ડૉ. આંબેડકરની ચેતવણી અને આજની ભારતીય લોકશાહીની કસોટી
જ્યારે ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે, ત્યારે ડૉ. આંબેડકરના શબ્દો યથાર્થ લાગે છે. અહીં તેની વિસ્તૃત છણાવટ પ્રસ્તુત છે.
૨૪-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |
ભારત આજે પોતાનાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે આ દેશના લોકોની ઇચ્છાઓ, આંકાક્ષાઓ, અપેક્ષાઓ, અધિકારો અને ફરજોનું પાલન કરાવતા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને કેમ ભુલાય? ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ સ્વતંત્ર જરૂર બન્યો હતો, પરંતુ તે પ્રજાસત્તાક નહોતો બન્યો, કેમ કે તે સમયે તેની પાસે પોતાના લોકો દ્વારા બનાવેલું કોઇ બંધારણ નહોતું, અને આ બંધારણની રચના કરવાની જવાબદારી ડૉ. આંબેડકરના શિરે મૂકવામાં આવી હતી, જે તેમણે ખૂબ નિષ્ઠાપૂર્વક પૂરી કરી હતી. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દેશને વિધિવત રીતે પ્રજાસત્તાક જાહેર કરાય તે પહેલાં ડૉ. આંબેડકરે ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ દેશના રાજકીય નેતાઓ અને દેશની પ્રજાને સંબોધતું એક સૂચક ભાષણ આપ્યું હતું જેમાં તેમણે આધુનિક ભારતનો સંદર્ભ અને ભારતના ઉત્તમ અને ઉજ્જવળ ભવિષ્યના વિષયને આવરી લેતાં કહ્યું હતું કે, આપણે ભવિષ્યમાં લોકશાહી સામે સંભવિત જોખમો શું હોઈ શકે છે, પડકારો અને આપત્તિઓ કેવી રીતે આવી શકે છે એ અંગે પણ એક ચિંતન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, બંધારણનું સફળ થવું એ માત્ર તેના લખાણ ઉપર નહીં પરંતુ તેનો અમલ કરનારા લોકો ઉપર આધાર રાખે છે.
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતે તેના હાથમાં સંવિધાન અને હૃદયમાં પ્રજાસત્તાક લઈને નવું પ્રભાત જોયું. સ્વતંત્રતાનો મધરાતનો આનંદ તો તેનાથી બે વર્ષ અગાઉ અનુભવાઈ ગયો હતો. પરંતુ ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ, જ્યારે બંધારણસભા ઇતિહાસમાં વિલિન થવા જઈ રહી હતી, ત્યારે ડૉ. ભીમરાવ આંબેડકર ઉજવણી કરવા નહીં, પરંતુ ચેતવણી આપવા ઊભા રહ્યા હતા. તેમનું ભાષણ વિદાયનું નહીં, પરંતુ ભારતની લોકશાહીના ઊંડા જોખમોનું નિદાન હતું, તેમણે ચેતવણી આપી કે, ભારતીય લોકશાહી વિદેશી આક્રમણથી નહીં, પરંતુ આંતરિક પતનથી, નેતાઓની પૂજા, બંધારણવિરોધી માર્ગો, સામાજિક અસમાનતા અને ભ્રાતૃત્વના અભાવથી નષ્ટ થઈ શકે છે. પંચોતેર વર્ષ પછી, જ્યારે ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે પરંતુ હજુ ય અંદરથી વિભાજન અનુભવે છે, ત્યારે આંબેડકરના શબ્દો ઐતિહાસિક નહીં, પરંતુ અતિ આધુનિક લાગે છે.
બંધારણ એટલું જ સશક્ત હોય છે જેટલા સશક્ત તેના અમલકર્તા
આંબેડકર માનતા હતા કે, માત્ર બંધારણની રચનાથી લોકશાહી આપમેળે ચાલતી નહીં રહે. પરંતુ લોકશાહીને મજબૂત અને સુદૃઢ બનાવવાની જવાબદારી ભારતની જનતા, નાગરિકો, સંસ્થાઓ, રાજકીય પક્ષો અને નેતાઓની રહેશે.
આંબેડકર માનતા હતા કે, કોઈપણ દેશના વિકાસ માટે રાજકીય, સામાજિક અને આર્થિક સમાનતા એ પાયાની શરત છે. આર્થિક અસમાનતા વધે તો એની સીધી અસર સામાજિક અને રાજકીય અસમાનતા પર પણ આવે છે. આજે ભારતે ધરખમ વિકાસ અને પ્રગતિ કરી છે. પરંતુ જ્ઞાતિ અને જાતિના વિતંડાવાદ હજી પણ ઉડીને આંખે વળગે છે. પ્રાંતવાદ, ભાષાવાદ દેશના વિકાસને અવરોધે છે. આંબેડકર સ્પષ્ટપણે માનતા હતા કે, સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃત્વ આ ત્રણેયના સહકાર, સહયોગ અને સાયુજ્ય વિના લોકશાહી તંદુરસ્ત રહી શકે નહીં. આંબેડકર દૃઢપણે માનતા હતા કે, લોકશાહીનો અર્થ દરેક મુદ્દે સંમતિ નહીં, પરંતુ સંવાદ આવશ્યક બલ્કે અનિવાર્ય છે. તેઓ વ્યક્તિપૂજાના હિમાયતી નહોતા. સાથોસાથ બંધારણવિરોધી માર્ગે થતાં આંદોલનોના પણ સમર્થક નહોતા. આંબેડકર માનતા હતા કે, બંધારણીય વ્યવસ્થા સ્થપાયા પછી નાગરિકો અને શાસકો ‘રૂલ ઓફ લૉ’નાં સિદ્ધાંતોને અનુસરે એ ઇચ્છનીય છે. આંબેડકર માનતા હતા કે, ભારતમાં સંસદ, ન્યાયપાલિકા, વહીવટીતંત્ર અને મીડિયા એ ચારેય લોકશાહીના સ્તંભ છે અને લોકશાહીને સુદૃઢ બનાવવાની જવાબદારી આ ચારેય સ્તંભોની છે. દેશના નાગરિકો બંધારણ દ્વારા અપાયેલા હક્કો પ્રાપ્ત કરે, પરંતુ સાથોસાથ બંધારણીય ફરજો પણ સુપેરે નિભાવે તો જ સાચા અર્થમાં લોકશાહી સ્થપાશે. ટૂંકમાં, હક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે. એ મુદ્દે તેમણે ખાસ્સો ભાર મૂક્યો હતો.
પ્રજાસત્તાક ભારતના ૭૭મા વર્ષમાં પ્રવેશની પૂર્વસંધ્યાએ આંબેડકર સાહેબનું આ પ્રવચન વિસ્તારથી વાંચીએ તો સમજાય છે કે, આ વ્યક્તિ સાચા અર્થમાં મૂઠી ઊંચેરો માનવી હતો. તેમનું વક્તવ્ય એક દીર્ઘદૃષ્ટાની માફક ભારતના ભવિષ્યની ચિંતા અને ચિંતન દર્શાવે છે અને યોગાનુયોગ આજના સોશિયલ મીડિયાના માહોલમાં તેમણે દર્શાવેલી કેટલીક ભીતિઓ કમનસીબે સાચી પડતી દેખાય છે. દા.ત. વાણીસ્વતંત્રતાનો અધિકાર એ મૂળભૂત બંધારણીય અધિકાર છે. પરંતુ સાથોસાથ આ બંધારણીય અધિકાર વિવેકપૂર્ણ ઢબે વપરાય એ મુજબનું નિયંત્રણ પણ સમાજ માટે જરૂરી છે. બાબાસાહેબના પ્રવચનનો અર્ક અર્થાત્ ગાગરમાં સાગર સમાવવાની કોશિશ સ્વરૂપે એટલું જ કહી શકાય કે, આંબેડકરચિંધ્યા બંધારણીય માર્ગે લોકશાહીના મૂલ્યોને સુદૃઢ કરવાં હોય તો દેશમાં ગરીબો, રહિતો, વંચિતોનો સર્વાંગી વિકાસ થાય. આર્થિક અને સામાજિક સમાનતાની દિશામાં રાષ્ટ્રનિર્માણ થાય. વૈચારિક મતભેદ હોઈ શકે, પરંતુ રાષ્ટ્રહિત સર્વોપરિ રહે એ અનિવાર્ય છે. બંધારણ એ માત્ર દસ્તાવેજ નથી, પરંતુ ભારતના ભવિષ્યનો એક રોડમેપ છે અને ભારતીય બંધારણના ઘડવૈયાઓએ જે માર્ગ સૂચવ્યો છે, એ માર્ગને બંધારણીય પરિપાટીમાં રહીને; અનુસરીને રાષ્ટ્રનિર્માણ કરવું એ જ સમયનો તકાદો છે.