રાજકીય લોકતંત્રથી સામાજિક લોકતંત્ર તરફ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણનું વિઝન

ફક્ત રાજકીય લોકતંત્રથી સંતુષ્ટ ન રહેવું. આપણે વિશ્વના કોઈ પણ લોકતાંત્રિક દેશ માટે આ મુદો ખૂબ અગત્યનો છે કે,

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Beyond Ballots: The Soul of Social Democracy
 
 

દિનાંક : ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સભામાં કરેલા ઉદ્બોધનમાં એક મહત્ત્વના વિષય અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘... ફક્ત રાજકીય લોકતંત્રથી સંતુષ્ટ ન રહેવું. આપણે વિશ્વના કોઈ પણ લોકતાંત્રિક દેશ માટે આ મુદો ખૂબ અગત્યનો છે કે, તે માત્ર રાજકીય લોકતંત્ર ન રહીને સામાજિક લોકતંત્ર બને અને એ રીતે ચાલે તે જરૂરી છે. તો સામાજિક લોકતંત્ર વિશે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અહીં પ્રસ્તુત છે.
 
 
૨૫ નવેમ્બર,૧૯૪૯ના રોજ બંધારણ સભામાં પોતાના ઐતિહાસિક ભાષણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રને બધાં કરતાં ઉપર જણાવીને ચેતવણી આપી હતી અને દેશને માત્ર રાજકીય લોકતંત્રને બદલે સામાજિક લોકતંત્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમની સ્પષ્ટતા એ હતી કે, ‘રાજકીય લોકતંત્ર ત્યાં સુધી ન ચાલી શકે જ્યાં સુધી તેના આધાર પર સામાજિક લોકતંત્ર ન હોય.’ આ વિચાર આજે ભારતના લોકતાંત્રિક માળખા માટે પાયાનો પથ્થર છે. રાજકીય લોકતંત્ર એટલે માત્ર ‘એક વ્યક્તિ, એક મત’નો અધિકાર, પરંતુ સામાજિક લોકતંત્ર એટલે તો ‘એક વ્યક્તિ, એક મૂલ્ય’. જ્યાં સુધી સમાજના પાયામાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનાં મૂલ્યો સ્થાપિત ન થાય, ત્યાં સુધી રાજકીય સ્વતંત્રતા લાંબો સમય ટકી શકતી નથી. ડૉ. બાબાસાહેબના આ સામાજિક લોકતંત્રના વિચારનાં મૂળિયાં ભારતીય પરંપરા અને તેમના ગુરુઓના ચિંતનમાં રહેલાં છે.
ડૉ. આંબેડકરજીનો સંદર્ભ સભાનો ન હતો, સમાજમાં એકાત્મતા માટેનો હતો. તેઓને તેમના ત્રણેય ગુરુઓ એક દૃષ્ટિ આપે છે, એક દર્શન આપે છે. આંબેડકરજીના તમામ સંઘર્ષમાં જે આત્મતત્વ છે તે બુદ્ધ, કબીર અને મહાત્મા ફૂલેમાંથી આવે છે. બુદ્ધ, કબીર અને ફૂલેને સમજ્યા વિના, આંબેડકરને સમજવાનું અધૂરું છે.
 
ડૉ. બાબાસાહેબનું વ્યક્તિત્વ સ્વયં એક લોકશાહીનું જીવંત ઉદાહરણ હતું. તેઓ સામાજિક લોકતંત્રના આગ્રહી હતા અને કોઈ પણ પ્રકારની વ્યક્તિપૂજાના સખત વિરોધી હતા, કારણ કે વ્યક્તિપૂજા લોકશાહીના પતનને નોતરે છે. તેમનું વ્યક્તિત્વ તો ક્રાંતિકારી છે. તેઓ કહે છે કે, ‘હું કોઈપણ પ્રકારની હીરોવર્શિપ (નાયકપૂજા)માં વિશ્વાસ રાખતો નથી, વ્યક્તિઓની પૂજા કરશો નહીં.’ ‘વ્યક્તિપૂજા નહિ, તત્વપૂજા’માં શ્રદ્ધા ધરાવનાર ડૉ. આંબેડકરજી સમાજને એક પરમ તત્વ માને છે. તેથી જ તેઓ પોતાનો જન્મદિવસ ઉજવનારા લોકોને ના પાડે છે કે, ‘તમે લોકો મારો જન્મદિવસ ઉજવવા કેમ આવો છો? ચાલ્યા જાવ અહીંથી.’ આંબેડકરજી પોતાના તે મિત્રોને કહે છે કે, ‘તમે પાછલા પંદર વર્ષોથી મારો જન્મ દિવસ ઉજવી રહ્યા છો, પરંતુ હું ક્યારેય તેમાં સામેલ થયો નથી. મેં હંમેશા આનો વિરોધ જ કર્યો છે. આપ લોકોએ મારા જન્મદિવસની સુવર્ણજયંતી ઊજવી છે. હવે આવો કોઈ ઉત્સવ ઊજવવાની જરૂર નથી.’ પોતાના માટે પ્રતિષ્ઠા માંગનારા, પ્રતિષ્ઠા ઇચ્છનારા એવા વ્યક્તિ તે નહોતા.
સામાજિક લોકતંત્રનો અર્થ એ છે કે, રાષ્ટ્રનો વિકાસ દરેક વ્યક્તિના વિકાસ સાથે જોડાયેલો હોય. બાબાસાહેબની દૃષ્ટિએ રાષ્ટ્રના વિકાસ માટે સામાજિક લોકતંત્ર અનિવાર્ય છે. તેઓ માનતા કે, ‘જેવા બીજા તેવો જ હું. જેવા આપણે તેવા જ બીજા, આ વિચારથી બીજાઓ સાથે સમરસ થઈ જાઓ.’ આ વિચારણાને ખુલ્લા હૃદયથી અપનાવવી પડશે, આ ભગવાન બુદ્ધનો ઉપદેશ છે.’ (ભગવાન બુદ્ધ અને તેમનો ધમ્મ, પૃ. ૨૩૬)
 
બાબાસાહેબે પોતાનાં મહાન કાર્યોથી ભારતવર્ષને બળવાન કર્યું છે. સામાજિક ન્યાયનું એક બિંદુ હોય છે- સહભાગિતાની ભાવના. બાબાસાહેબે વૈચારિક પરિવર્તનના માધ્યમથી, આંદોલનના માધ્યમથી, સંવિધાનના માધ્યમથી આ સહભાગિતાની ભાવના પર ખૂબ ભાર મૂક્યો છે. સામાજિક ન્યાય હેઠળ તેઓ સંપૂર્ણ રાષ્ટ્રને બળશાળી રાષ્ટ્રના રૂપમાં જોવા માંગતા હતા અને સામાજિક ન્યાય ત્યારે જ પૂર્ણ રીતે શક્ય અને સાકાર બને જ્યારે ભારતનું લોકતંત્ર લોકશાહીના મજબૂત પાયા ઉપર ઉભેલું હોય.
 
કમ્યુનિસ્ટ વિચારધારા સ્વયં સમાજની શોષક છે
 
સામાજિક લોકતંત્રની સ્થાપના માટે શોષણમુક્ત સમાજ હોવો અનિવાર્ય છે. બાબાસાહેબ આ બાબતે સામ્યવાદી વિચારધારાના પ્રખર વિરોધી હતા, કારણ કે તેઓ માનતા હતા કે, સામ્યવાદીઓ મજૂરકલ્યાણના નામે માત્ર પોતાનો રાજકીય સ્વાર્થ સાધે છે. તેઓ સામાજિક લોકતંત્રની સ્થાપના માટે શોષણને કટ્ટર દુશ્મન સમજતા હતા. તેઓ કહેતા કે, ‘મેં કોઈપણ શ્રમિક નેતાને આ સામાજિક ભેદભાવના વિરોધમાં બોલતા જોયા નથી.’ કમ્યુનિસ્ટો દ્વારા ચલાવવામાં આવેલા મજૂર આંદોલન વિશે તેમણે કહ્યું, ‘મારો કમ્યુનિસ્ટો સાથે સંબંધ રાખવો બિલકુલ શક્ય નથી. હું કમ્યુનિસ્ટોનો કટ્ટર દુશ્મન છું.’ તેમનો મક્કમ મત હતો કે, કમ્યુનિસ્ટ રાજકીય ધ્યેયસિદ્ધિ માટે મજૂરોનું શોષણ કરે છે. આમ, કમ્યુનિસ્ટ વિચારધારા ભલે સમાજની વાતો કરે પણ આ વિચારધારા અંતર્ગત દેશમાં સામાજિક લોકતંત્ર શક્ય નથી. કારણ કે, તે સ્વયં સમાજની શોષક છે. માટે આ વિચારધારાને દેશમાંથી ફગાવી દેવી જ હિતાવહ.
 
ભારતમાં સામાજિક ક્રાંતિની આ મશાલ માત્ર આંબેડકરજી સુધી મર્યાદિત નહોતી, પરંતુ તે સમયના અન્ય રાષ્ટ્રભક્તોએ પણ તેને ટેકો આપ્યો હતો. વીર વિનાયક સાવરકરજીએ ડૉ. આંબેડકરજીના દરેક આંદોલનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ‘મારા કાર્યની પ્રેરણા માત્ર તાત્કાલિક રાષ્ટ્રહિત નથી, તે ભારતની મૂળગામી સામાજિક ક્રાંતિ સાથે જોડાયેલી છે. આ વ્યક્તિ-વ્યક્તિના સંબંધોની સ્વતંત્રતા, સમતા અને બંધુભાવ આ તત્ત્વોને દૃઢ કરનારી છે. અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય સામાજિક ક્રાંતિનું પહેલું પગલું છે.’
 
વિદેશી લેખકોએ ભારતીય સમાજની અંતર્નિહિત એકતાને તોડવા માટે જે ‘આર્ય જાતિ’ જેવા વિભાજનકારી સિદ્ધાંતો ફેલાવ્યા હતા, તેને બાબાસાહેબે તથ્યો સાથે ફગાવી દીધા હતા. પશ્ચિમ દ્વારા સંશોધનના નામે ફેલાવાયેલા, દેશની સામાજિક એકતાને ચૂર-ચૂર કરવા માટેના ભ્રામક વિમર્શોનો તેઓએ છેદ ઉડાડી દીધો હતો. ડૉ. આંબેડકર પોતાના વિશ્લેષણ પછી સ્પષ્ટ લખે છે કે, ‘કહેવાની જરૂર નથી કે પાશ્ચાત્ય લેખકોએ આર્ય પ્રજાતિનો જે સિદ્ધાંત આપ્યો છે તે દરેક રીતે ધરાશાયી થઈ ગયો છે. આ સિદ્ધાંત વૈજ્ઞાનિક અનુસંધાનનું વિકૃત રૂપ છે. આને તથ્યો પર આધારિત કરવામાં આવ્યો નથી. આનાથી વિપરીત આ સિદ્ધાંત પૂર્વકલ્પિત છે અને તથ્યોની પસંદગી તેને પ્રમાણિત કરવા માટે કરવામાં આવી છે.’ ટૂંકમાં આર્યો બહારથી આવ્યા હતા તે થિયરી સાવ ખોટી છે અને સમાજ માટે હાનિકારક છે. દેશમાં સામાજિક લોકતંત્ર સ્થાપિત કરવું હોય તો આર્યો બહારથી આવ્યા હતા જેવી ભ્રામક અને જૂઠી થિયરીઓને જડમૂળથી નકારવી જોઈએ.
 
સમાજને જોડનારાં ધર્મ અને સંસ્કૃતિ બાબતે પણ બાબાસાહેબનો દૃષ્ટિકોણ સુધારાવાદી હતો. તેમણે કહેલું કે, ‘જ્યારે જ્યારે ધર્મના આચારો તે ધર્મના વિચારોના વિરોધમાં દેખાય છે ત્યારે ત્યારે ધાર્મિક આચારોમાં ફેરફાર કરી તેને ધાર્મિક વિચારો સાથે સુસંગત કરી લેવા અત્યંત આવશ્યક હોય છે.’
 
રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ
 
આંબેડકરનું સમગ્ર જીવન રાષ્ટ્રનિર્માણને સમર્પિત હતું. વસ્તુતઃ તેમનો ફલક ઘણો મોટો હતો, ભૂમિકા ઐતિહાસિક હતી. જો એક શબ્દમાં તેમની ભૂમિકા આંકવામાં આવે તો તે હતી ‘રાષ્ટ્રનિર્માણ’. એક સભ્યતા જ્યારે રાષ્ટ્રના રૂપમાં રૂપાંતરિત થાય છે ત્યારે તેણે સામાજિક-સાંસ્કૃતિક હલચલમાંથી પસાર થવું પડે છે. ઇતિહાસ પોતાની સાથે માત્ર સ્વર્ણિમ અધ્યાય અને વિરાસત નહીં, અનેક વિપરીત તેમજ અફસોસજનક પરિસ્થિતિઓ પણ લઈને ઊભો હોય છે. બાબાસાહેબનો ‘રાષ્ટ્રનિર્માણ’નો સંકલ્પ સામાજિક લોકતંત્રની સ્થાપના થકી જ સાકાર થઈ શકે તેમ છે.
 
આ સામાજિક - સાંસ્કૃતિક ક્રાંતિના આગ્રહમાં
 
ડૉ. આંબેડકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારના વિચારોમાં ગજબની સમાનતા જોવા મળે છે. સ્વાભાવિક છે, આંબેડકરજીનો મૂળ આગ્રહ સામાજિક-સાંસ્કૃતિક ક્રાંતિનો હતો. અહીં જ તેમની સાર્થક સમાનતા ડૉ. હેડગેવારજી સાથે સ્થાપિત થાય છે. બંને જ દાર્શનિક સ્તર પર સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહમાં નિરંતર સુધારાના પક્ષધર હતા. બંને સામાજિક લોકતંત્ર સ્થપાય તેનાં આગ્રહી હતા અને તે માટે પ્રયત્નશીલ હતા. ડૉ. હેડગેવારજીએ જ્યારે ‘એક જન’ (વન પીપલ) કહ્યું તો તેનો અભિપ્રાય બુનિયાદી પ્રશ્નો પર સમાનતા અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણમાં સમાનધર્મિતા હોવાનો હતો. બંને જ અસ્પૃશ્યતાને વ્યાધિ (રોગ) માનતા હતા. આ જ કારણ છે કે, ડૉ. આંબેડકરજીના આખા જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે સહજ રીતે સન્માનનો ભાવ હતો અને આમાં તેઓ પરિવર્તનની સંભાવના જોતા હતા.
 
એક મંદિર, એક કૂવો, એક સ્મશાન
 
સામાજિક પરિવર્તન માટેનાં હોઈ; ડૉ. આંબેડકરજીના આંદોલનોમાં ક્યાંય ઘૃણા કે હિંસાને સ્થાન નહોતું. ૧૯૨૭નો મહાડ સત્યાગ્રહ, ૧૯૩૦નો કાલારામ મંદિરપ્રવેશનો સત્યાગ્રહ અને ત્યારબાદ પુણેનો પાર્વતી સત્યાગ્રહ આનાં ઉદાહરણો છે. ડૉ. આંબેડકરના રાજકીય દર્શનમાં પણ ઘૃણા અને હિંસાનું કોઈ સ્થાન નહોતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી હતી કે, ‘મોટી-મોટી રાજકીય ક્રાંતિને લોહીનું એક ટીપું વહાવ્યા વિના અંજામ આપી શકાય છે.’ તેઓ હિન્દુ સમાજના આંતરવિરોધો, વિરોધાભાસો અને વિપત્તિઓ સામે લડી રહ્યા હતા, ન કે હિન્દુ સમાજ, હિન્દુ અસ્મિતા તેમજ હિન્દુ સંસ્કૃતિ સામે. ટૂંકમાં તેઓ હિન્દુ સમાજને એક રાખી સામાજિક લોકતંત્રની મશાલ પ્રજ્વલિત કરવા માંગતા હતા.
 
સમાજની એકજૂથતા માટે પ્રતિગામી અને પ્રતિક્રિયાવાદી તત્ત્વોને હરાવીને એક સ્વસ્થ સામાજિક પર્યાવરણના નિર્માણના દાયિત્વનો નિર્વાહ તો હિન્દુ સમાજ પ્રત્યે સમર્પિત અને સબળ ખભો જ કરી શકે છે. એટલા માટે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ૨૦૧૫ની પ્રતિનિધિ સભાનો ઉદ્ઘોષ ‘એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન’ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂળ મંત્રોનું નવું અને પ્રભાવી અને વ્યાવહારિક પરિવર્તનત્રયીનું સંસ્કરણ છે, જે ઔપનિવેશિક કાળના મહાત્મા ગાંધી,
ડૉ. આંબેડકરજી અને ડૉ. હેડગેવારજીનાં સપનાંને પૂર્ણતા પ્રદાન કરવાની અસીમ સંભાવનાની અભિવ્યક્તિ છે. સામાજિક લોકતંત્ર તરફનું પગલું છે.
 
મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો તફાવત બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિકાસમાં રહેલો છે. ડૉ. બાબાસાહેબ માનતા હતા કે માત્ર ભૌતિક જરૂરિયાતો સંતોષવી તે જીવનનો ઉદ્દેશ્ય નથી. તેમની માનવ સંબંધી અવધારણા આ શબ્દોમાં વ્યક્ત થાય છે કે, ‘.. સત્ય છે કે મનુષ્ય બનાવટ અને કાર્યોમાં પશુઓની સમાન પોષણ, જનન, ઇત્યાદિમાં રુચિ લે છે, પરંતુ આ વિશિષ્ટ રીતે માનવીય કાર્યો નથી. મનુષ્યનું વિશિષ્ટ કાર્ય તર્ક છે, જેનો ઉદ્દેશ્ય, નિરીક્ષણ, ધ્યાન, જ્ઞાન, બ્રહ્માંડના સ્વરૂપનો અભ્યાસ અને શોધ, જીવનમાં સૌંદર્ય, વૃદ્ધિ અને આદિમ તત્વોનું નિયંત્રણ છે. પ્રાણીજગતમાં મનુષ્ય આ રીતે સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. જો આ સાચું હોય તો એ નિષ્કર્ષ નીકળે છે કે, જંગલી જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શારીરિક ભૂખનો સંતોષ છે, જ્યારે માનવીય અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય ત્યાં સુધી પ્રાપ્ત કરી શકાતું નથી, જ્યાં સુધી તે પોતાના મનુષ્યત્વનો પૂર્ણ વિકાસ ન કરી લે. સંક્ષેપમાં જે જંગલી અને મનુષ્યમાં અંતર કરે છે, તે સંસ્કૃતિ છે. જંગલી માટે સંસ્કૃતિ સંભવ નથી પરંતુ મનુષ્ય માટે આવશ્યક છે. અને આ સંસ્કૃતિ થકી જ સામાજિક લોકતંત્ર ઊભું થઈ શકે છે.
 
જે લોકોને એક રાખે છે તે ધર્મ છે
 
ધર્મ અને નૈતિકતા વિશેનો બાબાસાહેબનો વિચાર સમાજને ટકાવી રાખવાનો હતો. તેઓ કહેતા કે, જે લોકોને એક રાખે છે, તે ધર્મ છે. આ જ ધર્મની સાચી વ્યાખ્યા છે. આ મારી વ્યાખ્યા નથી. શ્રી તિલક, સનાતની હિન્દુઓના અગ્રણી નેતાએ પોતે આ વ્યાખ્યા આપી છે. તેથી કોઈ મારા પર ધર્મની ખોટી વ્યાખ્યા કરવાનો આરોપ લગાવી શકે નહીં. ભલે મેં આની વ્યાખ્યા નથી કરી, પરંતુ એવું નથી કે મેં ફક્ત તર્ક આપવા માટે તેને સ્વીકારી લીધી છે. હું તેનો સ્વીકાર કરું છું. ધર્મનો મતલબ છે સમાજની જાળવણી માટે બનાવવામાં આવેલા નિયમો. ધર્મ વિશે મારી પણ આવી જ સંકલ્પના છે. આ સંકલ્પનાના પાયામાં સામાજિક લોકતંત્ર તરફનો આદર હતો.
 
સામાજિક લોકતંત્ર એ જ સુરક્ષાનું કવચ છે
 
ડૉ. બાબાસાહેબ માનતા કે માનવસંબંધોને લોકશાહીના આધાર પર સ્થાપિત કરવા માટે માનવની નૈતિક મુક્તિ આવશ્યક છે. અને કોઈ ભગવાન નથી એટલા માટે નૈતિકતા જ જીવનનું વિધાન હોવું જોઈએ. આમ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના ઉદ્‌બોધનનો સાર એ છે કે, ભારત માત્ર રાજકીય રીતે સ્વતંત્ર ન રહે, પરંતુ સામાજિક રીતે પણ એક તાંતણે બંધાય. સામાજિક લોકતંત્ર જ એ કવચ છે જે આપણા બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરી શકે છે.
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.