૧૭૫૭થી બ્રિટિશ અને તે પહેલા ઈસ્લામિક ગુલામીએ બીજું કશું ના કર્યું હોય પણ, મૂળભૂત સાંસ્કૃતિક ચિંતનને ખતરનાક અસર કરી, તેનું પરિણામ એ આવ્યું કે, આપણે પ્રાચીન રસ્તે મજબૂતીથી, નવા વિચારો અને વ્યવહારોની સાથે આગળ વધવું જોઈતું હતું, તેમાં સ્વતંત્રતા પછી જે ગતિ આવવી જોઈએ તે મંદ રહી. લોકતંત્ર તો આવ્યું, સાર્વભૌમત્વ રહ્યું, ચૂંટણીપ્રથા સામેલ થઈ, સંસદીય લોકશાહીની શરૂઆત થઈ, તેમ છતાં પશ્ચિમનું બધુ જ સારું એવો અતિરેક ભારે પડ્યો. લોકતંત્ર તો જાપાન અને ઈઝરાયેલે પણ સ્વીકાર્યું, પણ પોતાના સાંસ્કૃતિક મૂળિયાં સાથે. એશિયામાં તેવો ‘ઓરિએન્ટ’ આગ્રહ રાખવો જોઈતો હતો એટલો ના થયો. વિચારવાદના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા. રાષ્ટ્રવાદ માત્ર અને માત્ર નાઝી અને ફાસીવાદ જ પેદા કરે છે એવો શુકપાઠ કાયમ રાખ્યો. એ ના જોયું કે, સ્વ-ભૂમિ અને અસ્મિતાની રક્ષામાં જડતા ચાલે નહિ, બીજા વિશ્વયુદ્ધમાં સામ્યવાદી પ્રભાવને બાજુ પર રાખીને રશિયાએ ‘માતૃભૂમિ’ની રક્ષાનો વિચાર સ્વીકારી લઈને પોતાનું અસ્તિત્વ ટકાવવાનો નિર્ણય લીધો, એટલું જ નહિ ફ્રાંસ, ઈંગ્લેન્ડ, અમેરિકા સાથે ‘મિત્ર દેશ’ બનીને હિટલરના આક્રમણ સામે લડવાનું રાખ્યું.
આ બધુ દર્શાવે છે કે, રાષ્ટ્ર, રાજ્ય, લોકતંત્ર, ધર્મ, સંપ્રદાય વિષે સ્વસ્થ વિચારણા હોય તો જ સમાજરચના તંદુરસ્ત બને. ભારતને આટલાં વર્ષો પછી પોતાની સ્વાધીનતા પ્રાપ્ત થઈ હતી, તેના પ્રથમ પડાવે જ દ્વિ-રાષ્ટ્ર પદ્ધતિની મજબૂરી આવી, તે પણ હિન્દુ પ્રજાથી અલગ ઈસ્લામિક ‘દેશ’ પાકિસ્તાનની માગણી સાથે. ચતુર બ્રિટીશરોને તો તે જ જોઈતું હતું એટલે પાકિસ્તાનની બિન-ઐતિહાસિક માગણી સ્વીકારી લેવામાં આવી. શેષ ભારતને માટે કેવી ‘રાજ્ય’ રચના હોવી જોઈએ એ તો વિચારાયું, પણ પરંપરાની ‘રાષ્ટ્ર-વિભાવના’ કેવી રીતે સંવર્ધિત થવી જોઈએ તેનો વિચાર ના થયો. ઢાંચો બદલાયો તેની સાથે આત્માનો પણ પૂર્ણ વિચાર થવો જોઈતો હતો. કડવી વાસ્તવિકતા એ લાગે છે કે, લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામ અને જેલવાસથી રાજકીય નેતાઓ થાક્યા હતા. (જવાહરલાલ નહેરુનું એ વિધાન જાણીતું છે જેમાં તેમણે કહ્યું હતું કે, હવે અમે લાંબા સમય સુધી જેલમાં જવાની ધીરજ રાખી શકીએ તેમ નથી. ખંડિત ભારતને સ્વીકારી લેવા માટે મળેલી કોંગ્રેસની કાર્યકારિણી વિષે ડૉ. રામમનોહર લોહિયાએ જે નિરીક્ષણ કર્યું હતું તે યાદ કરવા જેવું છે. ૧૪ જૂન, ૧૯૪૬ની એ બેઠકમાં ભાગલા માટેનું મતદાન થયું તો ૧૫ વિરુદ્ધ ૧૫૭ મતે ઠરાવ પસાર થયો. ગાંધીજીએ આ બેઠકમાં ભાગલા સ્વીકારી લીધા વિના કોઈ રસ્તો નથી એમ કહીને ઉમેર્યું કે, ઠરાવ ના થવો જોઈએ તેમ કહેનારા દેશની સુલેહ શાંતિને જાળવી શકશે? જુઓ, એ તાકાત મારામાં નથી, નહીં તો એકલા હાથે મેં બળવો કર્યો હોત. સરદારે દૂરદૃષ્ટિ સાથે કહ્યું કે, ભાગલા એક પડે કે અનેક પડે એની પસંદગી કરવાની હતી. ડૉ. લોહિયાએ ‘ગિલ્ટિ મેન ઓફ ૧૯૪૭’ એક પુસ્તિકા, મૌલાના આઝાદની ‘ઈન્ડિયા વિન્સ ધ ફ્રીડમ’ પુસ્તકના જવાબરૂપે લખી હતી તેમાં કહ્યું : ‘ગાંધી ભાગલાની વિરુદ્ધમાં કેમ ન લડ્યા? એ તર્ક અર્થ વગરનો છે કે, એવું કરે તો આખી જિંદગી તેમના સાથીદારો સામે રહ્યા હોત. દેશ-વિભાજન એવી ઘટના તો નહોતી કે, જેમાં સાથીદારો અને સંપૂર્ણ સંગઠનનો અભિપ્રાય નિર્ણાયક હોઈ શકે. એ સાચું કે, ભાગલા પૂર્વેનાં તેમનાં રોજનાં પ્રાર્થના-પ્રવચનો જનતામાં ભાગલા-વિરોધી જોશ સર્જી શક્યાં નહિ. તેમનાં ભાષણોમાં દ્વિધાનો સ્વર હતો.
કોઈ સમસ્યા પર નેતાના વિચારો અને બોલીમાં દ્વિધા હોય ત્યારે પ્રજા ઊભી થતી નથી. ગાંધીજીએ તો અમને તેમની શૈલીમાં ઢંઢોળ્યા પણ તેને માટે અમે લાયક પુરવાર થયા નહિ. પણ, ગાંધીજીએ ભાગલાનો પ્રતિરોધ કર્યો નહીં, તે માટેનું એક કારણનું અનુમાન કરું છું. હિન્દુસ્તાનના ઇતિહાસની વિશાળ પુરાણી શક્તિઓ અને ગાંધીજીની વૃદ્ધાવસ્થા જેવી તત્કાલીન નાની-નાની વાતોની વચ્ચે તે કારણ મળ્યું છે. ખરેખર તો હિન્દુસ્તાનની આઝાદીની લડાઈ લગભગ સંપૂર્ણ આઝાદ થવાની વેરવિખેર ઈચ્છાઓ ઉપરાંત ચતુર વાક્યો, બહેતર નારા, બુદ્ધિપૂર્ણ કે આડંબરયુક્ત તર્ક પર નિર્ભર હતી. ગાંધીજીના સહાયકો સાથે ઘણા સંગઠનો બનાવ્યાં – ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ, તાલીમી સંઘ, હરિજન સેવાસંઘ, આદિવાસી સંઘ વગેરે સુધારક સંગઠનો હતાં, પણ તેમાંથી કોઈએ સ્વતંત્રતાની એ મહત્વાકાંક્ષાને મજબૂત બનાવી નહિ. કોંગ્રેસ પણ લડનારાઓનું સંગઠન નહોતું. તેના મોટાભાગના નેતાઓ ખાધેપીધે સુખી, ઊંચી જાતિના અને મધ્યમ વર્ગના હતા. તેઓ પોતાના ભવિષ્ય વિષે ચિંતિત અને પરેશાન હતા. ગાંધીજીને ભલે ઈશ્વરનો અવતાર ઠેરવી દેવામાં આવે, ભાગલા અંગેના તેમના દોષનો અધિક વિસ્તારથી અભ્યાસ થવો જોઈએ. બધું જ નિષ્ફળ હતું તો પણ તેમના સંકલ્પે નિષ્ફળ થવું જોઈતું નહોતું.
ડૉ. લોહિયા ગાંધી અને સમાજવાદ વિચારની મિલનભૂમિ પરના નેતા હતા, તેમના જેટલી કઠોર આત્મમંથનની પ્રસ્તુતિ બીજે ઓછી દેખાય છે. આપણે ડૉ. આંબેડકરના ગંભીર ચિંતન વિષે વાત કરી રહ્યા છીએ ત્યારે તેની પૂર્વભૂમિકામાં પરોક્ષ રીતે લોહિયાની આ વાત જ દેખાય છે.
આનો અર્થ એ થયો કે, સ્વતંત્રતાના સંઘર્ષમાં તો રાષ્ટ્રવાદ હતો, જેવી આઝાદી મળી કે તેમાં વિક્ષેપ શરૂ થયો. ખિલાફત ચળવળમાં ઘણાનો વિરોધ છતાં ગાંધીજીએ ટેકો આપ્યો તેની પાછળ હેતુ એવો હતો કે, હિન્દુ-મુસ્લિમ એકજૂટ રહે. તેવું બનવાને બદલે એ જ લાહોરમાં મુસ્લિમ લીગે અલગ સ્થાન માંગ્યું, જે નગરમાં ૧૯૩૦મા સંપૂર્ણ સ્વરાજનું એલાન કોંગ્રેસે કર્યું હતું!
આમ કેમ બન્યું? ડૉ. આંબેડકરના મંથનની અભિવ્યક્તિ ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના પ્રવચનમાં થઈ. બેશક એ યાદગાર પ્રવચન હતું. તેમાં દેશ એક અને અખંડ રહે, સ્વસ્થ લોકતંત્ર બને, છેવાડાના નાગરિકને પણ સારી રીતે જીવવાનો હક્ક મળે, અસમાનતા નાબૂદ થાય, અમાનવીય ભેદભાવ તૂટે, જાતિપ્રથા ના રહે અને એવી લોકશાહી સર્જાય જેમાં વ્યક્તિ પૂજા- પર્સનાલિટી કલ્ટ - ના હોય. લોકશાહી પ્રત્યેની તેમની આસ્થા એવી ગાઢ હતી કે, સ્વાધીન ભારતમાં અસહકાર ચળવળ, બંધ, ઘેરાવ જેવું કશું હોવું ના જોઈએ કેમ કે તે ‘અરાજકતાનું વ્યાકરણ’ છે એવું સ્પષ્ટ કહ્યું. એ તથ્ય સ્વીકારીને આગળ ચાલવું જોઈએ કે તેમનું દૈહિક અને બૌદ્ધિક વ્યક્તિત્વ જાતિગત ભેદભાવમાંથી પ્રતિક્રિયા સ્વરૂપે સર્જાયું હતું, હિન્દુ એ એવી ધારણા છે જેમાં ધર્મની વ્યાખ્યા વ્યાપક રહી છે, તે સંપ્રદાય નથી, જીવનશૈલી છે -
એવું ભીતરથી માનતા હોવા છતાં તેનો ત્યાગ કરીને બૌદ્ધધર્મને અપનાવ્યો તેની પાછળ કારણ તો એજ હશે કે હિન્દુ પરંપરામાં પેસી ગયેલી ભેદભાવની પ્રથા નષ્ટ થાય. જાતિ, ધર્મ, સમાજનું ચિંતન તેમના પોતાના રસ્તે થયું. તેમના વિચારોનું અધ્યયન કરવામાં આવે તો પૂર્વે થઈ ગયેલા અનેક સુધારકો, ચિંતકો, સમાજસેવકોના ગહન મંથનની પણ ભૂમિકા છે જ. એ નજરે રાજનીતિમાં વ્યક્તિપૂજા આગળ જતાં તાનાશાહીમાં એટલે કે પોતાના નિર્ણયો થોપી દેવાની માનસિકતામાં કેવી રીતે પરિણમે છે. તેના પ્રસંગો તેમણે જોયા. જે રીતે ભારતવિભાજન થયું તે તેમને ક્યાં મંજૂર હતું? આવો મોટો નિર્ણય વ્યક્તિપૂજાની છાયામાં પાંગર્યો-પોંછાયો તેેને તેઓ ક્યારેય નહીં ભૂલી શક્યા. પુનઃ આવી વ્યક્તિપૂજા તાનાશાહીમાં પરિવર્તિત ન થાય તે અંગેની ચેતવણી ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપેલી. તે તે દિવસોના નેતૃત્વ માટે કેેટલી અસહ્ય થઈ પડી હશે!
લેખક રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રીશ્રી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન છે. રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષોથી સક્રિય છે. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે.