# હિન્દુત્વ સાચું, હિન્દુઇઝમ (Hinduism) ખોટું
# ભગવાન માટે ગૉડ, ગૉડેસ, લૉર્ડ વગેરે શબ્દો ઉચિત નથી.
# કાકા-ફુઆ-મામા-માસા માટે અંગ્રેજીમાં માત્ર અંકલ શબ્દ છે
ઘી માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જ નથી. આ જ રીતે ધર્મ માટે religion (રિલિજિયન) ખોટું છે. અંગ્રેજીમાં લખીએ કે બોલીએ ત્યારે ભગવાન માટે ગૉડ, ગૉડેસ, લૉર્ડ વગેરે શબ્દો ઉચિત નથી. કાકા-ફુઆ-મામા-માસા માટે અંગ્રેજીમાં માત્ર અંકલ શબ્દ છે. કોઈને કહીએ કે Uncle called me. તો એ શું સમજશે? કાકાનો ફૉન હતો કે મામાનો? ફુઆનો કે માસાનો? આથી આના માટે આપણી ભાષાના શબ્દો જ વાપરવા જોઈએ.
તાજેતરમાં યૂટ્યૂબની ચેનલ જસ્ટ કિડિંગ વિથ સિડ પર એક વિષય પર ચર્ચા હતી. વિષય હતો- Nine year old Paridhi learns Mahabharat secrets from @amiganatra547. નવ વર્ષની પરિધિ અમી ગણાત્રા પાસેથી મહાભારતનાં રહસ્યો શીખે છે. આ વિડિયો એક મહિના પહેલાંનો છે. આના મૂળમાં વાત એ હતી કે, પરિધિ મંગલમપલ્લી નામની નવ વર્ષની બાળકી એ રામાયણ, મહાભારત અને ગીતાજી આ ગ્રંથો પર અનેક વિડિયો મૂકેલા છે.
પરંતુ છે તો તે નવ વર્ષની અને તેણે જે વાંચ્યું છે તેમાંથી તે બધી વાતો કરે છે. પાંચ મહિના પહેલાં જસ્ટ કિડિંગ વિથ સિડ પર તેણે મહાભારત ઍક્સ્પ્લેઇન્ડ બાય કિડ નામના એક વિડિયોમાં મહાભારત અંગેની વાતો કરી હતી. જસ્ટ કિડિંગ વિથ સિડનો સંચાલક પણ હજુ લબરમૂછિયો યુવાન હોય તેવું લાગે છે અને આજકાલ તેનું નકારાત્મકતા તરફ આકર્ષણ વધુ હોય છે.
સંચાલકે મહાભારતમાં ઓછું મહત્ત્વ પામેલાં પાત્રો - કર્ણ, દ્રૌપદી, સહદેવ અને નકુળ પર પરિધિને પૂછ્યું. પરિધિએ તેણે જે વાંચ્યું હતું તેના આધારે કહ્યું કે, કર્ણને બહુ અન્યાય થયો હતો અને દ્રૌપદી કર્ણના અને કિચકના પ્રેમમાં હતી. પરિધિએ તે માટે દેવદત્ત પટનાયકના પુસ્તક શ્યામ એન ઇલસ્ટ્રેટેડ રિટેલિંગ ઑફ ભાગવતનો આધાર લીધો હોવાનું કહ્યું. આ ઉપરાંત ચિત્રા બેનર્જી દેવકરુણીએ દ્રૌપદીના દૃષ્ટિકોણ (જે ખરેખર તો ચિત્રાનો પોતાનો છે)થી લખાયેલી નવલકથા (એટલે કે વાર્તા સ્વરૂપે કાલ્પનિક બાબતો) ધ પેલેસ ઑફ ઇલ્યૂઝન્સનો પણ સંદર્ભ આપ્યો.
હિન્દુત્વ હવે પૂરજોશમાં જાગી રહ્યું છે. ઠેરઠેર આનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે. લોકો હિન્દુ હોવામાં ગર્વ અનુભવવા લાગ્યા છે. કાર પર સનાતની લખાવી રહ્યા છે. ટીવી પર હોય કે યુટ્યૂબ પર, હિન્દુત્વના વિષયો પર ચર્ચા થઈ રહી છે. પરંતુ આનું ભયસ્થાન એ છે કે દેવદત્ત પટનાયક, ચિત્રા બેનર્જી દેવકરુણી, વિનોદ જોશી (સૈરંધ્રી), વેન્ડી ડૉનિગેર (ધ હિન્દુસ એન અલ્ટરનેટિવ હિસ્ટરી) વગેરે જેવા લેખકો-કવિઓએ હિન્દુ પાત્રો-ભગવાન-દેવી-દેવતાનું કાલ્પનિક અથવા સત્યથી વેગળું નિરૂપણ કર્યું છે.
દેવદત્ત પટનાયક માયથૉલૉજી નામથી જ કૉલમ લખે છે. હિન્દુ દેવી-દેવતા ઐતિહાસિક પાત્રો છે, જેમનાં જન્મસમયે કયા ગ્રહ-નક્ષત્રો કઈ રાશિમાં હતાં, કઈ હિન્દુ તિથિએ તેમનો જન્મ થયો હતો, તેઓ ક્યાં-ક્યાં ગયા હતા, વગેરે દરેક વૈજ્ઞાનિક પુરાવા મળતા હોય તો તેમની વાતને માયથૉલૉજી કહી શકાય ખરી? માયથૉલૉજી શબ્દ મિથ પરથી આવ્યો છે. મિથ અંગ્રેજી શબ્દ છે પરંતુ તેનું મૂળ સંસ્કૃત શબ્દ મિથ્યામાં છે. મિથ્યા એટલે અસત્ય. શું રામાયણ, મહાભારત વગેરે મિથ્યા એટલે કે અસત્ય છે? તો તેમની વાતને માયથૉલૉજી કઈ રીતે કહી શકાય?
આવી અનેક બાબતો આપણા ભારત અને હિન્દુત્વના સંદર્ભે છે જેના માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જ નથી. આજે આવા જ કેટલાક શબ્દો પર ચર્ચા કરીએ.
હિન્દુ ધર્મ - હિન્દુત્વ સાચું, હિન્દુઇઝમ (Hinduism) ખોટું. હિન્દુ ધર્મ માટે અંગ્રેજીમાં હિન્દુઇઝમ શબ્દ વપરાય છે. ism પ્રત્યય સામાન્ય રીતે વાદ માટે વપરાય છે. દા. ત. સામ્યવાદ. તેને અંગ્રેજીમાં કમ્યૂનિઝમ (Communism) કહે છે. આ જ રીતે સમાજવાદ (Socialism), રાષ્ટ્રવાદ (Nationalism) વગેરે શબ્દો છે. પરંતુ હિન્દુત્વ અથવા હિન્દુ ધર્મ કોઈ વાદ નથી. જ્યાં વાદ હોય ત્યાં વિવાદ થવાની સંભાવના છે. તેથી હિન્દુ ધર્મ માટે અંગ્રેજીમાં પણ હિન્દુ ધર્મ (Hindu dharma) એમ જ લખાવું જોઈએ.
દેવદત્ત પટનાયકને શો વાંધો પડી ગયો તે તો તેઓ જાણે, પરંતુ વચ્ચે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ અને અન્ય હિન્દુ વિચારનાં સંગઠનો અને વ્યક્તિઓની સામે ઍક્સ પર ઝુંબેશ ચાલુ કરી હતી, જેમાં તેઓ હિન્દુ સંગઠનોની વાતને હિન્દુત્વ કહેતા હતા અને હિન્દુ ધર્મની વાતને હિન્દુઇઝમ કહેતા હતા. આ રીતે કહીને તેઓ ગૂંચ ઉત્પન્ન કરવા માગતા હતા કે, હિન્દુઇઝમ સાચું અને હિન્દુત્વ ખોટું. યથાર્થતા એ છે કે હિન્દુઇઝમ જેવું કંઈ છે જ નહીં અને હોય તો તે દેવદત્ત પટનાયક જેવા હિન્દુ વિરોધી લેખકો જે માયથૉલૉજી નામ આપે છે તે છે, અર્થાત્ અસત્ય છે.
રાષ્ટ્ર અને દેશ (કંટ્રી) બંને અલગ છે ભારત એ દેશ છે અને રાષ્ટ્ર પણ છે. દેશને ભૌગોલિક સીમા હોઈ શકે અને તે સમયે-સમયે બદલાતી હોઈ શકે. ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને મહારાજા રણજીતસિંહના સમયે આપણી સીમા પશ્ચિમે ઇરાન સુધી હતી. પૂર્વે મ્યાંમાર આપણા દેશનો ભાગ હતું. પરંતુ અત્યારે નથી. અત્યારે નેપાળ ભારતનું ભાગ નથી, શ્રીલંકા ભારતનો ભાગ નથી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશવાળો ભૂભાગ ભારતનો હિસ્સો નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ વિશાળ રાષ્ટ્રનો હિસ્સો નથી. આમ, રાષ્ટ્રનું અંગ્રેજી Country કે Nation ન થઈ શકે. વિભાવના જ અલગ છે. ઋગ્વેદમાં રાષ્ટ્રની વાત કરાયેલી છે.
ધર્મ અને religion અલગ છે અંગ્રેજીમાં religion એક ચોક્કસ વ્યક્તિ દ્વારા ઉપદેશાયેલો મત છે, ચોક્કસ પૂજા પદ્ધતિ છે. એક જ પવિત્ર ગ્રંથ છે. પરંતુ ધર્મ એ વિશાળ વિભાવના છે. માનવ ધર્મ કહીએ છીએ ત્યારે તેમાં શું Pray (પ્રાર્થના) કરવાની હોય છે? શું તેમાં માથે કોઈ જાતની ટોપી પહેરી કોઈ ચોક્કસ સ્થળમાં જવાનું હોય છે? પુત્ર ધર્મ નિભાવજો કે નાગરિક ધર્મ નિભાવજો તેમ કહીએ ત્યારે તેમાં કર્તવ્યનો ભાવ નિહિત છે. ધર્મ એ ઉપાસના પદ્ધતિ નથી. Relgion એ પંથ છે. અને તેમાં પેટા સંપ્રદાય હોઈ શકે. ધર્મનું અંગ્રેજી Dharma જ થાય અને તેનો ઉચ્ચાર યોગનું યોગા ખોટી રીતે કરીએ છીએ, તેમ ધર્મા ન થાય.
ટેમ્પલ, દુઆ, ગૉડ, લૉર્ડ, શહીદી આ ખોટા શબ્દો છે મંદિર અથવા દેવાલયનું અંગ્રેજી ટેમ્પલ (temple) કરાય છે. આ ખોટું છે. જો તમે ટેમ્પલ લખશો તો આગળ હિન્દુ લખવું પડશે કારણ કે ટેમ્પલનો વિશાળ અર્થ છે. તે કોઈ પણ પંથના ઉપાસના સ્થાનને બતાવે છે. એટલે અંગ્રેજીમાં પણ મંદિર માટે Mandir શબ્દ જ લખવો જોઈએ. આ રીતે આપણે પ્રાર્થના અને આશીર્વાદ માટે દુઆ શબ્દ વાપરવા લાગ્યા છીએ. રમેશભાઈ તેમના પુત્ર મહેશની બીમારી સમયે પ્રાર્થના કરવા કોઈને કહે તો કહેશે કે દુઆ કરજો. અથવા તમારી દુઆ રંગ લાવી. પ્રાર્થના અને આશીર્વાદ માટે ઇસ્લામિક અરબી શબ્દ દુઆ શા માટે? વળી, ભગવાન અને દેવી-દેવતા માટે ગૉડ (God), ગૉડેસ (Goddess) અને લૉર્ડ (Lord) શા માટે? આ જ રીતે કોઈ સૈનિક દેશ માટે લડતા વીરને છાજે તેમ મૃત્યુ પામે તો તેને શહીદ કહેવાય છે. શહીદનો અર્થ થાય છે ઇસ્લામ માટે લડતા મૃત્યુ પામનાર. આથી આવા સૈનિક માટે વીરગતિ/હુતાત્મા શબ્દ વાપરવો જોઈએ. અંગ્રેજીમાં લખીએ કે હિન્દીમાં તો પણ આ જ શબ્દો વાપરવા જોઈએ.
ઘી માટેશું શબ્દ વાપરશો? ભારતમાં ગોપાલન બહુ સહસ્રાબ્દીઓથી ચાલ્યું આવે છે. પહેલાં ધનવાન નાણાંથી નહીં, પશુધનથી નક્કી કરાતું હતું. આપણા ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોપાલક હતા. ગાયના દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી બને. દૂધ માટે અંગ્રેજીમાં મિલ્ક (milk), દહીં માટે કર્ડ (Curd), માખણ માટે બટર (butter) છે. છાશ માટે બટરમિલ્ક (Buttermilk) શબ્દ પણ બનાવી નખાયો. પણ તમે જુઓ કે બટરમિલ્ક માખણ અને દૂધને જોડીને બનાવાયો છે. તેના માટે પણ તેમની પાસે મૌલિક શબ્દ નથી કારણકે છાશ ત્યાં હતી જ નહીં. અને ઘી માટે તો કોઈ શબ્દ જ નથી. આથી ઘી માટે અંગ્રેજીમાં Ghee જ લખવું પડે છે. જેમ ટ્રેનના લોહપથગામિની જેવા શબ્દની મજાક ઉડાવાય છે તો ઘીની clarified butter used in Indian cookingની મજાક કેમ નથી ઉડાવાતી?
પિતા, માતા, ભાઈ, બહેન, કાકા, કાકી માટે અંગ્રેજી શબ્દો શા માટે? આપણે કોઈને વાત કરીએ ત્યારે બોલતા હોઈએ છીએ, મારા ફાધરને હમણાં ઠીક નથી રહેતું. મારાં મધર મંદિરે ગયાં છે. મારી સિસ્ટર સ્કૂલે ગઈ છે. બ્રધર બહારગામ ગયા છે. અંકલ અને આંટી વિઝા લેવાના પ્રયાસ કરી રહ્યા છે. આપણી પાસે આપણા સંબંધોને અભિવ્યક્ત કરવા માટે ચોક્કસ શબ્દ છે. અંગ્રેજીમાં તે ભાવ જ નથી આવતો. બાપુજી, બામાં જે ભાવ છે તે ડેડી અને મમ્મીમાં નથી. ડેડી એટલે મરી ગયેલ અને મમ્મી એટલે પણ મરી ગયેલ. ભાઈ અને બહેનમાં જે ભાવ છે તે બ્રધર અને સિસ્ટરમાં નથી. અંગ્રેજીમાં કાકા-ફુઆ-મામા-માસા ત્રણેય માટે અંકલ શબ્દ જ છે. પછી તેમને ચોખવટ કરવા લખવું પડે છે પેટર્નલ અંકલ. તોય તેમાં કાકા કે ફુઆ તે તો ખબર નથી જ પડતી અને મેટર્નલ અંકલ લખે તો મામાના સંદર્ભે છે કે માસાના સંદર્ભે તે ખબર નથી પડતી. ભત્રીજા અને ભાણેજ માટે નેફ્યૂ (Nephew) શબ્દ જ છે. તો જ્યારે અંગ્રેજીમાં Nephew લખાશે તો કેમ ખબર પડશે કે ભત્રીજા માટે છે કે ભાણેજ માટે? નણંદ, ભાભી, સાળી, સાળાવેલી, જેઠાણી અને દેરાણી આ બધા માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે- sister in law. તો કેમ ખબર પડશે કે કોની વાત થાય છે? આથી અંગ્રજીમાં પણ Nanand, Bhabhee, વગેરે લખવું જોઈએ.
આજકાલ મીડિયામાં પણ જે શબ્દો આપણી પાસે છે તે ભૂલવવા પ્રયાસ ચાલી રહ્યો છે. વડા પ્રધાન/પ્રધાનમંત્રી માટે PM લખાય છે. મુખ્ય પ્રધાન/મુખ્યમંત્રી માટે CM લખાય છે. પક્ષ પ્રમુખ માટે Party Chief લખાય છે. દિવાળીના બદલે Diwali અને વિક્રમ સંવતના બદલે ઈશુનું વર્ષ લખાય છે. આ વર્ષે દિવાળી આવશે તો લખાશે
Diwali 2025, જ્યારે આપણું કેલેન્ડર તો આગળ છે, આપણે ૨૦૮૨નું વિક્રમ સંવત ચાલે છે. આના દ્વારા હવે અંગ્રેજી શબ્દો તો બરાબર, પણ રૉમન લિપિ જેમાં અંગ્રેજી લખાય છે, તે પણ ઘૂસાડાઈ રહી છે. આને અટકાવવું પડશે.