક્ષ એક સંયુક્ત સંસદીય સમિતિની માંગ કરી. આથી એક સંયુક્ત સંસદીય સમિતિની પણ રચના કરવામાં આવી. એ સમિતિએ બે વર્ષ સુધી દેશભરમાં પ્રવાસ કર્યો અને આ બાબતનો અભ્યાસ કર્યો. આ બાબતનો અભ્યાસ કરતાં તેમને સ્ફોટક વિગતો જાણવા મળી કે જનજાતિ સમુદાયના ૨થી ૩ ટકા લોકો ધર્માંતરણ કરીને ખ્રિસ્તી કે મુસલમાન બની ગયા છે. બાકીના ૯૭% ટકા લોકો અનામતનો લાભ લઈ રહ્યા નથી, બલકે ફક્ત ધર્માંતરિત થઈ ગયેલા ૩% લોકો જ અનામતનો લાભ લઈ રહ્યા છે.
 
હવે આ દેશમાં કોઈ પણ વ્યક્તિના બે દરજ્જા નથી. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી છે, તો તે ચોક્કસપણે લઘુમતી બની જાય છે. જો કોઈ વ્યક્તિ મુસ્લિમ છે, તો તે પણ લઘુમતી શ્રેણીમાં આવે છે. મૂળ સમસ્યા જ આ છે, ધર્માંતરિત થઈ ગયેલા લોકો જનજાતિના સ્ટેટસનો પણ લાભ લઈ રહ્યા હતા. લઘુમતીઓ માટે તો એક અલગ વિભાગ છે. અલગ યોજનાઓ છે. જો જનજાતિના લોકો ધર્માંતરિત થઈ જ ગયા છે તો તેમણે જે સમુદાયમાં ગયા હોય તેને જ અનુસરવો પડે. તેના જ, એટલે કે લઘુમતીના જ લાભ લેવા જોઈએ. જનજાતિ સમાજ તો તેણે છોડી દીધો છે તો તેને મળતા લાભ લેવાના ના હોય.
 
આપણા સંવિધાનની કલમ ૩૪૧ અનુસૂચિત જાતિ સમુદાય માટે છે. કલમ ૩૪૧ કહે છે કે અનુસૂચિત જાતિ સમુદાયનો વ્યક્તિ અન્ય કોઈપણ ધર્મમાં જાય - ઉદાહરણ તરીકે ઈસાઈ અથવા મુસલમાન - તો તેને અનામતનો લાભ મળશે નહીં. તેને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. અને કલમ ૩૪૧ની નીચે, કલમ ૩૪૨ લખેલી છે. પણ તેમાં પણ લખ્યું છે કે, આમાંથી કોઈ પણ બાબત જનજાતિ સમુદાયને લાગુ પડશે નહીં. જનજાતિ સમાજનો વ્યક્તિ જો ખ્રિસ્તી અથવા મુસ્લિમ બની જાય તો તેને અનામતના સમાન લાભ મળી રહ્યાં છે.
 
આપણા બંધારણની કલમ ૩૪૨માં એક વિસંગતતા છે જેને રાજ્યસભા અને લોક્સભામાં વટહુકમ પસાર કરીને અને ઠરાવ પસાર કરીને સુધારી શકાય છે. તેના માટે ૧૯૬૭માં એક સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી અને જ્યારે તેનો અહેવાલ અપાયો ત્યારે બાબા કાર્તિક ઊરાવે લોક્સભામાં ૫૦ મિનિટ સુધી તે અહેવાલ પર ભાષણ આપ્યું હતું. ૩૫૦ સાંસદો તેમના પક્ષમાં હતા અને કોંગ્રેસે તે બિલ વિરુદ્ધ વ્હીપ જારી કર્યો હતો. તે સમયે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. પણ બન્યું એવું કે નાગાલેન્ડ અને મિઝોરમના ખિસ્તી મુખ્યમંત્રીઓ સહિત અનેક મિશનરીઓએ તેમના પર દબાણ કર્યું. આ બાબત વિદેશ મંત્રાલયનાં મંતવ્યો લેવા માટે પણ મોકલવામાં આવી હતી. પછી તેમાં ક્્યાંક કોઈ આંતરરાષ્ટીય દબાણ પણ ભળ્યું હતું. આવા મિશનરીઓના દબાણને કારણે બિલ આવ્યું ન હતું. પાછળથી તેઓએ વિસંગતતા દૂર કરવા માટે એક સમિતિની રચના કરી. આ બધું ૧૯૬૭થી ૧૯૭૦ સુધી ચાલુ રહ્યું. તે પછી, ૨૦૦૬માં, જનજાતિ સુરક્ષા મંચ શરૂ કરવામાં આવ્યો. તેઓ જનજાતિ સમુદાયની આ માંગણીને ફરીથી સમાજ સમક્ષ લઈ ગયા. મંચે દૂર-સુદૂરના જનજાતિ સમુદાયને જાગ્રત કર્યો કે, તેમને મળતી અનામતોનો લાભ લાંબા સમયથી બીજા લોકો લઈ રહ્યા છે. તેમણે જનજાતિ સમાજને એ બાબતે પણ જાગ્રત કર્યો કે, આ બધું મિશનરીઓ કરી રહ્યા છે. મિશનરીઓ જ તેમના વાસ્તવિક મૂળ, તેમના અસ્તિત્વનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આને દૂર કરવા માટે, ડીલિસ્ટિંગ જરૂરી છે. એટલે કે જે લોકો આવા ધર્માંતરિત છે તેમને અનુસૂચિત જનજાતિના લોકોની યાદીમાંથી દૂર કરવા. અનુસૂચિત જનજાતિ સમાજને કેન્દ્રીયસ્તરે ૭% અનામત છે, પછી ભલે તે રાજકારણમાં હોય, શિક્ષણમાં હોય કે નોકરીઓમાં. હું કોઈ ખાસ કોઈ પક્ષનું નામ લેતો નથી. પણ તેમનો જનપ્રતિનિધિ, ધારાસભ્ય કે સાંસદ એક ધર્માંતરિત ખ્રિસ્તી કે ધર્માંતરિત મુસ્લિમ હોય અને પાછો જનજાતિ સમાજનું પ્રતિનિધિત્વ પણ કરતો હોય. મને એ નથી સમજાતું કે ધર્માંતરિત જનજાતિય વ્યક્તિ સમગ્ર જનજાતિ સમાજનો પ્રતિનિધિ કેવી રીતે હોઈ શકે છે? આ યોગ્ય નથી. માટે ડીલિસ્ટગ ખૂબ જરૂરી છે.
 
 
પ્રશ્ન - ૫આપશ્રીએ ધર્માંતરિત જનજાતિ સમાજના વ્યક્તિની વાત કરી, તેનું કોઈ એક ઉદાહરણ આપશો?
 
 
હા, મેઘાલયની એક ઘટના કહું. આપણે ત્યાં સરપંચનું પદ હોય છે તેમ ત્યાંના ગામડામાં ગ્રામ બુઢાનું પદ હોય છે. એ ગામનો વડો હોય છે અને ડોલોઈ પણ કહેવાય છે. એક વખત મેઘાલયના એક જનજાતિ બહુલ ગામમાં ગ્રામ બુઢાની ચૂંટણી યોજાઈ અને જાહેરાત થઈ કે, જે વ્યક્તિ ધર્માંતરિત થઈને ઈસાઈ કે મુસલમાન બની ગયો હશે એ વ્યક્તિ આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. હવે આ ગામનો રિબાઈ નામનો જનજાતિ સમાજનો એક વ્યક્તિ ધર્મ બદલીને ક્રિશ્ચિયન બની ગયો હતો. તેને ચૂંટણી લડવી હતી. આથી તેણે સક્ષમ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી કે, `આ મને મળતી કલમ ૧૪ અને ૧૫નું ઉલ્લંઘન છે. કલમ ૧૪ અને ૧૫ કહે છે કે તમે કોઈ વ્યક્તિને ધર્મ, જાતિ વગેરેના આધારે રોકી ના શકો. તેથી મને આ ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઈએ.'
 
મામલો આગળ વધ્યો. તે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયો. પછી માનનીય સુપ્રીમ કોર્ટે ખૂબ સરસ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે, `ભાઈ, આ તારી કલમ ૧૪નું ૧૫નું ઉલ્લંઘન છે એ વાત ઠીક છે. પણ તું જો કલમ ૧૪ અને ૧૫ વિશે વાત કરે છે તો કલમ ૨૫ પણ છે. તમે આદિવાસી સુમદાયના મુખ્ય માણસ એટલે કે ડોલોઈ બનવા માંગો છો. પણ આદિવાસી પરંપરા મુજબ જ્યારે ગામમાં કોઈ જાહેર પૂજા કે કોઈ જાહેર ધાર્મિક વિધિ થાય ત્યારે ફક્ત તે મુખ્ય વ્યક્તિ જ તેમાં ભાગ લે છે. તે આખી પ્રક્રિયા કરે છે અને શરત એ છે કે એ વ્યક્તિ સંપૂર્ણપણે જનજાતિ સમુદાયનો જ હોવો જોઈએ. તમે તો ધર્માંતરિત થઈ ગયા છો અને ક્રિશ્ચિયન છો. હવે તમે ડોલોઈ બનીને જનજાતિ સમાજની પૂજાવિધિ કેવી રીતે કરી શકો? શું તમે સાંભળ્યું છે કે કોઈ પંડિત ચર્ચમાં જઈને પૂજા કરાવી શકે? શું તમે સાંભળ્યું છે કે કોઈ બ્રાહ્મણ દરગાહમાં જઈને કલમા પઢાવી શકે? ગ્રામ બુઢા અથવા ગામના ડોલોઈનું પદ ખૂબ મહત્ત્વનું છે. તે પદ માટે જાહેરનામું જારી કરવામાં આવે છે. સરકારે સૂચનામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિ, જેણે ધર્માંતર કર્યું હોય અથવા ખ્રિસ્તી કે મુસ્લિમ બન્યો છે તે ડોલોઈ પદ માટે પાત્ર રહેશે નહીં અને તે ચૂંટણી લડી શકશે નહીં. માટે આમાં કલમ ૧૪ અને ૧૫નું કોઈ ઉલ્લંઘન નથી. તેના બદલે કલમ ૧૫ અને ૨૫ ખાતરી આપે છે કે દરેક સમુદાયને પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું પાલન કરવાનો અધિકાર છે અને ખ્રિસ્તી વ્યક્તિ જનજાતિ સમાજની પરંપરાગત વિધિ કરી શકે નહીં. માટે તમે ગ્રામ બુઢા કે ડોલોઈ માટે ગેરલાયક છો!'
 
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એક બહુ મોટો દાખલો છે. એ આપણને સ્પષ્ટ માર્ગદર્શન કરે છે કે, જે વ્યક્તિ ધર્માંતરણ કરે છે તે વ્યક્તિ તેની જાતિની ઓળખ ગુમાવે છે. તેનો દરજ્જો બદલાય છે. તો પછી તેને ફરીથી જાતિની અનામત આપવાની જરૂર નથી, એટલે કે એનું ડીલિસ્ટગ જરૂરી છે.
 
પ્રશ્ન - ૬ છેલ્લા ઘણા સમયથી ૯મી ઓગસ્ટના દિવસને `વિશ્વ મૂળનિવાસી દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. આની પાછળની ઐતિહાસિક અને વૈચારિક પૃષ્ઠભૂમિ શું છે? શું આ કોઈ મોટુ ષડયંત્ર છે?
 
હા, આ એક મોટું ષડયંત્ર જ છે. હકીકતમાં `વિશ્વ મૂળનિવાસી દિવસ'એ આપણે ત્યાં ઊજવવાનું કોઈ તાત્પર્ય જ નથી. એ માટે એનો ઇતિહાસ સમજીએ. આપણે પાંચમા ધોરણમાં ભણતા હતા કે વાસ્કો-દ- ગામાએ ભારત શોધ્યું હતું. આ એક તદ્દન જૂઠી વાત છે. ૨૦૦-૨૫૦ વર્ષ પહેલાં જન્મેલો વ્યક્તિ હજ્જારો વર્ષ જૂનું ભારત કેવી રીતે શોધી શકે? તેવી જ રીતે, કોલંબસનો એક કિસ્સો છે કે કોલંબસે અમેરિકા શોધ્યું અને તે ભારત શોધવા નીકળ્યો હતો. આખી ઘટના અહીંથી જ શરૂ થાય છે. કોલંબસ એક વેપારી હતો જે ગુલામોનો વેપાર કરતો હતો. દક્ષિણ અમેરિકામાં જનજાતિ સમાજના અનેક લોકો રહેતા હતા. ત્યાં સ્વદેશી, રેડ ઇન્ડિયન્સ, મસાઈ જેવા જનજાતિ સમુદાયના લોકોનો એક સમૂહ હતો. ભારત શોધવા નીકળેલો કોલંસબ ત્યાં પહોંચ્યો અને તેણે એ બધાને પકડી પકડીને મારી નાંખ્યા. એટલે ત્યાંના મૂળનિવાસીઓનો નરસંહાર કર્યો. એણે એટલી મોટી કત્લેઆમ કરી હતી કે, જનજાતિ સમુદાયની કેટલીક પ્રજાતિઓ તો આ ધરતી પરથી સમાપ્ત થઈ ગઈ. પછી દાયકાઓ બાદ યુ.એસ.માં આ બાબતે બહુ ચર્ચા થઈ. તેમને લાગ્યું કે, આપણે જનજાતિ સમાજ સાથે બહુ ખોટું કર્યું હતું. આપણે આખા સમુદાયનો નાશ કરી દીધો છે. આથી તેમણે જનજાતિ સમુદાયની માફી માંગવા માટે ૯મી ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો અને તેને `વિશ્વ મૂળનિવાસી દિવસ' નામ આપ્યું.
 
આમ હકીકતે તો આ જનજાતિ સમાજ માટે ખરાબ, તેમના પૂર્વજોની હત્યાનો દિવસ છે. શત્રુઓ માફી માંગે છે તે દિવસ છે. એ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘે જુદા જુદા દેશોને પત્ર લખીને આ દિવસ ઉજવવાની વાત કરી અને પૂછ્યું કે, તમારે ત્યાં કેટલા મૂળનિવાસીઓ છે? કેટલા ઈન્ડિજિનિયસ છે? ત્યારે ભારતે સ્પષ્ટ કહ્યું કે, અમારે ત્યાં કોઈ ઇન્ડિજિનિયસ નથી. અહીં વસતા બધા જ આ દેશના મૂળનિવાસીઓ જ છે.
 
જો `આદિવાસી' શબ્દનો શાબ્દિક અર્થ કરીએ તો `આદિ' વત્તા `વાસી'નો અર્થ એવો થાય છે જે અનંતકાળથી અહીં રહે છે. જો હું કહું કે હું આદિવાસી છું, તો એનો અર્થ એ થાય કે તમે બિન-આદિવાસી છો? જો તમે બિન-આદિવાસી છો, તો તેનો અર્થ એ છે કે તમે અનાદિકાળથી અહીં રહેતા નથી. પછી એક પ્રશ્ન ઊભો થાય છે કે તમે ક્્યાંથી આવ્યા છો? શું તમે આફ્રિકાથી આવ્યા છો? શું તમે અમેરિકાથી આવ્યા છો? શું તમે યુરોપથી આવ્યા છો? તો તમે કહેશો કે હું ક્્યાંયથી આવ્યો નથી. હું સદીઓથી, પેઢીઓથી અહીં રહું છું. જ્યારે તમે પણ સદીઓથી અહીં રહો છો અને હું પણ સદીઓથી અહીં રહું છું એનો અર્થ એમ થાય કે તો પછી આપણે બધા શું છીએ? આ દેશના આદિવાસી છીએ, આ દેશના મૂળ રહેવાસી છીએ, પરંતુ ખાસ કરીને એક ચોક્કસ સમુદાયને આદિવાસી કહેવાથી અને બીજાને બિન-આદિવાસી કહેવાથી બે લોકો વચ્ચે તિરાડ પડી રહી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધા જ અહીંના મૂળનિવાસીઓ છીએ. અને આપણો જે જનજાતિ સમુદાય છે એની વ્યાખ્યા સંવિધાને સ્પષ્ટ કરી છે. ઉપરાંત લોકુર તથા નિયોગી કમિશન જેવાં કમિશનોએ પણ એના વિશે સ્પષ્ટતા કરી છે તે જ સાચી છે. આપણે અહીં, ભારતમાં ૯મી ઓગસ્ટનો મૂળનિવાસી દિવસ ઊજવવાની કોઈ જરૂર નથી. આપણે તો ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ - જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઊજવવો જોઈએ. મૂળનિવાસી દિવસની ઉજવણી ભારતમાં ભાગલા પાડવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે.
 
 
પ્રશ્ન - ૭કેટલાક એનજીઓના પ્રભાવમાં આવીને જનજાતિ સમાજના અમુક લોકો એવો પણ પ્રચાર કરે છે કે અમે લોકો હિન્દુ નથી! તો એ વિશે આપનો શું અભિપ્રાય છે?
 
 
હવે આપણે નિયોગી કમિશન અને લોકુર સમિતિ વિશે વાત કરી, નિયોગી કમિશને સ્પષ્ટ કર્યું છે કે, મિશનરીઓનું મુખ્ય કાર્ય જનજાતિય વિસ્તારોમાં લોકોનું ધર્માંતરણ કરવાનું છે. હવે, ઘણાં રાજ્યોમાં, ધર્મ સ્વતંત્રતા બિલ પસાર કરવામાં આવ્યું છે અને કાયદો પણ બનાવવામાં આવ્યો છે. આ કાયદો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ બનાવવામાં આવ્યો છે. જોકે તેના પર એક કેન્દ્રીય કાયદો બનાવવો જોઈએ. પણ મૂળ વાત એ છે કે આ ધર્મ સ્વતંત્રતા બિલ, જે એક કાયદો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ કરે - જેમ કે કોઈ હિન્દુમાંથી મુસ્લિમ બને કે હિન્દુમાંથી ખ્રિસ્તી બને તો તેણે જિલ્લાના ડીએમ અથવા કલેક્ટરને માહિતી આપવી પડે. એટલે કે જે જનજાતિ સમુદાયનો પણ કોઈ વ્યક્તિ જો ધર્માતરણ કરવા માંગતો હોય તો તેણે કલેક્ટરને માહિતી આપવી પડશે. આ કાયદાથી મિશનરીઓ મૂંઝાયા. દરેક ધર્માંતરની માહિતી જો કલેક્ટરને આપવી પડે તો તેમનો ભાંડો ફૂટી જાય. આથી તે લોકોએ કહ્યું, આ કાયદો હિન્દુ ધર્માંતર કરે તો એના માટે છે. માટે આપણે એક કામ કરો. એવો વિમર્શ ફેલાવો કે આદિવાસી હિન્દુ નથી. તેથી આ કલમ એમને લાગુ પડી શકે નહીં. આવું કરવાથી મિશનરીઓને કલેક્ટર વગેરેને માહિતી ન આપવી પડે કે ધર્માંતરણ કોનું કર્યું છે. આમ તેમણે આ વિમર્શ ખૂબ વ્યાપક રીતે ફેલાવ્યો. અને અનુસૂચિત જનજાતિના લોકોના મનમાં ઠસાવી દીધું કે તેઓ હિન્દુ નથી. આના કારણે જનજાતિ સમાજના કેટલાક લોકો આજકાલ કહી રહ્યા છે કે, અમે હિન્દુ નથી. એટલે આ પણ એક સમજી વિચારીને કરેલું ષડયંત્ર છે.
 
 
પ્રશ્ન - ૮જનજાતિના કલ્યાણ માટે અનેક સંસ્થાઓ, સંગઠનો કાર્ય કરી રહ્યાં છે, છતાં એવું લાગે છે કે સાચી માહિતી એ લોકો સુધી પહોંચતી નથી. છેવાડાનાં અંતરિયાળ ગામડાંમાં વસતા લોકોને કેવી રીતે ખબર પડે કે તેમના સમાજ વિરુદ્ધ કેવાં કેવાં ષડયંત્રો ચાલી રહ્યાં છે? એમના સુધી આ બધું પહોંચાડવા માટે રાષ્ટ્રીય સ્તરે શું કરવું જોઈએ?
 
 
સમસ્યાઓ તો ઘણી છે. એના સુધી યોજનાઓનો લાભ અને અમુક માહિતી પહોંચાડવાની તો છે જ પણ સાથે સાથે જે તે યોજના જનજાતિ સમાજને સુસંગત હોય તે ય જરૂરી છે. જો જંગલમાં ક્યાંય બંધ બને, વાઘનું અભયારણ્ય બને, નહેરો બને તો જનજાતિઓનું વિસ્થાપન થાય છે. અને તેમને શહેરોમાં ક્યાંક સ્થળાંતરિત કરાય છે પણ ખરેખર તેને જંગલમાં જ રાખવાની જરૂર છે. વળી તેમને વળતર પણ અપાય છે, પણ જે વળતર અપાય છે એ કેટલું ન્યાયસંગત છે એ પણ જોવું જોઈએ. આથી મારો મત છે કે, જ્યારે પણ જનજાતિ સમાજમાં વિસ્થાપન થાય ત્યારે તેના માટે એક આયોગ બનાવવું જોઈએ. હા, વિકાસ કરવો જરૂરી છે, વિકાસ માટે નવી નવી વસ્તુઓ બનવી જ જોઈએ, પરંતું તેની સાથે જનજાતિનું વિસ્થાપન પણ સંપૂર્ણ સંવેદનશીલતા અને માનવીય દૃષ્ટિકોણથી થવું જોઈએ.
 
ઉપરાંત જનજાતિઓ સુધી યોજનાઓ પહોંચાડવા માટે પ્રશાસનિક નિષ્ઠાવાનોને અથવા તો પ્રશિક્ષિત અધિકારીને ત્યાં મોકલવા જોઈએ. ઉપરાંત સમાજની સાચી માહિતી અને વિમર્શોની વાત પહોંચાડવા માટે સ્વયંસેવી સંસ્થાઓ, સંગઠનો વગેરેના માધ્યમથી આગળ જવું જોઈએ. જે સંસ્થાઓ ૫૦-૬૦ કે ૧૦૦ જેટલાં વર્ષોથી ત્યાં કામ કરી રહી છે, જે સંસ્થાઓએ જનજાતિ સમાજના લોકોનું દિલ જીત્યું છે, જેમનો જનજાતિ સમાજ સાથે ખૂબ ઊંડો લગાવ છે એવી સંસ્થાઓ દ્વારા આ કામ કરાવવામાં આવે તો મને લાગે છે કે ખૂબ સારાં પરિણામ મળશે. જનજાતિ સમુદાય સાથે સંવેદનશીલતાથી કામ કરવું પડે છે, સરકાર રાષ્ટ્રીય સ્તર પર સંવેદનશીલતાથી જનજાતિ કલ્યાણમાં જોડાઈ જાય તો વિકાસ સાથે સાથે કલ્યાણ પણ થશે.
સાથે સાથે સમય સમય પર, જનજાતિના સમુદાય માટે નવી યોજનાઓ રજૂ કરવામાં આવે, જે તેમનો બંધારણીય અધિકાર છે. આવા વિષયો પર સેમિનારો અને કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે, જેથી સાચી પરિસ્થિતિ લોકો સુધી પહોંચે. આવું કરવાથી જે લોકો મૂંઝવણનું વાતાવરણ બનાવે છે અને ખોટા વિમર્શો ફેલાવે છે એવા લોકોથી સમાજના યુવાનોને ચેતવી શકાશે.
 
 
 
 
આ સાક્ષાત્કારનો સંપૂર્ણ વીડિઓ આ રહ્યો... 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.