The Bengal Files બંગાળની સત્યઘટના આધારિત છે, પરંતુ બંગાળમાં તે બંદીવાન છે. આવી જ રીતે બસ્તર, કેરલા, કાશ્મીરની જૂની ફાઈલો ફિલ્મો દ્વારા ખુલ્લી પડી ચૂકી છે. એ ઈતિહાસ, એ નિર્ણયો, એ કરતૂતો પર દેશ સ્તબ્ધ, કોંગ્રેસ ચૂપ અને વામપંથીઓએ ફેલાવેલાં જૂઠોની ઈમારતો જમીનદોસ્ત થઈ રહી છે. આ ફાઈલોમાં દૂર કે નજીકના ભગ્ન ભૂતકાળથી ભભૂકી ઊઠેલો ભારેલો અગ્નિ આજે જાગૃતિની મશાલ બન્યો છે. ભૂતકાળમાં ભરખાઈ ગયેલ માનવતા સળવળીને બેઠી થઈ રહી છે ત્યારે પુનઃ તે પીંખાઈ ન જાય તે માટે સમાજે પોતાનાં મૂળિયાં ભૂમિ સાથે સજ્જડતાથી જકડાયેલાં રાખવાં જરૂરી છે.
અંગ્રેજોની દૃષ્ટિએ બંગાળના, પણ વાસ્તવમાં તો પૂરા રાષ્ટ્રના આરાધક બંકિમચન્દ્રએ રચેલા 'વંદે માતરમ્'ની ૧૫૦મી પ્રાગટયજયંતિનું આ વર્ષ છે. ’વંદે માતરતમ્’ને સ્વર આપનાર 'સ્વદેશી સમાજ'ના રચયિતા ઠાકુર રવિન્દ્રનાથ હતા. આ વિચારધારામાં આગળ વધીએ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ યાદ આવે ત્યારે મા દુર્ગા, મા કાલીનું પણ પાવન સ્મરણ થાય. સાથે સાથે મા શારદાદેવી અને ભગિની નિવેદિતાજીની વાત્સલ્યમૂર્તિઓ જગતજનની 'મા'ની મમતાને વહેવડાવતી નજર સમક્ષ પ્રગટ થાય. વર્તમાનમાં ક્યાં છે આ મમતા? ૧) 'મા'વાળી મમતા, ૨) માતૃભૂમિ પ્રત્યેની મમતા અને ૩) ચક્રધર મોહને આલેખેલા ધર્મ સાથેની મમતા, આ ત્રણેય જ્યારે મરી ચૂકે ત્યારે 'મમતા'નું ‘મમત'માં મતાંતરણ થાય છે. કળિયુગ છે!
દેશમાંથી ધીરે ધીરે સફાઈ શરૂ થઈ છે. બિહારમાં સફળ નિવડેલ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નું મહા ઓપરેશન આખા ભારતમાં શરૂ થનાર છે. સર્વોચ્ચ ન્યાયતંત્રના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે, પરંતુ 'બંગાળ ફાઈલ્સ'નો જે રીતે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે રીતે SIRનો પણ વિરોધ તેઓએ સરેઆમ જાહેર કરી દીધેલ છે. તેઓએ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તે બંગાળમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન (NRC) લાગુ થવા દેશે નહીં. કેન્દ્ર સરકારની; બાંગ્લાદેશી કે રોહિંગ્યા ઘૂસણખોરોને બહાર કાઢવાની કાર્યવાહીનો પણ તેઓ સખ્ત વિરોધ કરી રહ્યાં છે. આ બધા આડેધડ વિરોધો વોટબેંકની નિર્લજ઼ રાજનીતિનો ખેલ છે.
તેમણે પોતાની આદત અનુસારની એ જ ગુસ્સેલ લાક્ષણિકતા સાથે અરાજકતાભર્યા શબ્દોમાં કહ્યું કે, અગર બંગાળમાં કોઈ નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવશે તો 'છઉં' નૃત્ય (એક જનજાતિ નૃત્ય) થશે, ઢોલ અને શંખના અવાજો સાંભળવા મળશે. મારા જીવતે જીવ NRC લાગુ થવા દઈશ નહીં કે ડિટેન્શન કેમ્પ બનવા દઈશ નહીં. (અહીં જનજાતિ સમાજ જ નક્કી કરી શકે કે, ઉપરોક્ત શબ્દોમાં જનજાતિ નૃત્યનો જે રીતે ઉલ્લેખ થયો તેમાં જનજાતિ સમાજની પ્રતિષ્ઠાનો ભંગ તો થતો નથી ને?)
પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં આચરેલા ભ્રષ્ટાચારના મુદ્દે અને બક્ષીપંચમાં અનધિકૃત રીતે મુસલમાનોની જાતિઓના કરેલ ઉમેરણના મુદ્દે સર્વોચ્ચ ન્યાયાલયની ફટકાર ખાઈ ચૂકેલી હોવા છતાં મમતા સરકાર ઉત્તરોત્તર સંવૈધાનિકતાનો છેદ ઉડાડતી આગળ વધી રહી હોઈ, ઉપરોક્ત કૃત્યો હવે ભારતના શ્વેત માનચિત્ર (નકશા) ઉપર મોટા કાળા ધબ્બાઓની જેમ ઉપસી રહ્યાં છે.
IIMના પ્રોફેસર્સ દ્વારા હાથ ધરાયેલ રિસર્ચ આધારિત તારણો અનુસાર બિહારમાં ૭૦ લાખ ખોટા મતદારોનો આંકડો સાચો પડયો છે. આ તારણો મુજબ બંગાળમાં હજારો નહીં, લાખો નહીં, પરંતુ એક કરોડથી વધુ ઘૂસણખોરો મતદારો બની બેઠ્યા (બનાવવામાં આવ્યા) છે. મમતા બેનર્જી દ્વારા થઈ રહેલ SIRના વિરોધની તીવ્રતા જોતાં લાગે છે કે, આ કરોડનો આંકડો, ચોક્કસ એક કરોડ કરતાં પણ ઘણો મોટો હશે.
બંગાળમાં છેલ્લે ૨૦૦૨માં SIR થયેલ, જેના આધારે ૨૦૦૪ની મતદારયાદી તૈયાર કરવામાં આવેલી. હવે જ્યારે ૨૧ વર્ષનો - એક પેઢી જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે ત્યારે ફરીથી SIR થશે, તેના ડરના કારણે મમતા બેનર્જીનું માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકતંત્રની સફળતા એ છે કે, આવાં લોકોને પણ SIRના સત્યનો ડર આટલી હદે સતાવી રહ્યો છે.