ડૉ. આંબેડકરજીની એ ચેતવણી કે, ‘લોકશાહીનું સ્થાન તાનાશાહી લઈ લે, તેવું જોખમ છે’ સાચી પડી
લોકશાહીનું તાનાશાહીમાં રૂપાંતર થયું હોય તેવી કેટલીક ઘટનાઓ અને એ વિચારનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.
૨૪-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |
ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી છે, જેની મજબૂતાઈ વિવિધતા અને સંઘર્ષોમાંથી પસાર થઈને આવી છે. પ્રાચીન અને મધ્યયુગીન મૂળભારતમાં લોકશાહીના વિચારોના મૂળ વૈદિક કાળમાં જોવા મળે છે, જ્યાં ગણરાજ્યો (રિપબ્લિક્સ) જેવાં શાસન હતાં. શાક્ય, કોલિય, મલ્લક અને લિચ્છવી જેવા ગણોમાં સભાઓ અને સમિતિઓ હતી, જેમાં નાગરિકો ચર્ચા કરીને નિર્ણય લેતા. ચોલ સામ્રાજ્યમાં ગામસભાઓમાં પ્રતિનિધિઓની ચૂંટણી થતી હતી. જ્યારે વિશ્વ અંધકારમાં બાથોડા ભરતું હતું ત્યારે ભારત પુખ્ત લોકશાહીમાં સતત પ્રગતિ કરતું વિશ્વ માટે દીવાદાંડી બન્યુ હતું.
જોકે કાળક્રમે વિદેશી આક્રાંતાઓની ભૂંડી નજર ભારત ઉપર પડી અને અનેક આક્રમણો ભારત ઉપર થયાં, મુઘલોના ઈસ્લામિક આક્રમણ અને યુરોપિયનોના ખ્રિસ્તી આક્રમણોને પરિણામે ભારતમાં વસંતની જેમ ખીલેલું લોકતંત્ર પાનખરના સુક્કા પાંદડાની જેમ મુરઝાવા લાગ્યું. મુઘલોની એકહથ્થુ જહાંપનાહશાહી અને અંગ્રેજોના રાજાની વાઈસરોય શાહીમાંથી અનેક વીરોનાં બલિદાનો બાદ સ્વાધીન થયેલું ભારત ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે પ્રજાસત્તાક થયું. સ્વાધીન પ્રજાસત્તાક ભારતની પ્રથમ ચૂંટણી ૧૯૫૧-૫૨માં યોજાઈ અને ભારતે લોકશાહી તરફ મક્કમ પગલાં માંડ્યાં. અહીં લોકતંત્રની જનનીની કૂખમાં લોકતંત્ર આગળ વધી રહ્યું હતું, પરંતુ ભારતની આસપાસનાં રાષ્ટ્રોમાં લોકતંત્ર તાનાશાહીના માંચડે લટકવા માંડ્યું હતું.
જોકે ત્યારબાદ બંધારણનો દુરુપયોગ કરીને ચૂંટાયેલી રાજ્ય સરકારોને ૧૦૦ કરતાં વધારે વખત ઘેર બેસાડી દેવામાં આવી. જેમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં ૭ વખત, શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ૫૧ વખત, રાજીવ ગાંધીના નેતૃત્વમાં ૬ વખત, અને સોનિયાજી દ્વારા રિમોટ કંટ્રોલથી ચલાવાતી યુપીએ સરકાર દ્વારા ૧૨ વખત ચુંટાયેલી રાજ્ય સરકારોને બરખાસ્ત કરી દેવામાં આવી હતી.
ભારતના લોકતંત્ર ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો આઘાત શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદીને કરવામાં આવ્યો. કટોકટી દરમિયાન નાગરિક અધિકારો સ્થગિત કરી દેવાયા, અખબારો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી એટલું જ નહી ભારતભરમાંથી વિપક્ષી નેતાઓનો જેલમાં ગોંધી દેવામાં આવ્યા. મિસાના કાળા કાયદાને સાધન બનાવીને અનેક નાગરિકો ઉપર અમાનવીય અત્યાચારો કરવામાં આવ્યા. ભારતના લોકતંત્ર ઉપર આવી પડેલા સૌથી મોટા ખતરા સામે આકંઠ રાષ્ટ્રવાદી અને લોકતાંત્રિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ અથક, નિર્ભિક પ્રયાસો કર્યા અને છેવટે તાનાશાહીને દૂર કરતી ચૂંટણીઓ યોજાઈ અને લોકતંત્ર પુન:પ્રસ્થાપિત થયું. છેલ્લી વખત ગણીએ તો ૨૦૦૪થી ૨૦૧૪નો સમયગાળો પણ એવો જ ગણી શકાય જ્યારે ભારતની બાગડોર વડાપ્રધાન કાર્યાલયમાંથી નહી પરંતુ શ્રીમતી સોનિયા ગાંધીના કાર્યાલયમાંથી ચલાવાઈ. અંતે ભારતના લોકતાંત્રિક ઈતિહાસને પ્રમાણિત કરતા ૨૦૧૪માં ૩૩ વર્ષ બાદ એક પક્ષની બહુમતી ધરાવતી વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર બની જે આજ સુધી ભારતના લોકતંત્રને સાચવી રહી છે.
સામ્યવાદી દાતરડાથી વઢાઈ અને હથોડાથી ટિપાઈ ગઈ લોકશાહી
સમગ્ર વિશ્વમાંથી રાજાશાહી લગભગ સમાપ્ત થઈ રહી હતી ત્યારે મજૂરો અને ખેડૂતોના (નકલી) તારણહાર બનીને ઉભરેલા સામ્યવાદે વિશ્વમાંથી લોકતંત્રની હત્યા કરવાનો અને તાનાશાહીને પ્રસ્થાપિત કરવાનો આરંભ ચીનથી કરી દીધો હતો. ચીન પ્રજાસત્તાકની કુઓમિન્ટાંગની આગેવાની હેઠળની સરકાર અને ચીની સામ્યવાદી પક્ષ (સીસીપી)ના દળો વચ્ચે ૧ ઓગસ્ટ, ૧૯૨૭થી શરૂ થયેલો સશસ્ત્ર સંઘર્ષ ૧૯૪૯ આવતાં સુધીમાં લાખો ચીની નાગરિકોની હત્યાઓ બાદ માઓ ઝેડોંગની તાનાશાહી લોહિયાળ ક્રાંતિના ઓઠા હેઠળ પ્રસ્થાપિત થઈ. ચીનમાં લોકતંત્ર પાછું લાવવાના પ્રયાસો થતા રહ્યા જેમાં સૌથી મોટો અને મહત્વપૂર્ણ પ્રયાસ ચીની વિદ્યાર્થીઓએ કર્યો, પરંતુ ક્રૂર સામ્યવાદી શાસકોએ ટિયાનમેન સ્કવેરમાં પ્રદર્શન કરી રહેલા હજારો કુમળા વિદ્યાર્થીઓ ઉપર લશ્કરી ટેન્કો ચલાવીને તાનાશાહીને લોહીના રંગે રંગી દીધી. આજના ચીનમાં નાગરિકો, અધિકારીઓ અને રાજકારણીઓ ચીનમાં “enforced disappearances” (જબરજસ્તી અદૃશ્ય કરી દેવા) એક સામાન્ય પ્રથા છે. સામ્યવાદી પાર્ટીની તપાસ પ્રણાલી (Liuzhi system) હેઠળ safeguarddefenders.comના અંદાજ મુજબ ૨૦૧૮થી ૨૦૨૪ સુધીમાં ૯૫,૦૦૦ થી ૧,૯૦,૦૦૦ જેટલા લોકોને ગુમ કરી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩માં એક જ વર્ષ દરમિયાન ૨૬,૦૦૦ લોકોને સામ્યવાદી તાનાશાહી સરકાર દ્વારા અદૃશ્ય કરી દેવાયા હતા. બૌદ્ધ ધર્મી તિબેટમાં ધાર્મિક સ્વતંત્રતા, ભાષા અને સંસ્કૃતિ પર કડક પ્રતિબંધ છે. ૨૦૨૫માં તિબેટીયન કાર્યકર્તાઓની ધરપકડો વધી છે એટલું જ નહીં, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના ઓઠા હેઠળ મઠો અને ગામોને ડૂબાડવાના વિરોધમાં સેંકડો બૌદ્ધ સંતો અને ગ્રામજનોની ધરપકડો કરવામાં આવી છે. ‘ગ્રેટ ફાયરવૉલ’ના નામે ઇન્ટરનેટ પર કડક સેન્સરશીપ છે, જેમાં ટિયાનમેન સ્ક્વેર, ઉઇગર અને તિબેટ જેવા વિષયો બ્લોક છે. પ્રાઇવસીનું અસ્તિત્વ માસ સર્વેલન્સ (AI અને CCTV) વધતાં નાશ પામ્યું છે. ૨૦૨૫માં ઓનલાઇન “ઓબ્સ્ક્યુર એક્સપ્રેશન્સ” પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આતંકવાદની વૈશ્વિક ફેકટરી અને ધાર્મિક કટ્ટરતાનું ઉદાહરણ પાકિસ્તાન
આ તો થઈ ચીનની વાત ભારતમાંથી જ ધર્મના આધારે ભારતને તોડીને બનાવાયેલા પાકિસ્તાનનો ઈતિહાસ લોકશાહીને બદલે લશ્કરી તાનાશાહીનો વધારે છે. પાકિસ્તાન લગભગ ૩૨ વર્ષ જેટલાં વર્ષો લશ્કરી તાનાશાહી હેઠળ કચડાતુ રહ્યું છે. ૧૯૪૭થી અત્યાર સુધી ત્રણ વખત સફળ લશ્કરી બળવો થયો છે, જેમાં ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવામાં આવી છે તથા બે વખત અસફળ લશ્કરી બળવો થયો છે. પાકિસ્તાનમાં છાશવારે લશ્કરી બળવો થતો રહે છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં બે વખત ચુંટાયેલા વડાપ્રધાનોને લશ્કરી તાનાશાહો દ્વારા ફાંસી આપી દેવામાં આવી છે, એક પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની બોમ્બ ધડાકામાં હત્યા કરવામાં આવી હતી તો એક પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન ઘણા સમયથી જેલમાં સબડી રહ્યા છે અને વર્તમાનમાં ખરા અર્થમાં સરકાર તો ‘ફેઈલ્ડ’ માર્શલ અસીમ મુનીર જ ચલાવી રહ્યા છે જે ભારત દ્વારા ચલાવાયેલા ઓપરેશન સિંદૂરમાં જબરદસ્ત રીતે પીટાઈ ગયેલા.
નેપાળમાં સામ્યવાદનો ઉદ્ભવ અને લોકશાહીને ગળે ટૂંપો
નેપાળમાં ૧૯૫૦માં રાજા ત્રિભુવન અને કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી પ્રથમ લોકશાહી આંદોલન થયું. પરંતુ તે અસ્થિર રહ્યું. ૧૯૬૦માં રાજા મહેન્દ્રએ પંચાયત વ્યવસ્થા લાદી ત્યારબાદ ૧૯૯૦માં વ્યાપક જનઆંદોલનો થયાં ને બહુપક્ષીય લોકશાહીનો નેપાળમાં ઉદય થયો. જોકે નેપાળની પડોશમાં રહેલા સામ્યવાદી ચીનને નેપાળને વૈચારિક રીતે હડપી લેવાની ચાનક ચઢી હતી. ચીને નેપાળમાં માઓવાદની આગ ભડકાવી. ૧૯૯૬માં પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી)એ બળવો કર્યો, જેમાં ૧૭,૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં અને જબરદસ્ત આર્થિક નુકશાન થયું. ૨૦૦૧માં નેપાળના રાજવી પરિવારની નિર્મમ હત્યા કરી દેવાઈ અને માઓવાદીઓની પકડ મજબૂત બનતાં ૨૦૦૬માં વિશ્વના એકમાત્ર હિંદુ રાષ્ટ્રનું સેક્યુલર રાષ્ટ્રમાં પરિવર્તન થઈ ગયું. સામ્યવાદી ચીનના પીઠ્ઠુ એવા કે.પી. ઓલી અને પુષ્પ દહલ ‘પ્રચંડ’ જેવા નેતાઓએ નેપાળની લોકશાહીને એવો લૂણો લગાડ્યો કે, ૨૦૦૮ બાદ ૧૪ સરકારો બદલાઈ ગઈ છે એટલું જ નહી છેલ્લાં ૧૦ વર્ષમાં જ ૮ સરકારો આવી અને ગબડી, તાજેતરમાં જ ઝેન-જીના નામે વિદ્યાર્થીઓને ઉશ્કેરીને ફરીથી નેપાળની લોકશાહીને બાનમાં લેવાનો પ્રયાસ વામપંથી ચીનના હાથા બનેલા નેતાઓએ કર્યો છે. એક સમયનું શાંત અને આધ્યાત્મિક હિંદુ રાષ્ટ્ર એવું નેપાળ આજે માઓવાદીઓના હાથની જાણે કઠપૂતળી જ બનીને રહી ગયું છે.
અફઘાનિસ્તાનની લોકશાહી સામ્યવાદ અને ઈસ્લામિક કટ્ટરવાદના આંગણે વધેરાઈ
મહાભારતમાં જેનો ગાંધાર તરીકે ઉલ્લેખ છે અને બામિયાનમાં પ્રસ્થાપિત તથાગત બુદ્ધની પ્રતિમાઓ કટ્ટરપંથી તાલિબાનોએ નષ્ટ કરી હતી તે અફઘાનિસ્તાન ભારતનું અભિન્ન અંગ હતું, તેથી લોકશાહી એ અફઘાનિસ્તાન માટે કોઈ નવી બાબત નથી, જોકે ૧૯મી સદીના બ્રિટિશકાળથી ૨૦મી સદીના સોવિયેત રશિયાના કાળ સુધી અફઘાનિસ્તાનની ઓળખ ‘સામ્રાજ્યોના સ્મશાન’ની રહી હતી. ૧૯૬૪ સુધી અફઘાનિસ્તાનમાં ઝાહીર શાહનું શાસન હતું, કોમ્યુનિસ્ટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન (PDPA) જેવા રાજકીય પક્ષો બની રહ્યા હતા. ૧૯૭૩ ઝાહીર શાહ સામે સામ્યવાદીઓએ બળવો કર્યો અને કોમ્યુનિસ્ટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન (PDPA) સત્તામાં આવતાં પાંચ જ વર્ષમાં, ૧૯૭૮માં સામ્યવાદી જ્વાળાઓ સળગી અને અફઘાનિસ્તાન સામ્યવાદના શાબ્દિક પર્યાય સમાન સમાજવાદી દેશ બન્યો. ત્યારબાદની ઘટનાઓ ઝડપથી ઘટતી રહી અફઘાનિસ્તાનમાં રશિયાનું આગમન થવું, અફઘાનિસ્તાનનું ગૃહયુદ્ધમાં સપડાવું, પાકિસ્તાન દ્વારા અમેરિકા સમર્થિત તાલિબાનોનું સર્જન થવું, ૧૯૯૦માં ઈસ્લામિક કટ્ટરપંથી એવા તાલિબાનોનું સત્તામાં આવવું, અમેરિકાનું આગમન, વિદાય અને ફરીથી ૨૦૨૧માં ઈસ્લામિક કટ્ટરપંથી તાલિબાનો સત્તા પર બેસતાં જ અફઘાનિસ્તાનની લોકશાહી ઉપર તાળું લાગી ગયું.
શ્રીલંકામાં ચીનનો પગપેસારો
શ્રીલંકા પણ પ્રાચીનકાળથી ભારતનો અભિન્ન હિસ્સો રહ્યું છે. વર્ષો સુધી બૌદ્ધ રહેલું શ્રીલંકા લોકતંત્રને ન જાણતું હોય તો જ નવાઈ. ૧૯૪૮માં બ્રિટિશરોના પંજામાંથી મુક્ત થયેલા શ્રીલંકામાં સિલોન તરીકે પાર્લામેન્ટરી લોકશાહી સ્થાપિત થઈ. ૧૯૭૨માં બંધારણ બદલીને રિપબ્લિક બનાવાયું અને ૧૯૭૮માં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ અપનાવાઈ આ દરમિયાન સિંહાલી અને તમિલ વચ્ચે ચાલેલા જાતિય યુદ્ધમાં વર્ષો સુધી સપડાયેલું રહ્યું. જોકે લોકશાહીના પાયા સમાન ચૂંટણીઓ થતી રહી. ૨૦૦૯માં ગૃહયુદ્ધ લગભગ સમાપ્ત થયું ત્યારે એવું લાગતું હતું કે, શ્રીલંકામાં હવે સ્થિરતા આવશે, પરંતુ ચીનનો પગપેસારો વધી રહ્યો હતો અને ચીન તરફી મહિન્દા રાજપક્ષે સત્તામાં આવતાં જ લોકશાહી નબળી બનવા લાગી, રાજપક્ષે ચીનના ઈશારે એકાધિકાર ચલાવવાની શરૂઆત કરી. ભારત સાથે સ્થિર અને સુમેળભર્યા સંબંધો ધરાવતા શ્રીલંકાએ ભારતના કટ્ટર શત્રુ ચીનને હંબનટોટા બંદર પધરાવીને ભારત માટે ખતરો ઊભો કર્યો. ચીન તરફી નેતૃત્વને કારણે શ્રીલંકા ચીનના ડેબ્ટ ટ્રેપમાં ફસાયું અને છેવટે લોકોએ, લોકો પુન:સ્થાપિત કરવા રોડ ઉપર ઉતર્યાં. આખરે સત્તાપલટો થયો અને લોકશાહીની જનની એવા ભારતના સહયોગથી લોકશાહી ફરીથી પાંગરવા લાગી.
બર્મા બન્યું લશ્કરી શાસનવાળું મ્યાન્માર
બર્માથી મ્યાન્માર બનેલા આ રાષ્ટ્રનો લોકતાંત્રિક ઈતિહાસ ઉતાર-ચઢાવવાળો છે. નામ બદલવાથી જોકે નિયતિ બદલાતી નથી જ એ સત્ય બર્માનું નામ બદલાઈને મ્યાન્માર થઈ ગયું. જાન્યુઆરી ૧૯૪૮માં અંગ્રેજ શાસનની નાગચૂડમાંથી છૂટેલા બર્મામાં સંસદીય લોકતંત્રના રસ્તે આગળ વધ્યું, પરંતુ થોડાક જ વર્ષોમાં લોકશાહીને ખતમ કરવાના પ્રયાસો આરંભાયા. ૧૯૬૨માં લશ્કરી બળવો થયો અને લોકશાહી તાનાશાહી સમક્ષ પરાજિત થઈ. જોકે, લોકશાહી તરફી જુવાળ સતત અંદરખાને ચાલુ જ હતો અને ૧૯૮૮માં ફરીથી લોકશાહીના સમર્થનમાં આંદોલનો થયાં, જેમાંથી આંગ સુ કી જેવા નેતાનો ઉદય થયો જેમને બાદમાં લશ્કરી તાનાશાહો જેલમાં ગોંધી રાખવાના હતા. આજે પણ મ્યાન્મારમાં લોકશાહી લશ્કરી તાનાશાહોની એડી તળે રગદોળાઈ રહી છે, જેનો ભાર રોહિંગ્યા જેવા ઘુસણખોરો થકી ભારતના ખભે આવી રહ્યો છે.
‘અરબ સ્પ્રિંગ’ બની ‘અરબ વિન્ટર’
બીજી તરફ આરબ દેશોમાં ઈસ્લામિક શાસન અથવા તાનાશાહી દૂર કરીને લોકશાહીની વસંત ખીલવવાનો પ્રયાસ ‘આરબ સ્પ્રિંગ’ આંદોલન હેઠળ ૨૦૧-૨૦૧૧ દરમિયાન ટ્યુનિશીયાના યુવાનોએ લોકશાહી અને સ્વતંત્રતાની માંગણીઓ કરીને કર્યો. કેટલાક દેશોમાં શાસન વ્યવસ્થા પલટાઈ, કેટલાક દેશો ગૃહયુદ્ધમાં સપડાઈ ગયા, લોકશાહી, સ્વતંત્રતા અને આર્થિક ન્યાયની આશાઓનું પતન થયું અને તેની જગ્યાએ અધિકારવાદી શાસનોનું પુનરાગમન, ગૃહયુદ્ધો, આર્થિક સંકટ અને અસ્થિરતા આવી. મોટાભાગના દેશોમાં ઈસ્લામિક કટ્ટરતાએ એમને સફળ ન થવા દીધા, મુસ્લિમ બ્રધરહૂડ પાછું ઊભું થયું, ISIS જેવું આતંકી સંગઠન ઊભું થયું અને એકાધિકારવાદ પાછો સ્થપાયો. ‘અરબ સ્પ્રિંગ’ની વિફળતા બાદ જે સ્થિતિ ઊભી થઈ તેને વિદ્વાનોએ ‘અરબ વિન્ટર’ તરીકે ઉલ્લેખી છે. ઈતિહાસ જોતાં સામ્યવાદ કે વામપંથ અને ઈસ્લામિક કટ્ટરતા લોકશાહીના સૌથી મોટા શત્રુ તરીકે દેખાય છે.
આમ જોતાં ભારતની આસપાસના દેશોમાં લોકતંત્ર સતત ડામાડોળ રહ્યું છે અથવા તાનાશાહીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ભારતમાં પણ ડીપ સ્ટેટના ઈશારે લોકતંત્ર ઉપર હુમલા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યોર્જ સોરોસ જેવા કુખ્યાત આંતરરાષ્ટ્રીય સત્તા માફિયા ભારતના લોકતાંત્રિક રીતે ચુંટાયેલા વડાપ્રધાનને ઉખાડી ફેંકવાની વાતો કરે ત્યારે ભારતના લોકોએ સાવચેત રહેવાની આવશ્યકતા છે. એટલું જ નહી દેશમાં કેટલાક સમયથી પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિવાદ જેવા ભાગલાવાદી અને લોકશાહી વિરોધી મુદ્દા ઊભા કરીને કે પછી દેશના યુવાધનને ઝેન-જીના નામે ઉશ્કેરીને ભારતની એકતા, અખંડિતતા તથા લોકતંત્રને તોડવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. કટોકટી એ તાનાશાહી જ હતી, ડૉ. આંબેડકરજીની આશંકા સાચી પડી હતી. પરંતુ ભારત સમયસર જાગી ગયું. ભૂગર્ભ આંદોલન ચાલ્યું. અંતે કટોકટી હટી, પરંતુ જ્યારે સંવિધાન બની રહ્યું હતું ત્યારે ડૉ. આંબેડકરજીએ ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવાનો વિરોધ કર્યો હતો, તે શબ્દ પાછલે દરવાજેથી ઉમેરી દેવાયો. આ સમાજવાદી એટલે સામ્યવાદનું દેખાવડું નામ છે તેવી ડૉ. આંબેડકરજીની દૂરદૃષ્ટિને દેશ સમજે અને કટોકટી વખતે આપણા આમુખમાં ઘૂસાડેલા એ શબ્દને ગંભીરતાથી લઈએ. ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલી ચિંતાને સમજીને લોકતંત્રને બચાવી રાખવા અને વધુ મજબૂત કરવાની આપણી સૌની જવાબદારીને આપણે આ દૃષ્ટિએ મૂલવીએ.