પ્રકરણ - ૨૪ । કોંગ્રેસમાં રહેલા રાષ્ટ્રીય મુસલમાનો માટે પણ હું વર્જિત હતી

આઝાદી પછી "ગૉડ સેવ ધ કિંગ" અયોગ્ય લાગવા છતાં પણ આ રાષ્ટ્રગીત પર નિર્ણય ન લેવાનું કામ સમજી વિચારીને જ થયું હશે. જો નિર્ણય મારી બાબતમાં કરવો જ હોત તો વિશેષ વિચાર કરવાની પણ શું જરૂર હતી. જનમાનસ પહેલાં જ નિર્ણય કરી ચૂક્યું હતું.

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૨૫
કુલ દૃશ્યો |

Vande Mataram novel gujarati prakaran 24
 
 
કોંગ્રેસમાં એક એવું જૂથ હતું જે મને રાષ્ટ્રગીતની પદવી આપવાનું વિરોધી હતું. માતૃભૂમિને વિભાજિત કર્યા પછી પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવનારા માટે વિનાયકી ચતુર્થીના ચંદ્રમા જેવી અસ્વીકાર્યતા હતી. કોંગ્રેસમાં રહેલા રાષ્ટ્રીય મુસલમાનો માટે પણ હું વર્જિત હતી. બ્રિટિશોની કાંખઘોડીની મદદથી ચાલનારા ખ્રિસ્તી મિશનરીઓએ પણ મને છોડી દીધી. ક્રાંતિકારીઓને ઉત્તેજિત કરીને જનમાનસને રાષ્ટ્રપ્રેમથી ભાવવિભોર કરી દેનારી હું સરકારની ગરિમા નષ્ટ થવાના ભયથી અંગ્રેજને તો ગમતી જ નહોતી. પરંતુ જાગ્રત નાગરિકોને મારો ત્યાગ કરવાનું પસંદ નહોતું. કેશવરાવ બંધારણ સભાના એક જાગ્રત સભ્ય હતા. એમણે લાલકિલ્લા પરનું બેંડવાદન સાંભળ્યું હતું. રાષ્ટ્રગીતની સમસ્યા ન ઉકેલવા એમણે બંધારણસભામાં પ્રશ્ન ઉઠાવ્યો. પ્રશ્ન ગૃહમંત્રીને પુછાયો હતો, પરંતુ એ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ દૂર કરવાના હેતુથી ગૃહમંત્રીને જવાબદેહમાંથી મુક્ત કરી દેવાયા અને જવાબ આપવાની જવાબદારી નહેરુએ પોતાને માથે લઈ લીધી. એમણે લેખિત જવાબ વાંચી સંભળાવ્યો.
 
૧૫ ઑગસ્ટ ૧૯૪૭થી બેંડમાં ઑરકેસ્ટ્રામાં વગાડવા માટે એક જરૂર હતી. સેના અને એમ્બસી માટે એ અત્યંત જરૂરી હતું. આઝાદી પ્રાપ્ત થયા પછી 'ગૉડ સેવ ધ કિંગ' વગાડવું અનુચિત હતું. એટલા માટે શું લેવું એ સમસ્યા હતી. એ વિશેનો અંતિમ નિર્ણય બંધારણ સભાએ કરવાનો હતો. એટલે અમે જવાબ આપ્યો નહોતો. દક્ષિણ પૂર્વ એશિયામાં ઈન્ડિયન નેશનલ આર્મી (ભારતીય રાષ્ટ્રીય સૈન્ય)એ થોડા ફેરફાર સાથે સંગીતબદ્ધ કરીને જન ગણ મન રજૂ કરી દીધું હતું. એ પછી એ થોડી હદે લોકપ્રિય પણ થયું.
 
એ દરમિયાન ૧૯૪૭માં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સામાન્ય સભાની બેઠક થઈ. એક વિશેષ સંદર્ભમાં આપણા નિવેદક સંઘ પાસે આપણા રાષ્ટ્રગીતના ઑરકેસ્ટ્રાની માગણી કરવામાં આવી હતી. આપણા સંઘ પાસે જન ગણ મનની એક રેકોર્ડ કરેલી કૉપી હતી. એ જ એમને આપી દેવામાં આવી. ઓર્કેસ્ટ્રા સંઘે પૂર્વાભ્યાસ કર્યો. એક સંઘ સમક્ષ એની પ્રસ્તુતિ કરવામાં આવી. અને લોકોને એ ઘણી સારી લાગી. અનેક રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ એ રેકોર્ડિંગની નકલો માગી. ભારતને પણ એક નકલ આપવામાં આવી. આપણા સૈન્ય વિભાગોએ એને વગાડવાની શરૂઆત કરી. અનેક પ્રસંગે વિદેશમાં દૂતાવાસોમાં પણ એ વગાડાતી હતી. એની પ્રશંસા કરતા પત્રો અનેક દેશોમાંથી મળી રહ્યા હતા. એમના મતાનુસાર અન્ય રાષ્ટ્રગીતો કરતાં એ ચઢિયાતું હતું. ભારત દેશ તથા વિદેશોમાંથી સારી પ્રતિક્રિયાઓ મળી હતી. ભારત તથા દેશવિદેશના સંગીતજ્ઞો, બેંડ સંઘ તથા ઓરકેસ્ટ્રા સંઘોએ એનો અભ્યાસ કરી લીધો. કેટલાક સંઘોએ એમાં થોડું પરિવર્તન કરીને અભ્યાસ કર્યો. વિભિન્ન રેકોર્ડિંગની નકલો આકાશવાણીમાં એકત્ર કરી.
 
વચ્ચે હું એમ કહું કે ભારતના સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં અખિલ ભારતીય ખ્યાતિપ્રાપ્ત એક નેતા સૌથી પહેલા રાષ્ટ્રગાન તરીકે જન ગણ મનને આગળ લાવ્યા છે. આઝાદી પહેલાં જ્યારે મારાં ત્રણ ચરણો કાપી નાખવામાં આવ્યાં હતાં ત્યારે પણ જનગણમન વિશે કોઈએ સાંભળ્યું પણ નહોતું. વચ્ચે સારે જહાઁ સે અચ્છા આવ્યું ત્યારે પણ આસપાસમાં જનગણમન ક્યાંય નહોતું.
 
આઝાદી પછી 'ગૉડ સેવ ધ કિંગ' અયોગ્ય લાગવા છતાં પણ આ રાષ્ટ્રગીત પર નિર્ણય ન લેવાનું કામ સમજી વિચારીને જ થયું હશે. જો નિર્ણય મારી બાબતમાં કરવો જ હોત તો વિશેષ વિચાર કરવાની પણ શું જરૂર હતી. જનમાનસ પહેલાં જ નિર્ણય કરી ચૂક્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતની માગણી આકસ્મિક થઈ તો ભારતના પ્રતિનિધિ મંડળ પાસે જનગણમનનું રેકોર્ડિંગ કેવી રીતે હતું? એનું સૂચન કોણે કર્યું? રેકોર્ડિંગ કોના આદેશથી કરવામાં આવ્યું હતું? શું એના માટે સરકારી આદેશ જરૂરી નહોતો? શું એ કોઈ રમતવાત હતી? આજની જેમ ખિસ્સામાં રાખીને ફરવા જેવી કેસેટ એ સમયે અસ્તિત્વમાં નહોતી. તબકડી કે રીલ જ પ્રચારમાં હતાં. એને સંભળાવવા માટે પેટી જેવા મોટાં યંત્રની પણ જરૂર રહેતી હતી. સેના તથા વિદેશી દૂતાવાસોએ બંધારણ સભાનો નિર્ણય આવતાં પહેલાં જન ગણ મનનો સ્વીકાર કેવી રીતે કરી લીધો? એને જાહેર કર્યા વગર સરકારી પદવી આપવાનો આદેશ કોણે આપ્યો? દેશ આઝાદ થવાથી આ પ્રકારના મહત્ત્વના નિર્ણયો પોતે એકલાએ જ લેવાની અનુમતિ શું કોઈને આપવામાં આવી હતી? એ કેવી રીતે શક્ય હતું? અન્ય રાષ્ટ્રગીતો કરતાં જનગણમનને ચઢિયાતું કહેવાનો અર્થ શું હતો? વાસ્તવમાં પહેલેથી જ એને રાષ્ટ્રગીતની પદવી આપી દેવામાં આવી હતી. આંતરિક ભાવનાને બાજુએ રાખીને યાંત્રિક સંગીતને મહત્ત્વ આપવું, એની પ્રશંસા કરવી??
 
મેં મારા મનની શંકાઓ પ્રકટ કરી હતી. ખેર... એ જવા દો. પંડિત નહેરુએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે, અમારે માટે એક વધુ ગીતની પસંદગી ન કરવાની સ્થિતિ હતી, કારણ કે વિદેશોમાં મોકલવા લાયક સ્વરબદ્ધ કરાયેલું વધુ એક રાષ્ટ્રગીત અમારી પાસે ઉપલબ્ધ નહોતું. એ સ્થિતિમાં જન ગણ મન અથવા અન્ય કોઈ ગીતનો રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર કરવાની બાબતે અભિપ્રાય માગતો પત્ર મેં રાજ્યોના રાજ્યપાલોને લખ્યો હતો. જવાબ મોકલતા પહેલાં એ બાબતે ચર્ચા કરવાનું પણ મુખ્યમંત્રીઓને કહ્યું હતું. મેં એ વખતે પણ કહ્યું હતું કે અંતિમ નિર્ણય બંધારણસભા કરશે. વિદેશી દૂતાવાસ તથા સૈનિક વિભાગને ધ્યાનમાં રાખીને નિર્ણય જલદી થવો જરૂરી હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સિવાય બાકીના બધા જનગણમનના પક્ષે રહ્યા હતા. મંત્રી પરિષદે એ વિશે વિચાર કરીને નિર્ણય કર્યો હતો કે, જ્યાં સુધી બંધારણ સભા અંતિમ નિર્ણય કરી લે ત્યાં સુધી રાષ્ટ્રગીત જન ગણ મન રહેશે. એ અનુસાર રાજ્યપાલોને સંદેશો મોકલવામાં આવ્યો હતો. જનગણમનની બધી જ કડીઓ મૂળ સ્વરૂપે સ્વીકાર્ય નહોતી એટલે એમાં જરૂરી ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. અહીં શબ્દ નહીં, બેંડ તથા ઑરકેસ્ટ્રામાં વગાડવાનો રાગ મુખ્ય હતો. એ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ સૂચિત કર્યું કે, સરકારની પ્રાથમિકતા વંદે માતરમ્ની છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે.
 
હું વધુ વિચારવા માટે વિવશ થઈ. કહેવામાં આવ્યું હતું કે અન્ય ગીતોની સ્વરલિપિ ઉપલબ્ધ નહોતી. શું સ્વરલિપિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ખરો? નહેરુજી જેવા નેતાએ મુખ્યમંત્રીઓને લખવાને બદલે રાજ્યપાલોને કેમ લખ્યું? એ સમયના રાજ્યપાલો સ્વંતત્રતા આંદોલનની પરંપરાના નહોતા. મોટા ભાગનાં 'આપના વિનમ્ર આજ્ઞાધીન' કરીને કામ કરનારા હતા. મને યાદ છે એ વખતનો મદ્રાસનો રાજ્યપાલ જનરલ આર્ચી બાલડ, એડવર્ડ નાઈ હતો. ઓરિસ્સાનો રાજ્યપાલ આસફઅલી હતો. મુંબઈનો રાજ્યપાલ ધર્માંતરણથી ખ્રિસ્તી બની ગયેલો રાજા મહારાજસિંહ હતો. આસામનો રાજ્યપાલ હતો સર અકબર હૈદરી. ૧૯૧૮માં મિસ વેસ્ટિંગ નામની સ્વીડીશ મહિલા સાથે લગ્ન કરીને ૧૯૨૦માં એસીએસ પ્રાપ્ત એણે બ્રિટિશ સરકારના સચિવનું કામ કર્યું હતું. રાજનીતિની પરંપરા ધરાવતા મુખ્યમંત્રીઓને છોડીને આ રીતે રાજ્યપાલોને રાષ્ટ્રગીત પસંદ કરવાની જવાબદારી નવભારતના શિલ્પીએ આપી. નહેરુના પત્રમાં પ્રશ્ન અને ઉત્તર મળતા હતા. જનગણમન વિશે પત્રમાં વિમર્શ કરવામાં આવ્યો હતો. જો નહેરુ મુખ્યમંત્રીઓને લખતા તો ઉત્તરનું એક ઉદાહરણ હતું, બંગાળના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા. લેખિત વક્તવ્યના અંતિમ ભાગમાં પહોંચતાં જ નવભારતના શિલ્પીએ વંદે માતરમ્ તથા જન ગણ મન સાથે સંબંધિત દુર્ભાગ્યપૂર્ણ વિવાદ વિશે કહ્યું. એમનું વક્તવ્ય ચાલુ રહ્યું. મહત્ત્વની ઐતિહાસિક પરંપરા તથા સ્વતંત્રતા આંદોલન સાથે અતૂટ સંબંધ રાખનારું વંદે માતરમ્ ભારતનું પ્રથમ રાષ્ટ્રગીત છે, એ સ્પષ્ટ તથા બિનવિવાદની વાત છે. એનું સ્થાન અમર છે અને રહેશે. એના સ્થાને કોઈ ગીત આવી શકે નહીં. સ્વતંત્રતા સંગ્રામની ભાવના એનામાં નિહિત છે, તથા એ ભાવના પ્રકટ કરવાની ક્ષમતા એનામાં છે.
 
રાષ્ટ્રગીતની બાબતમાં શબ્દો કરતાં સંગીત મહત્ત્વનું છે. ભારતીય સંગીત પરંપરા સાથે એ થોડું પાશ્ચાત્ય હોવું જોઈએ એમ પણ જણાયું છે. એમ થાય તો જ વિદેશોમાં બેંડ તથા ઑરકેસ્ટ્રા દ્વારા વગાડી શકાય છે. કદાચ રાષ્ટ્રગીતનું યથાર્થ મહત્ત્વ દેશ કરતાં વિદેશોમાં જ વધુ હોય છે. જન ગણ મનના સંગીતે વિદેશોમાં આદર અને સ્વીકાર પ્રાપ્ત કરી લીધો છે. એની અનેક વિશેષતાઓ છે, પોતાનું એક ચરિત્ર અને પોતાનો આત્મા છે. વંદે માતરમ્ને ભલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તથા ઘણું આકર્ષણ પ્રાપ્ત થયું છે, એમ છતાં વ્યાવહારિકતા તથા વિદેશોમાં ઓરકેસ્ટ્રામાં વગાડવાની એની ક્ષમતા ઓછી છે. એટલે વંદે માતરમ્ ભારતના અદ્વિતીય રાષ્ટ્રગીત તરીકે ચાલુ રહેશે, પરંતુ મુખ્ય રાષ્ટ્રગીતનું સંગીત જન ગણ મનનું હશે. પરિસ્થિતિ અનુસાર જન ગણ મનના શબ્દોને આકર્ષક પણ બનાવવા પડશે. બંધારણ નિર્માણ સભા એ વિશે વિચાર કરી શકે છે, ચર્ચા કરી શકે છે તથા નવું સંગીત અને ગીત મળે તો એ વિશે ચર્ચા કરી શકે છે.
 
વક્તવ્યના અંતિમ ભાગને મેં ધ્યાનપૂર્વક જોયો. વાસ્તવમાં મને તો એમાં નિરાશા જ થઈ. મને દૂર કરવાના ઉદ્દેશથી કરેલી જૂઠી પ્રશંસા. દસ વર્ષ પહેલાં પૂ. બાપુજીએ પણ એમ જ કર્યું હતું. મારી નિરાશા એ વિશે નહોતી. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી વિદેશીઓના અભિપ્રાય વિશે કેટલા ચિંતિત હતા? શું મનમાં સ્થાયી થયેલી લઘુતાગ્રંથિ (ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ) જાગ્રત થઈ છે? વિદેશી દ્વારા સ્વીકાર થાય એ વિશે કેટલા તત્પર છે? રાષ્ટ્રગીતનું સાચું મહત્ત્વ સ્વદેશમાં નહીં વિદેશમાં છે, એક પ્રધાનમંત્રનું આ પ્રકારનું વિધાન? ગૉડ સેવ ધ કિંગ નું મહત્ત્વ બ્રિટન કરતાં ફ્રાંસમાં વધુ છે એમ બ્રિટનના પ્રધાનમંત્રી કહેશે ખરા? શું રાષ્ટ્રપતિ દિગોલ એમ કહેશે કે, “લામાર્સિલ'નું ફ્રાંસમાં જેટલું મહત્ત્વ મળે છે એના કરતાં જર્મનીમાં લીમો વધુ મહત્વ છે? શું રુઝવેલ્ટ એમ કહેશે કે ગોડ ઈઝ અવર ટ્રસ્ટને અમેરિકામાં નહીં, રશિયામાં વધુ મહત્ત્વ છે? પ્રથમ પ્રધાનમંત્રીના એક વધુ વક્તવ્યે મને વધુ નિરાશ કરી દીધી. રાષ્ટ્રગીતની બાબતમાં શબ્દો કરતાં સંગીતનું મહત્ત્વ વધુ છે. આ પ્રસંગે મને કેરળના રાજા સામૂતિરીના શાસનકાળની એક ઘટના યાદ આવે છે. દરબારી ગાયકને પડકાર કરતાં એક ગાયકે કહ્યું કે, ગીત કરતાં વધુ મહત્ત્વ રાગ અને તાલનું હોય છે. એમણે રાગનું આલાપન શરૂ કર્યું. ગાયન સાંભળીને રાજાએ માથું હલાવ્યું. ત્યારે એમણે આલાપન બંધ કરી દીધું. એમનો દાવો હતો કે રાજાએ એમના કથનનું સમર્થન કર્યું છે. છેવટે રાજાએ એમના સંગીતને શબ્દોમાં લખીને આપવાની આજ્ઞા કરી. એમણે આદેશનું પાલન કર્યું અને એ સાથે જ ત્યાંથી નાસી જઈને જાન બચાવી. લખેલા શબ્દો હતા સામૂતિરી રાજાએ ઘાસ ખાધું, મેં પૂછ્યું, 'પંડિતજી ક્યારથી સામૂતિરી રાજા બની ગયા?'
 
નહેરુજીએ વદેમાતરમ્ અને જન ગણ મન વિવાદ વિશે પણ કહ્યું છે. એ પ્રકારના વિવાદ વિશે કોઈએ સાંભળ્યું નહોતું. વક્તવ્યના પ્રારંભમાં જન ગણ મન વિશે જે ધ્વનિ હતો એ એક નિર્ણય સ્વરૂપે હતો. સંવિધાન નિર્માણ સભાનું કામ 'તથાસ્તુ' કહેવા જેવું હતું. એમ જ બન્યું.
 
***
 
દૂર દક્ષિણમાં સાગરને કિનારે એ બધું જોઈ રહેલા કર્મયોગી યોગી અરવિંદને ચૂપ રહેવું યોગ્ય લાગ્યું નહીં. એમણે પોતાના મધર ઇન્ડિયામાં એ સમસ્યા વિષે ગંભીર વિચારો પ્રકટ કર્યા. નવી આઝાદી મળેલા એક પ્રાચીન દેશને યોગ્ય દિશા દર્શાવનારા વિષય પર ચર્ચા થઈ. એ દૂરદૃષ્ટાનો વિચાર પાયાના સ્તરનો હતો.
 
રાગ-લય-તાલની બાબતમાં એમનો વિચાર વિદેશોથી આવતા વિચારો જેવો નહોતો, અહીં આપણા દેશની પદ્ધતિ અનુસાર હતો. એક દૃષ્ટા હોવાને નાતે એમણે કદાચ ભૂતકાળના આધાર પર ભવિષ્યનું મૂલ્યાંકન કર્યું હતું. એમણે કહ્યું. આટલા સમય સુધી સામાન્ય જગતમાં એક ગીતને મળેલી લોકપ્રિયતા અને સંમતિ દર્શાવે છે કે વાઘ તથા ઉપકરણો સાથે સામેલ થવા માટે એ સુક્ષમ છે. એને રાગબદ્ધ નથી કરી શકતા એમ કહેવું એ ભાવનાનું દારિદ્ર છે. એ ગીતને અત્યારે તો એકથી વધુ રાગોમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ઈતિહાસનાં તથ્યો ભૂલી જઈને એ પ્રકારનાં વક્તવ્યો આપવાં એ આપણા સંગીતજ્ઞોની વિદ્યાને ઓછી આંકવા જેવું છે? એક નવા રાગની જરૂર જણાય છે કે અત્યાર સુધીના રાગો પૈકી એક પસંદ કરી શકે છે અથવા એક
નવા રાગનો આવિષ્કાર થઈ શકે છે. એને માટે જરૂરી મૌલિકતા અને પ્રતિભા દેશની અંદર રહેલી જ છે. એક રાષ્ટ્રગીતની પસંદગીમાં ઊડે ઊતરીને જનતાનો ઈતિહાસ, લોકોનું અંતરંગ, જનતામાં થયેલો પ્રભાવ વગેરેનો વિચાર કરવાનો હોય છે.
 
***
 
(ક્રમશઃ)