લિવ-ઇન રિલેશનશીપથી સમાજવ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જશે । પ.પૂ. આચાર્ય ભગવંત રાજહંસ સૂરીશ્વર મહારાજ સાહેબ

આગામી સમયમાં જૈન પંથનું મહાપર્વ સંવત્સરી આવી રહ્યું છે ત્યારે કર્ણાવતી પધારેલા જૈન મહારાજ સાહેબ પ.પૂ. આચાર્ય ભગવંત રાજહંસ સૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે `સાધના"ના પ્રતિનિધિ દ્વારા વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં ગર્ભસંસ્કાર, લિવ-ઈન, સનાતન ધર્મમૂલ્યો, સ્વદેશી વ્રત, અહિંસાનું મહત્વ, પર્યાવરણ વગેરે જેવા સમાજને સ્પર્શતા મુદ્દાઓ અંગે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત છે એ વાર્તાલાપ ખાસ `સાધના"ના વાચકો મિત્રો માટે...

    ૨૨-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

pujya-acharya-rajhanssuri-maharaj-saheb-interview-gujarati
 
 
 
 પ્રસ્તુત છે એ વાર્તાલાપ ખાસ `સાધના'ના વાચકો મિત્રો માટે...
 
 

કહેવાય છે કે, બાળકનું સંસ્કારસિંચન ગર્ભમાંથી જ થતું હોય છે, તો ગર્ભસંસ્કાર વિશે આપનું શું મંતવ્ય છે?
 
શ્રેષ્ઠ સંતાન માટે ગર્ભસંસ્કાર અતિ મહત્વનો છે. આપણે ત્યાં ગર્ભસંસ્કારની પરંપરા પાયામાંથી જ હતી. નાની-દાદી કુટુંબ, ગામના વડીલો દ્વારા સ્વયં ગર્ભસંસ્કાર થઈ જતા હતા. લગ્ન થયા બાદ કેવી રીતે રહેવું, સંતાનની ઇચ્છા થયા બાદ કેવી રીતે રહેવું, ગર્ભ રહ્યા બાદ માતા-પિતાએ શું કરવું, શું ન કરવું. આ બધા જ સંસ્કાર સહજ રીતે પરિવારના વડીલો સમજાવી દેતા. ભારતમાં જેટલા પણ મહાપુરુષો-અવતારો સંતો-સતીઓ, વીરપુરુષો, વીરાંગનાઓ થઈ, આ બધાંના મૂળમાં ગર્ભસંસ્કાર છે. માતા જીજાબાઈએ શિવાજી ગર્ભમાં હતા ત્યારથી જ સંકલ્પ કર્યો હતો કે, આતતાયીઓથી રક્ષણ કરનાર પુત્રની પ્રાપ્તિ થાય. એ સંકલ્પ અને ગર્ભાવસ્થા દરમિયાન જે યુદ્ધો લડ્યા એના પ્રભાવે તેમની કૂખે શિવાજી જેવા વીરપુરુષ જન્મ્યા છે. જન્મ બાદ પણ તેમણે હાલરડામાં શિવાજીને વીરતાના પાઠ ભણાવ્યા છે. તેના પ્રતાપે ભારતને શિવાજી મળ્યા. કમભાગ્યે આજે આપણી કુટુંબ વ્યવસ્થામાં ગર્ભસંસ્કારની એ વ્યવસ્થા રહી નથી. માટે ગર્ભસંસ્કાર કેન્દ્રો ઊભાં થયાં છે. મારા મતે ભારતનો પ્રત્યેક વ્યક્તિ ગર્ભસંસ્કાર વગર જન્મવો જ ન જોઈએ. જેમ બાળક જન્મ્યા બાદ તેનું રસીકરણ ફરજિયાત છે, તેમ સરકારે ગર્ભસંસ્કારને ફરજિયાત કરવું જોઈએ. ગર્ભસંસ્કાર વગર બાળકને જન્મ આપવો એ માતા-પિતાનો અપરાધ છે. માતા-પિતા બાળકને જેવું બનાવવા ઇચ્છે તેવું બનાવી શકવાની શક્તિ ભગવાને તેમને આપી છે. આપણે ત્યાં મદાલસાની વાત આવે છે. તેના પ્રથમ ત્રણ પુત્રો સંત કોટિના થયા જ્યારે ચોથો રાજા થયો. મદાલસાએ પ્રથમ ત્રણ પુત્રોને ગર્ભ દરમિયાન જ शुद्धोसि बुद्धोसि निरंजनोऽसि संसारमाया परिवर्जितोऽसि સંભળાવ્યું હતું. ત્યારબાદ મદાલસાને થયું કે, એક પુત્ર રાજ્ય સંભાળવા પણ જોઈશે ત્યારે તેમણે ચોથા પુત્રને રાજ્યસત્તાના પાઠ ભણાવ્યા.
 
સારા-સંસ્કારી નાગરિકો થકી જ દેશ અને દુનિયા સારી બનવાની છે. માત્ર બાહ્યવિકાસથી જ દેશ અને દુનિયા સારી બની શકવાની નથી. માણસનો આંતરિક વિકાસ પણ એટલો જ મહત્વનો છે અને આંતરિક વિકાસ માટે ગર્ભસંસ્કાર એ સૌથી સરળ ઉપાય છે. અમે છેલ્લા ૧૫થી પણ વધારે વર્ષોથી આ ગર્ભસંસ્કારનું કાર્ય કરી રહ્યા છીએ. માત્ર ભારતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં અમારી સંસ્થા સાથે અનેક લોકો જોડાયેલા છે. અને એના પરિણામે માતા-પિતાનો સંકલ્પ હોય તેવાં બાળકો જન્મી ચૂક્યાં છે.
 
ભારત દેશને જો વિશ્વગુરુ બનાવવો હશે તો તેના માટેના સરળમાં સરળ ઉપાય એ ગર્ભસંસ્કાર છે. ગાંધીજીના બે સંતાનોમાં ધરતી-આકાશનો ફરક હતો. તેનું કારણ તે લખે છે કે, પ્રથમ બાળક એ મારી કામનાનું સંતાન છે અને બીજું બાળક એ સંસ્કારનું સંતાન છે. માટે જ બંનેમાં આટલો મોટો ફરક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાજીએ જે સંસ્કાર તેમને આપ્યા છે તેને કારણે જ તેઓ આટલા મોટા પદ સુધી પહોંચી શક્યા છે. વર્તમાન પેઢીમાં જે બાળકો નિર્વીર્ય પેદા થઈ રહ્યા છે તેનું કારણ તેમનો ગર્ભસંસ્કાર ન થતો હોવાનું છે.

આજના યુવાનોમાં લિવ-ઈન જેવી વૃત્તિ તરફ ઝુકાવ વધતો જઈ રહ્યો છે. આ વિષયમાં આપનું શું માર્ગદર્શન છે?
 
ભારતમાં આદિકાળથી લગ્નપ્રથા ચાલતી આવી રહી છે. ભગવાન ઋષભદેવે લગ્નપ્રથા સ્થાપેલી છે. સમાજને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે લગ્નપ્રથા ખૂબ જ મહત્વની છે. આજ સુધી આપણો સમાજ વ્યવસ્થિત ચાલ્યો છે તેના મૂળમાં આપણો લગ્નસંસ્કાર જ છે, પરંતુ આ લિવ-ઇન રિલેશનશીપથી સમાજવ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જશે. આપણે ત્યાં સમાજની વચ્ચે અગ્નિસાક્ષીએ ફેરા ફરી એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. આપણી લગ્નપ્રથા કરાર નથી. આપણા જેવી લગ્નવ્યવસ્થા વિશ્વમાં બીજે ક્યાંય નથી. તેને ઊની આંચ ન આવે તેની જવાબદારી આપણા સૌની છે. હાલ જે સમાજમાં આધુનિકતાને નામે ખોટી પ્રથાઓ પ્રસ્થાપિત થઈ રહી છે તે મોટો અનર્થ સર્જશે.
 

યુવાપેઢી સનાતન ધર્મનાં મૂલ્યો સાથે જોડાયેલી રહે, તેના માટે આજના સમયમાં કેવા પ્રયત્નો જરૂરી છે?
 
સનાતન એટલે જેનો કોઈ આદિ નથી. અને ભારતીય સંસ્કાર સનાતન છે. માટે તેનો પણ કોઈ આદિ નથી. ત્યારે તે સંસ્કારની વાતો લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. તેના માટે શરૂઆત ગર્ભસંસ્કારથી કરવી જોઈએ. ત્યાર પછીના નંબરે શિક્ષણમાં એટલે કે શાળાઓ અને મહાશાળાઓમાં આપણાં આ સનાતન મૂલ્યોનું શિક્ષણ અપાવું જોઈએ. માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ જ નહિ, સનાતન મૂલ્યો આધારિત શિક્ષણની જરૂર છે. હાલ યુવા પેઢી પર પશ્ચિમ સંસ્કૃતિ અને મૂલ્યો હાવિ થઈ રહ્યાં છે. પરિણામે યુવાપેઢી રસ્તો ભટકી ચૂકી છે. આ પેઢીને મૂળભૂત માર્ગે પરત વાળવી હોય તો તેના માટે માત્ર એક જ માર્ગ સનાતન મૂલ્યોને આપણી શિક્ષણપદ્ધતિમાં દાખલ કરવાનો છે.
 

આપનાં ચાણક્યનીતિ પર અનેક પ્રવચનો છે. ચાણક્ય નીતિ પર ગૃહસ્થ અને સંસારને ઉપયોગી વાતો કઈ છે?
 
ચાણક્યની મુખ્યત્વે ત્રણ નીતિઓ છે. પ્રથમ વ્યવહાર, બીજી રાજનીતિ અને ત્રીજી અર્થનીતિ. અમે ચાણક્યની વ્યવહાર નીતિની વાત કરીએ છીએ, જે પ્રત્યેક ગૃહસ્થ વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. ગૃહસ્થે કયા સમયે કોની સાથે કેવું વર્તન કરવું, કેવા લોકોનો વિશ્વાસ કરવો, કેવા લોકોનો વિશ્વાસ ન કરવો. ધન-પરિવારને કેટલું મહત્ત્વ આપવું. આ બધી જ વાતો ચાણક્ય નીતિમાં સદીઓ પહેલાં કરવામાં આવી છે. જે આજે પણ એટલી જ ઉપયોગી છે. દર રવિવારે અમે ચાણકયનીતિ પર જાહેર પ્રવચન કરીએ છીએ.

તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર ટેરિફનો કોરડો વીંઝ્યો ત્યારે શું હવે સમગ્ર દેશે સ્વદેશી તરફ વળવાની જરૂર છે? આપ આ અંગે શું માનો છો?
 
વાત માત્ર આજની નથી. કોઈપણ દેશના નાગરિકોએ હંમેશા સ્વદેશી વ્રતનું પાલન કરવું જ જોઈએ. આજે આપણા પર ટેરિફ નંખાયો માટે સ્વદેશી તરફ વળીએ એ વાત જ ખોટી છે. આપણે એ તરફ ગયા એને કારણે જ આ ગરબડ થઈ છે. આપણને આપણા દેશનું સ્વાભિમાન પ્રિય હોવું જોઈએ. આપણે વિદેશી તરફ વળી આપણું સ્વાભિમાન ગુમાવી દીધું છે. આજે લોકો વિદેશી વસ્તુઓને ઇમ્પોર્ટેડ ગણાવી તે તેમની પાસે હોવાનું ગૌરવ સમજે છે ત્યારે તે માટે તે વિદેશી મહત્વની છે કે, આપણા માટે આપણી સ્વદેશી વસ્તુઓ વધુ મહત્વની હોવી જોઈએ, એ અંગે આપણે વિચારવું રહ્યું. આપણને વિદેશી વસ્તુઓ વાપરવાનું નહિ, સ્વદેશી વસ્તુઓ વાપરવાનું ગૌરવ હોવું જોઈએ. આપણે ત્યાં જ્યાં જુઓ ત્યાં મેડ ઇન ચાઇના દેખાય છે. આવું કેમ? પ્રત્યેક દેશનું સ્વાભિમાન હોવું જ જોઈએ. આ સ્વાભિમાન જ આપણને વિશ્વગુરુ બનાવી શકે છે. અને આ કામ કોઈ એક વ્યક્તિનું નથી, સમગ્ર દેશવાસીઓનું છે. સ્વદેશી થકી જ દેશમાં સ્વર્ગ જેવી સમૃદ્ધિ નિર્માણ થઈ શકે છે. મહાત્મા ગાંધીએ ખાદી થકી સ્વદેશીપણું જગાવવાની હાકલ કરી, પરંતુ આજે ખાદી ક્યાં ઊભી છે. માત્ર એક ફેશન બની રહી ગઈ છે. સ્વદેશીનો આગ્રહ નાનામાં નાના વ્યક્તિની આજીવિકા પૂરી પાડેે છે ત્યારે સ્વદેશીના એ આગ્રહનું પુનઃસ્થાપન ખૂબ જ જરૂરી છે.
 

અહિંસા જૈન પરંપરાનો સિદ્ધાંત છે. પરંતુ આજે દેશમાં ચારેય તરફ હિંસાનું વાતાવરણ છે ત્યારે સર્વ સામાન્ય માણસ જ્યારે આવી મુશ્ેકલીમાં આવી જાય ત્યારે તેણે શું કરવું જોઈએ?
 
હિંસાને અહિંસાના શસ્ત્રથી જ ઠારી શકાય છે. ભગવાન ઋષભદેવથી માંડી મહાવીર સ્વામી સુધી ચોવીસેય તીર્થંકરોએ સૌથી પહેલો ઉપદેશ અહિંસાનો આપ્યો છે. એ જ અહિંસાનો સંદેશ મહાત્મા ગાંધીએ એક શ્રીમદ રાજચંદ્ર પાસેથી સાંભળી ભારતને અહિંસાનો સંદેશ આપ્યો હતો. હિંસાની સામે હિંસા કરવાથી દેશ ક્યારેય શાંત થવાનો નથી. જૈન પરંપરામાં સુંદર મજાનું એક ગીત છે ઃ લડતી ઝઘડતી દુનિયાને મહાવીરના ચીંધ્યા રાહે જવું પડશે. હાલ વિશ્વની દશેય દિશાઓમાં યુદ્ધો ચાલી રહ્યાં છે. યુદ્ધોથી માનવજાતને શું મળ્યું ? નવાં નવાં સંહારક શસ્ત્રો અને સંહાર ! પ્રકૃતિનો-સંસ્કૃતિનો વિનાશ! તમારા હૃદયમાં અહિંસા સ્થાપિત કરો. સામેનો હિંસકમાં હિંસક વ્યક્તિ પણ એક દિવસ તેની હિંસાને ત્યાગવા મજબૂર થઈ જશે. ભગવાન મહાવીર અને ઋષભદેવના સાંનિધ્યમાં હિંસકમાં હિંસક પશુઓ પણ શાંત થઈ જતા હતા. તેનું કારણ ભગવાનના હૃદયમાં પ્રસ્થાપિત થયેલી અહિંસા હતું.
 
રઘુવંશમાં કવિ કાલિદાસજીએ રાજા દિલીપ માટે લખ્યું છે. રાજા દિલીપને પ્રાયશ્ચિત્તરૂપે ગાયની સેવા કરવાનું કામ સોંપાયું ત્યારે ગૌસેવા કરવાથી દિલીપરાજાના મનમાં એવો અહિંસકભાવ સ્ફુર્યો હતો કે તેઓ જ્યારે જંગલમાંથી પસાર થતા ત્યારે જંગલનાં મોટાં હિંસક પ્રાણીઓ પણ નાના-કમજોર પ્રાણીઓ સાથે હિંસા કરતાં ન હતાં. જો આટલી મોટી અસર એક વ્યક્તિના હૃદયમાં એક જીવ પ્રત્યેના દયાભાવથી થાય તો જો તમામ જીવો પ્રત્યે દયાભાવ દાખવવામાં આવે તો શું ન થઈ શકે?
 

જૈન પરંપરામાં પર્યાવરણની પૂર્ણ ચિંતા કરવામાં આવી છે, પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણની સમસ્યાઓ પરાકાષ્ઠા પર છે અને ખતરાની ઘંટડી વાગી રહી છે એ અંગે આપ સમાજને શું માર્ગદર્શન આપશો?
 
ભગવાને સૌ પ્રથમ સાધુધર્મ બતાવ્યો છે તે પર્યાવરણ માટે જ બતાવ્યો છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ તમામ વસ્તુઓને સહેજ માત્ર પણ નુકસાન પહોંચાડવું નહિ એ જ સાધુનો ધર્મ છે. પર્યાવરણ શબ્દ તો આજકાલનો છે. જ્યારે ભગવાને તો પહેલેથી જ કહ્યું છે - પાણી ઘીની જેમ વાપરો. પાણી અને વનસ્પતિની જેટલી જરૂર છે તેટલા જ પ્રમાણમાં તેનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ સંદેશ આપણાં ધર્મશાસ્ત્રો આપણને આપે છે. ઔષધિ માટે જો પાંચ જ પાનની જરૂર છે તો વનસ્પતિનાં પાંચ જ પાન લો. પરમાત્માની પૂજા માટે પુષ્પસેવા અંગે પણ લખ્યું છે કે, પુષ્પના છોડને સહેજ પણ દુઃખ ન થાય તેવી રીતે, સંપૂર્ણ ખીલેલું હોય તે જ પુષ્પ (કળી નહિ)ને એવી રીતે ચૂંટવું કે આજુબાજુનાં પાંદડાંને પણ તકલીફ ન થાય. જો ભગવાન મહાવીરના કહ્યા મુજબના માર્ગે સમગ્ર વિશ્વ ચાલે તો સમગ્ર વિશ્વનું પર્યાવરણ સુરક્ષિત થઈ જાય.
 

આજે દેશમાં `બટેંગે તો કટેંગે' `એક હૈ તો સેફ હૈ'નાં સૂત્રો પોકારાઈ રહ્યાં છે ત્યારે હિન્દુ એકતાની જરૂરિયાત મુદ્દે આપ શું કહેશો?
 
હિન્દુસ્થાનમાં રહે છે તે બધા જ હિન્દુ છે. આ દેશના હિન્દુ-મુસ્લિમ અલગ નથી. અખંડ ભારત એ હિન્દુ છે. ત્યારે ભારતમાં વસનારા પ્રત્યેકમાં એકતા હોવી જોઈએ. બધા જ એક હોવા જોઈએ એટલું જ નહિ આ બધા નેક હોવા જોઈએ. અમે ભારતીય છીએ, એક છીએ એવો નારો આખા દેશમાં ગુંજવો જોઈએ. ધર્મનું મૂળ જ મૈત્રીભાવ છે. મૈત્રી મૂલં ધર્મસ્ય. પોતાના કુટુંબ પ્રત્યે જેવી લાગણી જેવો સ્નેહ છે તેવી જ લાગણી તમામ જીવો પ્રત્યે દાખવાય એનું નામ મૈત્રીભાવ છે. આ મૈત્રીભાવ તમામ ભારતીયોમાં ઊભો થઈ જાય તો હિંસાના તમામ પ્રશ્નોનું સમાધાન આપોઆપ થઈ જશે.
 

૧૫મી ઑગસ્ટના રોજ આપે ભારતમાં જૈનોના યોગદાન અંગે કાર્યક્રમ કર્યો છો. એ કાર્યક્રમ અંગે જણાવશો?
 
જૈનોએ પણ સ્વાધીનતાની ચળવળમાં અને સ્વાધીનતા પહેલાં પણ આ દેશની રક્ષા અને પ્રગતિમાં જે જે યોગદાન આપ્યું છે, આજે એ બધું વિસરાઈ ગયું છે. કદાચ વિસરાવવામાં આવ્યું છે, એને ઢાંકી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના સાચા ઇતિહાસને દેશ સમક્ષ લાવવાના પ્રયત્નો થયા છે ત્યારે જૈનોના યોગદાનનાં ઇતિહાસને પણ સમાજ સમક્ષ લાવવું જોઈએ. જૈનો ખાલી ચાતુર્માસ કરે, ભ્રમણ કરે એવું નથી. જૈનોએ પણ આ દેશ માટે જાન-માલની ખુવારી વેઠી છે. જ્યારે જરૂર પડી ત્યારે પોતાની સંપત્તિ, જીવ ન્યોછાવર કરી દીધા છે. જૈનોના એ ઇતિહાસને રાષ્ટ્રીય પ્રસંગ નિમિત્તે પ્રજા સમક્ષ લાવવાનો નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
 

આગામી સમયમાં સંવત્સરીનું પર્વ આવી રહ્યું છે. આપ આ અવસરે `સાધના'ના વાચકોને શું સંદેશ આપશો?
 
સંવત્સરી પર્વ ક્ષમાપનાનું પર્વ છે. સૌથી મુખ્ય ક્ષમાપના છે. તપશ્ચર્યા તો ક્ષમાપના સારી રીતે થાય તે માટે કરવામાં આવે છે. ક્ષમાપના એટલે જગતના કોઈપણ જીવ થકી આપણી સાથે શારીરિક કે માનસિક અણબનાવ બન્યો એ બધાને ભૂલાવી ક્ષમા આપવી છે. ક્ષમા આપવી એ અઘરું છે, એમાં પણ બીજાની ભૂલ હોય છતાં તેને ક્ષમા આપવી તે ખૂબ અઘરૂ હોય છે, પરંતુ આ જ કામ સંવત્સરી પર્વએ થવું જોઈએ. સાથે સાથે વર્ષ દરમિયાન પોતાના દ્વારા થયેલી નાની-મોટી ભૂલોની ક્ષમા માંગવાની છે, અને આમ કરી આત્માની શુદ્ધિ કરવાની છે. ભારતનાં બધાં જ ધર્મો-પંથો આત્મશુદ્ધિ માટે છે. અને શુદ્ધિ માટે મૈત્રી અનિવાર્ય છે, ત્યારે સંવત્સરી પહેલાં તમામ લોકો તમામની સાથે મૈત્રીભાવ ધારણ કરી લે. સર્વજીવો મારા મિત્ર છે, મારા સ્નેહી છે એ ભાવ ધારણકરી લે એજ મારો `સાધના'ના વાચકોને સંદેશ છે.
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…