ડો. આંબેડકરનો રાજકીય પક્ષો અંગેનો સંકેત કસોટીની એરણે

ટૂંકમાં ડૉ. બાબાસાહેબે ભારત જાતિ-પંથોના ભેદ ઉપરાંત રાજકીય પંથોના ભેદથી પણ ઘેરાશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે આજના સંદર્ભમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |

Parties vs. Nation: Ambedkar
 
 

સંવિધાન સમિતિમાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ ૨૫ નવેમ્બર, ૧૯૪૯માં થયું. ૨૬ નવેમ્બરના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદ દ્વારા સંવિધાનનો સ્વીકાર થયો. ૨૬ જાન્યુઆરી ‘પૂર્ણ સ્વરાજ દિન’ની વર્ષગાંઠ નિમિત્તે ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી રાષ્ટ્રમાં અમલી બન્યું. આ અંતિમ ભાષણમાં ડૉ. બાબાસાહેબના સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક મનોમંથનનાં સમગ્ર ભારતવર્ષને દર્શન થયાં હતાં. એક મુદ્દે તેમણે આ ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, ‘...શું ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરશે? આ જ તે વિચાર છે, જે મને ચિંતાથી ભરી દે છે. આ ચિંતા આ તથ્યની અનુભૂતિથી વધુ ઊંડી બને છે કે, જાતિઓ અને પંથોના રૂપમાં આપણા જૂના દુશ્મનો ઉપરાંત, આપણી પાસે વિવિધ અને વિરોધી રાજકીય પંથોવાળા ઘણા રાજકીય પક્ષો થવાના છે. શું ભારતીયો દેશને પોતાના પંથથી ઉપર રાખશે કે શું તેઓ પંથને દેશથી ઉપર રાખશે? મને ખબર નથી, પરંતુ એટલું નિશ્ચિત છે કે, જો પાર્ટીઓ પંથને દેશથી ઉપર રાખશે, તો આપણી સ્વતંત્રતા બીજી વાર જોખમમાં મુકાઈ જશે અને કદાચ હંમેશા માટે ખોવાઈ જશે.’ ટૂંકમાં ડૉ. બાબાસાહેબે ભારત જાતિ-પંથોના ભેદ ઉપરાંત રાજકીય પંથોના ભેદથી પણ ઘેરાશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે આજના સંદર્ભમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.
 
૨૬ નવેમ્બર, ૧૯૫૦ના રોજ આપેલા ઉદ્‌બોધનમાં ડૉ. બાબાસાહેબે પરાધીનતાના દુખદ ભૂતકાળનું પુનરાવર્તન ન થાય તે માટે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આ ભાષણને વીસમી સદીના ઉત્તમ ભાષણોમાં નિર્વિવાદ સ્થાન આપવું પડે તેવું તથ્યાત્મક, વિશ્લેષણસભર હતું.. વિશ્વ ગુરુપદે વિરાજમાન ભારતીય સંસ્કૃતિ - સમાજજીવન અને ક્રમશઃ થયેલ અધોગતિ, તેના મૂળભૂત કારણોની છણાવટ છે. જયારે ભારત વર્ષમાં સંપૂર્ણપણે લોકશાહીની સ્થાપના થઈ ચૂકી છે ત્યારે સંભવિત થઈ શકે તેવી ભૂતકાળની ભૂલોને યાદ કરાવીને સમાજને આત્મમંથન કરાવ્યું. તેમણે જણાવ્યું કે, હવે રાષ્ટ્રની અધોગતિ અને નિષ્ફળતા માટે મોગલો કે અંગ્રેજો નહિ પણ આપણે સ્વયં જવાબદાર રહીશું. રાષ્ટ્રભૂમિને સનાતન ધર્મના ‘સ્વ’ આધારિત તત્વજ્ઞાનને આત્મસાત્‌ કરીને આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા સમગ્ર ભારતવર્ષને આહ્વાન કર્યું.
 
અંતિમ ભાષણમાં જણાવ્યા મુજબ ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘તત્વમસિ’ના તત્વજ્ઞાનને આત્મસાત્‌ કરેલો સમાજ ક્રમશ: છેલ્લા હજાર-પંદરસો વર્ષમાં ક્રૂર આક્રમણનો ભોગ બન્યો હતો, તેના કારણે ઉત્પન્ન થયેલા ભાષા, જાતિ, પંથના ભેદોથી આપણે જકડાયેલા છીએ તે ઉપરાંત સંવિધાન અમલી બન્યા પછી સત્તા મેળવવા માટે જુદીજુદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો રાષ્ટ્રહિતને કોરાણે મૂકી સત્તા મેળવવા માટે કોઈપણ કક્ષા સુધી જઈ શકે છે. ડૉ. બાબાસાહેબની ચિંતા બહુ સ્પષ્ટ અને સટિક હતી તે આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. ચર્ચા દરમિયાન ડૉ. બાબાસાહેબે કહ્યું હતું કે, જાતિભેદ હમેશા રાષ્ટ્રવિરોધી હોય છે. જાતિ આધારિત રાજકારણ કરી રહ્યા હોય તેવા રાજકીય પક્ષો સમાજજીવનને વિભાજિત કરે છે. સત્તાલક્ષી રાજકારણ માટે રાજકીય પક્ષો જાતિ-જાતિ વચ્ચે દ્વેષભાવ પેદા કરે છે, જેને કારણે સમાજજીવન અને છેવટે રાષ્ટ્ર નબળું બને છે. અનુસૂચિત સમાજની જાતિ અને પેટાજાતિ શોધી શોધીને જાતિવાચક બોલવું ખરાબ છે, તેટલું જ બ્રાહ્મણવર્ગને લક્ષ્ય બનાવી અપશબ્દોની ભાષા બોલવી તે પણ તેટલું જ ખરાબ છે. છેવટે તો સમગ્ર સમાજ વિભાજિત થતાં દેશ જ નબળો બને છે.
 
નિહિત હિત (Vested Interest ) ધરાવતા રાજકીય પક્ષો – એક પડકાર
 
કોઈ પણ લોકશાહી રાષ્ટ્રમાં જુદીજુદી ધારા ધરાવતા રાજકીય પક્ષો હોવાના. માત્ર સત્તા મેળવવા માટે રાષ્ટ્રહિતને જોખમમાં મૂકનારાં તત્વો પણ રહેવાનાં જ. પરંતુ ડાબેરી વિચાર ધરાવતા રાજકીય પક્ષો સંવૈધાનિક પ્રાવધાનોનો દુરુપયોગ કરીને સત્તા મેળવવાની સાથે રાષ્ટ્રને વિભાજિત કરી સમાજજીવનને છિન્ન ભિન્ન કરવાનો સ્પષ્ટ ઈરાદો ધરાવે છે તેવું ડૉ. બાબાસાહેબે પણ અનુભવેલું. તેના અનુસંધાને ડૉ. બાબા સાહેબે તેમના ભાષણમાં વ્યક્ત કરેલી ચિંતા, ‘આપણો દેશ ફરીથી તેની સ્વતંત્રતા ગુમાવશે’ તેવા ચિન્હો આજે વરતાઈ રહ્યા છે. સંવિધાનનિર્માણ સમયે જ તેની ટીકા દ્વારા સંવિધાનસભામાં સમાજવાદ અને સામ્યવાદના સદસ્યોએ તેમનું વરવું સ્વરૂપ ચર્ચા દરમિયાન બતાવી દીધું હતું. રાષ્ટ્રસર્જન અને આઝાદી પહેલાં જ રાષ્ટ્રને વિભાજિત કરવાનાં ષડયંત્રો ખૂબ શરૂઆતથી દેખાઈ ચૂક્યાં હતાં. તેનું પ્રત્યક્ષ પરિણામ ઇસ્લામ આધારિત પાકિસ્તાનના સર્જનથી સમગ્ર દેશ જોઈ રહ્યો હતો. સામ્યવાદી પક્ષને શ્રમજીવીઓની સરમુખત્યારશાહીના સિદ્ધાંત પર આધારિત બંધારણ જોઈતું હતું, તેથી તેઓ ડૉ. બાબાસાહેબના શ્રમજીવીઓ અને ઉદ્યોગ ધંધાના માલિકો (સરકાર સહિત) વચ્ચે વૈમનસ્ય વધવાથી રાષ્ટ્રની વિકાસગતિ કેવી રીતે ધીમી પડી જતી હોય છે તે બાબતે ડૉ. બાબાસાહેબે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. સમાજવાદીઓ જો સત્તામાં આવે છે, તો બંધારણ તેમને વળતર ચૂકવ્યા વિના બધી ખાનગી મિલકતનું રાષ્ટ્રીયકરણ અથવા સામાજિકરણ કરવાની સ્વતંત્રતા આપે. સમાજવાદીઓ ઇચ્છે છે તે એ છે કે બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો સંપૂર્ણ અને કોઈપણ મર્યાદાઓ વિના હોવા જોઈએ જેથી જો તેમનો પક્ષ સત્તામાં ન આવે, તો તેમને ફક્ત ટીકા કરવાની જ નહીં, પણ રાજ્યને ઉથલાવી પાડવાની પણ અબાધિત સ્વતંત્રતા મળે. ડૉ. બાબાસાહેબે સંભવિત પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરી રાષ્ટ્રના રાજકીય પક્ષોને રાષ્ટ્રહિતને પોતાના પક્ષના હિતથી ઉપર રાખવા માટે ભાષણમાં જણાવેલ. રાષ્ટ્ર માટે ઘાતક બની શકે તેવા રાજકીય પક્ષો બાબતે તેમના ભાષણમાં જે આપણને લાલ બત્તી બતાવી હતી તેનું પ્રત્યક્ષ Live Cast-જીવંત પ્રસારણ આપણને કેટલીયવાર જોવા મળતું હોય છે.
 
મૂળભૂત અધિકારોનો અતિરેક - અરાજકતા - Anarchy – સ્વાર્થી રાજકીય પક્ષોનું હથિયાર
 
નાગરિકો માટે મૂળભૂત અધિકારો અને ફરજોની અમલવારી સિવાય કોઈ પણ રાષ્ટ્ર વિકાસશીલ બની ના શકે. મૂળભૂત અધિકારોનો હક્ક અને તેના અતિરેક વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. મૂળભૂત હક્કો ભોગવતી વખતે તેનો ઉદ્દેશ્ય જાણવો ખૂબ જ જરૂરી. ડૉ. બાબાસાહેબે દિશાનિર્દેશ કરેલાં, એક નહીં અનેક પ્રકારનાં સંકટો આપણે આજે જોઈ રહ્યા છીએ. સંવૈધાનિક અધિકારોના નામે સમાજમાં અરાજકતા ઊભી કરી રાષ્ટ્રને નબળું પાડવાનો એક માત્ર ઉદ્દેશ્ય દેખાઈ રહ્યો છે. વાણી સ્વતંત્રતાના અધિકારના માધ્યમથી ભારતમાતાને પણ અપશબ્દો બોલવાનું ચૂકતા નથી. ‘ભારત તેરે ટુકડે હોંગે’, ‘હમેં ચાહીએ આઝાદી’ કહેનારા લોકો આજે આપણા દેશમાં જુદાજુદા રાજ્કીયો પક્ષોના સંરક્ષણમાં છે. આવા સૂત્રોચ્ચાર દ્વારા છડેચોક સંવિધાનના અમે ચીંથરાં ઉડાડીશું, તેવો સંદેશ આપી ડૉ. બાબાસાહેબ આંબેડકરના પવિત્ર આત્માને દુખી કરી રહ્યા છે. પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી અને પ્રાધ્યાપક, વાઈસ ચાન્સેલર સહિત ઉચ્ચપદે બિરાજમાન રહીને સંવેધાનિક અધિકારોના માધ્યમથી રાષ્ટ્રને ગેરમાર્ગે દોરી અને સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે. સામ્યવાદી સરકારમાં ગૌહત્યા અને ગૌમાંસને પ્રોત્સાહન આપવાનું એક માત્ર લક્ષ સનાતનીઓને અપમાનિત કરવાની સાથે અન્ય વિધર્મીઓને ખુશ કરવાનું પણ છે. સનાતન ધર્મને સાવ અશ્લિલ ભાષા બોલનારા દક્ષિણનાં રાજ્યોના સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી છે. સંવૈધાનિક અધિકારોના આધારે માત્ર રાષ્ટ્રને વિભાજિત કરવાનું એક માત્ર લક્ષ આ રાજકીય પક્ષોનું છે. રાષ્ટ્ર પર લદાયેલ ગેરબંધારણીય કટોકટી કોંગ્રેસ પક્ષની હીન માનસિકતાની ચરમસીમા છે.
 
ડૉ. આંબેડકરના રાજકીય પક્ષો અંગેના ગંભીર સંકેતો આજે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. રાજકીય પક્ષોના આંદોલન – હડતાલ – હલ્લાબોલ : સંવિધાનનો દુરુપયોગ
 
ડૉ. બાબાસાહેબે તેમના ભાષણમાં સમગ્ર સમાજને રાજકીય પક્ષો દ્વારા નાગરિકોના હક્ક, અન્યાય માટે તથા સામાજિક આર્થિક ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે બંધારણીય પદ્ધતિઓના દુરુપયોગ બાબતે સમગ્ર સમાજને ચેતવ્યો હતો. મૂળભૂત અધિકારોનો વિવેકબુદ્ધિથી ઉપયોગ માટે સૂચવ્યું હતું. મહાત્મા ગાંધીજીના ખૂબ જ ખ્યાતિ પામેલ અંગ્રેજ સરકાર વિરુદ્ધ અસહકાર અંદોલન અને હડતાલ અને અન્ય વિચારધારા પ્રેરિત લોહિયાળ પદ્ધતિઓનો સદંતર ત્યાગ કરવા જણાવેલ હતું. પરાધીનતા કાળ દરમિયાન સમાજને ન્યાય અપાવવા માટે મોગલો કે અંગ્રેજો દ્વારા ન્યાયિક પ્રણાલી ન હતી ત્યારે આ પદ્ધતિઓ બરોબર હતી. પરંતુ હવે જ્યારે સંવિધાન અમલી બનવા જઈ રહ્યું છે ત્યારે સંવૈધાનિક અધિકારો અને ન્યાયિક પ્રણાલીના માધ્યમથી જ સમાધાન થઈ શકે તેમ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા થતા આજ્ઞાભંગ, અસહકાર, હડતાલ, બંધના એલાન અને હલ્લાબોલ જેવી પદ્ધતિઓનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ. કેજરીવાલ જેવા રાજકીય નેતાઓ દ્વારા અપનાવેલી પદ્ધતિઓનાં માઠાં પરિણામો આપણે જોઈ શકીએ છીએ. નક્સલવાદને પોષનારા રાજકીય પક્ષો એ સંઘર્ષને જાતીય સ્વરૂપ આપવા માંગે છે. સ્વાર્થી રાજકીય પક્ષો દલિત વિરુધ્ધ સવર્ણ, દલિત વિરુદ્ધ બ્રાહ્મણ, મરાઠા વિરુદ્ધ દલિત અને જનજાતિ જેવાં ઘાતક સમીકરણો બનાવી માત્ર સમાજ અને દેશને નબળા પાડવાની ઘૃણિત કાર્યવાહી કરી રહ્યા છે. ડૉ. આંબેડકરના ભાષણમાં જણાવ્યા પ્રમાણે આવા પ્રકારની ગેરબંધારણીય અને સમાજવિકાસને રૂંધતી પદ્ધતિઓ અરાજકતાના વ્યાકરણ સિવાય કશું નથી અને જેટલી વહેલી તકે તેનો ત્યાગ કરવામાં આવશે તેટલું સમાજ અને રાષ્ટ્ર માટે બહેતર છે, અનિવાર્ય છે.
 
સંવિધાનનું સરેઆમ અપમાન – રાજકીય પક્ષો દ્વારા લઘુમતી તુષ્ટિકરણ
 
છેલ્લાં ઘણાં વર્ષોથી, ડૉ. બાબાસાહેબના માર્ગદર્શનથી એકદમ વિપરીત અને માત્ર સત્તા મેળવવા માટે લઘુમતી સમાજનું સતત તુષ્ટીકરણ વિવિધ રાજકીય પક્ષો દ્વારા થતું આપણે જોઈ રહ્યા છીએ. રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપવાના બદલે કોંગ્રેસ, સામ્યવાદી અને અન્ય રાજકીય પક્ષો આપણી સુપ્રીમ કોર્ટના ચુકાદા અને માર્ગદર્શનને પણ અવગણી સંવિધાનનો દુરુપયોગ કરી સમાજજીવનને લઘુમતી તૃષ્ટીકરણના માધ્યમથી વિભાજિત કરી રહ્યા છે. ડૉ. બાબાસાહેબના અંતિમ ભાષણમાં ભવિષ્યમાં રાષ્ટ્ર ફરીથી સ્વતંત્રતા શા માટે ગુમાવી શકે તે અંગે તેઓએ આપેલા સંકેતોને સાચા ઠેરવતો કારસો રચી રહ્યા છે. તેમના રાજકીય સ્વાર્થને દેશથી ઉપર રાખી રહ્યા છે. સંવિધાનની ઉદ્દેશિકામાં જ બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ જેવા શબ્દો ગેરબંધારણીય રીતે ઉમેરી તેમના બદઇરાદાઓનો પરિચય રાષ્ટ્રને આપેલ છે. ધર્મ આધારિત આરક્ષણ તે રાજકીય પક્ષોની હીન માનસિકતા જે સ્પષ્ટપણે બંધારણવિરોધી છે તેનો પરિચય આપે છે. રાજકીય પક્ષો અંગત પક્ષીય હિતને રાષ્ટ્રથી ઉપર રાખી રાષ્ટ્રને પારાવાર નુકસાન કરી રહ્યા છે. સંવિધાન ઉદ્દેશિકા (આમુખ)માં જણાવ્યું છે કે, ન્યાય મેળવવા માટે અમે બંધારણનો સ્વીકાર કરી રહ્યા છીએ. બંધારણ પોતાના હાથમાં લેનારા પોતાના રાજકીય પક્ષના છે એટલે આંખ આડા કાન કરવા તે બંધારણનો દ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જ છે.
 
ડૉ. બાબાસાહેબનો સંકેત - કસોટીની એરણે
 
સંવિધાન સમિતિ સમક્ષ આપેલા ભાષણમાં બાબાસાહેબે ચિરંતન રૂપે સત્ય સાબિત થાય તેવા સંકેતો આપેલા જ છે. શાસકોની પ્રામાણિકતા જ સફળતાની કુંજી છે તેમ જણાવી ડૉ. આંબેડકરે કહેલું કે, ભારતના લોકો અને રાજકીય પક્ષો પોતાના ઉદ્દેશ્યોની પૂર્તિ માટે અસંવૈધાનિક એટલે કે ક્રાંતિકારક માર્ગનો આધાર લેશે તો બંધારણ ગમે તેટલું સારું હોય તો પણ તેની અસફળતા અંગે કોઈ ભવિષ્યવેત્તાની જરૂર નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ સંકેતો કસોટીની એરણે ચડેલા છે. ડૉ. બાબાસાહેબના ભાષણમાં રાજકીય પક્ષો બાબતે બતાવેલ લાલબત્તી જેને ડાબેરી, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના વાણી, વર્તન અને વ્યવહારમાં જોઈને સમગ્ર સમાજ ચિંતિત છે.
 
- ડૉ. વિજય ઝાલા