૨૦૧૬માં અમેરિકાના ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવવા માટે મેક અમેરિકા ગ્રેટ અગેઇનનું સૂત્ર આપવું પડ્યું. ૨૦૨૪માં તેઓ આ જ સૂત્ર સાથે ફરી સત્તામાં આવ્યા. તેનો અર્થ એ જ કે અમેરિકા હવે ગ્રેટ એટલે કે મહાન રહ્યું નથી. બીજી તરફ, ૨૦૧૪ પછી ભારતમાં સત્તાનું પરિવર્તન થયું. નરેન્દ્ર મોદી ભાજપને બહુમતી સાથે વડા પ્રધાન થયા. `સાધના'માં આ જ સ્તંભમાં જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયનાં અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક જયતિ ઘોષનો વર્ષ ૨૦૧૩નો વાઇરલ ઇન્ટરવ્યૂ ટાંકીને આપણે જોઈ ગયા છીએ કે, ૨૦૧૪ પહેલાં આર્થિક સ્થિતિ કેવી હતી. અને આજે ભારત વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત ઘણા અંશે આત્મનિર્ભર બની ગયું છે, જેના કારણે નિકાસકાર પણ બન્યું છે. ડિજિટલ ટેક્નૉલૉજીમાં યુપીઆઈ ખૂબ જ પ્રભાવશાળી પૂરવાર થઈ છે.
અધૂરામાં પૂરું, કોરોના વાઇરસ મહામારી, યુક્રેઇન-રશિયા યુદ્ધ કે ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ જેવા જે વૈશ્વિક ઘટનાક્રમો બન્યા, તેમાં તટસ્થતાની નીતિ સાથે અને વૈશ્વિક તેમજ ઘરઆંગણાના દબાણ સામે ઝૂક્યા વગર (દા. ત. અમેરિકા પાસેથી ફાઇઝરની કોરોના વિરોધી રસી લેવાનું દબાણ) ભારતે વૈશ્વિક રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા તો નિભાવી જ, પોતાના નાગરિકોને પણ બચાવ્યા સાથે તેનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે પોતાની શાખ પણ વધારી અને તેના કારણે ભારતનો દબદબો પણ વધ્યો છે.
૨૭ દેશોએ આ સન્માન આપ્યા...
ગત જુલાઈના બે દિનાંકથી નવ દિનાંક સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દેશોની યાત્રા કરી. તેમાં સર્વોચ્ચ નાગરિક સન્માન તેમને પ્રાપ્ત થયાં અને તેઓ ભારતના સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરનારા વડા પ્રધાન પણ બન્યા. (તેમને ૨૭ દેશોએ આ સન્માન આપ્યાં છે.) જે સેક્યુલરો અત્યાર સુધી ભાજપને અને તેના નેતાઓને સાંપ્રદાયિક કહી મુસ્લિમવિરોધી કહેતા હતા તેમને પણ મોઢામાં આંગળાં નાખી જવાં પડે તેમ છે, કારણકે વડા પ્રધાન મોદીને સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, યુએઇ, બહરૈન, ઇજિપ્ત, કુવૈત સહિતના મુસ્લિમ દેશોએ પણ સન્માન આપ્યું છે.
નહેરુ-ઇન્દિરા સમયે ભારતનો ઝુકાવ સોવિયેત સંઘ તરફે હતો તો યુપીએ સરકારમાં વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહનો સ્પષ્ટ નીતિગત ઝુકાવ અમેરિકા તરફી હતો, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા પછી સમય પ્રમાણે ચીન, રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે ખૂબ જ મજબૂત સંબંધો વિકસાવ્યા. પડોશી પ્રથમની નીતિ તો તેમણે શપથગ્રહણ સમારોહમાં જ અપનાવી અને પાકિસ્તાનને પણ એક તક આપી, તેના તે સમયના વડા પ્રધાન નવાઝ શરીફને આમંત્રણ પાઠવ્યું હતું.
ભારતની દૂરંદેશીસભર સક્રિયતા...
છેલ્લાં અગિયાર વર્ષમાં ચીને અને અમેરિકાએ ભારતવિરોધી નીતિ અપનાવીને ભારતમાં અને ભારતના પડોશી દેશોમાં ઊથલપાથલ મચાવી છે, પરંતુ ભારતની દૂરંદેશીસભર સક્રિયતાના કારણે નેપાળમાં ચીની મહિલા રાજનયિકના કથિત નેપાળી નેતાઓ સાથેના સંબંધોના કારણે નેપાળની ભારત પ્રત્યેની નીતિમાં અંતર આવ્યું, શ્રીલંકામાં ચીને પગપેસારો કરવા પ્રયાસ કર્યો, પોતાને અનુકૂળ સત્તા લાવવામાં સફળ થયું, બાંગ્લાદેશને પોતાના પડખામાં લાવવા પ્રયાસ કર્યો, પાકિસ્તાન તો ચીનનો ખંડણી દેશ જેવું જ છે. ડૉકલામ સીમાએ પોતાનું સૈન્ય ખડકીને ભૂતાનને ડરાવવા વ્યર્થ પ્રયાસ કર્યો.
શ્રીલંકાને મિત્ર દેશ બનાવ્યું,....
માલદીવ્સમાં પણ મોહમ્મદ મોઇઝ્ઝુએ ઇણ્ડિયા આઉટનું સૂત્ર ચૂંટણીમાં જીતવા માટે વાપર્યું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારતે અનુચ્છેદ ૩૭૦ દૂર કરી ત્યારે મલયેશિયા પણ ભારતવિરોધી સૂરો આલાપવા લાગ્યું હતું, પરંતુ આ બધા સમયે ભારતે અનિવાર્ય હોય ત્યાં કૂટનીતિ અને આવશ્યક હોય ત્યાં સૈન્યનો ઉપયોગ કરીને શ્રીલંકાને મિત્ર દેશ બનાવ્યું, બાંગ્લાદેશમાં ભારતમિત્ર શૈખ હસીના હતાં ત્યાં સુધી ચીન કે અમેરિકાના પડખામાં જતું બચાવ્યું, નેપાળમાં પણ રાજકીય ઊથલપાથલોએ ભારતને સાથ આપ્યો. મલયેશિયામાંથી પામ ઑઇલની આયાત બંધ કરી પાઠ ભણાવી દીધો. ભારત વિરોધી જસ્ટિન ટ્રુડૉની વિદાય પછી કેનેડાએ ભારત સાથે સંબંધો સુધારી લીધા છે.
માલદીવ્સ ભારતના પર્યટન અને અન્ય સહાયો વગર પાંગળું બની જાય તેમ હતું. વડા પ્રધાન મોદીએ માત્ર લક્ષ્યદ્વીપની મુલાકાત લઈ સુંદર સમુદ્રતટ પર એવી જ સુંદર છબિ દ્વારા સંદેશો આપી દીધો, જેને ભારતની જનતાએ પણ ખૂબ જ સાથ આપ્યો. પરિણામે માલદીવ્સના વડા પ્રધાનને પણ પોતાની ચીનતરફી અને ભારતવિરોધી નીતિથી પાછા વળવું પડ્યું.
અમેરિકાના પ્રતિબંધો છતાં ....
આની સાથે યુક્રેઇન-રશિયા યુદ્ધમાં તટસ્થતા રાખવાની સાથે ભારતે રશિયા પાસેથી એસ-૫૦૦ વાયુ રક્ષા પ્રણાલી સહિતની ખરીદી તો કરી, સાથે કાચું તેલ (ક્રુડ ઑઇલ) અમેરિકાના પ્રતિબંધો છતાં ખરીદવાનું ચાલુ રાખ્યું અને તે પાછું યુરોપને વેચ્યું પણ ખરું, કારણ કે યુરોપ અમેરિકાના પ્રતિબંધોના કારણે સીધું ખરીદી શકે તેમ નહોતું.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વિદેશોમાં મુલાકાત લઈ ભારતના સંબંધો સુધાર્યા છે. જયશંકરે તો મીડિયા મુલાકાતોમાં અમેરિકાની ધરતી પરથી અમેરિકાને અને યુરોપની ધરતી પરથી યુરોપને જૈસે કો તૈસાની જેવી ભાષામાં ઉત્તરો આપ્યા છે.
આના કારણે ડૉલર હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે.....
આ બધામાં ભારતે રશિયા, યુકે, જર્મની, ઇઝરાયેલ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, સિંહપુર (સિંગાપુર), તાન્ઝાનિયા, યુગાન્ડા, ઓમાન, સેશેલ્સ, મ્યાંમાર, મલયેશિયા, મોરિશિયસ, ગુયાના, ફિજી, બોત્સ્વાના સાથે રૂપિયામાં વેપાર શરૂ કર્યો છે. આના કારણે ડૉલર હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે. શ્રીલંકા, પેરિસના એફિલ ટાવર, મોરિશિયસ, યુએઇ, સિંહપુર (સિંગાપુર), ભૂતાન અને નેપાળમાં તમે ફરવા જાવ તો યુપીઆઈ ચુકવણી પ્રણાલીથી ચુકવણી કરી શકો છો!
આનાથી સ્વાભાવિક જ અમેરિકાના પેટમાં દુઃખ્યું છે, કારણ કે તેણે તો ૧૯૯૦ પછી ડૉલરનો દબદબો સ્થાપી દીધો હતો અને તેના લીધે અમેરિકાનું વિશ્વના અર્થતંત્ર પર પ્રભુત્વ થઈ ગયું હતું. પરંતુ ભારતે આયાત-નિકાસ ડૉલરમાં કરવી પડતી હોવાથી અમેરિકાની દાદાગીરી સહન કરવી પડતી હતી. હવે તે ઘટી છે.
પાકિસ્તાને તેનાં પરમાણુ શસ્ત્રો અમેરિકાના સૈન્ય અધિકારીનાં નિયંત્રણ હેઠળ મૂક્યાં છે.....
આ ઉપરાંત, ગત મે મહિનામાં ઑપરેશન સિંદૂર વખતે ભારતે નૂર ખાન વાયુ સેના મથક પર બ્રહ્મોસ મિસાઇલો ઝીંકીને પાકિસ્તાનને તો હચમચાવી જ મૂક્યું હતું, સાથે અમેરિકા પણ આઘાતમાં સરી ગયું. વિશ્વભરમાં અમેરિકા તરફીને સત્તામાં લાવવા, અમેરિકાવિરોધીને સત્તાથી બહાર કાઢવા સહિતનું જાસૂસીનું કામ કરતી સીઆઈએના પૂર્વ અધિકારી જૉન કિરિયાકોઉ જે પાકિસ્તાનમાં ત્રાસવાદ વિરોધી કામ કરતા હતા, તેમણે ગત ચાર જુલાઈ ૨૦૨૫એ કહ્યું હતું કે, પાકિસ્તાને તેનાં પરમાણુ શસ્ત્રો અમેરિકાના સૈન્ય અધિકારીનાં નિયંત્રણ હેઠળ મૂક્યાં છે.
જૉ બાઇડેન રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે જ અમેરિકાએ તેના રાજદૂતો, યુએસએઇડ સંસ્થા અને તેના બગલબચ્ચા જેવા કેનેડાની સહાયથી ખેડૂત આંદોલન, ખાલિસ્તાની ત્રાસવાદીઓને સહાય, બાંગ્લાદેશમાં સત્તાપલટો, ભારતની ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવો જેવાં ષડયંત્રો કરી જોયાં. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની છેલ્લાં અનેક વર્ષમાં અનેક વાર અમેરિકા અને યુરોપની યાત્રા અને તેમાં ભારતવિરોધી સૂરો શું બતાવે છે?
આથી જ અમેરિકાએ ભારત પર સીમા શુલ્કનો જોરદાર પ્રહાર કર્યો છે. સીમા શુલ્ક ઉપરાંત અમેરિકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતમાં વિપક્ષોને મસાલો મળે તેવાં ઉપહાસકારક નિવેદનો પણ કર્યાં છે, જેમ કે ભારત મૃતપ્રાય અર્થતંત્ર છે, જેના પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પ્રસન્ન થયા હતા.
ટ્રમ્પના આમંત્રણને વડા પ્રધાને ટાળી દીધું....
..પરંતુ વડા પ્રધાન મોદીએ ગત જૂનમાં જી-સાત શિખર પરિષદમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યૂએલ મેક્રોં સાથે આજકાલ તમે ટ્વિટર પર યુદ્ધ લડી રહ્યા છો તેવો ઉપહાસ કરી (તે સમયે મેક્રૉંને અને ટ્રમ્પને ટ્વિટર પર ડિજિટલ વાક્ યુદ્ધ ચાલી રહ્યું હતું) ટ્રમ્પથી પોતે સહેજ પણ દબાણ ન અનુભવતા હોવાનું દર્શાવ્યું હતું તો જી-સાત શિખર સમયે ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હોવા છતાં તેમના આમંત્રણને વડા પ્રધાને ટાળી દીધું. ઝઘડાળું સ્વભાવના ટ્રમ્પને પોતાને ચૂંટણીમાં લાવવા ધનથી માંડીને અનેક ટ્વિટ કરી બાઇડેન અને ડેમોક્રેટની પોલ ખોલનાર ઉદ્યોગપતિ એલોન મસ્ક સાથે પણ સંબંધ વણસ્યા, જેથી મસ્કે નવો પક્ષ સ્થાપ્યો. મસ્કની સ્ટારલિંક કંપનીને ભારતમાં પ્રવેશ આપીને વડા પ્રધાન મોદીએ કહી દીધું છે કે, ફ્લાવર નહીં, ફાયર હૈ, ભારત ઝૂકેગા નહીં.
વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા અને બીજા અનેક મંચો પરથી વારંવાર કહ્યું છે કે, અમેરિકા પોતાને અનુકૂળ એવી વેપાર સંધિ કરાવી ભારતના ખેડૂતોને અને દુગ્ધ ઉદ્યોગને ફટકો પાડવા માગે છે, પરંતુ પોતે બંનેની વચ્ચે દીવાલ બનીને ઊભા છે અને અમેરિકાની મેલી ઇચ્છા પૂરી થવા નહીં દે.
તેઓ ટ્રમ્પના બદલે ભારતના વડા પ્રધાન મોદીને ફોન કરશે...
બીજી તરફ, બ્રાઝિલ સહિત અનેક દેશો ટ્રમ્પની દાદાગીરીથી ડર્યા વગર ભારત તરફ આશાની મીટ માંડીને બેઠા છે. બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલા દ સિલ્વાએ ટ્રમ્પથી ડર્યા વગર કહ્યું હતું કે, તેઓ ટ્રમ્પના બદલે ભારતના વડા પ્રધાન મોદીને ફોન કરશે. તાજેતરમાં યુક્રેઇન-રશિયા વચ્ચે યુદ્ધ બંધ કરાવવાનો ઢઢડિયો રાખતા ટ્રમ્પે પુતિનને અલાસ્કા બોલાવ્યા હતા. આ બેઠક ફળદાયી ન નીવડી અને પુતિનનો હાથ ઉપર રહ્યો. બેઠક પછી પુતિને વડા પ્રધાન મોદીને ફોન કરી બેઠકમાં થયેલી વાતચીતવાળી માહિતીથી વાકેફ કર્યા હતા.
ત્રીજી તરફ, ચીનને ગલવાનના સંઘર્ષનો ઊભરો શમી જતાં તે પણ ભારત તરફ ઝૂક્યું છે. તેના વિદેશ પ્રધાન વાંગ યી ભારત આવી વડા પ્રધાન મોદી સહિતના મહાનુભાવોને મળી ગયા છે. ચીનના ભારતમાંના દૂત શુ ફૈહૉંગે કહ્યું છે કે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા સુધી સીમા શુલ્ક લાદ્યું છે અને વારંવાર ધમકી આપે છે. ચીન તેનો મજબૂત રીતે વિરોધ કરે છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ ભારતનું સમર્થન કર્યું છે. ભારત-ચીન-રશિયા-બ્રાઝિલ-ઇઝરાયેલની ધરીથી ટ્રમ્પ અને અમેરિકા બંનેના પેટમાં તેલ નક્કી રેડાયું હશે.
ટ્રમ્પને ચેતવણી આપી કે...
અમેરિકાના રાજનેતાઓ પણ ટ્રમ્પની આ દાદાગીરીભરી ભારતવિરોધી નીતિથી ચિંતિત છે. ઓબામા સરકારમાં વિદેશ પ્રધાન જૉન કેરીએ કહ્યું છે કે, મહાન દેશો રાજદ્વારી પ્રયાસો કર્યા વગર અંતિમ તારીખની ચેતવણી આપીને પોતાની મહાનતા સાબિત ન કરે. તો સંયુક્ત રાષ્ટ્રોમાં અમેરિકાનાં પૂર્વ મહિલા રાજદૂત નિક્કી હેલીએ પણ બે-બે વાર ટ્રમ્પને ચેતવણી આપી કે, ભારત સાથે સંબંધો બગાડવા એ રણનીતિક આપત્તિ સમાન સાબિત થશે.
તાજેતરમાં ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે યુરોપના નેતાઓની યુક્રેઇન-રશિયા યુદ્ધ સંદર્ભમાં બેઠક હતી ત્યારે તેમાં ભાગ લેવા ઈટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની ગયાં ત્યારે તેમણે ટ્રમ્પના સહાયક શિષ્ટાચાર વડાં મોનિકા ક્રાઉલીનું અભિવાદન `નમસ્તે'થી કર્યું ત્યારે નેટિઝનોએ તે ચેષ્ટાને `મોદી ઇફેક્ટ' ગણાવી હતી.
સ્પષ્ટ છે કે, ભારતનો દબદબો વિશ્વમાં વધી રહ્યો છે. જોકે સત્તાલાલસા માટે રાહુલ ગાંધી અને INDI ગઠબંધન પંક્ચર પાડવા પ્રયાસ કરી રહ્યાં છે.