સ્વતંત્રતા-સમાનતા-બંધુતા- આ ત્રિશબ્દમાં સમાયો છે ભારતીય આત્મા
જીવનની એક એવી રીતથી જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ (fraternity)ને જીવનના સિદ્ધાંતો તરીકે ઓળખે છે.
૨૪-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |
રાષ્ટ્રના મહાનાયક અને બંધારણ નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં ત્રણ પ્રવચન કર્યાં છે. પહેલું એમનું પ્રવચન ૧૭ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે, બીજું પ્રવચન ૪ નવેમ્બર, ૧૯૪૮ અને ત્રીજું પ્રવચન ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ કર્યું. પહેલા પ્રવચન વખતે તેઓ બંધારણ સમિતિના માત્ર સભ્ય હતા. મુસદ્દા સમિતિની હજુ રચના થઈ નહોતી. પહેલા પ્રવચનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અખંડ ભારતનું સપનું જોવે છે. ૪ નવેમ્બરે બંધારણનો ડ્રાફ્ટ રજૂ કરતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર બીજું પ્રવચન કરે છે, એ પણ અદ્ભુત- પ્રેરક છે. એમાં તેઓ લોકશાહીની ભૂમિકા અને બંધારણની વિશેષતાઓ વર્ણવે છે.
પરંતુ બંધારણ સભામાં ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ડૉ. બાબાસાહેબનું પ્રવચન થયું. બંધારણ સભામાં એમનું એ અંતિમ પ્રવચન હતું. ડૉ. બાબાસાહેબનું એ પ્રવચન ૫૫ મિનિટનું છે. એમનાં બધાં પ્રવચનોમાં એ સર્વશ્રેષ્ઠ છે. એ પ્રવચનની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રવચનો સાથે થઈ શકે!
એ પ્રવચનમાં રાષ્ટ્રની અસ્મિતાનો જીવંત સ્વર છે. આવું પ્રવચન કરવું સરળ નથી. એ પ્રવચનમાં એમણે કહેલા શબ્દો માટે હૃદયમાં ભારતભક્તિ અને રાષ્ટ્રહિત સર્વોપરી હોય એ જરૂરી છે. દેશનો ઇતિહાસ, સમાજ, દેશની સમસ્યા એ બધા સાથે એકરૂપ થવું પડે છે. હું અને દેશ અલગ છીએ એવી ભાવના હોય એ ન ચાલે. એ વખતે રાષ્ટ્રનેતા જે બોલે છે એ એના વ્યક્તિગત બોલ નથી હોતા, તો સંપૂર્ણ રાષ્ટ્ર એના મુખેથી બોલતું હોય છે. એટલે એના બોલ તાત્કાલિક રહેતા નથી, એના બોલ શાશ્વત સિદ્ધ થાય છે. ડૉ. આંબેડકરે જે સમયે આ પ્રવચન કર્યું એ સમયે એ જેટલું તાજું હતું એટલું જ ૭૫ વર્ષ પછી પણ તરોતાજા છે અને શતાબ્દીઓ સુધી એ પ્રવચન જીવંત રહેવાનું છે. એ ઐતિહાસિક પ્રવચનના મુદ્દાઓ અન્ય લેખોમાં આપ વાંચી શકશો. આ લેખમાં આપણે ડૉ. આંબેડકરે એમના ઐતિહાસિક પ્રવચનના અંતમાં ત્રણ શબ્દો - સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો ઉલ્લેખ કર્યો હતો એની ચર્ચા કરીશું. એ ત્રણ શબ્દો માત્ર શબ્દો નથી, પરંતુ રાષ્ટ્ર અને સમાજનો આત્મા ગણાય એવા એ ત્રણ મંત્રો છે.
સૌ પહેલાં ડૉ. આંબેડકરના એ પ્રવચનના કેટલાક અંશ વાંચીએ - ‘આપણે આપણા રાજકીય લોકતંત્રને એક સામાજિક લોકતંત્ર પણ બનાવવું જોઈએ. રાજકીય લોકતંત્ર ત્યાં સુધી ન ચાલી શકે જ્યાં સુધી તેના આધાર પર સામાજિક લોકતંત્ર ન હોય. સામાજિક લોકતંત્રનો શું મતલબ છે? તેનો મતલબ છે જીવનની એક એવી રીતથી જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ (fraternity) ને જીવનના સિદ્ધાંતો તરીકે ઓળખે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આ સિદ્ધાંતોને ત્રિમૂર્તિનાં અલગ-અલગ પદો તરીકે ન માનવા જોઈએ. આ ત્રિમૂર્તિ ત્રણેયના એકત્વથી બનેલી છે, આ અર્થમાં કે, એકને બીજાથી અલગ કરવું એ લોકતંત્રના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવવા સમાન છે. સ્વતંત્રતાને સમાનતાથી અલગ ન કરી શકાય, સમાનતાને સ્વતંત્રતાથી અલગ ન કરી શકાય. અને ન તો સ્વતંત્રતા અને સમાનતાને બંધુત્વથી અલગ કરી શકાય છે. સમાનતા વિના, સ્વતંત્રતા કેટલાક લોકોની ઘણા લોકો પર સર્વોચ્ચતા પેદા કરશે. (સ્વતંત્રતા વિના સમાનતા વ્યક્તિગત પહેલને મારી નાખશે.) બંધુત્વ વિના, સ્વતંત્રતા અને સમાનતા વસ્તુઓનો એક સ્વાભાવિક ક્રમ ન બની શકે.’
‘બીજી ચીજ જેની આપણામાં ઊણપ છે, તે છે બંધુત્વના સિદ્ધાંતની માન્યતા. બંધુત્વનો શું મતલબ છે? બંધુત્વનો મતલબ છે, બધા ભારતીયો વચ્ચે એક સામાન્ય ભાઈચારાની ભાવના કે, ભારતીય લોકો એક છે. આ તે સિદ્ધાંત છે જે સામાજિક જીવનને એકતા અને એકજૂટતા આપે છે.’
‘ભારતમાં જાતિઓ છે. જાતિઓ રાષ્ટ્ર-વિરોધી છે, પ્રથમ ક્રમે, કારણ કે તે સામાજિક જીવનમાં અલગતા લાવે છે. તે રાષ્ટ્રવિરોધી એટલા માટે પણ છે, કારણ કે તે જાતિ અને જાતિ વચ્ચે ઈર્ષ્યા અને antipathy (વિરોધની ભાવના) ઉત્પન્ન કરે છે. પરંતુ જો આપણે વાસ્તવમાં એક રાષ્ટ્ર બનવા માંગીએ છીએ તો આપણે આ બધી મુશ્કેલીઓને દૂર કરવી પડશે, કારણ કે બંધુત્વ ત્યારે જ એક તથ્ય હોઈ શકે છે જ્યારે એક રાષ્ટ્ર હોય. બંધુત્વ વિના સમાનતા અને સ્વતંત્રતા પેઇન્ટના સ્તરો કરતાં વધુ ઊંડા નહીં હોય.’ (તે માત્ર ઉપરછલ્લું આવરણ જ હશે.)
ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ ત્રણ શબ્દો એમણે આપણી મહાન ભારતીય પરંપરામાંથી લીધા છે. તેમણે ૩ ઓક્ટોબર, ૧૯૫૪ના રોજ આકાશવાણી પર આપેલા પ્રવચનમાં આ ત્રણ શબ્દો ક્યાંથી લીધા તેની વાત કરી છે. ડૉ. આંબેડકર કહે છે:
દરેક વ્યક્તિને પોતાના જીવનવિષયક તત્ત્વજ્ઞાન (ધ્યેય) અવશ્ય હોવું જોઈએ તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. મારા જીવનવિષયક તત્ત્વજ્ઞાનને ત્રણ શબ્દોમાં સમાવી દીધું છે તે છે - સ્વાતંત્ર્ય, સમતા અને બંધુતા. તે મેં ફ્રેન્ચક્રાંતિ (૧૭૮૯)માંથી લીધા છે તેવું કોઈએ માનવું નહીં. તેવું મેં કર્યું નથી તે સ્પષ્ટ રીતે કહું છું. મારા તત્ત્વજ્ઞાનનું મૂળ રાજકારણ નહીં, પરંતુ ધર્મ છે. તે મારા ગુરુ તથાગત બુદ્ધના તત્ત્વજ્ઞાનમાંથી મેં સ્વીકાર્યું છે.
આ તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા અને સમતાને સ્થાન છે તે હું આગ્રહપૂર્વક કહું છું, પરંતુ તેની સાથે સાથે અમર્યાદ સ્વતંત્રતા સમતા માટે મારક બને. મારા તત્ત્વજ્ઞાનમાં સ્વાતંત્ર્ય કરતાં સમતાનું સ્થાન સવિશેષ છે તેમ છતાં તેમાં અમર્યાદ સમતા આવતાં સ્વતંત્રતા માટે જગ્યા રહેશે નહીં. તેનો પણ ખ્યાલ રાખવો પડશે.
હું ‘બંધુતાને સર્વોચ્ચ સ્થાન આપવા માગું છું, કારણ કે સ્વતંત્રતા-સમતાનો ઇનકાર થાય તેવા પ્રસંગે બંધુતા (ભ્રાતૃભાવ) ખરેખર સાચો સંરક્ષક બને છે. સહભાવ એ બંધુતાનું બીજું નામ છે અને બંધુભાવ અને માનવતા ધર્મનું બીજું નામ છે. સહભાવ કે બંધુતા અથવા ધર્મ તે પવિત્ર હોવાથી તેનું સન્માન કરવું તે પ્રત્યેકનું કર્તવ્ય છે.’
તેમણે જાતિ-વ્યવસ્થાની આકરી ટીકા કરતાં કહ્યું કે, જાતિ માત્ર સામાજિક અસમાનતાનું પ્રતીક નથી પણ ‘રાષ્ટ્ર માટે પણ સંહારક છે.’ રાષ્ટ્રના પતનનું કારણ, હિંદુ સમાજની અસંગઠિત અવસ્થાનું કારણ, સામાજિક વિષમતાનું કારણ ચાતુર્વર્ણ-વ્યવસ્થા જવાબદાર છે એવું ડૉ. બાબાસાહેબ આંબેડકર માને છે.
ડૉ. બાબાસાહેબ એકવર્ણીય-સમરસ-સમતામય-ભ્રાતૃત્વથી એકરૂપ હિન્દુ સમાજનું સપનું જોતા હતા. એમના સમગ્ર સંઘર્ષનો આધાર ભેદભાવ વગરનો હિન્દુ સમાજ હોય એમાં રહેલો છે.
તેઓ સ્પષ્ટપણે કહે છે કે, સમાજમાં કોઈપણ વ્યક્તિ તેમના અધિકારોથી વંચિત રહે છે તો લોકશાહી અધૂરી છે અને સ્વતંત્રતા ફક્ત એક ભ્રમ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ‘ધ એનાઇહિલેશન ઓફ કાસ્ટ’ (૧૯૩૬) પુસ્તકમાં, જાતિવ્યવસ્થાની કઠોર ટીકા કરી, તેને સામાજિક બંધુત્વ અને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જાતિવ્યવસ્થા હિન્દુ ધર્મનો એક ભાગ નથી, પરંતુ તે એક માનસિકતા બની ગઈ છે જે સમાજમાં ભેદભાવને ઉત્તેજન આપે છે.
ડૉ. આંબેડકરનો સામાજિક વિચાર બૌદ્ધિક વિશ્લેષણ, નૈતિક અંતરાત્મા અને માનવીય કરુણાનો સમન્વય હતો. તેઓ સમાજને ફક્ત વર્ગો કે જાતિઓનો સમૂહ માનતા નહોતા, પરંતુ તેમાં રહેલા માનવસંબંધો, અધિકારો અને ફરજોને કેન્દ્રિય સ્થાન આપતા હતા. તેમના વિચારમાં, ધર્મ, રાજકારણ, સમાજ અને અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલાં તત્વો હતાં, તેને તેઓ અલગથી જોઈ શકતા નહોતા.
ડૉ. આંબેડકરે એ પણ ભાર મૂક્યો હતો કે સમાનતા ફક્ત કાયદાનાં પુસ્તકોમાં જ નહીં, પરંતુ સામાજિક વર્તન, સંસ્થાઓ અને રોજિંદા જીવનમાં પણ પ્રતિબિંબિત થવી જોઈએ. એમણે કહ્યું છે કે સમાજમાં બધું કાયદા દ્વારા નહીં થાય, તેના માટે પ્રેમ આત્મીયતા જોઈએ. ડૉ. આંબેડકર ન્યાય-સ્વતંત્રતા-સમતા-બંધુતાને ભારતીય લોકશાહીનો આત્મા માનતા હતા.
પાશ્ચાત્ય દેશોમાં રાજાની અનિયંત્રિત સત્તાના વિરોધમાં વિદ્રોહ તરીકે લોકશાહીનો ઉદય થયો. ત્યાંની લોકશાહી મુખ્યત્વે રાજકીય લોકશાહી છે. બાબાસાહેબ આવી રાજકીય લોકશાહીથી સંતુષ્ટ નથી. તેઓ કહે છે, “રાજકીય લોકશાહીના મૂળમાં સામાજિક લોકશાહીનો આધાર ન હોય તો એ લાંબો સમય ટકી શકે નહીં. સામાજિક લોકશાહી એક જીવનમાર્ગ છે. જે સ્વતંત્રતા, સમતા અને બંધુતાને જીવનતત્ત્વો તરીકે માન્યતા આપે છે.” આપણા સમાજમાં સામાજિક વિષમતા છે અને સમતા વિનાનું સ્વાતંત્ર્ય એટલે થોડા લોકોનું બહુમતી પરનું પ્રભુત્વ રહે છે. સ્વાતંત્ર્ય અને સમતાનો અનુભવ પ્રાપ્ત થવા માટે બંધુતા જોઈએ. એના વગર સ્વાતંત્ર્ય અને સમતા ટકશે નહીં, એમ કહેવાનું પણ બાબાસાહેબ ભૂલતા નથી.
ડૉ. ભીમરાવ આંબેડકરના મતે, ન્યાય એ ફક્ત એક કાનૂની અથવા કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ એક વ્યાપક સામાજિક, આર્થિક અને નૈતિક આદર્શ છે, જે વ્યક્તિગત આત્મસન્માન, સમાનતા અને સ્વતંત્રતાનું રક્ષણ કરે છે.
આંબેડકરનું ન્યાયનું દર્શન ફક્ત કાનૂની ગ્રંથો સુધી મર્યાદિત નહોતું; તે સામાજિક વાસ્તવિકતા પર આધારિત હતું.
ડૉ. ભીમરાવ આંબેડકરના સમગ્ર વિચાર અને કાર્યમાં સમાનતા કેન્દ્રસ્થાને હતી, જેને તેઓ માત્ર બંધારણીય કે કાનૂની સિદ્ધાંત જ નહીં પરંતુ સામાજિક પુનર્નિર્માણનો પાયો માનતા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ લોકશાહીની સફળતા અધૂરી માનવામાં આવશે જ્યાં સુધી સમાજના દરેક વ્યક્તિને સમાન અધિકારો, તકો, ગૌરવ અને સંસાધનોની પહોંચ સુનિશ્ચિત ન કરવામાં આવે.
તેમણે સમતાને માનવગૌરવ, આત્મસન્માન અને આત્મસન્માન સાથે પણ જોડ્યું હતું. તેમના વિચારો સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી સમાજના છેલ્લા વ્યક્તિને પણ ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક ન મળે ત્યાં સુધી રાષ્ટ્રની પ્રગતિ અધૂરી છે. એક અર્થમાં ડૉ. આંબેડકર અંત્યોદયની વાત કરે છે. સમાજના સૌથી છેવાડે રહેલા માણસને પણ સમતા અને બંધુત્વની અનુભૂતિ થવી જોઈએ.
સમાનતા અને બંધુતા આધારિત તેમનું વિઝન આજે પણ ભારતને મજબૂત બનાવવા માટે પ્રેરણાદાયક છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર માને છે કે, દરેક પ્રકારની વિવિધતા ધરાવતા આપણા દેશને શક્તિનો ઉપયોગ કરીને એક રાખી શકાય નહીં. એ માટે બધાંને એક સમાન સૂત્રમાં બાંધી રાખે, સંગઠિત રાખી શકે તેવું તત્ત્વ જોઇએ. એકતામાં જોડી રાખનારું રસાયણ જોઇએ. તો એ સમાન સૂત્રો કયાં? એ રસાયણ કયું હોઈ શકે? ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત બંધારણની પ્રસ્તાવનામાં દેશને એકતામાં બાંધી રાખનારાં સૂત્રો દર્શાવ્યાં છે. એમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચારની અભિવ્યક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા, ઉપાસના વગેરેનું સ્વાતંત્ર્ય, દરજ્જાની અને તકોની સમાનતા તથા રાષ્ટ્રની એકતા અને એકાત્મતાનું આશ્વાસન આપનારી બંધુતાનો સમાવેશ થાય છે. પંડિત નહેરુએ રજૂ કરેલ પ્રસ્તાવના ઠરાવમાં બંધુતાનો ઉલ્લેખ નહોતો. ડૉ. બાબાસાહેબે સભાનતાપૂર્વક-આગ્રહપૂર્વક બંધારણની પ્રસ્તાવનામાં ‘બંધુતા’ શબ્દ ઉમેરાવ્યો છે. વંશ એક હોવાથી, સંસ્કૃતિ એક હોવાથી, ભૂમિ એક હોવાથી જ રાષ્ટ્રનિર્માણ થાય છે એમ નથી. રાષ્ટ્રનો અર્થ જ એવો થાય છે કે દેશમાં રહેનારા બધા લોકો પરસ્પર ભાવનાત્મક રીતે ગાઢ સંબંધે જોડાએલા હોવા જોઈએ. બંધુતા એવી ભાવાત્મક એકતા નિર્માણ કરે છે. આ સૂત્રોને પ્રામાણિકતાપૂર્વક સૌ કોઇ પોતાના વ્યવહારમાં લાવે તો ભારતને મહાન થતાં વિશ્વની કોઈ તાકાત રોકી શકે નહીં એટલું સામર્થ્ય એ સૂત્રોમાં છે. બંધુતાને વ્યાપક અર્થમાં જોઈએ તો એમાં ‘સામાજિક સમરસતા’ની જ સુવાસ છે.