ભારત અનન્ય ભાવે એક રાષ્ટ્ર, ‘કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહીં હમારી’ આ કુછ એટલે આપણી રાષ્ટ્રીયતા
બંધુત્વનો મતલબ છે, બધા ભારતીયો વચ્ચે એક સામાન્ય ભાઈચારાની ભાવના કે, ભારતીય લોકો એક છે. આ તે સિદ્ધાંત છે જે સામાજિક જીવનને એકતા અને એકજૂટતા આપે છે.
૨૪-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |
બંધારણ સમિતિ સમક્ષ ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના પોતાના ઉદ્બોધનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું કે બધા ભારતીયો વચ્ચે ભાઈચારો, બંધુત્વ ત્યારે જ એક તથ્ય (વાસ્તવિકતા) હોઈ શકે છે જ્યારે આપણે એક રાષ્ટ્ર હોઈએ અને બંધુત્વ વિના સમાનતા અને સ્વતંત્રતા પેઇન્ટ(રંગ)ના સ્તરો કરતાં વધુ ઊંડા નહીં હોય.
ડોક્ટર બાબાસાહેબે ચિંતા વ્યક્ત કરી કે, ભારતમાં જાતિભાવના પ્રબળ છે, જે રાષ્ટ્રના એકત્વમાં બાધારૂપ છે. બાબાસાહેબ જન-જનને જોડનાર રાષ્ટ્રીય ચેતનાના રાષ્ટ્રબોધના જાગરણની વાત કરે છે.
જે રાષ્ટ્રીયતાએ ભારતને વિશ્વમાં અમરતા અપાવી તેના વિસ્મરણના કારણે તે ક્ષીણ થવાના કારણે ભારત નબળું પડ્યું અને એક લાંબા કાલખંડ સુધી ગુલામીની જંજીરોમાં જકડાયેલું રહ્યું. ભારતની રાષ્ટ્રીયતાનો પ્રવાહ ભારતની રાષ્ટ્રની સંકલ્પના દુનિયાના દેશોની જેમ ડરામણી નહીં પણ વિશ્વકલ્યાણક છે.
દુનિયામાં રાષ્ટ્ર શબ્દ અંગેનો ડર
દુનિયામાં રાષ્ટ્ર શબ્દ અંગેનો ડર કેવો હશે તે ડોક્ટર બાબાસાહેબના આ ભાષણમાં અપાયેલ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. જેમ્સ બ્રાઈસ નામના લેખકે અમેરિકન કોમનવેલ્થ નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે, કેટલાંક વર્ષો પહેલા અમેરિકન પ્રોટેસ્ટંન્ટ એપીસ્કોપલ ચર્ચ પોતાની ત્રિવાર્ષિક કન્વેન્શનમાં પોતાની પ્રાર્થના પદ્ધતિને સંશોધિત કરવામાં વ્યસ્ત હતું. તે વખતે એ ઇચ્છનીય માનવામાં આવ્યું કે, નાની વાક્ય પ્રાર્થનાઓના સ્થાને સૌ લોકો માટે એક પ્રાર્થના શરૂ કરવામાં આવે અને એક પ્રખ્યાત ન્યુ ઇંગ્લેન્ડ ધર્મશાસ્ત્રીએ “હે પ્રભુ. અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો” શબ્દો પ્રસ્તાવિત કર્યા. એક બપોરે તર્ક પર સ્વીકાર્યા પછી બીજા દિવસે વાક્યને પુન:વિચાર માટે લાવવામાં આવ્યું. જ્યારે રાષ્ટ્રીય એકતાની ખૂબ નિશ્ચિત માન્યતાને આયાત કરવાના રૂપમાં રાષ્ટ્ર શબ્દને લઈને આમ લોકો દ્વારા એટલા બધા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા કે, તેને હટાવી દેવામાં આવ્યો, અને તેને બદલે “હે પ્રભુ, આ સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો” શબ્દો અપનાવવામાં આવ્યા.
અમેરિકનોનો રાષ્ટ્ર શબ્દ અંગેનો આ ડર પશ્ચિમની નેશનની કલ્પનાએ માનવજાતને આપેલ આધિપત્યનાં યુદ્ધો અને તાનાશાહી વ્યવસ્થાઓના અનુભવના કારણે હતો.
પશ્ચિમમાં નેશનનો આધાર રાજ્ય
પશ્ચિમમાં કોઈ સેના કોઈ ક્ષેત્રને જીતતી ત્યાંનું શાસન કોઈ એક રાજાના હાથમાં આવી જતું ત્યારે ત્યાં એક નેશન બની જતું. રાજા અને સેના નેશનના આધાર હતા અને તે જ બીજા નેશનને સમાપ્ત કરવાવાળા પણ. પશ્ચિમમાં આવી રીતે સેંકડો નેશન નિર્માણ થયાં અને નષ્ટ પણ થયાં. મિસ્ર (ઇજિપ્ત) કોઈ સમયે પિરામિડો બનાવનાર અને મૃતદેહોને “મમી” તરીકે સાચવનાર ફરાહોનો દેશ હતો. પરંતુ એક સમયે જર્મન ક્ષેત્રમાંથી આવેલી બર્બર સેમેટીક જાતિઓએ ત્યાં કબજો કરી લીધો અને એ પ્રાચીન મિસ્ર નાશ પામ્યું. બીજા એક સમયે ફારસ (પર્શિયા)ના લોકોએ તેના પર પોતાનો અધિકાર કરી લીધો અને સેમેટીક જાતિઓનું એ મિસ્ર નાશ પામ્યું. આગળ જતાં રોમથી આવેલ સિકંદરની સેનાએ આ પર્શિયન મિસ્રને નષ્ટ કર્યું અને ત્યાં રોમન સામ્રાજ્ય સ્થાપિત કર્યું. કાલાંતરમાં આરબ આક્રમણકારીઓએ પોતાનો અધિકાર જમાવી મિસ્ર (ઇજિપ્ત)નું ઇસ્લામીકરણ કરી નાખ્યું અને મિસ્ર ચોથી વાર નષ્ટ થયું. ફરાહોનું મિસ્ર ક્યારેય પુનર્જીવિત ન થઈ શક્યું. દરેક આક્રમણમાં ઇજિપ્તની રાષ્ટ્રીયતા બદલાતી ગઈ. એક નેશન નાશ પામ્યું અને એક નવું નેશન અસ્તિત્વમાં આવ્યું.
પશ્ચિમમાં નેશનનો આધાર રિલિજન
પશ્ચિમમાં નેશન એટલે એક રિલિજનને મહત્વ આપનાર વ્યવસ્થા. અહીં રીલીજન એટલે સંપ્રદાય એવું ભાષાંતર ઠીક નહીં રહે, કારણ કે ભારતની સંપ્રદાયની કલ્પના આધ્યાત્મિક અને મનુષ્યમાં દેવત્વ નિર્માણ કરનારી છે. જ્યારે પશ્ચિમના સેમેટીક રિલિજન ઘોર અનુદાર અને અસહિષ્ણુ છે. તે પોતાના મતને અનુસરનારા અનુયાયીઓના જ કલ્યાણની વાત કરે છે અને અન્ય મત માટે શત્રુતાનો વ્યવહાર કરે છે. પશ્ચિમમાં જિસસ ઈસુને માનવાવાળાના એક સામ્રાજ્યની કલ્પના કરવામાં આવી.ઈસાઈ મતના ધર્મગુરુ પોપ શાસનના પણ પ્રમુખ બન્યા. પોપે રાજસત્તાનો ઉપયોગ કરી ઈસાયતના પ્રસાર માટે માનવજાત પર ભીષણતમ અત્યાચાર કર્યા. આખરે ઈસાઈ મતાવલંબી દેશો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટના નામે વહેંચાઈ ગયા. ખ્રિસ્તી રિલિજન તેમને એક ન રાખી શક્યો.
સાતમી સદીમાં ઉદિત થયેલ ઇસ્લામે આખી દુનિયામાં ઇસ્લામનું રાજ્ય સ્થાપિત કરવાના ઉદ્દેશથી ક્રૂરતા અને અત્યાચારોનો નવો ઇતિહાસ રચ્યો. અનેક દેશોને ખતમ કર્યા. પણ એ પણ બધા મુસલમાનોનો એક દેશ નિર્માણ ન કરી શક્યો અને દુનિયામાં અનેક ઇસ્લામિક દેશો અસ્તિત્વમાં આવ્યા.
પશ્ચિમના નેશનનો આધાર ભાષા
આગળ જતાં યુરોપમાં ભાષાવાર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ભાષાને લઈને એકબીજા માટે ભારે અસહિષ્ણુતા ત્યાં છે. સ્પેન અને પોર્ટુગલ બંને ઈસાઈ દેશ છે, પરંતુ સ્પેનીશ અને પુર્તુગલી ભાષાને લઈને એટલી અસહિષ્ણુતા છે કે, તેમનું સહઅસ્તિત્વ શક્ય ન બન્યું અને તે બે અલગ દેશ થઈ ગયા. જર્મની, ફ્રાંસ, ઈટલી રોમાનિયા, હંગેરી, બલ્ગેરિયા, સ્વિઝરલેન્ડ, ડેન્માર્ક, ચેક અને સ્લોવાકિયા આ બધા ઈસાઈ મતાવલંબી દેશો ભાષાના કારણે અલગ અસ્તિત્વ ધરાવે છે.
આમ પશ્ચિમમાં નેશનનો આધાર રાજ્ય હોય, રિલિજન હોય કે ભાષા, આ દરેકે માનવજાતને રક્તપાત, અસહિષ્ણુતા અને પરસ્પર શત્રુતા જ આપ્યાં. પશ્ચિમની નેશનની આ કલ્પનાની સામે ભારતની રાષ્ટ્રની સંકલ્પના આસેતુ હિમાચલ એકત્વ આત્મીયતા અને પરસ્પર સન્માન નિર્માણ કરનારી છે
ભારતની રાષ્ટ્રનિર્માણની આધારશિલા
દુનિયાના નેશનના નિર્માણના આધાર અને ભારતના રાષ્ટ્રનિર્માણની આધારશિલા સાવ નોખી જ છે. અથર્વવેદમાં ઋષિઓએ બહુ જ સુંદર રીતે કહ્યું -
સંપૂર્ણ સૃષ્ટિને ઈશ્વરનું જ રૂપ માનવાનો દૃષ્ટિકોણ, પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના, આ ભૂમિ અને પૃથ્વી સાથેનો પુત્રનો નાતો અને દુનિયાભરના વિવિધ વિચારો અને ઉપાસના પદ્ધતિઓના સન્માનની ભાવના ભારતના રાષ્ટ્રત્વનો આધાર છે.
વિવિધતામાં એકત્વનું દર્શન
આ ભાવનાઓ અને એને અનુરૂપ વ્યવહારે ખાન-પાન, ભાષા–ભૂષા, મત-પંથ કે પૂજા-અર્ચનાના અનેક ભેદો વિવિધતામાં પણ એક જ રાષ્ટ્રીયતાને પ્રવાહિત કરી. દુનિયા જ્યારે આ વિવિધતામાં ભારત શોધવા મથે છે ત્યારે અજ્ઞાનવશ અથવા સ્વાર્થવશ ભારતને નિર્બળ કરવાના પ્રયાસમાં ભારત એક રાષ્ટ્ર છે જ નહીં, એ તો અનેક રાષ્ટ્રોનો સમૂહ છે તેવો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે.
ભારતની રાષ્ટ્રીયતા અંગે ભ્રમનિર્માણના પ્રયાસ હોય કે આક્રાંતાઓ દ્વારા થયેલ અમાનુષી અત્યાચાર, ભારતીય તત્ત્વને જનજીવનમાં જીવિત રાખનાર હિન્દુ ધર્મને કે હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરી શક્યા નથી. આક્રાન્તાઓએ ધર્મના પ્રતીક મંદિરોને ધ્વસ્ત કર્યાં, પણ મંદિરોમાં આપણી આસ્થાને તોડી શક્યા નહીં. એટલે જ સોમનાથ હોય કે રામ જન્મભૂમિ મંદિર ફરી ખંડેરોમાંથી ભવ્યાતિભવ્ય રૂપ ધારણ કરી પુન: નિર્મિત થયાં. ધર્મ, વ્યક્તિનું કર્તવ્ય અને સંસ્કૃતિ, સામાન્ય સમાજનું આચરણ ભારતની અમરતાનાં મૂળ તત્ત્વ છે. હિન્દુ સંસ્કૃતિએ માનવજીવનનાં શ્રેષ્ઠ મૂલ્યો જીવનવ્યવહાર દુનિયામાં પ્રગટ કર્યા છે.
मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत् ।
आत्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पण्डितः ।।
પરસ્ત્રીને માતા સમાન, પરદ્રવ્યને માટી સમાન અને બધા પ્રાણીમાત્રને આત્મવત્ જોવાં એ જ વાસ્તવિક જોવું છે. ભારતની આ દૃષ્ટિ છે. ડોક્ટર એ. પી. જે. અબ્દુલ કલામે કહ્યું હતું, ગત હજાર વર્ષમાં ભારતે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું, કોઈને ગુલામ નથી બનાવ્યા અને કોઈ પર અત્યાચાર નથી કર્યા. દુનિયામાં આવો કોઈ એક દેશ હોય તો તે ભારત જ છે.
ભારતની વૈશ્વિક ભૂમિકા
ભારત તેના રાષ્ટ્રબોધના જાગરણ દ્વારા વૈશ્વિક ભૂમિકા નિભાવે એ વર્તમાન સમયની આવશ્યકતા છે. વિવેકાનંદ કહે છે કે, ભારત અધ્યાત્મ જ્ઞાનનો દેશ છે. દુનિયાનો કોઈ સમૂહ અધ્યાત્મ જ્ઞાન વગર સુખી ન થઈ શકે અને દુનિયાને એ જ્ઞાન આપવાની તાકાત માત્ર ભારત પાસે છે. યોગી અરવિંદ કહે છે કે, India alone can lead the world to peace and new world order. ભારતના સંકટકાળમાં ગુલામીની અવસ્થામાં ભારતના સંતો, વીરો, સમાજસુધારકો, સ્વાતંત્રસેનાનીઓએ ભારતની રાષ્ટ્રીયતાને પોતાના તપ, બલિદાન, ત્યાગ અને પરિશ્રમથી સિંચિત કરી અક્ષુણ્ણ રાખી છે. દુનિયાને ચકિત કરનાર આ कुछ बात है कि हसती मिटती नहीं અમારી અને મીટનેવાલે મીટ જાય એવી આપણી રાષ્ટ્રીયતા અને સાધના જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ભારતના ભવિષ્ય અંગેની ચિંતાને દૂર કરી શકશે.