સાંપ્રત । અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજ સામે નાહકનો વિવાદ કેમ?

ટૂંકમાં, આવા ફિલ્મકારો, અભિનેત્રીઓ, ફૅક ફેમિનિસ્ટો ભારતનાં યુવાન-યુવતીઓને ચરિત્રહીન કરવા માગે છે અને ભારતીય સમાજને છિન્નભિન્ન કરવા માગે છે.

    ૨૨-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |
 
aniruddhacharya-controvers-in-gujarati
 
 

અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજે આજના યુવાન અને યુવતીઓ બંને માટે કહ્યું કે લગ્ન પહેલાં લિવ ઇનમાં રહેવું ઠીક નથી. તેમણે બધા માટે આ વાત નથી કહી. તોય તેમની ક્લિપ અડધી એડિટ કરીને ન્યૂઝ ચેનલો અને ફૅક ફેમિનિસ્ટો કૂદી પડ્યાં. આ જ વાત મુલ્લા-મૌલવી કહે કે ફિલ્મમાં બતાવાય તો તેમને કોઈ વાંધો નથી.
 
 
કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજ અને પ્રેમાનંદ મહારાજ આજકાલ વિવાદમાં છે. ફૅક ફેમિનિસ્ટોએ તેમની સામે વિરોધનો ઝંડો ઉપાડ્યો છે. અનિરુદ્ધાચાર્ય મહારાજે કહ્યું હતું કે, છોકરા-છોકરીઓ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. કોઈ માતા પોતાના દીકરા માટે લિવ ઇનમાં રહીને આવેલી હોય તેવી વહુ પસંદ કરશે?
 
અનિરુદ્ધાચાર્યજીએ તાજેતરમાં મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી ડ્રમમાં નાખી, તેમાં સિમેન્ટ ભરી દીધી અને સોનમ રઘુવંશીએ તેના પ્રેમી સાથે મળી પતિ રાજા રઘુવંશીની હત્યા કરી તેવા કિસ્સાઓ વધી રહ્યા છે તેના સંદર્ભમાં આ વાત કહી હતી.
 
તો, વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજેકહ્યું હતું કે, આજકાલ બાળકો અને બાળકીઓનાં ચરિત્ર સારાં નથી રહ્યાં. માની લો કે આપણને ચાર હૉટલના ભોજન ખાવાની ટેવ પડી જાય તો આપણને ઘરનું ભોજન નહીં ભાવે. ચાર મિત્રોને મળવાની ટેવ પડી ગઈ છે તો એક પતિને સ્વીકારવાની હિંમત તેનામાં નહીં રહી જાય.
 
આવું સત્ય કહ્યું એટલે ટીવી ચેનલો અને ફૅક ફેમિનિસ્ટો તૂટી પડ્યા. આ સંતોએ બધી યુવતીઓ માટે આવું નથી કહ્યું. માત્ર યુવતીઓ માટે પણ નથી કહ્યું. પરંતુ ટીવી ચેનલો અને ફૅક ફેમિનિસ્ટોએ માત્ર યુવતીઓવાળી ક્લિપ ચલાવીને તેમને કુખ્યાત કરવા પ્રયાસ કર્યો. માનવી તનેજા નામની એક અભિનેત્રીએ તો ટીવી પર એવું કહ્યું કે, આવા સંતોને ચાર રસ્તે લોકો મારવા માંડશે, જૂતાંનો હાર પહેરાવશે અને ગધેડા પર બેસાડશે એવા દિવસો પણ આવશે. ટીવી પરની એક ચર્ચામાં પણ માનવી તનેજાએ અનિરુદ્ધાચાર્ય સામે એવું સ્વીકાર્યું હતું કે તે દારૂ પીવે છે. જ્યારે અનિરુદ્ધાચાર્યએ એવું કહ્યું કે તમે મને દારૂડિયા સામે બેસાડી દીધો ત્યારે માનવી તનેજા ક્રોધમાં બોલે છે કે તમારી ભાષા પર મર્યાદા રાખો, દારૂ પીનાર દારૂડિયા નથી હોતા. વાહ, શું વાત છે... આ રીતે જોઈએ તો હત્યા કરનાર હત્યારા નથી હોતા, બળાત્કાર કરનાર બળાત્કારી નથી હોતા. ભ્રષ્ટાચાર કરનાર ભ્રષ્ટાચારી નથી હોતા. જે પોતે દારૂ પીવે છે તે સંત સામે બોલવા નીકળી પડી છે.
 
માનવી તનેજા એક અન્ય ચર્ચામાં કહે છે કે, લિવ ઇન રિલેશનશિપમાં શું વાંધો છે? ટેસ્ટ ડ્રાઇવ તો આવશ્યક છે. ગાડી લેવા જઈએ છીએ તો ટેસ્ટ ડ્રાઇવ કરીએ છીએ ને? જો તમે તમારું આખું જીવન કોઈની સાથે વ્યતીત કરવા માગો તો તેનો ટેસ્ટ ડ્રાઇવ કરવા માગો તો તેમાં ખોટું શું છે?
 
પુનરુત્થાન વિદ્યાપીઠના ઉપ કુલપતિ મા. ઈન્દુમતીબેન કાટદરેએ વર્ષો પહેલાં (લગભગ ૧૯૯૪ આસપાસ) સાધનામાં લખ્યું હતું કે (તે વખતે મોહરા ફિલ્મનું તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત આવ્યું હતું) સ્ત્રીને ચીજ માનવી કેટલી યોગ્ય છે! આ માત્ર ગીત નથી. તે વખતે નિર્દોષ લાગતું ગીત આજે વાસ્તવિકતા બની ગયું છે. માનવી તનેજા જેવી યુવતીઓ પોતાના શરીરને ગાડી સાથે સરખાવે છે. તેમને કહેવું જોઈએ કે, ગાડીને આપણે એક લીટીનો ઘસારો પણ પડવા દેતા નથી. અને જો ગાડી બગડી જાય તો લોકો ગાડી વેચી બીજી ગાડી લઈ લે છે. તો શું તેને તે ચાલશે?
 
અને જો ગાડીની જ વાત નીકળી છે અને સરખામણી જ કરવી છે તો ગાડી ખરીદવા જશે તો શું સેકન્ડ હૅન્ડ કે થર્ડ-ફૉર્થ હૅન્ડ લેવાનું પસંદ કરશે કે નવી નક્કોર? જો ગાડીમાં આવું ધ્યાન રખાતું હોય તો પત્ની અને પતિમાં કોઈ રાખે તો શું વાંધો છે?
અને આપણે ત્યાં સગાઈ પછી સાથે હરવા-ફરવાની તો છૂટ છે જ ને? એમાં ક્યાં વાંધો છે? પરંતુ ટેસ્ટ ડ્રાઇવના નામે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું કે લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધી લેવા અને જો તેમાં મજા ન આવે તો લગ્ન ન કરવાં. ટેસ્ટ ડ્રાઇવવાળી માનસિકતા રહી તો સ્વાભાવિક છે કે તેને માત્ર શારીરિક ઉપભોગમાં જ રસ હશે. તેને પતિ માટે કે પુરુષને તેની પત્ની માટે સમર્પણ-ત્યાગની ભાવના નહીં રહે. સાત્વિક પ્રેમ નહીં રહે. આ તો કૉન્ટ્રાક્ટ કરતાં પણ નીચે ગયું. કૉન્ટ્રાક્ટમાં સામસામે લેતી-દેતી રહે છે.
 
એક તરફ, સૈયારા જેવી ફિલ્મ હિટ જઈ રહી છે અને પીઆર (પબ્લિક રિલેશન) ઍક્સર્સાઇઝના ભાગરૂપે હોય કે વાસ્તવિક રીતે, યુવાઓ તેને જોઈને રડી રહ્યાં છે બેભાન થઈ રહ્યાં છે. આ ફિલ્મમાં પ્રેમિકાને અલ્ઝાઇમર હોય છે. તેથી તેની સ્મરણશક્તિ ધીમેધીમે ઘટવા લાગે છે. તો પણ પ્રેમી તેનો સાથ છોડતો નથી. આ જ રીતે બ્લેક ફિલ્મમાં શિષ્યા મિશેલ (રાની મુખર્જી) તેના ગુરુ દેબરાજ (અમિતાભ બચ્ચન)ને અલ્ઝાઇમર થાય છે તો પણ તેમનો સાથ છોડતી નથી. થ્રી ઑફ અસ, યૂ મી ઔર હમ, ગૉલ્ડફિશ જેવી અનેક ફિલ્મોમાં આવી સમર્પણ અને ત્યાગની કથા બતાવાઈ છે જેમાં દૈહિક પ્રેમ જ સર્વસ્વ નથી હોતો.
 
માનો કે ટેસ્ટ ડ્રાઇવની માનસિકતાવાળી માનવી તનેજા જેવી યુવતીને જો પ્રેમી કે લિવ ઇન પાર્ટનર કે પતિ લગ્ન પછી કોઈ રીતે નપુંસકતાનો શિકાર થઈ જાય તો તે આ ગાડીને બદલી બીજી લઈ લેશે ને? તો પછી તેની સાથે પણ તેવું જ થવાનો શું ભય નહીં રહે? આવું થશે તો સમાજ છિન્નભિન્ન થઈ જશે. ટેસ્ટ ડ્રાઇવમાંથી એવી માનસિકતા પણ આવશે કે જેમ કેટલાંક ઘરોમાં બુલેટ, ગાડી, હેલિકૉપ્ટર એમ એકથી વધુ વાહનો હોય છે, જ્યારે જે ગમે ત્યારે તે વાપરવાનું, તેમ એક કરતાં વધુ જીવનસાથી સાથે સંબંધ રાખવામાં શું વાંધો છે?
 
અહીં નોંધવા જેવી વાત એ પણ છે કે પ્રેમાનંદ મહારાજ કે અનિરુદ્ધાચાર્ય જેવા સંતો કે કથાકારો આવી બાબત બોલે તો મીડિયા અને ફૅક ફેમિનિસ્ટો તેમનો વિરોધ કરવા લાગે છે. ચિત્રા ત્રિપાઠી જેવાં મહિલા ન્યૂઝ ઍન્કર પણ કૂદી પડ્યાં. બેશર્મ બાબા, બાબા કે બવાલી આવાં શીર્ષકો સાથે ડીબેટો કરી, સમાચાર ચલાવ્યા. આનું કારણ છે કે આમાં કોઈ સામેથી માર મારવાનો કે સર તન સે જુદાનો ભય નથી હોતો. તાજેતરમા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમનાં સાંસદ પત્ની ડિમ્પલ યાદવે મસ્જિદમાં સપાની સભા કરી હતી. તેના પર એક મૌલાના સજીદ રશિદીએ અવાંચ્છિત ટીપ્પણી કરી હતી. તે સમયે આ ન્યૂઝ ઍન્કરો, અભિનેત્રીઓ અને ફેમિનિસ્ટોએ મોઢામાં મગ ભરી લીધા હતા. ત્યારે બેશર્મ મૌલાના, નારી વિરોધી મૌલાના આવાં શીર્ષક સાથે ડીબેટ કરી નહોતી. આનું કારણ છે કે આ ન્યૂઝ ઍન્કરોને શૂરાતન માત્ર હિન્દુ સંતો સામે જ ચડે છે.
તાજેતરમાં કરણ જોહરની એક ફિલ્મ આવી આપ જૈસા કોઈ. તેમાં નાયિકા પાસે કુંવારાપણાની અપેક્ષા રાખતા કુંવારા (જેને હજુ સુધી એક પણ સ્ત્રી સાથે પ્રેમ કે શારીરિક સંબંધ પણ નથી તેવા) ૪૨ વર્ષના નાયકને ૩૫ વર્ષની નાયિકા કહે છે કે આજે ૧૬-૧૭ વર્ષથી વધુ વયના કોઈ યુવક-યુવતી કુંવારા નથી હોતાં. તો આની સામે કોઈ ઊહાપોહ નથી! કેમ? કારણકે એ કરણ જોહરની ફિલ્મ છે.
 
અભિનેત્રી દિશા પટણીની બહેન ખુશ્બૂ પટણીએ અનિરુદ્ધાચાર્ય સામે મોરચો માંડ્યો. તેણે અભદ્ર ભાષામાં કહ્યું કે અનિરુદ્ધાચાર્ય મારી સામે આવે તો હું તેમને સમજાવી દઉં કે ... શું હોય છે.
 
તમિલનાડુનો એક કૉમેડિયન છે પુલકિત મણિ. આજકાલ પાછળ એચ (હેબિટેટ સ્ટુડિયો) લખેલું હોય તેવા બૅકગ્રાઉન્ડમાં વાહિયાત કૉમેડીના ઘણા વિડિયો આવે છે. તેમાં માતાપિતાથી માંડીને શારીરિક સંબંધો, ઇવન, લઘુ શંકા બાબતે પણ સાવ અભદ્ર વાતો કરવામાં આવે છે. આને સ્ટેન્ડ અપ કૉમેડી કહે છે. તેમાં સામાજિક સંદેશ નથી હોતો. મનોરંજનમાં સામાજિક સંદેશ ન હોય તો પણ ચાલે, પરંતુ આ પ્રકારની કૉમેડીમાં અશ્લીલતા અને સમાજથી સાવ વિપરીત વાતો હોય છે.
 
કોઈ સ્ત્રી જો તેના પતિને લગ્ન પછી છોડીને ભાગી જાય તો બદચલન, બેહયા કહેવાય છે પરંતુ જો કોઈ પુરુષ ભાગી જાય તો તે પ્રાઇમ મિનિસ્ટરઆમ કહીને તે કહે છે કે, હું પાકિસ્તાનના વડા પ્રધાનની વાત કરું છું.
 
ટૂંકમાં, આવા ફિલ્મકારો, અભિનેત્રીઓ, ફૅક ફેમિનિસ્ટો ભારતનાં યુવાન-યુવતીઓને ચરિત્રહીન કરવા માગે છે અને ભારતીય સમાજને છિન્નભિન્ન કરવા માગે છે. દારૂ પીવો, ડ્રગ્સ લેવાં, એકથી વધુ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખવો, એલજીબીટીક્યૂ સમુદાયના હોવું આ બધું સારું છે, પરંતુ દેશ માટે વિચારવું, એક જ વ્યક્તિ સાથે સમર્પિત સંબંધ રાખવો, સંયમી જીવન જીવવું એ ખરાબ છે તેવું તેઓ મુગ્ધ વયનાં કિશોર-કિશોરીઓમાં ઠસાવવા માગે છે.

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…