દિ. ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સભામાં કરેલા ઉદ્બોધનમાં એક મહત્ત્વના વિષય અંગે વાત કરતાં કહ્યું હતું કે, “...લોકો ‘લોકો’ માટે’ સરકાર રાખવા ઇચ્છુક છે અને એ વાતથી ઉદાસીન છે કે ભલે તે સરકાર ‘લોકોની’ અને ‘લોકો દ્વારા’ હોય કે ન હોય! જો આપણે આ બંધારણને સંરક્ષિત કરવા માંગીએ છીએ, જેમાં આપણે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા સરકારના સિદ્ધાંતને સ્થાપિત કરવાનો હેતુ રાખ્યો છે, તો ચાલો, આપણે તે ખરાબીઓને ઓળખવામાં આળસુ ન થવાનો સંકલ્પ લઈએ..’ છેક અંતમાં તેઓ કહે છે કે, ‘રાષ્ટ્રસેવાનો આ જ એક માર્ગ છે. હું આનાથી શ્રેષ્ઠ કશું જાણતો નથી.’
શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબના આ વિચાર અનુસાર ભારતમાં નવી રાજકીય વિચારધારાઓથી દુષ્પ્રેરિત થયા વિના રાષ્ટ્રસેવાના એક માત્ર વિચારથી ‘લોકો’ને કેન્દ્રમાં રાખતી શાસન વ્યવસ્થા જરૂરી છે. અહીં આ સંદર્ભમાં વિસ્તૃત છણાવટ પ્રસ્તુત છે.
સુંદર નયનરમ્ય પૈતૃક જગ્યાએ બનેલા ઘરની આ વાત છે..
એ ઘરની માલિકી ઘરનાં સૌનાં નામે છે. એટલે કે, આ એ લોકોનું ઘર છે!
ઘરનાં સૌ કોઈના પરિશ્રમથી ઘર બન્યું છે. એટલે કે, આ એ લોકો દ્વારા બનેલું ઘર છે!
પરંતુ એ લોકોના એક વડીલે એવાં ષડયંત્ર રચ્યાં, જેના કારણે ઘરનાં સૌ બેહદ શરમ અનુભવી રહ્યાં છે, બહારનાં લોકોને મળી પણ શકતાં નથી, આમ તે સૌ રહે છે તો પોતાની માલિકીના ઘરમાં, પોતાના દ્વારા બનાવાયેલા ઘરમાં પણ હવે એ ઘર જાણે ઘરનાં સૌને પોતાના માટેનું લાગતું નથી. એટલે કે, આ એ લોકો માટેનું ઘર રહ્યું નથી! એ ઘરને એ લોકો નફરત કરી રહ્યાં છે.
આમ આ ઘર ‘લોકોનું’ છે.. ‘લોકો દ્વારા’ બનેલું છે.. પણ ‘લોકો માટે’ નથી રહ્યું. (વાસ્તવમાં આ ત્રણેય સમાનપણે અગત્યતા ધરાવે છે.)
સરળ રીતે સમજમાં આવે તે હેતુસર ઉપરોક્ત ‘ઘર’ની વાત કરી છે. વાસ્તવમાં આ જ સંદેશ આપતી વાત ૧૯૪૯ના નવેમ્બરની ૨૫મી તારીખે ડૉ. બાબાસાહેબે સંવિધાન સભા સમક્ષ બાંધ્યા ભરમમાં સૌની સામે મૂકી હતી. બસ, ઉપરોક્ત ઉદાહરણમાં માત્ર ઘરની જગ્યાએ હિન્દુસ્થાનને મૂકો. પેલા પ્રતિષ્ઠિત વડિલની જગ્યાએ સત્તા સંભાળતા રાજકીય નેતૃત્વને મૂકો. ..અને ઘરનાં લોકોની જગ્યાએ હિન્દુસ્થાનની જનતાને મૂકો. અને ષડયંત્રની જગ્યાએ મનોહર મલગાંવકરના પુસ્તક ‘ધ મેન હૂ કિલ્ડ ગાંધી’માં બયાન થયેલું ષડયંત્ર મૂકો. આ ષડયંત્રનો એવો ઉલ્લેખ છે કે, એલ. બી. ભોપતકર સાથેની વાતચીતમાં તે વખતના કાયદા મંત્રી ડૉ. ભીમરાવ આંબેડકરે સ્વયં પોતે જ જણાવ્યું હતું કે, ક્યાંય કોઈ સબૂત નહીં હોવા છતાં પણ નેહરુ કોઈ પણ કિંમતે સાવરકરને ગાંધી હત્યાકાંડમાં સંડોવવા માંગતા હતા.
ડૉ. બાબાસાહેબે સંવિધાન સભા સમક્ષ અંગ્રેજીમાં કરેલી એ વાતનો ભાવાનુવાદ કંઈક આવો છે, ‘..તેઓ ‘લોકો માટે’ સરકાર રાખવા ઇચ્છુક છે અને એ વાતથી ઉદાસીન છે કે ભલે તે સરકાર ‘લોકોની’ અને ‘લોકો દ્વારા’ હોય કે ન હોય..’ તે વખતે નહેરુજીના નેતૃત્વમાં સરકારે રાષ્ટ્રનાં; સત્તાનાં સૂત્રો બિનસત્તાવાર સંભાળ્યાં હતાં (જુઓને આગળ જતાં એ નેતૃત્વએ સ્વયં પોતે જ પોતાને ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરવો પડેલો તે નમૂનારૂપ ક્ષણને ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે. નોબેલ માટે તડપતા ટ્રમ્પને પણ ટપી જાય તેવું ઉદાહરણ છે ને!). બિનસત્તાવાર એ સંદર્ભમાં કે, એ ચૂંટાયેલી સરકાર નહોતી. હા, પણ એ વખતે સૌને આયનામાં પોતાના ચહેરા દેખવા ડૉ. બાબાસાહેબે મજબૂર કર્યા હતા.
ડૉ. આંબેડકરજીએ સંવિધાન સભામાં રજૂ કરેલ ઉપરોક્ત મુદ્દો બેધડક રીતે જે સ્પષ્ટ શબ્દાવલિમાં રજૂ કરેલો તેનો લોકભોગ્ય ભાષામાં ટૂંકમાં અર્થ કરીએ તો એવો થાય છે કે, મજબૂરીમાં છીએ, તેવું મહાત્માના નામે ચઢાવીને તમે મરજી ફાવે તેમ દેશ ચલાવી શકતા નથી. પ્રકાશમાં રત એટલે ભારત, આવા ભારતને પોતાના અપ્રતિમ વ્યક્તિત્વ-નેતૃત્વ-કર્તૃત્વ થકી સાર્થક કરનારા ભારતગૌરવ ડો. આંબેડકરજી ખરેખરા ‘ભારતરત્ન’ હતા. છેક ૧૯૯૦માં ડૉ. આંબેડકરજીને એક વીર તરીકે, એક દૂરદૃષ્ટા તરીકે, એક સંવિધાનનિર્માતા તરીકે તેઓના મહાન રાષ્ટ્રકાર્યોને બિરદાવતો, તેને મુખરિત કરતો મરણોપરાંત ‘ભારતરત્ન’નો ખિતાબ નોનકોંગ્રેસી, ભાજપના ટેકા સાથે વી.પી. સિંહની સરકાર દ્વારા આપવામાં આવેલો.
મૂળ વાત પર આવીએ.. લોકોની (Of the people), લોકો દ્વારા (By the People), લોકો માટે (For the
People) એવી લોકશાહી સરકારના સમગ્ર કેન્દ્રમાં ‘લોકો’ રહેલા છે ત્યારે ‘લોકો’ને જોવા-જાણવાની અને તેના ઐક્યને ઓળખવાની દૃષ્ટિ અને દિશા અગત્યની બની જાય છે. ૧૯૧૬માં ડૉ. બાબાસાહેબે કોલંબિયા યુનિવર્સિટીમાં ‘Caste in India’ નામનો તેમનો થિસીસ રજૂ કરેલો, જેમાં તેઓ લખે છે, ‘ભારત એક સાર્વત્રિક સાંસ્કૃતિક એકતા ધરાવે છે. સમાજ ભલે અસંખ્ય જાતિઓમાં વહેંચાયેલો છે, તેમ છતાં તે એક જ સંસ્કૃતિ દ્વારા બંધાયેલો છે.’ જ્યારે સમાજ વિવિધ જાતિઓમાં વહેંચાયેલો હોય છે, ત્યારે તેના આદર્શો અલગ પડે છે અને એકબીજા સાથે અથડામણ થાય છે. સમરસ સમાજ મહત્વપૂર્ણ છે. તેથી,
ડૉ. બાબાસાહેબ તેમના પુસ્તક ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધમ્મ’માં આદર્શ સમાજ વિશે વિગતવાર જણાવે છે. આ પુસ્તકના પાના ૨૩૨ પર બાબાસાહેબ લખે છે કે, ધર્મને સાચા ધર્મનું સ્વરૂપ આપવા માટે સામાજિક ભેદભાવોથી ઉદ્ભવેલા બધા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ. આગળ ઉપર તેઓ લખે છે કે, ‘જેવા બીજા બધા છે તેવો જ હું છું, જેવા આપણે તેવા જ સૌ, આવા વિચારોથી સૌ સાથે સમરસ થઈ જાઓ.’
આ સંદર્ભમાં જ તેઓ ધર્મને વણી લઈને કહે છે કે, ‘એકલા વ્યક્તિને ધર્મની જરૂર નથી, પરંતુ જ્યારે બે લોકો ભેગા થાય છે, ત્યારે પરસ્પર વ્યવહાર માટે ધર્મ જરૂરી બની જાય છે. ધર્મ વિના સમાજ જીવિત રહી શકતો નથી.’ આમ ‘લોકો’ (We the People) થવા ધર્મ જરૂરી છે.
તેઓ એ પણ કહે છે કે, ‘ધર્મ અને ગુલામી સાથે ચાલી શકતાં નથી. ધર્મ ક્યારેય વ્યક્તિગત નથી.’ ભાષાની જેમ ધર્મ પણ સામાજિક છે. ડૉ. આંબેડકરજીના મતે, ધર્મનાં ચાર લક્ષણો છે. પહેલું એ છે કે, સમાજને એક રાખવા માટે કોઈ કાયદો અથવા નૈતિકતા જરૂરી છે, નહીં તો સમાજ વિખેરાઈ જાય છે. બીજું લક્ષણ એ છે કે, ધર્મ તર્ક અને વિજ્ઞાન પર આધારિત છે. ત્રીજું લક્ષણ એ છે કે, ધર્મનો પાયો નૈતિકતા હોવો જોઈએ, આ જરૂરી છે, પણ સંપૂર્ણ નથી. નૈતિકતાની સાથે, લોકશાહીના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો સ્વતંત્રતા-સમાનતા-બંધુતાનું પાલન કરવું પણ જરૂરી છે. ચોથું લક્ષણ એ છે કે, ધર્મએ ક્યારેય ગરીબીનો મહિમા કે પ્રશંસા ન કરવી જોઈએ. હિન્દુ ધર્મ અંગે તેઓની મનની સ્પષ્ટતા જોઈએ.. તેઓ કહે છે, ‘So long as castes remain, Hindu religion cannot be made a missionary religion’ અર્થાત્ જ્યાં સુધી જાતિ રહેશે હિન્દુ ધર્મ એક મિશનરી ધર્મ નહીં બની શકે.
જ્યારે ડૉ. બાબાસાહેબે ‘લોકો’ની વાત કરી છે ત્યારે તેમાં ભારતના સંપૂર્ણ સમાજની વાત છે. તે એક અખંડ સાંકળ સમાન છે. આ સાંકળને મજબૂત બનાવવા તેની પ્રત્યેક કડી મજબૂત હોવી જોઈએ. સાંકળની મજબૂતાઈ તેની નબળી કડીને જોઈને આંકવામાં આવે છે. આ ‘લોકો’ (સમાજ) તાકાતવર બને તે માટે શોષિત, પીડિત, વંચિત, દલિત સમાજનો આત્મવિશ્વાસ જગાડવો પડે. ડૉ. બાબાસાહેબના જીવનનું ધ્યેય એવા લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાનું હતું, જેઓમાં કોઈક ને કોઈક રીતે નબળાઈ આવી છે, જેમણે પોતાની શક્તિ ગુમાવી દીધી છે અને પરિણામે પીડાઈ રહ્યા છે. અને આ સંવેદનાને કેન્દ્રમાં રાખતી વાત તેઓએ માત્ર સંવિધાન સભા સમક્ષ જ કહી હતી એવું નથી, તેઓએ કુલ મળીને સમાજને તાકાતવર બનાવવા નબળી કડી પર આદરેલી તેમની જેદ્દો-જહદમાં, તેમની મહેનતમાં તેમની સંવેદનામાં તેનું પ્રકટીકરણ સ્વાતંત્ર્યપૂર્વેથી આપણને જોવા મળે છે, જેનું એક ઉદાહરણ આ રહ્યું...
માન્ચેસ્ટર ગાર્ડિયનના પ્રતિનિધિએ ૧૯૪૫માં ભારતની મુલાકાત લીધી હતી. તેમનો ઉદ્દેશ્ય મહાત્મા ગાંધી, મુહમ્મદ અલી ઝીણા અને ડૉ. આંબેડકર જેવા નેતાઓનો ઇન્ટરવ્યુ લેવાનો હતો. રાત્રે નવ વાગ્યે, તેઓ ગાંધીજીને મળવા પહોંચ્યા. ગાંધીજી સૂતા હતા. ત્યારબાદ પ્રતિનિધિ મુહમ્મદ અલી ઝીણાના નિવાસસ્થાને ગયા, જ્યાં તેમને ઝીણા વિશે એ જ માહિતી મળી. અંતે.. તેઓ ડૉ. બાબાસાહેબના ઘરે ગયા. બાબાસાહેબને તેમના અધ્યયન કક્ષમાં ચિંતન કરતા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ‘ગાંધીજી અને ઝીણા ઊંઘી રહ્યા છે, પણ તમે તમારી ઊંઘ છોડીને અભ્યાસ કરી રહ્યા છો?’ એવો પ્રશ્ન માન્ચેસ્ટર ગાર્ડિયનના પ્રતિનિધિએ બાબાસાહેબને પૂછ્યો ત્યારે બાબાસાહેબે આપેલો જવાબ ખૂબ જ અર્થપૂર્ણ હતો: ‘ભાઈ, એ બંને નેતાઓ જેઓનું નેતૃત્વ કરી રહ્યા છે તે સમાજ જાગૃત છે, પરંતુ જેનું નેતૃત્વ મારે કરવાનું છે નિદ્રાધિન છે.’ ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ સાધકનું વર્ણન ‘यस्यां जागर्ति संयमी’ તરીકે કરવામાં આવ્યું છે.
તેઓએ કહેલી આ વાત જુઓ.. ‘હું હિન્દુ ધર્મનો દુશ્મન છું, હું વિનાશક છું, મારા વિશે આવી ટિપ્પણીઓ કરવામાં આવે છે, પરંતુ એક દિવસ એવો આવશે જ્યારે હું હિન્દુ સમાજનો ઉપકારી છું, તેવા શબ્દોમાં હિન્દુઓ મને ધન્યવાદ આપશે.’ આમ ‘લોકો’ એવું જ્યારે કહેતા ત્યારે તેઓની નજર સામે નિહિતપણે સમગ્ર હિન્દુ સમાજ જ રહેતો.
ડૉ. આંબેડકરે હિન્દુ સમાજમાં પ્રવર્તતી સામાજિક અને ધાર્મિક અસમાનતાને અપૂર્ણતાનું પ્રતીક માન્યું અને આ અપૂર્ણતાને દૂર કરવા માટે અપાર તપસ્યા પણ કરી. એવું નહોતું કે અન્ય લોકો આ મુદ્દા પર ચિંતન અને પ્રયાસ કરી રહ્યા ન હતા. ડૉ. આંબેડકરે આવા બધા લોકોને ‘નર્સ’ અને પોતાને દલિત સમુદાયની ‘માતા’ કહ્યા. તેઓ હિન્દુ સમાજ, હિન્દુ ઓળખ અને હિન્દુ સંસ્કૃતિ સામે નહીં, પરંતુ હિન્દુ સમાજના વિરોધાભાસો અને પ્રશ્નો સામે લડી રહ્યા હતા.
ધર્મને હિન્દુ કહો કે બૌદ્ધ, એ તેમના માટે અલગ નહોતો. કારણ કે, બંનેની સાંસ્કૃતિક વિરાસત એક જ હતી. તેમની સામે એક જ સાંસ્કૃતિક વિરાસત ધરાવનાર ‘લોકો’ હતા. તેથી જ ડૉ. બાબાસાહેબે કહેલું કે, ‘બૌદ્ધ ધર્મ અપનાવીને, હું આ દેશનું સૌથી મોટું ભલું કરી રહ્યો છું, કારણ કે બૌદ્ધ ધર્મ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. મેં આ દેશની સંસ્કૃતિ અને ઐતિહાસિક પરંપરાઓને નુકસાન ન પહોંચાડે તેની ખૂબ કાળજી લીધી છે.’ શીખ-બૌદ્ધ-જૈન માટે તેમણે સંવિધાન થકી હિન્દુસંહિતા જ લાગુ કરી. આ જ દર્શાવે છે કે, તેઓ આ મુદ્દે કેટલા સ્પષ્ટ હતા. તેઓના જ શબ્દોમાં જોઈએ તો, ‘શીખ, બુદ્ધ અને જૈન’ તેમને હિન્દુસંહિતા લાગુ પાડવી એ ઐતિહાસિક ક્રમ છે. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ તેનો વિરોધ કરવો યોગ્ય નથી. ગૌતમ બુદ્ધે હિન્દુઓના કાયદાશાસ્ત્રમાં કોઈ હસ્તક્ષેપ કર્યો નહીં. પોતાના શિષ્યો માટે અલગ કાયદાઓ ગૌતમ બુદ્ધે બનાવ્યા ન હતા અને તે જ વાત મહાવીર અને શીખોના ૧૦ ધર્મગુરુઓએ કરી હતી. તેમણે પણ હિન્દુકાયદાનું પાલન કર્યું હતું.’
તેઓ જાણતા હતા કે, ભારતની એકતાનો પાયો સાંસ્કૃતિક છે, અને સાંસ્કૃતિક ચેતના જ આગળનાં પરિવર્તનોનું કારણ બનશે. તેમનું આ કથન સંપૂર્ણ ‘હિન્દુ સમાજ’ને આપણે જન-જન (We the People) તરીકે વધુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી રહ્યું છે, જ્યારે તેઓ કહે છે કે, સંસ્કૃતિ સાક્ષી છે કે બધી રાજકીય ક્રાંતિઓ સામાજિક અને સાંસ્કૃતિક થયેલી છે, જેણે રાજકીય ક્રાંતિઓની સફળતા અને મહત્ત્વ નક્કી કરેલ હતું. ભારતનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ચંદ્રગુપ્તની રાજકીય ક્રાંતિ પહેલાં બુદ્ધની સામાજિક-સાંસ્કૃતિક ક્રાંતિ હતી. શિવાજીની રાજકીય ક્રાંતિની સફળતા મહારાષ્ટ્રના સંતોના યોગદાનને કારણે હતી જેમણે સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનનું કાર્ય હાથમાં લીધું હતું. આ સંદર્ભમાં, તેઓ ગુરુ નાનકનો સામાજિક-સાંસ્કૃતિક બોધ અને તેના પ્રભાવનું પણ ઉદાહરણ આપે છે. સ્પષ્ટપણે, આંબેડકરનો પ્રાથમિક આગ્રહ સામાજિક-સાંસ્કૃતિક ક્રાંતિનો હતો. તેમનો; આ ઉદાહરણો આપતો દૃષ્ટિકોણ જોઈને તેઓ કઈ સંસ્કૃતિની વાત કરી રહ્યા હતા, તે બાબતે કોઈ શંકા રહે છે કે?
છેલ્લે ‘એક જન’ તરીકે તેમણે રાષ્ટ્રનિર્માણમાં નકારાત્મક યાદોને ભૂલી જવું કેટલું અસરકારક છે તે સમજાવ્યું. આ સંદર્ભમાં, તેમણે રાજકીય વૈજ્ઞાનિક અર્નેસ્ટ રેનનના માધ્યમ દ્વારા ઉત્તર અને દક્ષિણ ફ્રાન્સનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, બંને ફ્રાન્સ વચ્ચેના સંબંધો લગભગ ૧૦૦ વર્ષથી કડવા હતા, પરંતુ આજે પરિસ્થિતિ મૈત્રીપૂર્ણ બની ગઈ છે. તેથી, તેમણે દલિતોને એક સમાજ (એક જન) બનવામાં બાધારૂપ બનતી પીડા અને અન્યાયપૂર્ણ ઘટનાને ભૂલી જવા વિનંતી કરી. તેઓએ કહ્યું હતું કે, ‘જે ક્રૂર લોકોને મનુષ્યોથી અલગ પાડે છે તે સંસ્કૃતિ છે. ક્રૂર લોકો માટે સંસ્કૃતિ શક્ય નથી, પરંતુ માનવો માટે આવશ્યક છે. જો આવું જ છે તો માનવસમાજનો ઉદ્દેશ્ય દરેક માનવીને સાંસ્કૃતિક જીવન જીવવા સક્ષમ બનાવવાનો હોવો જોઈએ.’
ડૉ. બાબાસાહેબ કેટલીક ચોક્કસ વ્યવસ્થાઓ સામે લડી રહ્યા હતા. તેમનો સંઘર્ષ ચોક્કસ માન્યતાઓ સામે હતો. તેમનો સંઘર્ષ ઉચ્ચ જાતિના લોકો સામે નહોતો. તેથી, તમામ જાતિઓ અને વર્ગોના લોકો તેમણે આદરેલા સંઘર્ષમાં સામેલ હતા. તેઓના વૈચારિક સંઘર્ષના ફોર ફ્રન્ટ પર દલિતહિત દેખાશે, પરંતુ સમગ્રતામાં જોઈએ તો આ સંપૂર્ણ સંઘર્ષ સમગ્ર હિન્દુ સમાજના હિત માટેનો હતો.
તેઓ જ્યારે નવી વિચારધારાઓ કહે છે ત્યારે રાજકીય વિચારધારાઓ પર તેમનો ઇશારો છે. તેઓ તમામ રાજકીય વિચારધારાઓને ગૌણ ગણે છે અને રાષ્ટ્રને મુખ્ય ગણે છે. રાષ્ટ્રીય હોવું એ વિચારધારા નથી. આપણે જે ઘર (ગૃહ)માં રહીએ તેનું ગૃહત્વ ધરાવવું એ કોઈ વિચારધારા નથી. વાસ્તવમાં એ આપણી ઓળખ છે. તેમ જે રાષ્ટ્રમાં આપણે રહીએ છીએ તેનું રાષ્ટ્રીયત્વ ધરાવવું તે આપણી અસ્મિતા છે. હા, વિશ્વના નકશા પર જે ‘રાષ્ટ્રવાદ’ શબ્દ ચાલી રહ્યો છે તેવા વાદ (ism)ના કોઈ સંકુચિત ખ્યાલમાં આપણે આપણા રાષ્ટ્રીયત્વને ટુંકું-નાનું ન બનાવીએ તેનું સતત ધ્યાન રહે. સર્વસમાવેશકતા એ આપણા રાષ્ટ્રીયત્વનો પરમોચ્ચ ગુણ છે. બસ, આ ગુણને સાર્વત્રિક રીતે ચરિતાર્થ થતો જોવાનું સ્વપ્ન ડૉ. બાબાસાહેબે સેવેલું તે ‘લોકો’ (એક જન) માટેનું પુરવાર થતું રહે તે રીતે સાકાર કરવાનું આ પ્રજાસત્તાક દિને સૌને આહ્વાન છે.
આ આહ્વાનને કેવી રીતે ધારણ કરી શકીશું? આ અંગે આ ઉદ્બોધનની અંતિમ પંક્તિઓમાં ડૉ. બાબાસાહેબે બે વાતો કહી છે.
૧) આળસુ ન થવાનો સંકલ્પ લઈએ..
૨) રાષ્ટ્રસેવાનો આ જ એક માર્ગ છે..
ઉપરોક્ત બંને માટે વચનબદ્ધ બનીને આ મહામાનવના સ્વપ્નને સાકાર કરતા ભારતના નિર્માણ માટે આવો... આપણે સૌ જન-જન કટિબદ્ધ થઈએ.