બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે તાજેતરમાં એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જે ત્યાંની વરવી વાસ્તવિકતા દુનિયા સમક્ષ રજૂ કરે છે. ‘રાઈટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ’ (RRAG) દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુઓ માટે જીવવું હવે મુશ્કેલ બની ગયું છે.
૪૫ દિવસમાં ૧૫ નિર્દોષોની હત્યા
આ અહેવાલના આંકડા ચોંકાવનારા છે. ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચેના માત્ર ૪૫ દિવસમાં બાંગ્લાદેશમાં ૧૫ હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાઓ કોઈ સામાન્ય નથી, પરંતુ ધર્મને આધારે કરવામાં આવેલી ઇરાદાપૂર્વકની હત્યાઓ છે. ‘રાઈટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ’ના ડાયરેક્ટર સુહાસ ચકમાએ આ હત્યાઓને 'તાલિબાની શૈલી' ગણાવી છે, કારણ કે અનેક કિસ્સાઓમાં પીડિતોના ગળા રહેંસી નાખવામાં આવ્યા છે. આ હિંસાનો ભોગ બનનારાઓમાં ૧૮ વર્ષના યુવાન શાંતો ચંદ્રદાસથી લઈને વૃદ્ધો સુધીના લોકોનો સમાવેશ થાય છે. સુહાસ ચકમાએ જણાવ્યું કે આ તો અનેક ઘટનાઓમાંથી મીડિયા સુધી પહોંચેલી આ ઘટનાઓ છે.
સરકારનું ષડયંત્ર!?
અહેવાલમાં બાંગ્લાદેશની વર્તમાન અંતરિમ સરકારની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે ડૉ. યુનુસની સરકાર આ હત્યાઓ પાછળના ધાર્મિક કારણોને જાણીજોઈને નજરઅંદાજ કરી રહી છે. તપાસ પૂર્ણ થાય તે પહેલા જ આવી ઘટનાઓને ‘સામાન્ય લૂંટફાટ’ કે ‘જૂની અદાવત’ ગણાવીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડાય નહીં. એટલું જ નહીં, બાંગ્લાદેશ સરકાર ઘણીવાર આ સત્યને ભારત દ્વારા ચલાવવામાં આવતા ‘દુષ્પ્રચાર’ તરીકે ઓળખાવે છે.
વાસ્તવિકતા સત્યના આંકડા અલગ છે!
ઉલ્લેખનીય વાત એ છે કે જે આંકડા મીડિયા સુધી પહોંચે છે તે વાસ્તવિકતાનો એક નાનો ભાગ માત્ર છે. હ્યુમન રાઈટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઈનોરિટીઝ (HRCBM) ના અન્ય એક રિપોર્ટ અનુસાર, જૂન ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે કુલ ૧૧૬ લઘુમતીઓની હત્યા કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા.
આગામી ચૂંટણી અને વધતો જતો ભય
બાંગ્લાદેશમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ થી સંસદીય ચૂંટણીનો પ્રચાર શરૂ થવાનો છે. RRAG એ ચેતવણી આપી છે કે જેમ જેમ રાજકીય ગરમાવો વધશે તેમ હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધની હિંસામાં વધુ ઉછાળો આવી શકે છે. રાજકીય સંઘર્ષના નામે ધાર્મિક હુમલાઓ છુપાવવાની કોશિશ કરવામાં આવે છે, જેના કારણે ગુનેગારોને છટકબારી મળી જાય છે.
આ સંજોગોમાં, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ માટે ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવાની જરૂર છે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને લઘુમતીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય.