આપણને ‘પ્રામાણિક’ શબ્દ મળ્યો છે; ‘પ્રમાણ’ શબ્દ ઉપરથી, …જેમ વ્યાવહારિક; વ્યવહાર પરથી!
ટ્રમ્પે ‘પ્રમાણ’ શબ્દના મહત્ત્વને નિષ્પ્રાણ કરી દીધું. વ્યક્તિવાદ વંઠે છે ત્યારે બધા વાદની બાદબાકી થઈ જાય છે. અને એમાંય વળી વ્યક્તિવાદમાં પણ પરિવારવાદ ભળે ત્યારે આતંકનો અડ્ડો (પાકિસ્તાન) ક્રિપ્ટો કરન્સીનો મધપૂડો બને છે. ચીન અને રશિયામાંથી થોક આયાત કરતું અમેરિકા ભારતને રશિયાનું ક્રૂડ નહીં ખરીદવા માટે ફરજ પાડી રહ્યું છે. ૨૪૯ વર્ષથી ‘રાષ્ટ્ર’ બનવા મથતું અમેરિકા ‘રાજ્ય’માં ભટકી ગયું છે.
શ્ર. આંબેડકરજીએ ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ સંવિધાન સભા સમક્ષ પોતાના ઐતિહાસિક ઉદ્બોધન વખતે અમેરિકા અંગેની એક ઘટના વર્ણવેલી… અમેરિકાની પોતાની એક સામાન્ય પ્રાર્થના હોવી જોઈએ; તેવો વિચાર જ્યારે ઉપસ્થિત થયો ત્યારે એક વ્યક્તિએ ‘હે પ્રભુ, અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો.’ એવા શબ્દોની ટૂંકી પ્રાર્થનાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેના પર ચર્ચાઓ ચાલી. ‘રાષ્ટ્ર’ શબ્દને લઈને એટલા બધા વાંધા ઉઠાવવામાં આવ્યા કે, પ્રાર્થનામાંથી ‘રાષ્ટ્ર’ શબ્દને જ હટાવી દેવાયો. અને તેના બદલે ‘હે પ્રભુ, આ સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો’ શબ્દો અપનાવવામાં આવ્યા! આપણા ત્યાં વ્યક્તિના વિકાસનો એક ક્રમ છે. વ્યક્તિ વિકસે ત્યારે પરિવારભાવના નિર્માણ પામે છે. સર્વત્ર વિકસતી જતી આવી પારિવારિકતા સમગ્ર સમાજના કલ્યાણ માટે વિસ્તરે છે. સમાજકલ્યાણ; રાષ્ટ્રકલ્યાણમાં રૂપાંતરિત થાય છે અને આવું સમગ્ર કલ્યાણકારી રાષ્ટ્ર वसुधैव कुटुम्बकम्ને સાકાર કરે છે. વ્યક્તિ-પરિવાર-સમાજ-રાષ્ટ્ર-વિશ્વ, આ વિકાસક્રમ અમેરિકામાં ખોરવાયો છે. અમેરિકા દિન-પ્રતિદિન વૈશ્ર્વિકતા પામવાને બદલે વ્યક્તિકેન્દ્રિત બની રહ્યું છે.
આ તરફ ભારતે; સ્વાતંત્ર્ય પછીના સાડા છ દશકા પછી વ્યક્તિવાદ-પરિવારવાદથી આગળ વધીને ‘वसुधैव कुटुम्बकम्’ની દિશામાં પ્રયાણ કર્યું છે. હમણાં એક વૈશ્ર્વિક સર્વેક્ષણ પ્રકાશિત થયું. નામ છે- ‘પબ્લિક ટ્રસ્ટ ઇન ટેક્ષ ૨૦૨૫ : એશિયા ઍન્ડ બિયોન્ડ’, જેણે ભારતની કરપ્રણાલી અને નાગરિકોના કરવ્યવહારને લઈને ઉત્સાહજનક ચિત્ર રજૂ કર્યું છે. આ તુલનાત્મક સર્વેમાં દુનિયાના વિકસિત દેશોની સરખામણીએ ભારત ઘણું આગળ છે. આ રિપોર્ટ એસો. ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ્સ, આઈએફએસી અને ઓઈસીડી દ્વારા સંયુક્તરૂપે તૈયાર કરવામાં આવેલો છે. આ રિપોર્ટમાં ૬૮% ભારતીયોએ એવું કહ્યાનો ઉલ્લેખ છે કે, અમને તક હોવા છતાં પણ ટેક્ષચોરી અપનાવીશું નહીં. આ છે આપણી ઉચ્ચ કરનૈતિકતા અને પ્રામાણિકતા. રીપોર્ટની સૌથી આનંદપ્રદ વાત એ છે કે, ભારતના લગભગ ૮૦% લોકો સામાજિક અને પર્યાવરણીય પ્રગતિ માટે વધારાનો ટેક્ષ આપવા માટે તૈયાર છે.
અત્રે ધ સાઉથ એશિયન ટાઇમ્સના પ્રકાશક અને ફોરસાઈટ મલ્ટીમીડિયા ગ્રુપના ચેરમેને વ્યક્ત કરેલું એક અવતરણ ટાંકવાનું મન થાય છે : ‘આપ એક ભારતીયને ભારતથી દૂર કરી શકશો, પરંતુ તેના ભીતરમાં રહેલા ભારતને ક્યારેય નહીં!’ આ ભીતરમાં રહેલું ભારત એટલે શું? આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું છે કે, બીજાઓનો ખ્યાલ રાખવો એ ભારતના DNAમાં છે.
અટલજીની એ સુપ્રસિદ્ધ કવિતાનું સ્મરણ થાય કે, भूभाग नही, शत-शत मानव के हृदय जीतने का निश्चय એક તરફ ભારતની ભૂમિકા જન-જનનાં હૃદય જીતવાની છે ત્યારે વિશ્વમાં વેનેઝુએલા વગેરે દેશોની ભૂમિ પર નિયંત્રણ જમાવીને તેનાં ખનીજ અને પેટાળમાં રહેલ પેટ્રોલ અંકે કરવાનાં કેવાં કેવાં કૃત્યો આચરવામાં આવી રહ્યાં છે? ડિસેમ્બર ૧૯૮૯માં માલ્દા શિખર સંમેલનમાં જ્યારે ગોર્બોચોવે તીખી ટિપ્પણી કરતાં કહેલું કે, શું સ્વતંત્ર દેશોમાં અમેરિકાની કાર્યવાહી બેરોકટોક રહેશે? આ ટિપ્પણીનો ઉલ્લેખ અમેરિકાના રાષ્ટ્રપતિ બુશે પોતાના પુસ્તક ‘અ વર્લ્ડ ટ્રાન્સફોર્મ્ડ’માં કરેલ છે. ટૂંકમાં અમેરિકા ૩૭ વર્ષ પાછળ ધકેલાયું છે, હજુ કેટલું ધકેલાશે? કદાચ બેહદ, કેમ કે અમેરિકાનું દેવું તેની GDPના ૧૦૦% સુધી પહોંચવા તરફની અધોગતિમાં છે, તે હકીકત પરથી અમેરિકનોનું ધ્યાન હટાવવા પણ અમેરિકાને હજુ ઊંડી ગર્તા (અંધારિયા અતિત)માં ધકેલવું, એ ટ્રમ્પ માટે સહેલો અને હાથવગો ઉપાય છે.
વિદેશમંત્રી જયશંકરે પાક. આતંકના મુદ્દે ઉચ્ચારેલ એક નાનકડા વાક્ય- ‘અમારે પશ્ચિમની મફત સલાહની જરૂર નથી’માં ભારતનું આવું સામર્થ્ય વ્યક્ત કરી તેઓએ આપણા ભીતરના ભારતને એક સ્પષ્ટ સંકેત આપ્યો છે. માનવતાના ‘પ્રમાણ’ તરીકે વિશ્વપટલ પર ભારત ઊભરી રહ્યું છે. જેમ હોકાયંત્ર દિશા નિશ્ચિત કરી આપે છે તેમ ભારત પ્રામાણિકતાનો નિર્ણય કરી આપશે.
શું નજીકના ભવિષ્યનું આવું ભારત એટલે જ વિશ્ર્વગુરુ ભારત ને?